Friday, August 07, 2020

ભિક્ષુ અખંડાનંદનું વ્યક્તિત્વ

 તે દિવસે સાંજની મોટરમાં મારે સરોડા જવા વિચાર હતો. માતાજી તે વખતે સરોડા હતાં, એટલે હિમાલય જતાં પહેલાં તેમને મળી લેવાની ને બધી પરિસ્થિતિથી માહિતગાર કરવાની જરૂર હતી. મોટર ચારેક વાગ્યે ઉપડતી હતી. સમય થઇ ગયો હતો એટલે મને થયું કે સ્વામીજીની છેલ્લી વિદાય લઇ લઉં. જે મહાન પુરુષે ઇશ્વરની કૃપાથી અણીને વખતે મને મદદ કરી તેમનો આભાર માની લઉં. સ્વામીજી કાર્યાલયના અંદરના ખંડમાં કાર્ય કરી રહ્યા છે તેવી માહિતી મળવાથી હું અંદરના ભાગમાં તેમની પાસે ગયો. તેમનો કર્મયોગ સતત ચાલી રહેલો. આરામની તો તેમને જાણે પડી જ ન હતી. કામ, કામ ને કામમાં જ તેમનું મન રાચતું. વિચાર કરતાં તે વાત લાગે છે પણ બરાબર. સ્વામીજીની મહાન સફળતાનો મંત્ર પણ તેમાંથી જ મળી રહે છે. એ મંત્રના બળથી જ તેમણે એકલે હાથે મહેનત કરીને એક મોટી સાહિત્ય સંસ્થાનું સર્જન કરેલું ને ગુજરાતના હજારો ઘરમાં સસ્તાં ને શક્તિસંચારક સાહિત્યને વહેતું મૂકેલું. આટલી મોટી ઉંમરે, શરીર અનુકૂળ ના હોવા છતાં તેમનો ઉત્સાહ અને પુરુષાર્થ એવો જ કાયમ હતો. તેની ગતિ હજી એવી જ ઝડપી ને ગૌરવ ભરેલી હતી. આળસુના પીર જેવો કોઇ સામાન્ય માણસ અથવા પ્રતિકૂળતાથી બેસી રહેનારો સાધારણ શક્તિવાળો માણસ તેમના જેવો કર્મયોગ ભાગ્યે જ કરી શકત, ને સફળતાના શિખરે પણ ભાગ્યે જ ચડી શકત. તેમને કામ કરતા જોઇને મને આનંદ થયો. તે મહાપુરુષ પ્રત્યેના મારા માનમાં વધારો થયો. તે એક સાધારણ ખુરશી પર બેઠેલા. શરીર પર વસ્ત્રો નહિ જેવાં જ હતા. તેમણે મારા તરફ જોયું એટલે મેં તેમને નમસ્કાર કર્યા ને તેમની રજા માંગી. વધુમાં તેમણે કરેલી મદદ માટે તેમનો આભાર માનતાં મેં કહ્યું: 'તમે મને જે મદદ કરી છે તે મને સદાયે યાદ રહેશે. એ માટે ...'

પણ મારું વાક્ય પૂરું થાય તે પહેલાં તો તે ખુરશી પરથી ઉભા થઇ ગયા. તેમનું સ્વરૂપ જ ફરી ગયું. મુખાકૃતિ બદલાઇ ગઇ. હાથ ધ્રૂજવા લાગ્યા. કંપિત સ્વરમાં ખૂબ જ ક્રોધે ભરાયા હોય તેમ તે બોલી ઉઠ્યા: 'શાની મદદ ? કોણે મદદ કરી ? કોણ કોને મદદ કરે છે ?'

તેમના રોષભર્યા શબ્દો સાંભળીને મેં ફરી નમસ્કાર કર્યા ને બહારના ખંડ તરફ ચાલવા માંડ્યું. તેમના રૌદ્ર સ્વરૂપનું દર્શન મારે માટે આ સૌથી પહેલું હતું. પણ તેથી તેમના પ્રત્યેના મારા પ્રેમભાવમાં વધારો જ થયો. આજે વધારે ભાગના માણસો કીર્તિદાન કરે છે. મદદ કરવા માટે તેમના ગુણગાન ગવાય ને તેમનો આભાર મનાય તે તેમને ગમે છે. ઘણાં માણસોની મંડળીમાં કે જાહેર સભામાં પોતે કરેલી મદદની રકમ જાહેર થાય, તેના બદલામાં તેમની પ્રશસ્તિ થાય, કોઇ ઉગતો કવિજન પણ ભાંગીતૂટી ભાષાવાળી કવિતામાં તેમની સ્તુતિ ગાય, ભોજ, કર્ણ ને રતિદેવ જેવા દાનેશ્વરી સાથે તેમને સરખાવવામાં આવે, ને છેવટે ફૂલહાર પહેરાવી તે દશામાં ફોટા લઇને તેમનું સન્માન થાય, તેથી તેમનું દિલ ડોલી ઉઠે છે. એવા માણસો કેટલીક વાર તો ગુણગાન સાંભળીને વધારે રંગમાં આવે છે ને દાનની મોટી રકમો જાહેર કરે છે. જાહેર સભા કે માણસોની મંડળીમાં તેમનું શૂરાતન ઓર રંગ ધારણ કરે છે. એવા જાહેરાતપ્રિય પુરુષો સ્વામીજીના વર્તન ને શબ્દોને ભાગ્યે જ સમજી શકશે. ને કદાચ સમજી શકશે તોપણ તેમને સહાનુભૂતિ ને સન્માનની ભાવનાથી ભાગ્યે જ જોઇ શકશે. પરંતુ બધા પુરુષો કાંઇ એક માળાના મણકા જેવા થોડાં જ હોય છે ? સંસારમાં સાચા, સદાચારી ને સમજુ માણસો પણ છે. પછી તેમની સંખ્યા ભલે પ્રમાણમાં થોડી હોય. તેવા માણસો સ્વામીજીને સમજી શકશે તેમાં શંકા નથી.

સ્વામીજી એટલા બધા નિષ્કામ સેવા કરનાર હતા કે તેમણે કરેલી સેવાની સ્તુતિ તેમને જરા પણ પંસદ પડતી નહિ. કેવળ સેવાને માટે, પોતાની ફરજ સમજીને જ સેવા કરવાનો તેમનો સ્વભાવ હતો. તે ગુપ્ત રીતે કરાતી મદદમાં માનતા અને જાહેરાત ને ગુણગાનથી સદાયે દૂર રહેતા. પોતપોતાની પ્રારબ્ધ પ્રમાણેની વસ્તુ સૌને મળી રહે છે. તે વસ્તુ કોઇની મારફત મળે તો પણ ઇશ્વરની ઇચ્છાથી જ મળે છે. આપનાર વ્યક્તિ તો તેમાં માત્ર નિમિત્તરૂપ બની રહે છે. માટે જ તેણે કોઇ જાતનો અહંકાર કરવાનો નથી ને ઇશ્વરની લીલામાં સહાયક બનીને પોતાના ફાળે આવતો ભાગ ભજવી બતાવવાનો છે. મદદ લેનારે પણ એ જ ભાવનાને કાયમ રાખીને ઇશ્વર તરફથી મદદ મળી રહી છે એવો અનુભવ કરવાનો છે. સ્વામીજીની એવી માન્યતા હતી. આટલી સદ્ધર સંસ્થાનું સંચાલન કરવા માટે કોઇ તેમના ગુણગાન ગાતું તો તે પણ તેમને ખૂબ જ કડવું લાગતું. તેના મૂળમાં તેમની એવી મજબૂત માન્યતા હતી. એટલે કામ, કામ ને કામ કરવામાં માનનારા તે કોઇક કર્મઠ પુરુષ ન હતા પણ સાચા કર્મયોગી હતા, એ વાતનો ખ્યાલ રાખવાનો છે. એ ભૂમિકા પર ઉભા રહીને, કર્મયોગી પુરુષની દૃષ્ટિ ધારણ કરીને તેમનું દર્શન કરવાનું છે. એમ કરવાથી તેમના શબ્દો સારી પેઠે સમજી શકાશે ને તેમને ન્યાય કરી શકાશે. તેમના ત્રણ વાક્યોમાં મહામૂલ્યવાન સંદેશ છૂપાયલો છે તેની પ્રતીતિ થશે.

ખરેખર, તેમના વાક્યોને સમજુ માણસે સદા યાદ રાખવા જેવા છે. તેમાં પ્રેરણાનો ભંડાર ભરેલો છે. તેમને સદા નજર સામે રાખવાથી ને હૃદયમાં ઉતારવાથી મોટો લાભ થશે. પોતાનો આભાર માનવામાં આવે તે પણ સ્વામીજીને ગમતું નહિ. તેથી જ મારા આભારના વચન સાંભળીને તે ઉશ્કેરાઇ ગયા ને ઊકળી ઉઠ્યા. રોષે ભરાવાની વાત કદાચ સારી નહિ લાગે પણ તેની પાછળ જે કારણ છે, તેની સાથે જ આપણે તો કામ છે. તેનો જ વિચાર આપણે માટે મદદરૂપ છે. તે વિનાનો વ્યર્થ વિવાદ આપણે માટે જરૂરી નહિ ગણાય.

સ્વામીજીના વિશાળ વ્યક્તિત્વનું એક બીજું પાસું આ નાના સરખાં પ્રસંગમાં જોવા મળે છે અને આપણા દિલમાં તેમને માટે પૂજ્યભાવ પ્રકટી ઉઠે છે. તેમના જીવનમાંથી શિક્ષા ગ્રહણ કરીને આપણે પણ તેમની જેમ નિષ્કામ કર્મ કરતાં શીખી જઇએ, તો બીજાની સાથે આપણને પણ લાભ પહોંચાડી શકીએ.

હિમાલયથી પાછા આવ્યા પછી મેં સ્વામીજીને પત્ર લખ્યો. તેમને મળવાનો ઘાટ પણ હું ઘડી રહ્યો હતો. ત્યાં જ તેમનું શરીર શાંત થઇ ગયું, મારા હિમાલય ગયા પછી તે લાંબુ આયુષ્ય ભોગવી શક્યા નહિ એટલે તેમના પુનર્દશનની ઇચ્છા અધૂરી જ રહી ગઇ. તેની પાછળ પણ ઇશ્વરનો કોઇ ગૂઢ સંકેત સમજીને મેં શાંતિ રાખી. તેમના મહાપ્રયાણના સમાચાર સાંભળીને મારું હૈયુ હાલી ઊઠ્યું. એમના પ્રસંગોની સંસ્મૃતિ સ્મૃતિપટ પર ફરી વળી. ભારતવર્ષના મહાપુરુષોની હરોળમાં ગૌરવપૂર્વક ઉભી રહી શકે એવી જે કેટલીક વિશિષ્ટ વિભૂતિઓ ગુજરાતના પુનીત પ્રદેશમાં છેલ્લે છેલ્લે પ્રાદુર્ભાવ પામી તેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમાન નથુરામ શર્મા અને મહાત્મા ગાંધીજીની જેમ ભિક્ષુ અખંડાનંદનું નામ પણ નોંધપાત્ર છે. ગુજરાતમાં હીરાપારખુ ઝવેરીઓ ઘણાં છે. તે પરપ્રાંતના હીરાને ઓળખે છે ને સન્માને છે, પરંતુ પોતાની પાસેના હીરાને કેટલીક વાર ઓળખતા ને સન્માનતાં નથી એવું કહેવાય છે. એ સાચું હોય કે ખોટું પણ ગુજરાતી ભાષા ભાષી પ્રજામાં એ મહાપુરુષનું નામ ને કામ અમર રહેશે એ નિઃશંક છે.

 

 

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok