Wednesday, August 12, 2020

ફરી ઋષિકેશ

 મગર સ્વામીની સુચના હતી કે મારે રોજના ઓછામાં ઓછા એક હજાર જપ તો કરવા જ. તેમ ના કરવાથી પાપ લાગશે એમ પણ તેમનું કહેવું હતું. જપ બહુ જ ઉત્તમ ને ઉપયોગી વસ્તુ છે. વધારે ને વધારે પ્રમાણમાં તેનો લાભ લેવાય તે જરૂરી છે. તેથી મોટી મદદ મળે છે. હજારોની સંખ્યામાં તેને જપવાનું કામ ઉત્તમ છે. વળી સંખ્યાની ચિંતા કર્યા વિના તે સતત રીતે થયા કરે એવી અવસ્થા પણ ઇચ્છવા જેવી અને આશીર્વાદરૂપ છે. પરંતુ પાપ લાગવાની વાત સહેજે સમજાય તેવી નથી. દિવસમાં એક હજાર જેટલા જપ ના કરવાથી કોઇને પાપ કેવી રીતે લાગે તે સમજી શકાય તેવું નથી. પાપ લાગવાનો વિચાર રજૂ કરીને સ્વામીજી ખરેખર શું કહેવા માંગતા હતા તે તો તે જ જાણે. મારી સમજમાં તો એટલી વાત સહેજે આવી શકે છે કે જીવન અત્યંત કિંમતી છે. પ્રત્યેક દિવસ ને પળનું મુલ્ય મોટું છે. તેનો સદુપયોગ કરીને મનને પ્રભુસ્મરણમાં લગાડી દેવું જોઇએ. પ્રભુસ્મરણ સિવાયનો સમય અમૂલ્ય હોવા છતાં પણ વ્યર્થ વહી જાય છે. માટે સમજુ પુરુષે જીવનના સુવર્ણ સમયને પ્રભુપરાયણ કરવાની કોશિશ કરવી જોઇએ. એમ કરવાથી મન સ્થિર અને એકાગ્ર થઇ જાય છે, અંતઃકરણની શુદ્ધિ થાય છે, ને તેમાં પ્રભુપ્રેમની પવિત્ર જ્યોત જાગી ઉઠે છે. પ્રેમની પ્રબળતા થતાં પ્રભુનું દર્શન થઇ જાય છે ને જીવન કૃતાર્થ થાય છે. એવા ચોક્કસ વિવેકથી નામસ્મરણ કે બીજી કોઇ સાધનાનો આધાર લેવાની આવશ્યકતા છે. ત્યારે જ સાધક સાધનાનું મૂલ્ય સમજી શકે છે ને તેનો સ્વાદ મેળવવામાં ને તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પોતાની સમગ્ર શક્તિને કામે લગાડે છે. ગમે તેવી મુસીબતો ને ગમે તેવા પ્રલોભનોથી ડર્યા કે ડગ્યા વિના આગળ ને આગળ ધપ્યે જાય છે.

એટલે ભય નહિ પણ પ્રેમ ને પ્રલોભન નહિ પણ પવિત્ર વિવેકને જ સાધનાનું પ્રેરણાત્મક પીઠબળ બનાવવાની આવશ્યકતા છે. ભય ને પ્રલોભનના સડેલા પાયા પર ઊભી થયેલી સાધનાની ઇમારત સદ્ધર બની શકતી નથી ને લાંબા કાળ લગી ટકી પણ શકતી નથી. છતાં પણ કેટલાંક મોટા માણસો તે પાયાનો આધાર લેતાં અચકાતા નથી એ ખરેખર આશ્ચર્યજનક છે. 'અમુક ધર્મકામ નહિ કરવાથી ને અમુક વાતમાં વિશ્વાસ નહિ રાખવાથી નુકસાન થશે, અપરાધમાં પડાશે, ને પાપ લાગશે. એટલું જ નહિ પણ નરકમાં જવું પડશે; અને અમુક કામ કરવાથી સ્વર્ગ અને વૈકુંઠમાં વાસ થશે, તથા પૃથ્વી પર ના જોયેલા ને જાણેલા પદાર્થો ભોગવવા મળશે.' એવી એવી સારીનરસી સૂચનાપદ્ધતિનો તે ઉપયોગ કરે છે ને તેને જ ધર્મ ને સાધનાની સાર વાત સમજી બેસે છે. એવી પદ્ધતિ મને જરાપણ પસંદ નથી. આપણે લોકોને ધર્મ ને સાધનાના ઉપકારક કામમાં લગાડવા છે ને બની શકે તો સમસ્ત સૃષ્ટિને પ્રભુપરાયણ કરી દેવી છે પણ તે માટે ધાકધમકી અને અત્યાચારનો આધાર લેવો નથી. ભય, ક્રોધ ને ધિક્કારના રાક્ષસી સાધનોથી તે હેતુની સિદ્ધિ નથી કરવી. તેવા સાધનથી થયેલી સિદ્ધિ ટકે પણ કેટલી ? સમય આવતાં તેવી સિદ્ધિની ઇમારતના ક્યારે ભાંગીને ભુક્કા થઇ જાય તે કહેવાય નહિ. આપણે તો પ્રેમ ને વિવેકનો આશ્રય લેવો છે. સદભાવ ને સહાનુભૂતિથી કામ લેવું છે. તેવો પાયો ને તેના પર ઊભી થયેલી ઇમારત જ મજબૂત હશે, અડગ હશે ને અક્ષય બનશે. તે વખતના મારા જીવનમાં એવા વિચારો કામ કરતા હોવાથી પાપ લાગવાના ભયની માન્યતાને મિથ્યા માનીને, જીવનને પ્રભુપરાયણ કરવાની એક પવિત્ર ફરજ તરીકે મેં નામજપ ને ધ્યાનાદિની સાધનામાં મનને પરોવી દીધું.

જપ દ્વારા ખરેખર શું મળવાનું છે તેનો મને બરાબર ખ્યાલ ન હતો. ઇશ્વરને 'મા'રૂપે ભજવાનું મને ગમતું. તેથી 'મા'ના સાક્ષાત્ દર્શન માટે કોઇ અકસીર મંત્રની મારે આવશ્યકતા હતી. મગર સ્વામીએ આપેલો મંત્ર નિર્ગુણ મંત્ર હતો. પાછળથી મને લાગ્યુ કે ઇશ્વરની ઇચ્છાનુસાર જે મંત્ર મળ્યો તે ખરો. તેને જપતાં જપતાં 'મા'ના દર્શન ને સમાધિના અનુભવ માટે પ્રયાસ કરી શકાશે. 'મા'ની કૃપાને પ્રાપ્ત કરવા મારું મન અત્યંત આતુર થઇ રહ્યું. વળી સમાધિના સતત અનુભવની પણ મને ઇચ્છા હતી. ધ્યાનમાં બેસતી વખતે મારું મન સ્થિર ને શાંત રહેતું. તેમાં બીજા વિચારો ઉત્પન્ન થતા નહિ ને તે આમતેમ ભટકતું પણ નહિ. પણ શરીરનું ભાન કાયમ રહેતું. તે ભાન મટી જાય ને મન ધ્યેય પદાર્થ અથવા પરમાત્મામાં ડૂબી જાય ત્યારે સમાધિ થઇ એમ કહેવાય છે. તે વિશે મેં સાંભળેલું. મનની શાંત દશાનો એવો સાધારણ અનુભવ મને ઋષિકેશના શિવાનંદ આશ્રમમાં થયેલો. તેને સ્વાભાવિક ને સ્થાયી કરવાની મારી ઝંખના હતી. તે માટે મારાથી બનતી મહેનત હું કર્યે જતો. ઋષિકેશનો કુદરતી સૌંદર્યથી ભરેલો પ્રદેશ મને વારંવાર યાદ આવતો. મને થતું કે એ પ્રદેશમાં જો થોડા વખત રહેવાનું ને સાધના કરવાનું સદભાગ્ય સાંપડી જાય તો જીવન ફરી જાય ને ધારેલી વસ્તુ સિદ્ધ થાય. પણ હિમાલયના પવિત્ર પ્રદેશમાં જવાનું એમ વારંવાર ક્યાંથી બની શકે ?

પરંતુ ઇશ્વરની ઇચ્છા જુદી જ હતી. મને ફરીથી હિમાલયની ભૂમિમાં લઇ જવાનું તેણે નક્કી કર્યું. થોડા જ વખતમાં મને તેની જાણ થઇ. વાત એમ બની કે ઋષિકેશમાં દેવકીબાઇની ગુજરાતી ધર્મશાળા છે. તેની સંચાલિકા બાઇ દેવકીબાઇનું તાજેતરમાં જ મૃત્યુ થયું. ધર્મશાળાના મુંબઇના ટ્રસ્ટીઓને તેની ખબર પડી એટલે ઘર્મશાળાના મેનેજર તરીકે યોગ્ય માણસની શોધ કરવાનું તેમને માથે આવી પડ્યું. એક ટ્રસ્ટીને લોહાણા બોર્ડીંગના ગૃહપતિ શાસ્ત્રીજી સાથે સારો પરિચય હતો. તેમણે શાસ્ત્રીજીને મેનેજર તરીકે કામ કરી શકે તેવી કોઇ વિશ્વાસુ વ્યક્તિની માહિતી આપવા કહ્યું. તે વખતે હું શાસ્ત્રીજીના હાથ નીચે કામ કરતો એટલે શાસ્ત્રીજીને મારો ખ્યાલ હતો. મારા તરફ તેમને વિશેષ પ્રેમ હતો. હું એકવાર ઋષિકેશ જઇ આવ્યો છું તે પણ તે જાણતા હતા. એટલે સહજ રીતે જ તેમને મારો વિચાર આવી ગયો. તેમણે મારી સલાહ માગી તો મેં હા પાડી. ઇશ્વરની કૃપા વિના આવો અનુકૂળ અવસર કેવી રીતે આવી શકે ? ઋષિકેશ જવાથી એક સાથે બે હેતુ સરે તેમ હતા : આજીવિકાનો પ્રશ્ન ઉકલી જાય ને સાધના માટે મનપસંદ વાતાવરણ પણ મળી રહે. એથી વિશેષ ઇશ્વરની કૃપા બીજી ક્યી હોઇ શકે ?

શાસ્ત્રીજીએ મારા સંબધી ટ્રસ્ટીઓને માહિતી આપી. એટલે રૂબરૂ મુલાકાત માટે તેમણે મને મુંબઇ બોલાવ્યો. એ પ્રમાણે યોગાનુયોગ ઊભો થવાથી લાંબે વખતે મેં ફરી મુંબઇની મુલાકાત લીધી. મુંબઇમાં મહાલક્ષ્મી પર રહેતા એક ટ્રસ્ટી શ્રી મંગળ શેઠને ત્યાં મારો ઉતારો હતો. મને જોઇને તે પ્રસન્ન થયા. બીજા ટ્રસ્ટીઓએ પણ મારી નિમણૂંકને વધાવી લીધી. ધર્મશાળાના વહીવટ વિશે મને કેટલીક સૂચનાઓ આપી. ઋષિકેશ જવાના ખર્ચની રકમ છેલ્લે દિવસે તેમણે મને સુપરત કરી ને મારા પ્રસ્થાનનો દિવસ પણ આવી ગયો.

વડોદરા પાછા આવી હું સરોડા માતાજીને મળવા ગયો. તેમને બધી વાતથી વાકેફ કર્યા. આટલે દૂર જવાની વાત તેમને સહેજે ગમે તેવી ન હતી તોપણ તેમણે કોઇ જાતનો વિરોધ ના કર્યો. એ એમની વિશેષતા હતી. મારા કોઇપણ નિર્ણયનો એમણે અત્યાર સુધી વિરોધ નથી કર્યો. મેં એમને જણાવ્યું કે ઋષિકેશ ખૂબ જ સુંદર તથા સાનુકૂળ સ્થળ છે. તેથી ચિંતા કરવા જેવું નથી. થોડાક સમય પછી ત્યાંના વાતવારણથી સુપરિચિત થતાં તમને પણ ત્યાં બોલાવી લઇશ.

મગર સ્વામી એ સમાચારથી પ્રસન્ન થયા. એમણે મને પ્રોત્સાહન પ્રદાન કરતાં કહ્યું કે સાધના માટે ઋષિકેશનું સ્થળ ઉત્તમ છે. ત્યાં રહીને શાંતિથી સાધના કરજો.

મેં તો નિર્ણય કરી જ રાખેલો. તે પ્રમાણે દિવાળી પછી મેં વડોદરાથી પ્રસ્થાન કર્યું.

 

 

Today's Quote

Try not to become a man of success but a man of value.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok