Wednesday, August 12, 2020

વડોદરાનો નિવાસ

 કવિઓ કેટલીક વાર જીવનને નદી સાથે સરખાવે છે. નદી કેવી સતતતાથી સાગર તરફ વહ્યા કરે છે ! જીવન પણ તેવી રીતે પૂર્ણતાની દિશામાં પ્રગતિ કર્યા કરે છે. સદાને માટે તે સીધા ને સપાટ પ્રદેશમાંથી જ વહે એમ નથી. નદીની પેઠે તેનો પ્રવાહ પણ કદીક કાંકરા ને પત્થરમાંથી, કદીક ખાડા ને ટેકરા તો કદીક સપાટ મેદાનમાંથી વહ્યા કરે છે. અવનવા અનુભવમાંથી તેને પસાર થવું પડે છે. કોઇવાર મંદ તો કોઇવાર ગંભીર ને કોઇવાર ઝડપી ગતિથી તે આગેકૂચ ચાલુ રાખે છે. પોતાની સહજ સાધના, આરાધના ને પોતાનો વિકાસ કરતાં કરતાં બીજાને માટે તે મદદરૂપ થઇ પડે છે. એની અમૃતમય અંજલિ લઇને કેટલાય આત્માઓ આરામ મેળવે છે, અંતરની તરસ મટાડે છે, ને સંસારમાં સંતપ્ત એવા અનેક જીવો એમાં સ્નાન કરીને શાંતિનો અનુભવ કરે છે, ત્રિતાપમાંથી મુક્તિ મેળવે છે. ટાઢ ને તાપમાં તપસ્યા કરવાનો, નિંદાસ્તુતિમાં સમાન રહેવાનો ને સમતાથી સંપન્ન થવાનો લેખ તેના લલાટમાં લખાઇ ચૂકેલો છે. કર્તવ્યપરાયણતા ને બધા પ્રકારની પરિસ્થિતિમાં પ્રમાદનો પરિત્યાગ એ તો તેનો જન્મજાત સ્વભાવ છે. એટલે તે એક સ્થળમાં અને એક વ્યક્તિની પાસે ઘર કરી બેસવાને બદલે નિરંતર આગળ ને આગળ ધપ્યા કરે છે. અનેક સ્થળો ને વ્યક્તિઓ સાથે સંબંધ સાધે છે. મારા જીવનપ્રવાહનું પણ તેવું જ હતું. કવિઓએ કરેલી સરખામણી ને કલ્પના મારા જીવનમાં સાચી ઠરતી હતી. અનેકવિધ અનુભવોમાંથી પસાર થઇ રહેલો મારો જીવનપ્રવાહ ઇશ્વરની ઇચ્છા પ્રમાણે ઇશ્વરને લક્ષ્ય કરીને જુદા જુદા સ્થળમાં વહ્યા કરતો. ભાદરણની ભૂમિ પરથી વહીને તેણે વડોદરાની ભૂમિમાં વહેવાનું શરૂ કર્યું.

વડોદરામાં શરૂઆતના થોડા દિવસો તો કોઇ કામની શોધમાં એમ ને એમ પસાર થઇ ગયા. પણ પાછળથી આશાનું કિરણ મળી ગયું. લોહાણા બોર્ડીંગના ગૃહપતિ શ્રી ભવાનીશંકર શાસ્ત્રી બહુ અનુભવી ને વિદ્વાન હતા. તેમનો મારા પર પ્રેમ હતો. તેમણે મને વિદ્યાર્થીઓની દેખરેખનું કામ સોંપ્યું. વિદ્યાર્થીઓના ચારિત્ર્યના સુધારનું તેમજ તેમનામાં સારા સંસ્કારો ઉત્પન્ન થાય તેવી સામૂહિક પ્રવૃતિઓ ચલાવવાનું ખાસ કામ મારે કરવાનું હતું. તે ઉપરાંત વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવાનું ને તેમના પ્રશ્નો પતાવવાનું પણ મારે માથે હતું. મને એવા કામમાં રસ પણ હતો. મારું શરૂઆતનું જીવન અનાથાશ્રમ જેવી સંસ્થામાં વીત્યું હોવાથી બાળકોના માનસ ને પ્રશ્નોનો અભ્યાસ કરવાની મને તક મળેલી હતી. બાળજીવન ને છાત્રાલયોના પરસ્પરના સહાયક સંબંધ વિશે મેં સારા પ્રમાણમાં વિચાર કરેલા. એટલે શાસ્ત્રીજીએ સંસ્થામાં મારી નિયુક્તિ કરી તેથી મને આનંદ થયો. શાસ્ત્રીજીની ઇચ્છા મને તાલીમ આપીને ધીરે ધીરે તેમની જગ્યાએ ગૃહપતિપદે નીમવાની હતી. તે ઇચ્છાની અભિવ્યક્તિ તેમણે મારી આગળ અનેક વાર કરેલી. પરંતુ પાછળના દિવસોમાં મારા જીવનપ્રવાહે જે એકાએક પલટો ખાધો, તેને લીઘે તે ઇચ્છાનો સ્વીકાર કરવાનું મને ઠીક ના લાગ્યું. એટલે વાત ત્યાં જ અટકી પડી.

બોર્ડીંગના નિવાસ દરમ્યાન વિદ્યાર્થીઓની દૈનિક પ્રાર્થનામાં ભાગ લેતો, તેમના રોજના પ્રશ્નોમાં રસ લેતો ને તેમના જીવનને નિર્ભય, સ્વચ્છ ને સદાચારી કરવા બનતા પ્રયાસ કરતો. વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવવા તરફ મારું ધ્યાન હંમેશા રહેતું. પરિણામે વિદ્યાર્થીઓ મને પ્રેમભાવથી જોતા થયા. રવિવારે ચર્ચાસભા પણ યોજવામાં આવતી. તે દરમ્યાન વિદ્યાર્થીઓ નક્કી કરેલા વિષય પર વાર્તાલાપ કરતા. કાર્યક્રમની પૂર્ણાહૂતિ પ્રસંગે હું તેમને કેટલીક જરૂરી સૂચના આપતો. એ કાર્યક્રમ ઘણો પ્રિય થઇ પડ્યો.

ઇ.સ. ૧૯૪૨નું વરસ ભારતના સત્યાગ્રહ જંગનું મહત્વનું વરસ હતું. આઝાદીની લડત તે વખતે પુરજોશમાં ચાલી રહેલી. 'કરેંગે યા મરેંગે'ની ભાવના દેશના નેતાઓ ને પ્રજાજનોના મનમાં કામ કરતી. દેશી રાજ્યોની પ્રજામાં પણ જાગૃતિ આવેલી ને વડોદરામાં પણ એની અસર સારા પ્રમાણમાં દેખાતી. આજ વરસના ઓગષ્ટ મહિનાની નવમી તારીખે મહાત્મા ગાંધીજીએ 'ભારત છોડો'નો જબરદસ્ત ધ્વનિ વહેતો મૂક્યો ને પ્રજાએ તેને પ્રેમ ને ઉત્સાહથી ઝીલી લીધો. ભારતની આઝાદીના ઇતિહાસમાં એ દિવસો સોનેરી અક્ષરે લખી લેવાય તેવા પ્રાણવાન ને અમર હતા. આઝાદી માટે પ્રજાનો ઉત્સાહ તે વખતે અનેરો જ હતો. મારા હૃદયમાં દેશ માટે પ્રેમ હતો. દેશની સ્વતંત્રતા મને પ્રિય હતી. એટલે દેશની સ્વતંત્રતાની પ્રવૃતિને હું આદરભાવથી જોતો. બીજા સાધકો ને સંતપુરુષોની પેઠે દેશના મંગલની પ્રવૃતિને હું મિથ્યા માનતો ન હતો. મને તેની અગત્ય ને ઉપકારકતાની ખબર હતી. તેની પાછળ ઇશ્વરનો હાથ છે, ઇશ્વરનું ચોક્કસ વિધાન કામ કરી રહ્યું છે, ને તે પ્રમાણે દેશને સ્વતંત્રતાની પ્રાપ્તિ થશે જ થશે, એ વાતમાં મને વિશ્વાસ હતો. જે ધર્મ, સાધના, આધ્યાત્મિકતા કે ફિલસૂફી ઘર, કુટુંબ, સમાજ, દેશ ને દુનિયાની અવગણના કરે ને તેમના પ્રશ્નોને મિથ્યા માનીને તેનો ઉપહાસ કરે તે ધર્મ, સાધના અને આધ્યાત્મિકતા મને પસંદ ન હતી ને તેવી ફિલસૂફીમાં મને વિશ્વાસ ન હતો. તેનો પ્રણેતા ગમે તેટલો મહાન ને શક્તિશાળી હોય તો પણ મારા અંતરને આકર્ષી શકવા સમર્થ ન હતો. ગાંધીજીની પદ્ધતિ તેથી ઉલટી હતી. દેશ ને દુનિયાના હિતની ચિંતા કરતાં તે ફરતા. દીન, દુઃખી, પીડિત ને તિરસ્કૃતની કલ્યાણભાવના તેમના દિલમાં કાયમ હતી. તેથી મને તેમના પ્રત્યે પ્રેમ હતો. તેમની પ્રવૃતિના સમાચાર હું રસપૂર્વક સાંભળતો.

એ દિવસોમાં હું નિયમિત રેંટિયો ફેરવતો. ખાદી પહેરવાની શરૂઆત તો મેં જી. ટી. બોર્ડીંગમાં રહેતી વખતે જ કરી દીધેલી. એટલે તે ક્રમ ચાલુ જ રહ્યો.

ગાંધીજી તે વખતે કોંગ્રેસની નીતિ નક્કી કરતા ને દેશને દોરવણી આપતા. દેશની સ્વતંત્રતાના મહાન યજ્ઞમાં સક્રિય ભાગ લેવાનું અને આહૂતિ આપવાનું મન મને પણ થયા કરતું. પણ મારી મર્યાદાની મને માહિતી હતી. મારી સમજ ને શક્તિની સીમા મને ખબર હતી. વળી સ્વતંત્રતાની લડત તરફનો મારો દૃષ્ટિકોણ જરાક જુદો હતો. શ્રી અરવિંદને લખેલા પત્રમાં વ્યક્ત કરાયેલા વિચારોની અસર મારા પર કાયમ હતી. તે દશામાં હજી વધારે ને વધારે સાધના કરવાની ને લોકોત્તર શક્તિ મેળવવાની આવશ્યકતા મને સ્હેજે જણાયા કરતી. એવી શક્તિ ને યોગ્યતા વિના ગાંધીજીને મદદ કરીને દેશના હિતનું કામ કરવાનું મને મુશ્કેલ લાગતું. એટલે 'તીરે ઉભા જુએ તમાશો'ની નીતિ અપનાવ્યા વિના મારે માટે કોઇ ઉપાય ન હતો. સભામાં ભાગ લેવો, પ્રવચન કરવા, સરઘસમાં જોડાવું, ને જેલમાં જવું, એ બધી વાતોને પોતાનું મહત્વ જરૂર હતું. પણ મારા માનસિક ઘડતર પ્રમાણે મને તે વાતો ઘણી સાધારણ લાગતી. તેથી તેનો અમલ કરવાનું કે તેમાં ભાગ લેવાનું મને ગમતું નહિ. મારો સ્વભાવ જ પહેલેથી કોણ જાણે કેમ પણ એવો છે કે મને સેનાના સૈનિક થવાનું નહિ પણ સેનાની થવાનું જ ગમે છે. આગળની હરોળમાં સૌથી આગળ ઊભા રહેવાની જ મારી ભાવના હોય છે. મારું મન અસાધારણની જ ઉપાસના કરે છે. એટલે સાધારણ શ્રેણી કે વસ્તુમાં લાગતું નથી. ફૂલની માળાની જેમ કાં તો ઇશ્વરના પરમ કૃપાપાત્ર થઇને સંસારના શિખર પર ચઢી જવું કે તે પછી વનમાં જ - એકાંતમાં જ ગુપ્તરૂપે કરમાઇ જવું મને વધારે પસંદ પડે છે. મનસ્વી પુરુષોની બે પ્રકારની ગતિ ગણાવતો એક સંસ્કૃત શ્લોક મારા સંબંધમાં સારી રીતે લાગુ પડે છે.

कुसुमस्तवकस्यैव द्वे गतीस्ते मनस्विनः ।
मुर्ध्नि वा सर्वलोकस्य विशीर्येत वनेऽथवा ॥

 

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok