Thursday, July 09, 2020

હરિદ્વાર અને ઋષિકેશ

 વડોદરાથી રેલ્વે મારફત દિલ્હી પહોંચીને મેં હરદ્વારની ગાડી પકડી. આટલી લાંબી મુસાફરી મારે માટે આ સૌથી પહેલી હતી. પણ અંતરમાં ઉત્સાહ હોવાથી મને તેનો થાક ના લાગ્યો કે કંટાળો પણ ના આવ્યો. મારું ચિરસેવિત સ્વપ્ન સાચું પડવાની હવે તૈયારી હતી. હિમાલયના પાવન પ્રદેશની વધારે ને વધારે પાસે હું પહોંચતો જતો હતો એટલે કુદરતી રીતે જ મારું મન મલકાતું ને અંતર ઉછાળા મારતું. હિમાલયની મારી કલ્પના કેવી હતી ? ગંગાના કિનારા પર નાની નાની પર્ણકુટિમાં મોટા ઋષિમુનિઓ ને ત્યાગી પુરુષોનો વસવાટ હશે, તે બધા પરમાત્માના ચિંતન મનનમાં મગ્ન હશે ને તેમના મુખ પર પરમ શાંતિ ને પ્રકાશની છાયા પથરાઇ રહી હશે. ઊંચા ઊંચા હિમાચ્છાદિત પર્વતો અનંત કાળથી પોતાના મસ્તક ઊંચા કરીને અતિથીનો સત્કાર કરતાં ઊભા હશે, ને તેમનું દર્શન કરવાથી જ સાધકને પરમશાંતિની પ્રાપ્તિ થતી હશે. કેટલો ભવ્ય ને મંગલમય એનો પ્રદેશ હશે ? એવા એવા વિચારોમાં મારું મન ડૂબતું જતું ને ગાડી આગળ વધતી જતી.

ત્યાં તો એક અનેરો પ્રસંગ ઉભો થયો. સહરાનપુર તરફના કોઇ નાના સ્ટેશનને છોડીને અમારી ગાડી આગળ વધતી હતી, ત્યારે જંગલ તરફથી બે સંન્યાસી આવી પહોંચ્યા ને અમારા ડબ્બાનું બારણું બળજબરીથી ઉઘડાવીને અંદર પેઠા. તેમના શબ્દો ગાડીના અવાજની બરાબરી કરે તેમ જોરથી બોલાતા. અંદર માણસોની ભીડ હતી. કેટલાય માણસો ઊભા ઊભા મુસાફરી કરી રહેલા. પરંતુ સંન્યાસી મહારાજને ઊભા રહેવાનું પસંદ ન હતું. તેથી તેમણે હરિનામ બોલીને તથા સેવાધર્મનો મહિમા કહી બતાવીને મારી સામેની બારી પાસે જગ્યા કરાવી, ને ત્યાં પોતાની બેઠક જમાવી. જીવનભર સેવા લેવાનો હક્ક માનનારા ને તે માટે જ પોતે જનમ્યા છે એવું માનનારા એ ત્યાગવીરોનું વર્તન જોઇને મને નવાઇ લાગી. તેમના શરીર ખૂબ માંસલ ને ભારેખમ હતાં. તેમની ઉમર મોટી હતી. બેઠેલા માણસોને ઉઠાડીને તેમણે બેઠક લીધી, ને પછી 'બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા'ની ફિલસૂફી શરૂ કરી. એ મલ્લકાય ત્યાગવીરોનો વર્તાવ જોઇને મને નવાઇ લાગી. હિમાલયનો પ્રદેશ હવે પાસે હતો. તે વખતે થયેલા એ સંન્યાસી પુરુષોના દર્શનથી મને વિચાર થયો કે હરદ્વાર-ઋષિકેશ જેવા પ્રદેશોમાં પણ શું આવા જ સંન્યાસી ને ત્યાગવીરો વસતા હશે ? આ સાધુઓ શું તેમનું જ પ્રતિનિધિત્વ કરતા હશે ? સંન્યાસી, ત્યાગી, ભક્ત ને સંતપુરુષ તો શાંતિની મૂર્તિ હોય; નિઃસ્વાર્થ સેવા માટે તેમનું જીવન હોય; દૈવી સંપત્તિની તે પ્રતિમા હોય; ઇશ્વરને માટે તેણે જીવનને સમર્પિત કર્યું હોય ને સૌમાં ઇશ્વરનું દર્શન કરીને સૌ પ્રત્યે તે પ્રેમમય વહેવાર રાખતો હોય, તેના વદન ને વચનમાં પ્રેમ, મધુરતા ને સત્યતાની છાપ હોય, ને ટુંકમા તે પ્રભુનો સાચો પ્રતિનિધિ હોય તેવી મારી માન્યતા હતી. તેને બદલે એવા સંન્યાસી વીરોને જોઇને મને ભારે નવાઇ લાગી. એ સંન્યાસી વીરો હરદ્વાર તરફ જ આવતા હતા, તેથી મારી નવાઇમાં વધારો થયો. મને થયું કે બધા સંન્યાસીઓ સારા ને ઉચ્ચ કોટિના જ હોય છે એવું માની લેવાની જરૂર નથી.

હિમાલયના પ્રવેશના થોડાં જ વખત પહેલા થયેલા એ સંન્યાસીઓના દર્શને મને ખૂબ જ વિચાર કરતો કરી મૂક્યો.

વિચારમાં ને વિચારમાં હરદ્વાર ક્યારે આવી પહોંચ્યું તેની ખબર પણ ના પડી. હરદ્વાર આવી પહોંચતા ઠંડા પવનની શરૂઆત થઇ. કોઇ નવીન ઠંડી આબોહવાવાળા પ્રદેશમાં આવી પહોંચ્યાની ખાતરી થઇ. પવનની ઠંડી લહેરીઓ સૌનું સ્વાગત કરવાની જાણે હરિફાઇ કરવા લાગી. હરદ્વાર હિમાલયનું પ્રવેશદ્વાર છે. ત્યાંથી હિમાલય શરૂ થાય છે. પર્વતની વચ્ચેથી વહી આવતી ગંગા હરદ્વારમાં પર્વત પ્રદેશના બનાવટી બંધન તોડીને ખૂબ જ મોકળી બને છે ને વિશાળતાથી વહેવા માંડે છે. સાથે સાથે મોકળા મેદાની પ્રદેશમાંથી પસાર થવાનો અવસર મળતા તે કૈંક સંકોચ અનુભવતી હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. પોતાના ચિરપરિચિત પર્વત પ્રદેશને મૂકીને તે સાગરની દિશામાં વહેવાનું શરૂ કરે છે ત્યારે તેનું દિલ દ્વિવિધ ભાવે ભરાઇ જાય છે. પોતાનો પિતૃપ્રદેશ યાદ આવતાં ને તે પ્રદેશમાં સેવેલા પૂર્ણકામ ઋષિવરોના સત્સંગનું સ્મરણ થતાં તેની ગતિ થંભી જાય છે. આગળ વધવું કે નહિ તેનો તેને વિચાર થઇ પડે છે. પરંતુ પોતાના સ્વધર્મ ને લક્ષ્યસ્થાન સાગરની યાદ આવતાં વળી તે ધીરે ધીરે વહેવા માંડે છે. તન આગળ ને મન પાછળ એના જેવી દશા છે. તેના પવિત્ર પ્રેમમાં સ્નાન કરીને વહેનારો વાયુ સંપૂર્ણપણે સંતુષ્ટ થયો હોય તેમ શીતળતા ધારણ કરે છે. તેનો સ્પર્શ થતાં પ્રવાસી રોમાંચ અનુભવે છે.

હરદ્વારનું સ્થળ ઘણું પુરાતન છે. ત્યાંથી થોડેક દૂર કનખલ છે. ત્યાં પુરાણ પ્રસિદ્ધ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ થયેલો. તે ઉપરાંત હરદ્વારમાં સપ્ત સરોવર નામે બીજી એક સુંદર જગ્યા છે. કહે છે કે ગંગા જ્યારે ત્યાં થઇને પહેલવહેલી પસાર થવા માંડી ત્યારે ત્યાં સાત ઋષિના સાત આશ્રમ હતા. કોઇ એક જ ઋષિના આશ્રમ આગળથી પસાર થવાને બદલે તે સાત પ્રવાહમાં પલટાઇને સાતે ઋષિના આશ્રમ આગળથી પસાર થઇ. તેથી તે જગ્યાનું નામ સપ્ત સરોવર પડી ગયું.

ગંગાનું પાણી કેટલું બધું પવિત્ર છે ? તપશ્ચર્યાથી નિર્મળ થયેલા તપસ્વીના હૃદય જેવું તે નિર્મળ ને સુમધુર છે. તેનું દર્શન કરીને મને આનંદ થયો. ગંગાના ઘાટ પર મોટું ટાવર છે. તેને લીધે તેની શોભા વધી જાય છે. તેની પાસે જઇને હું ઊભો રહ્યો ને ગંગાના વિશાળ છતાં શાંત પ્રવાહને શાંતિથી જોવા લાગ્યો. પવિત્ર ઋષિમુનિઓની યાદ મારા મનને વીંટી વળી. તેમની ચરણરજથી પવિત્ર થયેલા આ પ્રદેશમાં લાવવા માટે મેં ઇશ્વરનો ઉપકાર માન્યો. એટલામાં તો સામેથી સૂર્યોદય થયો. સૂરજના સોનેરી કિરણો ગંગામાં નહાવા ને રમવા પડ્યા. તે વખતનું દૃશ્ય અત્યંત અલૌકિક થઇ ગયું. મને વિચાર થયો કે મારે પણ હવે નહાવું જોઇએ. ને પછી તો કટિવસ્ત્ર પહેરીને હું નહાવા પડ્યો. એ આનંદ અજબ હતો. મને થયું કે આજે મારું જીવન કૃતાર્થ થયું. તન, મન, અંતર નિર્મળ ને અલૌકિક થઇ ગયા. આજે મને નવો અવતાર મળી ગયો. બંધનો તૂટી ગયાં, ગ્રંથિ છૂટી ગઇ. મુક્તદશાની પ્રાપ્તિ થઇ. મારું અંતર ઉત્સાહથી ભરપૂર બની ગયું. તેમાં પ્રેમ ને શાંતિના ફુવારા ફૂટી નીકળ્યા. રોમેરોમમાં જાણે કે રસ ફરી વળ્યો.

સૂર્યદેવતા સામે આંખ મીંચીને થોડો વખત મેં ધ્યાન કર્યું ને પછી લાંબા વખત લગી ઘાટ પર બેસી રહ્યો. ઘાટ હવે જનસમૂહથી ઉભરાઇ ગયો. દેશના જુદા જુદા પ્રદેશમાંથી આવેલા ભાત ભાતના ને જાત જાતના માણસોનો જાણે કે મેળો ભરાયો. તેમની ઝાંખી કરીને મેં સ્ટેશનનો માર્ગ લીધો. હરદ્વારની સ્વચ્છતા ને શોભાથી હું આકર્ષાયો. તેનું વાતાવરણ મારા મનમાં વસી ગયું. પણ હું પરમાર્થનો એક પ્રવાસી છું તેનો મને ખ્યાલ હતો. મારા પ્રવાસનું લક્ષ્ય હરદ્વાર નહિ પણ ઋષિકેશ હતું એ વાતનું મને સ્મરણ હતું. હરદ્વાર આટલુ બધું સુંદર છે તો ઋષિકેશ કેટલું બધું સુંદર હશે ? તે કલ્પના મારા મનમાં રમી રહી. એટલે જે ખાસ પ્રયોજન વિના હરદ્વારમાં વધારે વખત બેસી રહેવાનું ઠીક ના લાગવાથી મેં ઋષિકશની ગાડી પકડવા સ્ટેશન તરફ પ્રયાણ કર્યું.

પરમાર્થના પ્રવાસીએ આ વાતને ખાસ યાદ રાખવાની છે. પોતાના લક્ષ્ય કે ગંતવ્યસ્થાનને તેણે કદી ભૂલવાનું નથી. પ્રવાસ કરતાં કરતાં પંથમાં સુંદર સ્થળો આવે, મમતા ને માયા બતાવનારા માણસો મળે, ને આંખ અને અંતરને આકર્ષી લેનારા પદાર્થોની પ્રાપ્તિ થાય તોપણ તેણે ડગવાનું કે ભ્રાંતિમાં પડવાનું નથી. વિસામાની જરૂર હોય તો થોડીવાર તે વિસામો જરૂર કરી લે, સુંદર સ્થળોની સુંદરતા ને માદકતાને આંખમાં ભરી લે. માયાળુ માણસોની માયાળુતાનો સ્વાદ પણ લેવો હોય તો ભલે લઇ લે, અને આકર્ષક પદાર્થોના અમૃતથી આંખને આંજી દે, પરંતુ કશામાં આસક્તિ કરીને પોતાના ધ્યેયને તે ભૂલે કે મૂકે નહિ. જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી કોઇનામાં મમતા કરીને સુખશાંતિનો મિથ્યા શ્વાસ લઇને બેસે નહિ. જેનું મનોબળ નબળું ને જેની બુદ્ધિ ચંચળ છે તથા ધ્યેયવસ્તુની નિષ્ઠા જેણે કેળવી નથી તે વચગાળાના સ્ટેશનોએ ઘર કરીને બેસી જાય છે, ઇશ્વરને ભૂલીને સાધારણ સ્ત્રીપુરુષોમાં મમતા કરીને આસક્તિના દોરે બંધાઇ જાય છે, ને ઇશ્વરને બદલે અંતરને આકર્ષી લેનારા સાધારણ પદાર્થો પર વારી જાય છે. તે આત્મોન્નતિની સાધનામાં સફળ થઇ શકતા નથી. પરમાર્થના પ્રકાશમય પંથનો તેમનો પ્રવાસ અધૂરો જ રહી જાય છે.

 

 

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok