Saturday, August 15, 2020

ઋષિકેશ માટે પ્રસ્થાન

 સરોડા જઇને અખંડાનંદજીએ આપેલી મદદની બધી રકમ મેં માતાજીના હાથમાં મૂકી ત્યારે તેમને ભારે નવાઇ લાગી. આટલી બધી રકમ કોઇ એકી સાથે ને એકાદ બે દિવસના પરિચયમાં જ આપે એ વાત તેમના માનવામાં ના આવે તે સ્વાભાવિક હતું. પણ મારી વિગતવાર વાત સાંભળીને તે બધી વાત સમજી ગયા. મેં કહ્યું : 'ઇશ્વરની ઇચ્છા વિના અજાણી વ્યકિત પાસેથી આવી મદદ મળી શકે નહિ. ઇશ્વરની ઇચ્છા મને હિમાલય લઇ જવાની છે. તેથી જ આ મદદ મળી શકી.'

તે મને શું કહે ? મારી હિમાલય જવાની ઇચ્છા તેમને માટે દેખીતી રીતે જ દુઃખદ હતી. અત્યાર સુધી તો તેમણે મહેનત મજૂરી કરીને જેમતેમ જીવન પસાર કરેલું, પણ હવે તેમની આશા મારા પર મંડાયેલી. સંસારમાં સારી કહેવાતી કોઇ લાઇનનો આધાર લઇને હું કાંઇક કમાઉં ને તેમને મદદરૂપ બનું એવી તેમની ભાવના જરૂર હોય. તે ભાવના પૂરી કરવાને બદલે મેં હિમાલય જવાની તૈયારી કરી છતાંપણ તેમણે મારી વાતનો વિરોધ કર્યો નહિ. તેમનામાં પહેલેથી જ ઊંડી સમજ અને આધ્યાત્મિક સંસ્કારોનું અસ્તિત્વ હતું. એટલે મારી વાત તે સહેલાઇથી સમજી શક્યા. એવી રીતે એમની મંજૂરી મેળવતાં મને વાર ના લાગી.

થોડા દિવસ સરોડા રહીને હું વડોદરા આવ્યો. સરોડામાં મારી વાતને ફેલાતાં વાર ના લાગી. લોકોને મારી હિમાલય જવાની વાત સાંભળીને નવાઇ લાગી. ધંધા, વેપાર, નોકરી કે અભ્યાસ માટે કોઇ આફ્રિકા, અમેરીકા, ઇગ્લાંડ અને એવા બીજા કોઇ દેશમાં જાય તો કોઇને નવાઇ નથી લાગતી. એના એ સાહસકાર્યને માટે એની પ્રસંશા અને જાહેરાત કરવામાં આવે છે, ને વિદાય થતાં પહેલાં વિવિધ રીતે તેનું સન્માન કરવામાં આવે છે. પણ ઇશ્વરપ્રાપ્તિ કે આત્મોન્નતિની સાધના માટે કોઇ વ્યક્તિ હિમાલય જેવા કોઇ એકાંત પ્રદેશમાં જાય તો લોકોને નવાઇ લાગે છે ને તે તેમની ટીકાનું પાત્ર થઇ પડે છે. આધ્યાત્મિકતા, સાધના, ધર્મ ને ઇશ્વર જેવા વિષયો તો સંસારમાં નાસીપાસ થયેલા, હારેલા ને કંટાળેલા દુઃખી માણસો માટે છે. એમનો આશ્રય વધારે ભાગે પથભ્રાંત ને મંદબુદ્ધિના માણસો તથા સાધુ, ફકીર ને જોગીની શ્રેણીમાં શોભવા માગતા માણસો લે છે, ને ગોવિંદના ગુણ તો ઘડપણમાં જ ગાવા હોય તો ગાવા ઠીક છે એવો વધારે ભાગના લોકોનો ખ્યાલ હોય છે. સંસારના પદાર્થોની પ્રાપ્તિમાં જ જીવનનો સાચો આનંદ ને સાર સમાયેલો છે એવી તેમની માન્યતા હોય છે. આધ્યાત્મિકતાની આવશ્યકતા તેમને જરાપણ જણાતી નથી ને તેને માટે જીવનનો ઉપયોગ કરવાની વાત પણ તેમને મૂર્ખતાભરેલી ને ગાંડપણમાં ખપાવવા જેવી લાગે છે. એવા લોકોની દૃષ્ટિમાં દોષ રહેલો છે એ વાત ભાગ્યે જ સમજાવવી પડે તેવી છે. આધ્યાત્મિક વિકાસથી ને વિકાસની સાધનાની સમજથી આપણે હજી કેટલા બધા દૂર છીએ તે વાતની ખામી તેમનો વિચાર કરવાથી સહેજે થઇ શકે છે. શહેરના સુધરેલા ને શિક્ષિત કહેવાતા વાતાવરણમાં પણ એવા લોકો જોવા મળે છે તો ગામડાંમાં તો તે હોય જ એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. તેમણે મારી વાત સાંભળીને ફાવે તેમ ટીકા કરવા માંડી. તેમને માટે આવો પ્રસંગ આ પહેલો જ હતો. ઉગતી યુવાનીમાં કોઇએ પરણવાની ના કહીને હિમાલય જવાનો નિર્ણય કર્યો હોય એવી કથા ગામના ઇતિહાસમાં એકદમ અનેરી અને અભૂતપૂર્વ હતી. તેથી તેમને તે કથા કોઇ પરીકથા કે અલ્લાઉદ્દીનના જાદુઇ ફાનસની કથા જેવી વિચિત્ર લાગી. નવરા ને ઓછી બુદ્ધિના લોકોએ ફાવે તેમ ચર્ચા કરવા માંડી. મારા જીવનના લાંબા વખતના સ્વાભાવિક વિકાસને પરિણામે મને આત્મોન્નતિની ઇચ્છા થઇ છે ને તેની તૃપ્તિ માટે જ હું હિમાલય જવા તૈયાર થયો છું એ વાત કોઇની કલ્પનામાં પણ ના આવી શકી.

છતાં મારો નિશ્ચય દૃઢ હતો. લોકો શું કહે છે તે તરફ મારું ધ્યાન ન હતું. કોઇની ટીકા કે ચર્ચાની મને ચિંતા કે પરવા ન હતી. મારો માર્ગ સાચો છે તે ઇશ્વર જાણે છે ને ઇશ્વરની મને મદદ છે એની મને ખાત્રી હતી. તેથી મારું મન પ્રસન્ન હતું. લોકોની વાતો સાંભળવામાં કાંઇ સાર ન હતો. સંસારનો ક્રમ જ વધારે ભાગે એવો છે. કોઇ માણસ કોઇ સારું કામ કરવાની શરૂઆત કરે એટલે કેટલાક લોકો તેની ટીકા ને નિંદાનું કામ ઉપાડી જ લેવાના. તેની ચર્ચા કરવાની તક તે ઝડપી જ લેવાના. નિર્બળ મનના માણસો તેમની ટીકા કે નિંદા સાંભળીને શરૂ કરેલું કે કરવા ધારેલું કામ મૂકી દે છે. પણ જેમનું મનોબળ મજબૂત છે તે કોઇનીયે ટીકા કે નિંદાથી ડરતા નથી ને કોઇનીયે ચર્ચા સાંભળીને લીધેલા કામને મૂકી દેતા નથી. નિંદા કે ટીકાની અસર તેમના પર જરા પણ નથી થતી. પોતાના મનમાં ધારેલું કામ તે કોઇ પણ હિસાબે પૂરું કરીને જ જંપે છે. આત્મોન્નતિની ઇચ્છાવાળા સાધકોએ એવા મનોબળને કેળવવાની જરૂર છે. કોઇનીયે ટીકા કે ચર્ચાની પરવા કર્યા વિના ઇશ્વર પર શ્રદ્ધા રાખીને તેમણે સદાયે આગળ વધવાનું છે. લોકોની નિંદાસ્તુતિને જે ધાર્યા કરતાં વધારે મહત્વ આપી દે છે ને તેનાથી પ્રભાવિત થઇને પોતાનો ઉત્સાહ ને પુરુષાર્થ ઓછો કરે છે એટલું જ નહિ, લોકોની ઇચ્છા પ્રમાણે તે પોતાની ઇચ્છાને ફેરવ્યા કરે છે, તે સાધનાના માર્ગમાં કદાપિ આગળ વધી નહિ શકે. સ્તુતિ ને નિંદાનો ક્રમ તો સંસારમાં ચાલ્યા જ કરવાનો. સાધકે શંકર સમાન શાંત મનવાળા થઇને બંનેનું પાન કરતાં ને બંનેને હજમ કરી જતાં શીખવાનું છે, ને બંનેની અસરથી અલિપ્ત રહેવાનું છે.

તેથી જ મેં ગામના લોકોની વાતો તરફ ધ્યાન ના આપ્યું ને મારા ધારેલા કામને ચાલુ રાખ્યું. મારું કામ ઇશ્વરપ્રેરિત ને સાચું હતું. પછી મારે શાની ચિંતા ? કોઇને તે ગમે કે ના ગમે, કોઇ તેનો વિરોધ કરે કે ના કરે, મારે તે કર્યે જ છૂટકો હતો.

વડોદરા જઇને મેં છેવટની તૈયારી કરી લીધી અને એક નાનીસરખી થેલી સાથે એક વહેલી સવારે ઋષિકેશ જવા પ્રસ્થાન કર્યું. તે વખતે ઇ.સ. ૧૯૪૧ નો જાન્યુઆરી માસ ચાલતો હતો. હિમાલયમાં તે વખત ઠંડીનો ગણાય. પરંતુ ઠંડીનો વિચાર મારા નિર્ણયમાં નડતરરૂપ ના થઇ શક્યો.

Today's Quote

We do not see things as they are; we see things as we are.
- Talmud

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok