Wednesday, August 12, 2020

દેશસેવાની ભાવના

 એ અરસામાં ગાધીજીએ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યું કે તેમના વારસ જવાહરલાલ નહેરુ છે ને પોતાની પાછળ તે તેમની પસંદગી કરે છે. તે દિવસ મને યાદ છે. તે વખતે હું વડોદરાની એક લાયબ્રેરીમાં હતો. ત્યાં મેં તેમનું નિવેદન વાંચ્યું ત્યારે મારું હૃદય મહત્વાકાંક્ષાથી ભરાઇ જઇને અજબ ભાવો અનુભવવા માંડ્યું. મને થયું કે ગાંધીજીને હજી મારી ખબર નથી. નહિ તો તે પોતાના વારસ તરીકે જવાહરનું નામ ના દેત. જવાહર તેમના રાજકીય વારસ જરૂર થઇ શકશે પણ આધ્યાત્મિક વારસ તો હું છું. તેમના પછી સંસારને આધ્યાત્મિક સંદેશ આપવાનું કામ મારે જ કરવાનું છે. તે માટે જ મારો જન્મ થયો છે ને ઇશ્વરની ઇચ્છા પણ તેવી જ છે. તે સત્ય થઇને જ રહેશે. તેવા વિચાર ને ભાવથી મારું મન ભરાઇ ગયું. તે વાતની સ્મૃતિ આજે પણ કાયમ છે.

આ પ્રસંગ વાંચીને કોઇએ ગેરસમજ કરવાની કે ભ્રમણામાં પડવાની જરૂર નથી. આમાં કોઇએ આત્માભિમાનની છાયા પણ જોવાની નથી. આ પ્રસંગ તો મેં એટલા માટે જ નોંધ્યો છે કે તેથી મારા મનની તે વખતની ઉચ્ચ વિચારસરણી, ભાવના ને મહત્વકાંક્ષાનો ખ્યાલ આવે. મારા મનની તે વખતની અવસ્થાનો આ પ્રસંગ પરથી સહેજે ખ્યાલ આવી શકશે. જીવનના ઉજ્જવલ અને મહાન ભાવિની મારી કામનાનો પરિચય મળશે. મારી કલ્પના અને આકાંક્ષાના તરંગો કેટલા ઊંડા અને અનંત હતા તેની સમજ પડશે. મારી વિચારધારા કઇ દિશામાં વહી રહી હતી ને જીવનના હેતુનું હિમશિખર મેં કેટલું ઉંચુ ને અનેરુ કલ્પી રાખ્યુ હતું તેની સાધારણ સમજ માટે આ પ્રસંગ પૂરતો છે ને તેથી જ તટસ્થભાવે મેં તેની રજૂઆત કરી છે. મારા અંતરમાં તે વખતે ઉત્તમ અને અસાધારણ જીવનનો આદર્શ ઉછાળા મારી રહ્યો હતો. મહાન બનવાની, આધ્યાત્મિક સાધનાના ગુરુશિખરને સર કરવાની, ને દેશ તથા દુનિયામાં પ્રકાશ પાથરી યશસ્વી થવાની મહત્વકાંક્ષા મારા મનમાં દિનરાત કાયમ રહેતી. આત્મશ્રદ્ધાની અલૌકિક જ્યોતિ અંતરમાં જલ્યા કરતી. તેની વધારે સ્પષ્ટતા માટે એક બીજી વાતનો ઉલ્લેખ કરી લઉં. સ્વામી રામતીર્થ ને વિવેકાનંદના વ્યાખ્યાનોમાં મેં વાંચેલું કે ઉન્નતિનો સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમ તરફ ચાલ્યો ગયો છે, પરંતુ હવે પશ્ચિમની પ્રદક્ષિણા પૂરી કરીને ફરીવાર તેની પ્રગતિ પૂર્વ તરફ થઇ રહી છે, એટલે થોડા જ વખતમાં પૂર્વના દેશો ને ખાસ કરીને ભારતવર્ષ સમૃદ્ધ બનવાનું ને ઉન્નતિના શિખર પર પહોંચીને સંસારને આધ્યાત્મિકતાનો સંદેશ આપવાનું શરૂ કરશે. વિવેકાનંદના વ્યાખ્યાનોમાં એમ પણ આવતું કે આવતા પચાસ વરસમાં ભારતની આધ્યાત્મિક ઉન્નતિનો સુવર્ણકાળ શરૂ થશે ને ભારત વિશ્વગુરૂ બનીને સંસારને માટે શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના મંત્રો વહેતા મૂકશે. વળી તેમણે કહેલું કે નવીન ભારતને નજીકના ભાવિમાં પ્રકટ થતું હું મારી અલૌકિક આંખે જોઇ રહ્યો છું. ભારતના એ આધ્યાત્મિક ગુરુપદ માટે એવા મહાપુરુષની જરૂર છે, જેનામાં શંકરનું મસ્તિષ્ક, બુદ્ધનું હૃદય ને કૃષ્ણ જેવા મહાપુરુષના કર્મયોગનું સંમિશ્રણ હોય. શ્રી રામકૃષ્ણદેવને તે એવા આદર્શ મહાપુરુષ સાથે સરખાવતા ને તેમની વિશેષતાનું ભારે ભક્તિભાવે વર્ણન કરતા. ભવિષ્યમાં પણ એવા મહાપુરુષનો આવિર્ભાવ થશે એમ જાહેર કરતા. ભારતના એ બંને મહાપુરુષોના લખાણો વાંચતા મારા મનમાં અનેરા ભાવોનો ઉદય થતો. તે લખાણને હું વારંવાર વાંચ્યા કરતો. દરેક વખતે મારા હૃદયમાં એવો જ ભાવ ઉત્પન્ન થતો કે આ શબ્દો મને જ લક્ષ્ય કરીને લખાયેલા છે. ભારત ને સંસારના બીજા દેશોને શાંતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ આપનાર પુરુષ હું જ છું.

વિવેકાનંદ ને રામતીર્થ તો પોતાનું કામ કરીને વિદાય થયા. પણ પછીના વરસોએ તેમની ભવિષ્યવાણીને સાચી પાડી છે. ભારત ને પૂર્વના બીજા દેશો ફરી જાગ્રત થયા છે ને ઉન્નતિના પંથે પ્રયાણ કરી રહ્યા છે. ભારતે ગુલામીમાંથી મુક્તિ મેળવી છે. મહાત્મા ગાંધી જેવા મહાન જ્યોતિર્ધરે દેશને મુક્તિનો માર્ગ બતાવીને દુનિયાને માટે પણ શાંતિ અને આધ્યાત્મિકતાના મંત્રોને વહેતા મૂક્યા છે. તેમણે પસંદ કરેલા રાજકીય વારસદારે પોતાની તટસ્થ શાંતિમય નીતિથી દુનિયાના દેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે. ભારત સમૃદ્ધિની સડક પર સફર કરી રહ્યું છે ને સફર કરતું જ રહેશે એ નક્કી છે. છેલ્લાં પચાસ વરસોમાં ગાંધીજી ઉપંરાંત ભારતમાં જે મહાન આધ્યાત્મિક જ્યોતિર્ધરો ઉત્પન્ન થયા તેમાં શ્રી રમણ મહર્ષિ તથા શ્રી અરવિંદના નામો વિશેષ ઉલ્લેખનીય છે. ભવિષ્યની વાત તો એક ઇશ્વર જ જાણે છે. છતાં તેમની પરંપરા ચાલુ રહેશે એમ નક્કી લાગે છે.

મારી આધ્યાત્મિકતા તે વખતે છેક શૈશવ દશામાં હતી એમ કહી શકાય. મારી શક્તિ, આવડત ને યોગ્યતા પણ નજીવી રહી. છતાંપણ મારી ભાવનાઓ ઉંચી ને ઉત્તમ હતી. તે બતાવવા માટે જ ગાંધીજીના નિવેદનની મારા પર થયેલી અસરનો મેં ઉલ્લેખ કર્યો છે. તેની અસર નીચે આવીને કોઇ મને મહાત્મા, મહાપુરુષ કે જ્યોતિર્ધર માનવાની ભૂલ ના કરે. અસાધારણ શક્તિઓથી સંપન્ન હોવાની ભ્રમણામાં પણ ના પડે. તેમજ મને પ્રભુના પ્રતિનિધિ તરીકે ચીતરી બતાવવાનું સાહસ પણ ના કરે. મારો તે માટેનો કોઇ દાવો પણ છે નહિ. મારી તે વખતની મનોદશાને વફાદાર રહીને મારા પર પડેલી છાપનો જ મેં ઉલ્લેખ કર્યો છે. બાકી હું તો આજે પણ એક સાધારણ માનવ છું. મારી સમજ અને મારી શક્તિ સીમિત છે. ઇશ્વર જેમ કરાવે તેમ કર્યે જાઉં છું ને દોરે તેમ દોરાઉં છું. તેની મરજી મુજબ તે મારો ઘાટ ઘડ્યા કરે છે. માણસ સાધારણ હોય તો પણ અસાધારણ વિચારોનું સેવન કરી શકે છે. વડોદરાના નિવાસ દરમ્યાન મારી દશા એવી જ હતી.

એટલું સાચું કે હું કેવળ સ્વપ્નસેવી ન હતો. વિચારો, ભાવો ને મહત્વકાંક્ષામાં નિરર્થક રીતે રમ્યા કરવાનું મને પસંદ ન હતું. ભાવના અને આકાંક્ષા મારે માટે સહજ હતી ને કુદરતી રીતે જ મારા જીવનમાં જાગ્યા કરતી. મારા સ્વભાવ ને તે વખતના જીવન સાથે તે તાણાવાણાની જેમ ભળી ગયેલી. તેને સિદ્ધ કરવા ને તે માટેની યોગ્યતા મેળવવા હું પ્રયત્નશીલ હતો. ચારિત્ર્યસુધાર ને સાધનાનો આશ્રય લઇને આત્મબળની અભિવૃદ્ધિ કરવા ને સાચા અર્થમાં મહાન બનવા હું બનતો પ્રયાસ કર્યા કરતો.

ઇ.સ. ૧૯૪૨ના ઓગષ્ટમાં 'ભારત છોડો'નું નવું આંદોલન ચાલુ થયું ત્યારે ગાંધીજી ને બીજા દેશનેતાઓને સરકારે અટકમાં લીધા. તે વખતે 'હરિજન બંધુ' માટે મેં ત્રણેક લેખ લખી મોકલ્યા, પરંતુ તે લેખ અપ્રકટ જ રહ્યા. કેમ કે તે દરમ્યાન થોડા જ વખતમાં 'હરિજન બંધુ' બંધ થયું. 'હરિજન બંધુ' બંધ ના પડ્યું હોત તો પણ મારા લેખો તેમાં પસંદ કરાત કે કેમ તે શંકાસ્પદ જ હતું. તે પસંદ કરવામાં આવે તો 'હરિજન બંધુ'માં નિયમિત કે અવારનવાર લખવાનો મારો વિચાર હતો. આના પરથી તે વખતના મારા આદર્શવાદી ને ઉત્સાહી જીવનનો ખ્યાલ આવશે. મારી તન, મન, અંતરની રચના કેવી જાતની માટીમાંથી થઇ હતી તેની થોડી પણ કલ્પના કરવાનું કામ સહેલું થશે.

નાની ઉંમરથી મારા જીવનમાં આ બે પ્રવાહો ખાસ કામ કરી રહ્યા છે. એક તો મારી વ્યક્તિગત સાધનાનો અથવા જીવનના વિકાસનો પ્રવાહ છે, એની અસર મારા પર ઘણી ભારે છે. તેણે જ મને જીવનના ઉષાકાળમાં જાગ્રત કર્યો છે ને પ્રભુના પ્રેમરંગે રંગી દીધો છે. તે ઉપરાંત બીજો પ્રવાહ બીજાને કામ આવવાનો, મદદરૂપ થવાનો ને બહાર બધે ઉત્તમ ને પૂર્ણ જીવનના મંત્રને વહેતો કરવાનો છે. તેને તમે આધ્યાત્મિકતાનો પ્રચાર કહો, સાચા ધર્મની જાગૃતિ કહો, પ્રભુના મહિમાનો પ્રસાર કહો, અથવા તો બીજાની સુખશાંતિ માટેનું કર્મ કહો, તેથી તેમાં કાંઇ જ ફેર પડતો નથી. ભાષા જુદી પણ ભાવ એક જ છે. શબ્દો અલગ અલગ, સાર એક છે. તેનો વિસ્તાર સમસ્ત માનવજાતિ ને સૃષ્ટિ સુધી વ્યાપક છે. ગંગા ને જમના જેવા આ બે પ્રવાહો મારા જીવનમાં સુમધુર સ્વરે વહ્યા કરે છે. તે વખતે પણ વહેતા.

તેથી જ મને મારી જાતનો વિકાસ કરવાની લગની લાગી. પહેલા સંપૂર્ણ ને શક્તિશાળી થવું ને પછી બીજાને સુખશાંતિનો માર્ગ બતાવવો ને મદદ કરવી એ વાત મારા મનમાં ઠસી ગઇ. બુદ્ધ, ઇસુ, કૃષ્ણ ને રામકૃષ્ણદેવની જેમ પૂર્ણ થઇને ને પરમાત્માની સંપૂર્ણ કૃપા મેળવીને મદદરૂપ થવાની વાત મને વધારે પસંદ પડતી. વિચાર કરતાં મને લાગતું કે મારે હજી ઘણી સાધના કરવાની જરૂર હતી. હિમાલયના અનુભવથી મને આનંદ થયેલો પરંતુ પૂર્ણતાનો પંથ હજી અધૂરો રહેલો. તે પંથે પ્રવાસી થઇને મારે આગળ વધવાની આવશ્યકતા હતી.

તે દિવસોમાં મારું મન યોગાભ્યાસ તરફ ખેંચાવા લાગ્યું. યોગસાધનાનો આધાર લેવાની મને ઇચ્છા થઇ.

 

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok