Friday, June 05, 2020

મગર સ્વામી

નર્મદા કિનારે રહ્યા પહેલાં 'મગર સ્વામી' કેટલોક વખત હિમાલયનાં ઋષિકેશ ને ઉત્તરકાશી જેવાં સ્થળોમાં રહેલા. તે વિશે તે કોઈ વાર વાત કરતા. તેમના ભોજન માટે મંદિરમાં જ પ્રબંધ હતો. એક બ્રાહ્મણ તેમનું ભોજન બનાવતા. તેથી તે ભિક્ષા માટે જતા નહિ.

એકવાર સ્વામીજીએ મને પોતાની પાછળ પડેલી કોઈ વસ્તુ લાવવા કહ્યું. તે લાવવા માટે હું ઊભો થયો. વચ્ચે સ્વામીજીની પથારી હતી. તેની બાજુમાં થઈને જઈ શકાય તેમ હતું, પરંતુ તેમ કરવાને બદલે મેં સ્વામીજીની પથારી પર પગ મૂક્યો ને સામેની વસ્તુ લાવવા હું આગળ વધ્યો. એ જોઈએ સ્વામીજી જરા રોષભર્યા સ્વરમાં ને જોરથી બોલી ઊઠ્યા : 'અરે, આ શું ? તમારો આશ્રમ કયો ને મારો આશ્રમ કયો ?'

તેમનું ઉગ્ર રૂપ જોઈને મને થયું કે તે અભિમાની છે તેમજ અહંભાવથી પ્રેરાઈને પુજાવામાં આનંદ માને છે. તે વખતે મને તેમનું વલણ બહુ સારું ના લાગ્યું. પરંતુ પાછળથી, જ્યારે આધ્યાત્મિક અનુભવ ને વ્યવહારના પ્રદેશમાં મારે વધારે ને વધારે આગળ વધવાનું થયું ત્યારે, મારું મંતવ્ય તદ્દન નહિ તો થોડુંક પણ ખોટું હતું એ મને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું. સંત મહાત્માના સમાગમમાં આવીને તેમની બાહ્ય ક્રિયા પરથી માણસો કેટલીક વાર ઉતાવળિયા અભિપ્રાયો બાંધી લે છે ને તેમને જીવનભર વળગી રહે છે. સંત મહાત્માઓની કોઈ ક્રિયા જોઈને તેમના વિશે અભિપ્રાય બાંધતા પહેલા ખુલાસો મેળવવાની જરૂર છે. તેમના વર્તન કે વચનમાં શંકા ઉત્પન્ન થાય તો તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે. વધારે સારી પદ્ધતિ તે જ છે. પરંતુ બહુ ઓછા પુરુષો એ પદ્ધતિનો આધાર લે છે. પૂર્વગ્રહના આધાર પર તે મનગમતાં નિર્ણયો કરી લે છે, અભિપ્રાયો આપવા માંડે છે, ને રાગદ્વેષ કેળવે છે. પરિણામે નુકસાન તેમને જ થાય છે. મહાત્માઓના નાનામોટા વ્યવહાર વિશે અભિપ્રાય બાંધતા પહેલાં વિવેકનો ઉપયોગ કરીને તેના રહસ્યને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. વિવેકને તાજો કરીને સ્વામીજીના શબ્દો પર વિચાર કરીએ તો તેમને સહાનુભૂતિથી સમજી શકાશે ને ન્યાય પણ કરી શકાશે. જેમની અવસ્થા એકદમ ઉચ્ચ છે અથવા તો જે વિધિનિષેધના ભાવ ને જ્ઞાનથી રહિત છે તેવા સંત તો આવા પ્રસંગે વિરોધી સૂર ના કાઢે એ સમજી શકાય તેવું છે. પણ ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા સંતપુરુષ પણ મર્યાદાનો વિચાર કરીને આવા પ્રસંગે આવો વર્તાવ કરે ને વિરોધી સૂર કાઢે તો તે તેમને માટે શોભાસ્પદ છે એમાં તલમાત્ર સંદેહ નથી. આવો વર્તાવ તે પ્રતિષ્ઠા, પૂજા કે મોટાઈના વિચારથી પ્રેરાઈને કરતા નથી, પરંતુ વ્યવહાર કે આચાર-વિચારની શુદ્ધિ ને વ્યવસ્થા માટે જ કરે છે. વ્યવહારમાં જ્યાં ભૂલ લાગે કે દોષ દેખાય ત્યાં તેને બતાવવાની ને સુધારવાની સમાજ ને સંસ્કૃતિના સંરક્ષક તરીકે તેમની ફરજ છે. તેથી તો તેમને લોકશિક્ષક અથવા ગુરુનું અર્થસૂચક નામ આપવામાં આવ્યું છે. કેટલાક માણસો સંત, મહાત્મા કે મોટા માણસોના આસન પર છુટથી બેસે છે, તેમનાં વસ્ત્રો ને વાસણોનો ઉપયોગ કરે છે, ને તેમના વપરાશની વસ્તુઓ તેમની મંજૂરી વિના પોતાને માટે વાપરે છે. એ ટેવ સારી નથી, તેમાં મોટો વ્યવહારદોષ છે. સંત મહાત્મા કે આધ્યાત્મિક વિકાસસંપન્ન પુરુષ ઉચ્ચ છે, પૂજ્ય છે, ને તેમનું એક વિશિષ્ટ સ્થાન છે. તેથી તેમની સાથેના વ્યવહારના નિયમો પણ જુદા જુદા છે. તેમનું પાલન કરવામાં પોતાની, સંત કે મહાપુરુષની ને ધર્મની મર્યાદાનું પાલન રહેલું છે. એ દૃષ્ટિથી જોઈએ તો સ્વામીજીના આસન પર પગ મૂકવાનું કામ મારે માટે કે બીજા કોઈનેય માટે બરાબર ના ગણાય. તેનો બચાવ પણ ના કરી શકાય તે સમજાય તેવું છે.

એટલી જરૂરી સમજ ને વિચારણા પછી તેમના વચન ને વર્તનનો મર્મ મને સારી પેઠે સમજાયો. નાની વાતોનો અનાદર કરવો ઠીક નથી. કેમ કે નાની વાતોમાં જ કેટલીકવાર મોટાં રહસ્યો સમાયેલાં હોય છે. આટલા નાના મુખમાં આવી સુંદર ને સારરૂપ વાણી ને બત્રીસી સમાયેલી છે તે પ્રથમ નજરે જાણી શકાય છે ? સાધક કે વિવેકી પુરુષે પ્રત્યેક નાના કે મોટા પ્રસંગનું મંથન કરીને તેમાંથી નવનીત શોધી કાઢવું જોઈએ, તો જ જીવનની સાધના વિકસે અને સફળ બને.

સ્વામીજી અંગ્રેજી તથા સંસ્કૃત સારી પેઠે જાણતા. તે યોગાભ્યાસી હતા. યોગ પર તેમણે સંસ્કૃતમાં કોઈ ગ્રંથ પણ લખેલો એમ કહેવાતું. છતાં તે નિરાભિમાની ને પ્રેમની મૂર્તિ હતા. યોગની વિવિધ ક્રિયાઓ શીખીને તેમાં પારંગત થવાનો મારો વિચાર હતો. તે વિશે તેમની સાથે કેટલીકવાર વાતચીત થતી. યોગશાસ્ત્રમાં મેં ખેચરી મુદ્રા વિશે વાંચેલું એટલે તેનાથી થતા લાભની મને માહિતી હતી. તે શીખવાની મારી ઈચ્છા હતી. ખેચરી મુદ્રાથી સમાધિ સહજ અને સરળ થઈ જાય છે ને અખંડ યૌવન તથા આકાશગમન જેવા બીજા પણ લાભ થાય છે તે મારા ધ્યાનમાં હતું. તે વિશે મેં તેમની સાથે એક દિવસ વાત કરી. તેમણે કહ્યું, 'મેં ખેચરી મુદ્રાનો અભ્યાસ કરેલો છે. કોઈવાર તમારી આગળ કરી બતાવીશ. ત્યારે તમને વિશ્વાસ થશે. કોઈવાર સમાધિ પણ કરી બતાવીશ.'

તે પછી થોડા જ દિવસોમાં તેમણે મને ખેચરી મુદ્રા કરી બતાવી ને તેનું રહસ્ય સમજાવ્યું. પરંતુ સમાધિનું  અવલોકન કરવાનો અવસર કદી મળી શક્યો નહિ. તે વિશે પછી વાત જ નીકળી ન હતી. પહેલાં સાધન કરી બતાવવું ને પછી શીખવવું એ સ્વામીજીનો સ્વભાવ હતો અને આ સ્વભાવ બહુ જ ઓછા અનુભવી પુરુષોના જીવનમાં જોવા મળે છે.

સ્વામીજીનો સ્વભાવ શાંત હતો, યોગાભ્યાસ કરવાની મારી લગની તે જાણતા. તેમણે એક દિવસ અચાનક કહેવા માંડ્યું: 'હું તમને દીક્ષા આપવાનો વિચાર કરી રહ્યો છું.'

પછી તેમણે થોડીવાર પંચાગમાં જોયું ને ફરી કહ્યું: 'નવરાત્રિમાં પાંચમનો(?) દિવસ સારો છે. તે દિવસે સવારમાં આવજો.'

એમના આકસ્મિક વચનો સાંભળીને મને આનંદ થયો. તેમણે કહેલો દિન ખરેખર પંચમીનો હતો કે કેમ તે મને બરાબર યાદ નથી. એટલે જ 'પાંચમનો' શબ્દ પછી મેં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.

નવરાત્રીને આવતાં વાર ના લાગી. આગલે દિવસે સ્વામીજીએ મને સુચના કરી : 'દીક્ષા વખતે કાંઈ ને કાંઈ લાવવું જોઈએ એવી પ્રથા છે. ફૂલ અથવા ફળથી પણ ચાલી શકે છે. તમે તો શું લાવી શકશો ? બે ફળ લેતા આવજો એટલે ચાલશે.'

બીજે દિવસે સવારે ડઝન જેટલા ફળ લઈને હું તેમની પાસે ગયો. તેમને પ્રણામ કરીને બેઠો. થોડી વાર પછી તેમણે મને અંદર આવવાનું કહ્યું. એક આસન પર પોતે બેઠા ને સામેના બીજા આસન પર મને બેસવાનું કહ્યું. પછી ત્રણ વાર બોલીને મંત્ર આપ્યો. તે પછી પ્રાણાયામની વિધિ બતાવી ને છેલ્લે એક મુદ્રા કરાવીને મને પૂછ્યું કે કેવો અનુભવ થાય છે ? મેં કહ્યું, 'પ્રકાશ પ્રકાશ દેખાયા કરે છે.'

તેમણે કહ્યું: 'ત્યારે તો તમારી કુંડલિની જાગ્રત છે. હવે બધું જ કામ થઈ જશે.'

એ શબ્દો સાંભળીને મને આનંદ તો થયો. પણ તેનું રહસ્ય મારા સમજવામાં ના આવ્યું. પરંતુ જે આનંદ થયો તેથી સાધના માટેનો મારો ઉત્સાહ વધી ગયો.

દીક્ષા પહેલાં ત્રણચાર માસથી મેં મીઠું, હળદર છોડી દીધાં હતાં. તેલ, મરચું અને આમલી તો લેતો જ નહોતો. પાણીમાં બાફેલું શાક ખાતો. વળી દૂધ ને ઘી પણ મળે તો ગાયનું જ લેવાનું રાખેલું. સ્વામીજીના કહ્યા પ્રમાણે પ્રાણાયામ માટે આહારનો એવો સંયમ જરૂરી હતો.

મંત્રદીક્ષા પછી મન લગાડીને મેં સાધના શરૂ કરી. એક નવી આશા ને નવજીવન તથા યોગીજીવનના નવા પ્રેરણા-કિરણની મને પ્રાપ્તિ થઈ. ઈશ્વર પર આધાર રાખીને મારે આગળનો પંથ કાપવાનો હતો. તે પંથ પ્રકાશમય ને પોતાના મૂળ સ્વરૂપ કે પૂર્ણત્વને વધારે ને વધારે પ્રકાશિત કરવાનો, અથવા પ્રકાશનાયે પ્રકાશ એવા પરમાત્માની પ્રાપ્તિનો હતો. ઈશ્વર પર શ્રદ્ધા રાખી, ધીરજ, ખંત ને હિંમતથી મહત્વાકાંક્ષાની મૂર્તિ બની, તે માર્ગે આગળ ને આગળ ધપવાનું હતું. જ્યાં સુધી પૂર્ણ સંતોષ મળે નહિ ને પરમાત્માની પરિપૂર્ણ કૃપા વરસે નહિ ત્યાં સુધી.

 

 

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok