Wednesday, July 08, 2020

ઋષિકેશમાં આગમન

 હરદ્વારના સ્ટેશન પર વધારે વખત રાહ જોવી ના પડી. થોડા જ વખતમાં ઋષિકેશની ગાડી આવી પહોંચી. હરદ્વાર ને ઋષિકેશ વચ્ચે એકાદ કલાકનું અંતર છે. ગાડીનો માર્ગ જંગલમાંથી પસાર થાય છે ત્યારે દેખાવ ઘણો રમણીય લાગે છે. પાણી, પર્વત ને જંગલ વિના આ માર્ગમાં બીજુ કાંઇ જ દેખાતું નથી. હિમાલયના કુદરતી સૌંદર્યથી ભરેલા પ્રદેશનું દર્શન કરવાની ઇચ્છાવાળા પ્રવાસીને કુદરતી સૌંદર્યથી છલકાતા એ પ્રદેશને જોઇને અપૂર્વ સંતોષ થાય છે. નાની સરખી ગાડી ધીરે ધીરે આગળ ને આગળ દોડ્યે જાય છે તેની સાથે તેનું મન પણ જુદી જુદી કલ્પના કરતું જાણે કે દોડવા માંડે છે.

ઋષિકેશનું સ્ટેશન આવી પહોંચ્યું. સ્ટેશન છેક જ નાનું છે. ગાડી હવે અહીથી આગળ નથી જતી. સ્ટેશનથી ગામમાં જવાનો રસ્તો તદ્દન એકાંત ને જંગલનો છે. ઊંચા ઊંચા પર્વતો યાત્રીઓનું સ્વાગત કરવા ઊંચી આંખ કરીને ન જાણે કેટલાય કાળથી ઊભા રહ્યા છે. તેમનો દેખાવ કેટલો બધો સુંદર છે. અંગ્રજી કવિ વર્ડ્ઝવર્થનું દિલ જેમ મેઘધનુને જોઇને ઉછળી રહેતું તેમ તેમને જોઇને રસિક જનનું હૃદય ઉછળવા માંડે છે.

ઋષિકેશ ને હરદ્વારમાં કેટલો બધો ફેર છે ? એક ગોકુળ ને બીજુ મથુરા. એક બેટ ને બીજુ દ્વારકા. ઋષિકેશનું વાતાવરણ ગામડા જેવું વધારે ને હરદ્વારનું વાતાવરણ શહેરી. ઋષિવરોનું યાદ દેનારી ઋષિકેશની ભૂમિને મેં પ્રણામ કર્યાં. એ ભૂમિનો સ્પર્શ કેટલો બધો પાવનકારી હતો ? એ ભૂમિ કેટકેટલાં પ્રસ્થાન ને મહાપ્રસ્થાનોની સાક્ષી હતી ? કેટકેટલા તપસ્વી, યોગી, રાજર્ષિ ને મહર્ષિને તેણે પોતાને ખોળે આશ્રય આપીને રમાડ્યા હતા, અને આત્મિક ઉન્નતિની આતુરતાવાળા કેટકેટલા માનવબાળોને શાંતિ આપેલી ? કેટકેટલા મહાનુભાવો જીવનના અંતિમ કાળમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરવા ને શાંતિ મેળવવા અહીં આવ્યા હતા ? વ્યાસ, વાલ્મિકી, શુકદેવ, દત્તાત્રેય, ભગીરથ, શંકર, પાંડવ ને શંકરાચાર્યની ચરણરજથી પવિત્ર થયેલી એ ભૂમિ અતીતકાળથી તે આજ લગી કેટકેટલા સંતો ને સાધારણ માનવોના આકર્ષણનું કેન્દ્ર બની છે તે કોણ કહી શકે ! ભારતની જ નહિ પણ ભારતની બહારની પ્રજા પણ તેનું દર્શન કરવા સદા આતુર રહી છે. તેનો મહિમા તેમના કાન સુધી પહોંચી ચૂક્યો છે. ને તેથી જ માતાની પાસે બાળકો દોડી આવે તેવી માયા ને મમતાથી દેશ ને વિદેશના ન જાણે કેટલાય બાળકો તેની પાસે દોડી આવે છે. ગંગા ને હિમાલયનું જાદૂ સામાન્ય માણસને પણ સદા આકર્ષ્યા કરે છે. એ બે શબ્દોની સાથે ભારત ને તેની સંસ્કૃતિનો સૈકા જૂનો ઇતિહાસ સંકળાયેલો છે. તે બંનેથી સુશોભિત થયેલી ભૂમિ પર પગ મૂકતાંવેંત મને ભારતના મહાન ઋષિવરોની યાદ આવી ને મારું હૃદય લળી પડ્યું. એ ભૂમિના દર્શન માટે કેટકેટલા દિવસોથી મેં સ્વપ્નાં સેવેલાં ને કેવા કેવા મનોરથ કરેલા ? ઇશ્વરની કૃપાથી તે સફળ થવાથી મારા અંતરમાં આનંદ આનંદ છવાઇ રહ્યો. જીવનની મંગલતાના મહોત્સવમાં હું શામેલ થઇ રહેલો. પ્રાચીન ઋષિવરોની પંક્તિને શોભાવવા ને તેમની પરંપરાને જીવતી રાખવા હું તૈયારી કરી રહ્યો હતો. મારું હૃદય ભાવના ને મહત્વકાંક્ષાથી ભરેલું હોવાથી તેમાં જુદા જુદા ભાવો પ્રકટી રહ્યા.

આખરે હું શિવાનંદ આશ્રમ પાસે આવી પહોંચ્યો. સ્ટેશનથી આશ્રમનો માર્ગ ઘણો લાંબો હતો, છતાં પણ અંતરમાં ઉત્સાહ હોવાથી ભૂખ અને થાકની પરવા કર્યા વિના તેને સહેલાઇથી કાપી નાખ્યો. માર્ગમાં સંતસાધુના મઠ અને આશ્રમો આવતા. કોઇવાર સાધુપુરુષોના દર્શનનો લાભ પણ મળતો. ઋષિકેશ વધારે ભાગે સાધુ સંતોનું જ ગામ છે એવી છાપ મારા મન પર પડ્યા વિના ના રહી. ગંગાને કિનારે પસાર થતો પગદંડીનો રસ્તો ખૂબ જ સુંદર દેખાતો. ગંગાનું દર્શન કરતાં કરતાં તે પરથી હું પસાર થયો.

શિવાનંદ આશ્રમનું સ્થાન એકાંત અને રમણીય હતું. પાસે જ ગંગા હોવાથી તેની રમણીયતામાં વધારો થતો. જોનારાના મનને પહેલી જ નજરે આકર્ષ્યા વિના રહેતું નહિ. આશ્રમ તે વખતે ઘણો નાનો હતો. ચાર-પાંચ મકાનનો બનેલો આશ્રમ જોઇને મને આનંદ થયો. આશ્રમની ઓફિસમાં જઇને મેં એક સંન્યાસી મહારાજ સાથે થોડીક વાતો કરી. શિવાનંદજીના દર્શન માટે મારું મન ઉત્સુક હતું. પરંતુ મારે જરા રાહ જોવી પડી. કેમ કે દર્શન ને મિલનનો સમય સાંજના પાંચ પછીનો હતો. વચગાળાનો વખત આશ્રમના સંતપુરુષોની સાથે વાર્તાલાપ કરવામાં વહી ગયો.

 

 

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok