Wednesday, August 12, 2020

સ્વામી શિવાનંદની મુલાકાત

 ગંગાના પવિત્ર તટ પર એક નાનું સરખું મકાન હતું. તેની બહારની ઓસરીમાં સ્વામી શિવાનંદ આંટા મારતા હતા. ત્યાં જઇને મેં તેમનું દર્શન કર્યું. તેમનું મુખમંડળ સહેજ ગંભીર હતું. કોઇ ઊંડા ચિંતનમાં ડૂબ્યા હોય તેવી તેમની દશા હતી. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. પહેલી નજરે જ જોનારના મન પર તેની છાપ પડતી. તેમને પ્રણામ કરીને હું તેમની પાસે ઊભો રહ્યો. તેમણે મને ઓળખી લીધો. મારા વિગતવાર લખેલા પત્રની તેમને યાદ હતી. મને જોઇને તે ખુશ થયા, પણ તેમના મુખ પર જરા અણગમાની છાયા ફરી વળી. તેનું કારણ સ્પષ્ટ હતું. એમના આશ્રમમાં હું આટલો વહેલો આવી પહોંચીશ તેની તેમને કલ્પના પણ ન હતી. મારા પત્રના પ્રત્યુત્તરમાં તેમણે ઉત્સાહજનક પત્ર લખેલો એ સાચું પણ તેમાં મારે હજી થોડી રાહ જોવી એવું જણાવેલું. યોગ્ય સમય આવતાં મને બોલાવી લેવામાં આવશે એવી સૂચના કરવામાં આવેલી. તેનો ઉલ્લેખ મેં આગળ કરી દીધો છે. પરંતુ મારું બધું ધ્યાન 'યોગ્ય સમય' જેવા શબ્દો પર કેન્દ્રિત થયું હતું. તે શબ્દો વિવાદાસ્પદ હતા. મને લાગતું હતું કે મારા જીવનમાં યોગ્ય સમય આવી ગયો છે. તેને માટે મેં લાંબા વખતથી જાગ્રત રહીને જીવનની શુદ્ધિની સાધના કરી છે. તે સાધનાનો ખ્યાલ દૂરના અપરિચિત માણસને ભાગ્યે જ આવી શકે, કોઇ સારા સંતપુરુષને પણ ના આવી શકે. પત્રના સ્થૂલ સાધન દ્વારા તેની ઝાંખી કેવી રીતે કરાવી શકાય ? માટે જ મેં ઋષિકેશ પહોંચીને શિવાનંદજીને મારી પરિસ્થિતિથી વાકેફ કરવાનો વિચાર કર્યો હતો. મને ખાતરી હતી કે મારી મનોદશા ને જીવનશુદ્ધિની સાધનાથી પરિચિત થયા પછી તે મને આશ્રમમાં રહેવાની ના નહિ પાડે. તેને માટેનો 'યોગ્ય સમય' આવી ગયો છે તેની તેમને ખાતરી થશે.

કિન્તુ મારો ખ્યાલ ખોટો નીકળ્યો. તેમણે મને જોઇને કહ્યું: 'તમે આવી ગયા ? તમે ઉતાવળ કરી. પત્રમાં મેં તમને રાહ જોવાની સૂચના કરેલી.'

મેં કહ્યું: 'બરાબર છે, મને તેની યાદ છે. પણ મારાથી અહીં આવ્યા વિના રહી શકાયું નહિ. મને પરમાત્માના સાક્ષાત્કારની લગની લાગી છે. તે માટે હું સતત પ્રયાસ કરું છું. જગતમાં બધે મને પરમાત્મતત્વની ઝાંખી થયા કરે છે, પરંતુ તે તત્વને સાક્ષાત્ કરી તેનું સાકાર દર્શન કરવાની મારી ઇચ્છા છે. વળી સમાધિદશાનો અનુભવ કરીને તેને મારી અંદર પ્રત્યક્ષ કરવાની અથવા અનુભવવાની પણ અભિલાષા છે. મારી ઇચ્છાની પૂર્તિ વિના મને શાંતિ મળવાનો સંભવ નથી. બીજા કોઇ વિષયમાં મારું મન લાગતું નથી ને મને ચેન પણ નથી પડતું. આવા શાંત વાતાવરણમાં મને રહેવા મળે, તો થોડા વખતમાં મારી ઇચ્છા પૂરી થાય ને મને શાંતિ મળી શકે. એટલે અહીં રહેવાનો નિશ્ચય કરીને જ હું આવ્યો છું.'

તેમના મુખ પરની ગંભીરતા સહેજ ઘટી ગઇ. તેમણે મારી વાતને શાંતિપૂર્વક સાંભળીને ઉત્તર આપ્યો: 'તમારી વાત સમજી શકાય છે, પણ અહીં આશ્રમમાં પૂરતી વ્યવસ્થા નથી, માટે હજી થોડો વખત ગુજરાતમાં જઇને રાહ જુઓ, પછી હું તમને બોલાવી લઇશ.'

મને વિચાર થયો કે પ્રભુ મારી પરીક્ષા કરી રહ્યા છે કે શું ? હિમાલયમાં રહેવાનો વિચાર કરીને તો હું આવ્યો છું. હવે હું ખાલી હાથે પાછા ફરવાનો વિચાર જ કેવી રીતે કરી શકું ? રણમાં કૂદી પડ્યા પછી શત્રુની શક્તિનો વિચાર કરીને પીછેહઠ કરવાનું ને છેવટે નાસી જવાનું કામ શૂરવીર સૈનિકને માટે સારું ગણાય ? યુદ્ધના મેદાનમાં તો મુશ્કેલી જ હોય, એકેકથી ચડીયાતા હથિયારોનો સામનો કરવાની તૈયારી સાથે જ ત્યાં જવાનું હોય. જે વિપત્તિથી ડરે, ઘા જોઇને ગભરાઇ જાય ને વેદનાનો વિચાર કરીને જેના પગ ધ્રૂજવા માંડે તે યુદ્ધ કેવી રીતે કરી શકે ? તેને વિજય પણ કેવી રીતે મળી શકે ? આત્મિક ઉન્નતિના માર્ગનું પણ એવું જ સમજી લેવાનું છે. તેમાં પણ મુશ્કેલી, વિપત્તિ ને વેદનાનો સામનો કરવો પડે છે. બહારના દુશ્મન કરતાં વધારે પ્રબળ એવા અંદરના દુશ્મન સામે મેદાને ઉતરવું પડે છે. યુદ્ધમાં જોઇએ તેથી પણ વધારે બહાદુરીની તેમાં જરૂર પડે છે. કાયર પુરુષનું તેમાં કામ નથી. મજબૂત મનોબળવાળા માનવો જ તેમાં સફળ થઇ શકે છે. એટલે મુશ્કેલીનો વિચાર કરીને પાછા પડવાનું કામ બરાબર નથી. મુશ્કેલી હોય તોપણ હિંમત હાર્યા વિના સદા આગળ ને આગળ વધવું જોઇએ.  'ડગલુ ભર્યું તે ના હઠવું, ના હઠવું' - એ સૂત્રને તેણે દિલમાં લખી રાખવું જોઇએ. એ વાતનો મને ખ્યાલ હતો. એટલે સ્વામીજીએ આપેલી પાછા જવાની સલાહ મને રુચિ નહિ.

કૈંક કરુણ સ્વરમાં મેં કહેવા માંડ્યું: 'મારી ભાવના પૂરી ના થાય ને મને પૂર્ણ શાંતિ ના મળે ત્યાં સુધી કોઇયે સંજોગોમાં મારો પાછા જવાનો વિચાર નથી. કોઇક કલ્પના કે ભાવમાં તણાઇ જઇને તંરગી મનોદશાને લીધે હું અહીં આવ્યો નથી, પણ ઇશ્વરરૂપી 'મા'ની કૃપા મેળવવાના ચોક્કસ હેતુથી, આવ્યા વિના રહેવાયું નહિ તેથી આવ્યો છું. મુશ્કેલીઓનો સામનો કરવાની મારી તૈયારી છે. અગવડમાં રહીને પણ સગવડ શોધી લેવાની મારી ઇચ્છા છે. માટે જ આશ્રમમાં રહેવાની ઇચ્છાથી આવ્યો છું. મને આશ્રમમાં જગ્યા નહિ મળે તોપણ હું પાછો તો નહિ જ જઉં. અહીં રહેવા નહિ મળે તો હું આગળ પહાડમાં જઇશ ને ઇશ્વરની કૃપા માટે મહેનત કરીશ.'

'પહાડમાં ક્યાં જશો ? પહાડમાં તમને ખાવાનું કોણ આપશે ?' સ્વામીજી તરત બોલી ઉઠ્યા.

મેં કહ્યું: 'ખોરાકની મને ચિંતા નથી. ઇશ્વરના હાથમાં મેં મારી જાતને સોંપી દીધી છે. એટલે તે મારી સંભાળ લેશે ને મારું મંગલ કરશે. ઇશ્વર જ્યાં લઇ જશે ત્યાં હું જઇશ. ને ખાવાનું નહિ મળે તો ભૂખ્યો રહીશ. પણ મારી ભાવના પૂરી કરીને જ જંપીશ ને શાંતિનો શ્વાસ લઇશ.'

મારા શબ્દોની અસર તેમના પર કેવી થઇ તે પ્રભુ જાણે, પણ તેમણે કહ્યું: 'ઠીક, હમણાં આરામ કરો. પછી જોઇ લેવાશે.' અને અમે છૂટાં પડ્યાં.

ઋષિકેશમાં શિયાળાની ઋતુમાં સાંજ પડતાં વાર લાગતી નથી. થોડા જ વખતમાં આકાશ સંધ્યાની રંગોળીથી રંગાઇ ગયું. આશ્રમમાં તે વખતે સ્વામી કૃષ્ણાનંદ હતા. તેમણે મને મમતાભરી ભાષામાં બોલાવ્યો. તેથી હું તેમની પાસે ગયો. તે ટાઇપનું કામ કરતા હતા. સ્વામીજી એક સારા લેખક હતા. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રચારમાં તે માનતા. તેથી એક અંગ્રેજી માસિક ચલાવતા. બીજી કેટલીક પ્રવૃતિ પણ આશ્રમમાં ચાલતી. કૃષ્ણાનંદજી તેમાં ખાસ ભાગ ભજવતા. મને જોઇને તે મારી સાથે વાતો કરીને ખૂશ થયા. તેમના પોતાના જીવનપ્રવાહની વાતો પણ તેમણે કહી બતાવી. મારા પર તેની સારી અસર થઇ. કૃષ્ણાનંદ મદ્રાસ તરફના યુવાન હતા. તેમના વિચાર ને સંસ્કાર ઘણાં ઉંચા હતા. તેમની સાથે સ્નેહસંબંધ કરતાં મને વાર ના લાગી.

આશ્રમમાં એક બીજા મદ્રાસી યુવાન સંન્યાસી હતા. તેમનું નામ રામચંદ્ર હતું. તે પણ ભારે સંસ્કારો ને પવિત્ર પ્રકૃતિના હતા. તેમની સાથે પણ મારે સ્નેહ થયો. તેમણે મને ઉત્સાહ આપ્યો.

આશ્રમના સભ્યો પાસેથી સ્વામીજીના જીવનનો એક પ્રસંગ મને જાણવા મળ્યો. એ પ્રસંગ તાજેતરમાં જ બનેલો. આશ્રમજીવનના સંચાલન અથવા કોઇ બીજી વસ્તુની અસરથી સ્વામીજીનો વૈરાગ્યભાવ ખૂબ જ પ્રબળ બન્યો. તેને લીધે એક દિવસ તે કોઇને પણ કહ્યા વિના, આશ્રમનો ત્યાગ કરીને કોઇ અજાણ્યા સ્થળે ચાલી નિકળ્યા. એ આકસ્મિક બનાવને લીધે આશ્રમના મંત્રી ને સભ્યો ચિંતામાં પડ્યા. આશ્રમના માસિકમાં તેમણે સ્વામીજીના ફોટા સાથે વિજ્ઞપ્તિ બહાર પાડી. તેમાં તેમનું દુઃખ સ્પષ્ટપણે ઠલવાયેલું દેખાતું. તેમણે સ્વામીજીનો સવિસ્તાર પરિચય આપીને જાહેર જનતાને વિનંતી કરી કે જે સ્વામીજીના સમાગમમાં આવે અથવા સ્વામીજીના દર્શન કરવાનું જેને સૌભાગ્ય મળે તેણે આશ્રમમાં તરત જ ખબર આપવી. આશ્રમના સભ્યોના સ્વામીજી પ્રત્યેના પ્રબળ પ્રેમ ને પૂજ્યભાવનું તેમાં દર્શન થતું હતું. સ્વામીજી આશ્રમના વાતવરણથી કંટાળી ગયા કે જે હેતુને માટે તેમણે પ્રવૃતિમય સાંસારિક જીવનનો ત્યાગ કરીને હિમાલયમાં વાસ કર્યો તે હેતુની સિદ્ધિ સારુ વિશેષ સાધના કરવા એકાંતનો આશ્રય લેવાની ઇચ્છાથી આશ્રમનો ત્યાગ કરી ગયા ? તેમના ત્યાગની પાછળ સાચું કારણ કયું હતું તે તો તે જ કહી શકે. તેમના વિના બીજા કોઇને તેની સમજ કેવી રીતે પડી શકે ? તે વાતની ચર્ચા પણ નકામી છે. પણ પોતે જ ઊભા કરેલા સંગીનરૂપે ચાલતા આશ્રમના ત્યાગનો પ્રસંગ તેમના આજ સુધીના ત્યાગમય જીવનને શોભાવે તેવો હતો, તેમાં સંદેહ નહિ. તે પ્રસંગની માહિતી મળવાથી મારો તેમના પ્રત્યેનો પ્રેમભાવ વધ્યો.

પણ એ પ્રસંગ લાંબો ના ટક્યો. આશ્રમ ને આશ્રમવાસીઓના સદભાગ્યે એક દિવસ સ્વામીજી પોતાની મેળે જ આશ્રમમાં પાછા આવ્યા અને આશ્રમને સંભાળવા માંડ્યા. મારે તેમના આશ્રમમાં જવાનું થયું ત્યારે તે પ્રસંગ તાજો જ બનેલો.

આશ્રમમાં કેટલીક પ્રવૃતિઓ ચાલતી. તે જોઇને મને થયું કે આવી પ્રવૃતિ તો ઘેર રહીને પણ થઇ શકે. તે કરવા સાધકો અહીં શા માટે આવતા હશે ? આશ્રમમાં તો કેવળ સાધના જ હોય. તેથી પહેલે દિવસે આશ્રમની છાપ મારા પર બહુ સારી ના પડી. પણ વરસો વીતતાં મને લાગ્યું કે મારો વિચાર ને ખ્યાલ અધૂરો હતો. સાધકો બધો સમય સાધનામાં ભાગ્યે જ ગાળી શકે છે, તેથી બાકીના સમયમાં તે સાધનામાં બાધક નહિ પણ સાધક પ્રવૃતિ કરે તે ખોટું નથી. તેથી તેમને ને બીજાને લાભ જ થશે. સાધનામાં જ મગ્ન બનેલા ઉચ્ચ કોટિના સાધકોને બાદ કરતા બીજા સાધકો સાધના સાથે પ્રવૃતિપરાયણ બને તે સારું છે, એ વિશે અહીં વિશેષ ચર્ચામાં નહિ ઉતરું. અહીં તો એટલું જ કહીશ કે આશ્રમમાં રહીને કે સ્વતંત્રપણે માણસ પ્રવૃતિ કરે તે ખોટું નથી. પણ પ્રવૃતિના નાદમાં બાહ્ય પ્રવૃતિને જ સર્વ કાંઇ સમજીને આત્મિક વિકાસની વ્યક્તિગત સાધનની તેણે ઉપેક્ષા કરવાની નથી. આત્મિક વિકાસની સાધનાનું સ્થાન સૌથી પહેલું છે એ હંમેશ માટે યાદ રાખવાનું છે.

 

 

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok