Friday, August 07, 2020

ભિક્ષુ અખંડાનંદનો મેળાપ - 3

 રાત પડી ચૂકેલી. આસો મહિનાની શરૂઆતનો સમય હતો. એટલે ઠંડક પણ ઠીક ઠીક હતી. રાતે વહેલા સૂઇને વહેલા ઉઠવાની મારી ટેવ હતી. એટલે સ્વામીજી મારે માટે સૂવાની સગવડ કરી આપવા આજ્ઞા કરે તેની રાહ જોતો હું તેમની પાસે ખુરશી પર બેઠો. પણ તેમને ઉંઘવા કે ઉંઘવા દેવાની ઇચ્છા હોય તેમ લાગ્યું નહિ. કેમ કે મારી વિચારમાળાને વચ્ચે જ તોડતાં તેમણે પૂછ્યું: 'તમને ભજન ગાતાં આવડે છે, ખરું ?'

મેં કહ્યું : 'બહુ સારું તો નહિ. પણ સાધારણ જેવું આવડે છે. બાકી ભજન ને ગીતો મને ઘણાં જ ગમે છે.'

તેમને ક્યાં સંગીતશાસ્ત્રી કે ગીતવિશારદની જરૂર હતી ? તેમના દિલમાં લાગેલી ભજનની ભૂખને તૃપ્ત કરવાની જ તેમની ઇચ્છા હતી. પછી તે સાધારણ રોટલાથી તૃપ્ત થાય કે પકવાનથી તેની ચિંતા તેમને ક્યાં હતી ? ભજનના મોટા પુસ્તકને મારા હાથમાં મૂકીને તેમણે કહ્યું : 'આમાંથી છૂટાછવાયાં થોડા ભજનો સંભળાવો.'

તેમની સૂચના અનુસાર મેં ભજન ગાવાની શરૂઆત કરી. એક ભજન પૂરું થાય એટલે બીજું ગવાય, ને બીજા પછી ત્રીજું, એમ ભજનનો ક્રમ ચાલ્યા જ કરે. વચ્ચે બંધ કરું કે અટકી જાઉં તો તે તરત બોલી ઉઠે કે 'કેમ અટકી ગયા ?' ને ભજન વળી શરૂ કરવું પડે. ભજન સાંભળતા સાંભળતા વચ્ચે તે આંખ બંધ કરી દે એટલે મને થાય કે હવે સૂઇ ગયા, માટે ગાવાનું બંધ કરું. પણ ગાવાનું બંધ થતાં તે તરત જાગી ઉઠે ને ભજન ગાવાની આજ્ઞા કરે. એમ કરતાં કેટલો બધો સમય વીતી ગયો ને કેટલા બધાં ભજનો ગવાઇ ગયા તેનો હિસાબ કોણ કરે ? પછી તો મને પણ કંટાળો આવવા માંડ્યો. વિચાર થયો કે હવે તો સૂવાની આજ્ઞા મળે તો સારું.

તેમણે પ્રેમપૂર્વક કહેવા માંડ્યું : 'સવારે તમારે મારી સાથે અમદાવાદ આવવાનું છે. અત્યારે બે વાગવા આવ્યા છે. ચાર વાગ્યે મેલ માટે તૈયાર થઇ જવાનું છે. હવે આરામ કરો.' અને મારે માટે જરૂરી વ્યવસ્થા કરવાની તેમણે એક સેવકને સૂચના કરી.

ઓરડાની બહાર ગેલેરીમાં મારે સૂવાનું હતું. સૂતાં સૂતાં મને વિચાર થયો કે આ સંન્યાસી પુરુષનો ભજનપ્રેમ કેટલો ભારે છે ? પણ જે મૂળ કામ માટે તેમણે મને બોલાવ્યો છે તેની વાત તો તે કરતાં જ નથી ! સુદામાને સ્નેહ કરનાર કૃષ્ણનું સ્વાગત જોઇને સુદામાને આનંદ થાય છે પણ તેથી તેની ભૂખ ભાંગતી નથી કે તેને શાંતિયે નથી મળતી. મારી ભૂખ પણ ભાંગશે કે નહિ એ પ્રશ્ન મારી સામે ઉભો થયો. તોપણ સ્વામીજીએ મને અમદાવાદ લઇ જવાની ઇચ્છા બતાવી તેથી મારા મનમાં ઉત્પન્ન થયેલી આશા બળવત્તર બની. મને વિશ્વાસ હતો કે ઇશ્વર દયાળુ છે ને તે જે કરશે તે મારા મંગલ માટે જ કરશે.

થોડા જ વખતમાં મને ઉંઘ આવી ગઇ.

સવારે ચાર વાગ્યે ઊઠીને મુંબઇથી આવતો મેલ પકડવા અમે સ્ટેશન પર આવી પહોંચ્યા. મેલ માટે વધારે રાહ જોવી પડી નહિ. ગાડી નિયમિત હતી. થોડીવારમાં જ અમે સેકન્ડ ક્લાસના ડબ્બામાં ગોઠવાઇ ગયા. આખા ડબ્બામાં અમારા બે વિના બીજું કોઇ જ ન હતું. વળી હજી બધે અંધારુ હતું. રાતના ઉજાગરાની અસર પણ તાજી હતી. એટલે મને થયું કે હવે નિરાંતે જરી આરામ કરી શકાશે. પરંતુ ગાડી ઉપડી કે તરત જ સ્વામીજીએ મારા હાથમાં ભજનની પેલી ચોપડી મૂકી ને મને ભજન ગાવાની સૂચના કરી.

તેમની સૂચના મને કવખતની લાગી તો પણ તેનો વિરોધ કરવાની મને ઇચ્છા ન થઇ. આખરે એ એક મહાપુરુષ હતા. તેથી તેમની સાથેના વ્યવહારમાં એક જાતની મર્યાદાનું પાલન જરૂરી હતું. મન માનતું ન હતું તો પણ તેમની સૂચનાનો અમલ કરવા માટે મેં ભજન ગાવાનું શરૂ કર્યું. વચ્ચે તેમને ઝોકાં આવતા તે દરમ્યાન હું ગાવાનું બંધ રાખતો પરંતુ તરત જ તે જાગ્રત થઇ જતા, ને ભજન આગળ ગાવાની સૂચના કરતા. નડીયાદથી અમદાવાદ વચ્ચેનું વધારે ભાગનું અંતર એ રીતે કપાઇ ગયું. બ્રાહ્મ મૂહૂર્તનો સમય પ્રભુસ્મરણ કે ભજનનો અનુકૂળ અને ઉત્તમ સમય કહી શકાય. પરંતુ ચાલતી ગાડીના ડબ્બાને તેને માટેનું યોગ્ય સ્થળ ભાગ્યે જ કહી શકાય. ગાડી ઝડપથી દોડતી હોય, ત્યારે કેટલો બધો ઘોર અવાજ ઉત્પન્ન થાય છે ! એ અવાજની સાથે કોઇ ઉસ્તાદ ગવૈયા કે ભારે સાદવાળા માણસનું ગળુ જ ટકી શકે, તે જ તેની સાથે હરિફાઇ કરી શકે. મારા જેવા સાધારણ સાદ વાળાનું તો ત્યાં ગજું જ શું ? ગાડીના ભયંકર અવાજમાં મારો સ્વર હું જ બરાબર ના સાંભળી શકું તો બીજાને તો તે સંભળાય ને સમજાય જ ક્યાંથી ? ને હદ ઉપરાંત સૂર કાઢીને ગળાને બેસાડી દેવાની કે ઘસી નાખવાની નિરર્થક હોડમાં પણ કોણ પડે ? છતાંપણ એક મહાપુરુષની ભાવનાને સંતોષવા મારાથી બનતો પ્રયાસ મેં કર્યા કર્યો. અખંડાનંદ કેવા ભારે ભજનપ્રેમી હતા ને સતત પ્રવૃતિમાં રહેવા છતાં તેમનું મન કેવું પ્રભુપરાયણ રહેતું તેના ખ્યાલ માટે આ નાનો સરખો પ્રસંગ પૂરતો છે. તેમના હૃદયને ઓળખવામાં આ પ્રસંગ મદદરૂપ થઇ પડશે.

માણસો વહેલી સવારે ભજનો બોલે છે, પ્રભાતિયાં ગાય છે, ધૂન બોલે છે ને બોલાવે છે. પણ મારા મનનું બંધારણ જરાક જુદું છે એટલે વહેલી સવારે મને મૂક રહેવાનું ને મનોમન પ્રભુસ્મરણ કે ધ્યાનાદિ કરવાનું ગમે છે. તે વખત શાંતિપૂર્વક પરમાત્માના ચિંતન મનનમાં વીતાવવાનું સારું લાગે છે. એટલે સુધી કે સવારે ચાર કે પાંચ વાગ્યે થતી સમૂહ પ્રાર્થના ને સમૂહ કીર્તનની પ્રવૃતિ મારા મનને આકર્ષી શકતી નથી. સમૂહમાં મળીને તેવી પ્રવૃતિ કરવાની જરૂર હોય તોપણ સવારે છેક સાતે વાગ્યા સુધી મને તેમાં ભાગ લેવાનું ગમતું નથી. ત્યાં સુધી અંતરંગ કે બહિરંગ જે પ્રકારનું કામ કરવાનું હોય તે કામ હું એકલો રહીને મારી મેળે જ કરવાનું વધારે પસંદ કરું છું. એનો અર્થ એવો નથી કે વહેલી સવારે ઉચ્ચ સ્વરે ભજન કીર્તન ને સમૂહ પ્રાર્થના કરવાની પદ્ધતિ ભૂલભરેલી છે. તેનો વિરોધ પણ હું નથી કરતો. કેટલાક માણસો એવા છે, જેમને તે વખતે તેવી જ પદ્ધતિ વધારે પસંદ પડે છે. તેમને તેમાં જ રસ પડે છે ને તેથી જ શાંતિ મળે છે. તે પદ્ધતિનો આધાર તે ખુશીથી લઇ શકે છે. આ આખોય વિષય મૂળ તો રુચિનો છે ને જુદા જુદા માણસોની રુચિ પણ જુદી જુદી હોવાની. પોતપોતાની રુચિ પ્રમાણે પ્રત્યેક માનવ પોતાની પદ્ધતિની પસંદગી કરવામાં સ્વતંત્ર છે. પદ્ધતિઓ અનેક હોવાની અને અનેક રહે તેમાં કશી હરકત પણ નથી. માણસ ગમે તે પદ્ધતિનો આધાર લે, તે દ્વારા તેણે મનને સંયમી, શાંત ને પ્રભુપરાયણ કરવાનું છે. સવારનો સમય દિવસભરનો સોનેરી સમય છે. તે સમય દરમ્યાન માણસે સદવિચાર ને સદભાવનામાં સ્નાન કરીને નિર્મળ થવાની કળા શીખવાની છે. તે સોનેરી સમય વ્યર્થ વહી જાય નહિ કે બરબાદ ના થાય તે જોવાનું છે. સ્વામીજીએ તે સમય દરમ્યાન મારી પાસે ભજન ગવડાવીને તે વાતની સત્યતાની જાણે કે પ્રતીતિ કરાવી.

 

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok