Friday, August 07, 2020

શાંતાશ્રમની મુલાકાત

 એ દિવસો ખૂબખૂબ મંથન ને ઉત્કટતાના હતા. ઉત્કટતા પૂર્ણ ને સિદ્ધ યોગી થવા માટેની ઈચ્છાની ને મંથન તે માટેનાં સાધનની શોધનું હતું. સિદ્ધ યોગી થવું છે; જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિથી પર થવું છે; પંચમહાભૂતના સ્વામી થવું છે, અને અખંડ આત્માનંદમાં પ્રતિષ્ઠિત બનવું છે; એ ભાવના મનમાં રાતદિવસ રમ્યા કરતી. તેની પૂર્તિ માટે ભગીરથ પ્રયાસ કરવા પડે અથવા તો લાંબા વખત લગી સાધના કરવી પડે તો પણ શું ? તે માટેની મારી તૈયારી હતી. ગંગાને પૃથ્વી પર લાવતાં પહેલાં ભગીરથને ભારે પરિશ્રમ કરવો પડ્યો હશે. તેવી રીતે સાધનાની સિદ્ધિગંગાને જીવનમાં વહેતી કરવા ભારે તપ કરવું પડે ને વિપત્તિ વેઠવી પડે તો પણ શું ? જરા પણ ડગ્યા, ડર્યા ને નિરાશ થયા વિના તે કરવાની ને વેઠવાની મારી તૈયારી હતી. વાત એમ હતી કે મને સમાધિની સિદ્ધિ હજી થઈ ન હતી. 'મા'નું સાક્ષાત્ દર્શન હજી દૂર હતું ને મારી શક્તિ પણ છેક સીમિત હતી. મારી એ ત્રુટિની મને ખબર હતી. તેને દૂર કરવાની મારી ઈચ્છા હતી. તેથી જ એક ઉત્તમ અને અસરકારક સાધન તરીકે યોગની સાધના તરફ મને આકર્ષણ થયું.

પણ એકલા આકર્ષણથી શું વળે ? એકલી દૃઢ ઈચ્છા પણ શું કરી શકે ? યોગની પ્રાણાયામ જેવી ક્રિયાઓના અભ્યાસ માટે તે ક્રિયાઓને જાણનાર કોઈ મહાન અનુભવી પુરુષની પણ જરૂર હતી. તેવા મહાપુરુષના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી જ સિદ્ધિ સાંપડી શકે ને પૂર્ણ યોગીપદની પ્રાપ્તિ સહજ બને. તે માટે શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ જેવા મહાપુરુષની જરૂર હતી તે માટે મેં તપાસ કરી. જેટલા ભગવાં વસ્ત્રધારી મળે તેમની મુલાકાત લેવાની મારી ટેવ હતી. પરંતુ આંખ ઠરે ને હૈયું હસે કે પ્રસન્ન થાય એવી વિભૂતિનાં દર્શન થતાં ન હતાં. યોગની નક્કર સાધના માટે પ્રાણાયામની જરૂર વિશેષ હતી. પણ તે જાણનાર સંત, સાધુ, મહાપુરુષ કે સારી કોટિના સાધક ક્યાં ને કેવી રીતે મળે ?

પણ દરેક દર્દની સાથે તેનો ઈલાજ પણ જન્મે છે એ વાત જાણીતી છે. તે વાત પ્રમાણે મારી ચિંતા લાંબો વખત ટકી નહિ. અલબત્ત, મને રામકૃષ્ણદેવ જેવા સિદ્ધ પુરુષનો મેળાપ તો ના થયો પણ મારી ભાવનાને કામચલાઉ સંતોષી શકે એવા એક મહાત્મા મળી ગયા. એકવાર વડોદરામાં ચોખંડીમાં યોગાશ્રમ ચલાવતા ભાઈ ગિરધરભાઈ સાથે હું યોગ વિશે વાર્તાલાપ કરી રહેલો હતો. ત્યાં એક અપરિચિત બાળક આવ્યો. તેણે કહેવા માંડ્યું : 'અહીં રણમુક્તેશ્વર મહાદેવમાં એક સંન્યાસી મહાત્મા રહે છે. તે પ્રણાયામ સારી રીતે જાણે છે.' એટલું કહીને પળ વાર પણ ઊભા રહ્યા વિના તે બાળક જતો રહ્યો.

એ બાળક કોણ હશે ? પહેલાં તેને કોઈવાર જોયો ન હતો. મારે માટે તેણે દેવદૂતની ગરજ સારી. જીવનમાં જ્યારે ચિંતાના વાદળ ઘેરાયાં હતા ત્યારે તેણે આશાના દૂતનું કામ કર્યું. ઈશ્વરની કૃપા આવી જ અનેરી અને આકસ્મિક થતી હોય છે. ઉચિત સમયે તે વરસી રહે છે ત્યારે તેનું દર્શન કરીને જીવન કૃતાર્થ થાય છે. જે તેની કામના કરે છે ને ઈશ્વરના ચરણમાં મન લગાડીને જે ઈશ્વરને અંતરના અંતરતમમાંથી પ્રેમ કરે છે તેના પર તે જરૂર તેની કૃપા વરસાવે છે. શરણાગતની સંભાળ રાખવી એ તો ઈશ્વરની પ્રિયમાં પ્રિય ખાસિયત છે. તે વખતે વરસાદ વરસતો હતો તો પણ તેમાં પલળતાં પલળતાં મેં પાસે જ આવેલા રણમુક્તેશ્વર મહાદેવના મંદિરનો માર્ગ પકડ્યો. મારું દિલ બાળકે કહી બતાવેલા મહાત્માપુરુષના દર્શન માટે આતુર હતું.

રણમુક્તેશ્વર મહાદેવનું સ્થળ ગોયાગેટ તરફ હતું. ત્યાં જઈ પહોંચતાં મને વધારે વાર ના લાગી. સ્વામીજી મંદિરને મેડે રહેતા. તેમનું નામ શાંતાશ્રમ. પણ વધારે ભાગે તે મગર સ્વામીને નામે ઓળખાતા. દેખાવે શાંત ને તેજસ્વી મુખના સ્વામીજી જમીન પર એક પાતળી ભગવા વસ્ત્રથી ઢાંકેલી પથારી પર બેઠેલા. શરીરે ભગવું વસ્ત્ર પહેરેલું. પાછળ ખુણામાં દંડ હતો. તેના પરથી પ્રથમ દર્શને જ તે દંડી સ્વામી છે એમ જણાઈ આવતું. તેમની સામે એક નાની લાકડાની પેટી હતી, ને બાજુમાં થોડાંક પુસ્તકો પડેલાં તે પરથી તે વાચનપ્રિય ને વિદ્વાન હશે એવું અનુમાન કરી શકાતું. તેમની પાછળના ભાગમાં કમંડલ પડેલું. વાતાવરણ તદ્દન સાદું, શાંત ને પ્રેરણાત્મક હતું. શરૂઆતમાં સ્વામીજીએ મારા રહેઠાણ વિશે પૂછી જોયું. બાકી કોઈ વાત ના કરી. થોડી વારમાં સાંજનો વખત થઈ ગયો. એટલે તેમણે કહ્યું, 'હવે સાંજનો સમય થયો છે. ઘેર જઈને સંધ્યાદિ કર્મ કરવું જોઈએ.'

તે પોતે ગુજરાતી જાણતા. જન્મે બંગાળી હોવા છતાં ગુજરાતમાં લાંબા વખતથી વસી રહ્યા હતા. તો પણ હિંદીમાં જ વાતચીત કરતા.

બહાર આકાશમાં સંધ્યાના સોનેરી રંગો ફેલાઈ રહ્યા. પંખી પોતપોતાના માળા તરફ પ્રયાણ કરવા લાગ્યાં. સ્વામી પણ પાસેના નાના ઓરડામાં નિત્યકર્મ કરવા જવાની તૈયારી કરવા લાગ્યા. એટલે મેં પ્રણામ કરીને તેમની વિદાય લીધી.

આ મારી પ્રથમ મુલાકાત. બીજ કેટલું નાનું ને સાધારણ હોય છે ! પણ તેમાંથી જ આગળ જતાં અચરજમાં નાખી દે એવા વિશાળ વૃક્ષનું નિર્માણ થાય છે. અગ્નિનો એકાદ અંગારો કેટલો સૂક્ષ્મ ને સાધારણ હોય છે ! પણ તેમાંથી જ જ્વલંત જ્વાળાની સૃષ્ટિ થાય છે ને કેટલીક વાર મોટા મોટા દાવાનલનો દેહ બંધાય છે. તેમ સંત્સગતિ શરૂઆતમાં છેક થોડી ને સાધારણ હોય તો પણ જીવનનું ઘડતર કરવામાં આગળ પર અતિશય અસરકારક નીવડે છે.

સ્વામીજીના પ્રથમ પરિચયથી મારો ઉત્સાહ વધી પડ્યો. આત્મિક ઉન્નતિ માટે વિકાસ કરવાનું મારે માટે સહેલું થઈ પડશે તેની ખાતરી થઈ. મને થયું કે મારા પર ઈશ્વરની કૃપા છે, નહિ તો આટલો જલદી મને આવા મહાન પુરુષનો પરિચય ના થઈ શકે. ઉમંગમાં ને ઉમંગમાં લાંબું અંતર કાપીને હું ક્યારે ઘેર આવી પહોંચ્યો તેની ખબર પણ ના પડી.

તે દિવસોમાં રણમુક્તેશ્વર મહાદેવની મુલાકાત લેવાનો મેં નિયમ જ બનાવી લીધો. રોજ એક વાર અને કેટલીક વાર તો બે વાર પણ ત્યાં જતો. સ્વામીજી ખાસ વાત કરતાં નહિ. વાત કરવાને બદલે શાંતિથી બેસી રહેવાની ટેવ તેમને વધારે હતી. છતાં પ્રેમ, ઉત્સાહ અને આશાને લીધે તેમની પાસે હું રોજરોજ જતો ને તેમની સામે શાંતિથી બેસી રહેતો. એવી રીતે રોજરોજ બેસી રહેવાનું કામ સહેલું ન હતું. માણસો વધારે ભાગે મૌનથી ગભરાય છે ને વાતોને પસંદ કરે છે. એક જગ્યાએ લાંબા વખત લગી શાંતિથી બેસી રહેવાનું તેમને ભાગ્યે જ ગમે છે. પણ એકલા રહેવાની, ફરવાની ને બેસવાની મને ટેવ હતી. એટલે જે કામ બીજાને માટે તપશ્ચર્યા કરવા જેવું કઠીન થઈ પડે તે મારે માટે સહેલું થયું. મૌનમાં કેટલીક વાર વધારે રસ અને આકર્ષણ હોય છે. સ્વામીજીનું મૌન મને આકર્ષક લાગતું. તેમની પાસે બેસી રહેવામાં કંટાળો નહિ પણ આનંદ આવતો.

તે મગર સ્વામીના આશ્ચર્યકારક નામે ઓળખાતા. તે વિશે એક સત્યઘટનાની માહિતી મળેલી. સ્વામીજીને પૂછતાં તેમણે પણ એને અનુમોદન આપેલું. તે સિનોરમાં નર્મદા કિનારે એક મહાદેવના સ્થાનમાં વરસો સુધી રહેલાં. તે દરમ્યાન એકવાર નદીમાં નહાવા પડ્યા. નર્મદાનું પાણી ઘણું ઊંડું હોય છે. તેમાં મગર સારી સંખ્યામાં વાસ કરે છે. સ્વામીજી સ્નાન કરતાં સહેજ આગળ નીકળી ગયા. તે વખતે એક મગરે તેમનો હાથ પકડ્યો. સાધારણ રીતે એ દશામાં માણસ ગભરાઈ જાય, પણ તે જરા પણ ગભરાયા નહિ. તેમને તરતાં આવડતું હતું. વળી પ્રાણાયામના પણ તે અભ્યાસી હતા. એથી મગર સાથે લડતાં લડતાં હિંમતપૂર્વક કિનારે આવવા માંડ્યાં. કિનારા પર માણસો ટોળે વળી ગયાં. કિનારે આવતાં મગરે તેમને છોડી તો દીધાં પણ તેમના હાથનું માંસ તોડી લીધું. પાછળથી તેમને મગરનું ઝેર લાગ્યું ને તેમની દશા કફોડી થઈ પડી. તેમને દવાખાનામાં દાખલ કરાયા. લાંબી સારવાર પછી તે સાજા થયા. પણ તેમના હાથે ખોડ તો રહી જ ગઈ. હાથ લગભગ નકામા જેવો ને ઠુંઠો થઈ ગયો. કહે છે કે ગામ લોકોએ તે પછી તે મગરને એક દિવસ મારી નાખ્યો. ઈશ્વર કૃપાથી સ્વામીજી બચી ગયા. પછી તો ભયને લીધે નહિ પણ સલામતી ખાતર ને પ્રારબ્ધને આધીન થઈને નર્મદા તટનો તેમણે ત્યાગ કર્યો. મગરની એ ઘટના પછી તેમનું નામ મગર સ્વામી પડી ગયું.

 

 

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok