Thursday, July 09, 2020

ભિક્ષુ અખંડાનંદની સહાય

 અમદાવાદ સ્ટેશને કાર્યાલયના એક ભાઇ આવી પહોંચ્યા. તેમની સાથે અમે આગળ વધ્યા. રસ્તામાં ફૂટપાથ પર બેઠેલા માણસોને સ્વામીજીની આજ્ઞાથી તે ભાઇ પૈસા આપતા જતા. સ્વામીજી ઘણા દયાળુ હતા. બીજાનું દુઃખ જોઇને તેમનું દિલ દ્રવી જતું ને તેને મદદ કરવા તે તરત તૈયાર થતા. કહે છે કે ગરીબોને પૈસાની મદદ કરવા ઉપરાંત બીજી મદદ પણ તે કરતા રહેતા. રાતે પોતાના માણસને કામળા સાથે બહાર મોકલતા ને શિયાળાની ઠંડીમાં પૂરતું ઓઢ્યા વિના બહાર ખુલ્લામાં કે ફૂટપાથ પર સૂતેલાં લોકોને કામળા ઓઢાડીને પાછા આવવાની આજ્ઞા કરતાં. કર્મનિષ્ઠ ને ભક્તિભાવવાળા સ્વામીજીનું આ ત્રીજું પાસું અથવા સ્વરૂપ હતું. સેવાવ્રતના તે મહાન દીક્ષાધારી હતા. તે સેવા કીર્તિ કમાવવા કે વાહ વાહ બોલાવવા થનારી નહિ પણ સેવાની આવશ્યકતા સમજીને થનારી નિષ્કામ સેવા હતી. જનતામાં જ નહિ પણ જીવમાત્રમાં જનાર્દનની ઝાંખી કરીને સૌની સેવા કરવા તે સદાય તૈયાર રહેતા.

છેવટે અમે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં આવી પહોંચ્યા. તેને કાર્યાલય કહો કે એક પ્રકારનું સરસ્વતીનું મંદિર કહો, બધું એક જ છે. ખરેખર તે સરસ્વતીનું મંદિર જ હતું. ભિક્ષુ અખંડાનંદ તેના પૂજારી હતા. સરસ્વતીની પ્રસાદીરૂપ માનવજીવનને ઉજ્જવળ કરનારી સામગ્રીથી ભરેલા સસ્તાં છતાં સુંદર ગ્રંથો તે એ નાના સરખાં મંદિરમાંથી પ્રકટ કરતાં. આજે હું પણ તેનું દર્શન કરી રહ્યો હતો. તે મારે માટે ઓછા આનંદનો વિષય ન હતો.

કાર્યાલયમાં આવતાંવેંત સ્વામીજી તેમના કામમાં પડી ગયા. સ્નાનાદિથી પરવારીને જ અમે ગાડીમાં બેઠા હતાં તેથી તેની ચિંતા ન હતી.

થોડો સમય પસાર થઇ ગયા પછી સ્વામીજી મારી સાથે વાતે વળગ્યાં. કાર્યાલયમાં થોડે દૂર ખુરશી પર એક સંન્યાસી મહારાજ બેઠેલા, તેમના તરફ સંકેત કરીને તેઓ કહેવા માંડ્યા: 'એમને મેં કાર્યાલયની વ્યવસ્થા જાળવવા રાખ્યા છે. હજી થોડા દિવસ જ થયા છે. પણ તેમનું કામ મને ખાસ સંતોષકારક નથી લાગતું. જેમતેમ કરીને ચલાવું છું. મારી ઇચ્છા એવી છે કે હિમાલય જવાનો વિચાર પડતો મૂકીને તમે આ સંસ્થામાં રહી જાવ. આ સંસ્થા દ્વારા પ્રભુની સેવા જ થઇ રહી છે. તેથી તમને ગમી જશે. છ મહિનામાં તો તમે બધા કામકાજથી માહિતગાર થઇ જશો ને પછી સંસ્થાની વ્યવસ્થા કરી શકશો. મારે છૂટાં થવાની ઘડી પાસે આવી લાગી છે. મારું શરીર હવે કથળતું જાય છે. તેથી મને પણ નિરાંત થશે. મારી જગ્યાએ કામ કરી શકે તેવા બીજા માણસને શોધું છું પણ કોઇ માણસ મારી નજરમાં ઠરતો નથી. તમે રહી જાવ તો મને ઘણો જ આનંદ થાય.'

એટલું કહીને તે મારા પ્રત્યુત્તરની પ્રતિક્ષા કરવા માંડ્યા. મને થયું કે આટલા માટે જ મને અહીં લાવ્યા હશે કે શું ? મેં તેમને શાંતિપૂર્વક ઉત્તર આપ્યો: 'હાલ તો મારી ઇચ્છા ફક્ત હિમાલય જવાની છે. બીજી કોઇ વાત મને ગમતી નથી. મને પરમાત્માના સાક્ષાત્કારની લગની લાગી છે. તે લગની જ્યાં સુધી શાંત નહિ થાય ત્યાં સુધી મને શાંતિ વળશે નહિ ને બીજા કોઇ કામમાં મારું મન પણ નહિ લાગે.'

'તો પછી એક બીજી વાત.' તેમણે આગળ ચલાવ્યું, 'મારો વિચાર હિંદુસ્તાનના પ્રવાસે નીકળવાનો છે. મારી તબિયતને લીધે મારાથી એકલા નીકળી શકાય નહિ. કોઇ માણસ મારી સાથે જોઇએ, તો તમે મારી સાથે ચાલો. આપણે દેશના અનેક સુંદર સ્થળોમાં ફરીશું ને સત્સંગ તથા સંતસમાગમનો લાભ લઇશું. ઋષિકેશ તરફ પણ જઇશું. પછી તમારી ઇચ્છા થાય તેમ કરવાની તમને છૂટ છે.'

મારા જેવા એક સાધારણ પરિચિત બાળક પરના તેમના પ્રેમ, વિશ્વાસ ને મમત્વનો વિચાર કરીને મારું હૃદય ગદગદ થઇ ગયું ને આંખ ભીની થઇ. પણ તેમની માગણી સંતોષવાની મારામાં શક્તિ ન હતી. કેમ કે મારી અંતરદશા તદ્દન જુદી હતી. તેથી મેં કહ્યું: 'તમારી સાથે પ્રવાસ કરવાનું મને જરૂર ગમે. પણ હાલ તે પણ શક્ય નથી. ઇશ્વરદર્શન સિવાયની બીજી કોઇપણ વાત મને આકર્ષક લાગતી નથી. ને તે માટે હું એક દિવસ પણ વ્યર્થ ગુમાવવા તૈયાર નથી. આ જીવન અત્યંત મૂલ્યવાન છે. તેનો કોઇ ભરોસો નથી. તેનો ઉપયોગ કરીને બનતી વહેલી તકે પરમશાંતિની પ્રાપ્તિ કરવાની જરૂર છે. તે માટે મેં સંકલ્પ કર્યો છે. તેને ફેરવવાની કે શિથિલ કરવાની મારી ઇચ્છા નથી. પ્રવાસ તો પછી ગમે ત્યારે થઇ રહેશે.'

મારા શબ્દો સાંભળીને તે જરા ગળગળા બની ગયા. તેમની આંખો ભરાઇ ગઇ. થોડીવાર શાંત રહીને તે બોલી ઉઠ્યા : 'આટલી નાની ઉંમરમાં તમારામાં આવો વૈરાગ્ય છે ને તમારા વિચારો આટલા ઉંચા છે તે જોઇને મને ખરેખર ઘણો આનંદ થાય છે. બીજા કોઇને હું હિમાલય જવાની ભલામણ ભાગ્યે જ કરું પણ તમે જરૂર જાવ. તમને શાંતિ જરૂર મળશે ને ભવિષ્યમાં તમે ઘણો સારો વિકાસ કરી શકશો એમ મને નક્કી લાગે છે. ફકત સમય ખરાબ છે માટે જરા સંભાળજો. ને મારી એક શરત છે. તેનું પાલન કરવાનું વચન આપો. હિમાલય જઇને ને ત્યાંથી પાછા ફર્યા પછી પણ મને પત્ર લખતા રહેજો, સમાચાર જણાવજો, ને બને તો પાછા મળજો.'

તેમનો ભાવ જોઇને મને આનંદ થયો. તેમની શરત મેં કબૂલ કરી. તેથી તે પ્રસન્ન થયા ને કહેવા માંડ્યા: 'આ સંસ્થા સાર્વજનિક છે. તેમાંથી અમે કોઇને બીજા કારણો માટે પૈસાની મદદ આપતા નથી. પણ તમારે માટે એ નિયમનો ભંગ કરું છું. તમને તેમાં અપવાદરૂપ ગણીને મદદ કરું છું.' તે પછી તેમણે ટિકીટ અને માર્ગવ્યયનો હિસાબ કરીને બધા મળી એકસો વીસ રૂપિયા મને ગણી આપવાનો સંસ્થાના કર્મચારીને હુકમ કર્યો. તેની નોંધ સંસ્થાના ચોપડામાં કેવી રીતે કરવી તેની પણ સૂચના કરી.

સ્વામીજીની એ આકસ્મિક સહાયથી મને આનંદ થયો. છેક છેલ્લી વખતે સુદામાનું નસીબ ફરી ગયું - ભગવાને તેના પર કૃપા કરી, તેમ મારા સંબધમાં પણ બની ગયું. સ્વામીજીની મદદ પર મારી ભાવિ જીવનપ્રવૃતિનો મોટો આધાર હતો. હવે મને થયું કે મારી ભાવિ પ્રવૃતિનો પંથ સાફ થઇ ગયો. હિમાલય જવાનું ભાવિ મારે માટે નક્કી થઇ ગયું. તેની પાછળ ઇશ્વરની ઇચ્છા કામ કરી રહી હતી તે પણ નક્કી થયું. ઇશ્વરની ઇચ્છા વિના સ્વામીજીને પત્ર લખીને મારી પરિસ્થિતિથી વાકેફ કરવાનો વિચાર મને ભાગ્યે જ થાત, ને તેના વિના સ્વામીજીને મળવાનો અવસર પણ મળત નહિ. સ્વામીજીના દિલમાં મારે માટે પ્રેમભાવ પણ જાગત નહિ, ને મારી મરજી મુજબની મદદ પણ ના મળત. આખરે પ્રાણીમાત્રના દિલમાં રહીને પ્રેરણા કરનારી શક્તિ ઇશ્વરની જ છે. તેની અસર નીચે આવીને પ્રાણીમાત્ર આ પૃથ્વીમાં પ્રવૃતિ કરે છે. તેની કૃપા વિના મારો માર્ગ ભાગ્યે જ સરળ થયો હોત.

જમવાનો સમય થઇ ગયો એટલે સ્વામીજીએ મને વીશીમાં લઇ જઇને જમાડવાની પોતાના માણસને આજ્ઞા કરી. મને ખબર પડી કે સ્વામીજી પોતે તે વખતે ચણાનો ઉપયોગ કરીને ચલાવતાં. તેથી તેમને જમવાની ઉતાવળ ન હતી. જમ્યા પછી હું ફરીવાર તેમની પાસે બેઠો, એટલે તેમણે મને કેટલાંક પુસ્તકો બતાવ્યા. તેમાંથી થોડાક પુસ્તકો મેં વાંચેલા તોપણ, તેમણે પંદરેક પુસ્તકો ભેટ આપ્યા ને રામકૃષ્ણ પરમહંસદેવ ને સ્વામી વિવેકાનંદના બે મોટાં ચિત્રો પણ અર્પણ કર્યાં. તે પુસ્તકો તેમની સ્મૃતિરૂપે આજે પણ કાયમ છે.

 

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok