Friday, June 05, 2020

દેવકીબાઈની ધર્મશાળા

 કહેવાય છે કે પ્રારબ્ધ પત્થરમાંથી પણ માર્ગ કરે છે. તેની ગતિને કોઇ રોકી શકતું નથી, તે નિશ્ચિત છે. માણસ ધારે કે ના ધારે ને ચાહે કે ના ચાહે, સમય પર તે આવે જ છે ને પોતાનું કામ કર્યે જાય છે. માણસને તે ભોગવવું જ પડે છે. ભોગવવાથી જ તેનો ક્ષય થાય છે. બીજો કોઇ જ ઉપાય નથી. હા, એક વાત સાચી છે : પ્રભુ અથવા પ્રભુના કૃપાપાત્ર મહાપુરુષો ધારે તો તેને પલટાવી શકે અથવા અન્યથા કરી દે છે. પણ તેવી દરમ્યાનગીરી એ અપવાદરૂપ જ કરે છે. એટલે વધારે ભાગે પ્રારબ્ધનો ભોગ કરવો જ પડે છે. કરેલાં કર્મો ફળદાયક થઇને માનવજીવનને જુદાજુદા આકારો આપ્યા કરે છે ને જુદી જુદી વ્યક્તિ તથા જુદા જુદા પ્રદેશના પરિચયમાં લાવ્યા કરે છે. કોઇની સાથે સ્નેહ ને સાનુકૂળતા તથા કોઇની સાથે વેર ને પ્રતિકૂળતા પણ તે જ કરાવે છે. તેના જ પ્રભાવથી મારે હિમાલયના પુરાણપ્રસિદ્ધ પ્રદેશમાં એકવાર ફરી જવાનું થયું કે પછી પરમકૃપાળુ પરમાત્માએ વિશેષ કૃપા કરીને મારા જીવનને હિમાલયની ભૂમિ સાથે જોડી દેવાનું યોગ્ય ધાર્યું તે તો કોણ કહી શકે ? મને તો એ વાતના વિચારથી આનંદ થયો કે એક વાર ફરીથી હિમાલયમાં રહેવાનો અવસર આવી મળ્યો.

એ અવસર ધાર્યા પ્રમાણે અનુકૂળ ન હતો, એની ખાતરી થતાં વાર ના લાગી. ઋષિકેશના સ્ટેશને ઉતરીને હું દેવકીબાઇની ધર્મશાળામાં ગયો, ત્યારે ત્યાં પરિસ્થિતિ જુદી જ દેખાઇ. દેવકીબાઇ જીવનની છેલ્લી દશામાં બિમાર પડ્યાં, તે વખતે તેમના કુટુંબમાંથી બાઇ લક્ષ્મીબાઇ તેમની સારવાર કરવા આવી. દેવકીબાઇના મૃત્યુ પછી તે બાઇ ધર્મશાળાની સર્વેસર્વા બની બેઠી. તે કહેતી કે મારી સેવાના બદલામાં દેવકીબાઇએ મને ધર્મશાળા સોંપી દીધી છે. વધુમાં ઋષિકેશના બે-ત્રણ પંડાઓનો તેને સાથ હતો. તેમની શિખામણથી તેનું વલણ વધારે મજબૂત બન્યું. ધર્મશાળાની બહાર થોડીક દુકાનો હતી અને અંદર પણ એક-બે ભાડૂતી ઓરડીઓ હતી. તેનું ભાડું તે ઉઘરાવી લેતી ને ધર્મશાળાના ટ્રસ્ટીઓને તેની જાણ પણ ના કરતી. એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારે ત્યાં જવાનું થયું.

લક્ષ્મીબાઇ સાઠેક વરસની ઉંમરની વિધવા બાઇ હતી. તેનું શરીર ખૂબ જ ભારે હતું. ધર્મશાળામાં ઓરડાની બહાર તે ઢોલિયો ઢાળીને બેઠેલી. મને જોઇને તેણે ભવાં ચઢાવ્યાં. મેં તેને મારો પરિચય આપ્યો. પછી ટ્રસ્ટીઓની ચિઠ્ઠી સુપ્રત કરી. પણ એ અક્ષરશત્રુ હતી એ તરત જ સમજાઇ ગયું. ટ્રસ્ટીઓનું નામ સાંભળીને તેનું સ્વરૂપ બદલાઇ ગયું. તેની આંખ લાલ થઇ ગઇ. તેણે રણચંડીનું રૂપ ધારણ કરીને ક્રોધિત થઇને કહેવા માંડ્યુ: 'ટ્રસ્ટીબસ્ટીને હું ઓળખતી નથી. તેના માણસનું પણ મારે કામ નથી. ધર્મશાળા મારી છે. મને દેવકીબાઇએ સુપ્રત કરેલી છે. તેના પર મારા વિના બીજા કોઇનો હક નથી. ટ્રસ્ટી અત્યારે ક્યાંથી જાગ્યા ? દેવકીબાઇ બિમાર હતી ત્યારે તે શું કરતા હતા ? તન તોડીને ચોકરી તો મેં કરી છે. તે વખતે ટ્રસ્ટી શું ઊંઘતા હતા ? મારી ચાકરીના બદલામાં તેણે મને ધર્મશાળા લખી આપી છે. હવે મને કોણ બહાર કાઢે તેમ છે ? ટ્રસ્ટીની તાકાત શી કે મને બહાર કાઢી શકે ?'

બાઇનું રૌદ્રરૂપ જોઇને હું તો ભારે વિમાસણમાં પડી ગયો. ભગવાનના ભયંકર સ્વરૂપને જોઇને ભયભીત થયેલા અર્જુનની અવસ્થાનું આલેખન કરતો ગીતાનો અગિયારમો અધ્યાય મને યાદ આવ્યો. મેં શાંતિથી ઉત્તર આપ્યો: 'તમને ધર્મશાળાની બહાર કાઢવાની વાત જ ક્યાં છે ? તમારે રહેવું હોય તો ધર્મશાળામાં ખુશીથી રહો. પણ માલિક બનીને નહિ રહી શકાય. દેવકીબાઇએ ટ્રસ્ટીઓ નીમેલા છે. તે ધર્મશાળાનો વહિવટ કરશે. તેમણે જ મને મોકલ્યો છે. તેથી તમારે સમજી જવું જોઇએ. દેવકીબાઇએ ટ્રસ્ટીઓ કરેલા છે એટલે બીજા કોઇને ધર્મશાળા લખી આપવાનું બની શકે જ કેવી રીતે ? તમે તન તોડીને ચાકરી કરી તે સારું થયું. પણ તેનો તમે ગેરલાભ ઉઠાવી રહ્યા છો. આ તો ધર્માદા સંસ્થા છે. તેના પર હક કરવાનું કામ સારું ના કહેવાય. માટે સમજી જાઓ તો સારું.'

પણ સમજવાનો શ્રમ કરવાની પણ તેણે જાણે કે બાધા લીધેલી. તેણે એવું જ રૌદ્ર રૂપ કાયમ રાખીને જવાબ વાળ્યો : 'હું તો બધું સમજી બેઠેલી છું. મારે સમજવાનું કંઇ બાકી નથી. જોઉં તો ખરી મને ટ્રસ્ટીઓ કેવી રીતે કાઢે છે ! જીવું છું ત્યાં લગી હું અહીંથી નીકળવાની નથી ને મારો માલિકી હક છોડવાની નથી.'

ને પછી તો તેણે ટ્રસ્ટીઓને માટે તૈયાર રાખેલો ગાળોનો શબ્દકોશ શરૂ કર્યો. તેનું વર્ણન ના કરું તે જ સારું છે. તેનું પારાયણ કરવાનો મારો વિચાર નથી.

અમારા વાર્તાલાપ દરમ્યાન ધર્મશાળામાં રહેતી બે-ત્રણ બીજી ગુજરાતી વિધવા બેનો પણ આવી પહોંચી. હું હજી ઊભો જ હતો. મારી સામે એક નાની ઓરડી હતી. તેમાં એક બીજાં વિધવા બેન ઊભા હતાં. તેમનું નામ દેવકોરબેન હતું. અમારી વાત પૂરી થઇ પછી તેમણે મને પોતાની પાસે બોલાવ્યો ને મારી સાથે સહાનુભૂતિથી વાત કરી. લક્ષ્મીબાઇની ગાળો હજી ચાલુ જ હતી. તે દશામાં તેને સમજાવવાનું કામ કઠિન હતું. એટલે દેવકોરબેનના કહેવાથી હું તેમની સાથે ગંગાકિનારે ફરવા નીકળી પડ્યો. થોડા જ વખતમાં મને સમજાઇ ગયું કે તે બેનનો સ્વભાવ ખૂબ જ માયાળુ ને પરગજુ હતો. તે નાશિકના વતની હતાં. તેમની ઉંમર પ્રમાણમાં નાની હતી. ખૂબ જ સુખી ઘરજીવન જીવીને તે થોડાંક વરસોથી વિધવા થયેલા. ટ્રસ્ટીઓને તે સારી રીતે ઓળખતાં. તેમણે મને ધર્મશાળાની વર્તમાન પરિસ્થિતિની વિસ્તારથી માહિતી આપી ને હિંમત પૂરી પાડી. ધર્મશાળામાં તે વખતે બધી મળીને છ ગુજરાતી સ્ત્રીઓ રહેતી. તેમાં તેમનો સ્વભાવ ઘણો સારો હતો. તે ઉપરાંત ધર્મશાળાના મંદિરના પૂજારી અને એક બીજા ભાઇ રહેતા. તેમનો સ્વભાવ પણ સારો હતો.

દેવકોરબેન મને નેપાલી ક્ષેત્રના વ્યવસ્થાપક ચોતરામ પાસે લઇ ગયાં. તે દેવકીબાઇના વિશ્વાસુ હતા. તેમણે પણ મને બનતી મદદ કરવાનું વચન આપ્યું. બીજે દિવસે ધર્મશાળામાં આવીને તેમણે લક્ષ્મીબાઇને સમજાવી. પણ તે કોઇ રીતે માને તેમ ન હતી. ઋષિકેશના બે-ત્રણ પ્રતિષ્ઠિત પંડાઓએ તેને સાથ આપ્યો, એટલે તેની હિંમત વધી ગયેલી.

એટલું સારુ થયું કે પહેલે જ દિવસે લક્ષ્મીબાઇએ મને ધર્મશાળામાં ઓરડી ઉઘાડી આપી. ધર્મશાળાનું મકાન સુંદર હતું. ચારે તરફ ઓરડીઓ, પરસાળ ને વચ્ચે મોટો ખુલ્લો ચોક. ચોકમાં નાનું સરખું છતાં સુશોભિત શિવમંદિર. હવા, ઉજાસ બધું બરાબર. મંદિરની પાસે જ કૂવો ને તેની પાસે એક-બે નાના સરખાં ઝાડ. ઉપર બધે જ ધાબાં. ચોકની વચ્ચે ઊભા રહેવાથી બે બાજુએ ઊંચા ઊંચા પહાડનું દર્શન થયા કરે. કેટલી સરસ જગ્યા ! દેવકીબાઇ મૂળ કચ્છનાં હતાં. તેમણે ઠેકઠેકાણે ફરીને પૈસા ઉઘરાવ્યા ને પછી ધર્મની ભાવનાથી પ્રેરાઇને ધર્મશાળા બંધાવી. એક અભણ ગામડાંની બાઇએ સેવાધર્મની મહત્તાને સમજીને એકલે હાથે કેવું ઉત્તમ ને ઉપયોગી કામ કરી દીધું ! પ્રવાસી ને યાત્રીઓને રહેવાની કેવી સરસ સગવડ કરી દીધી ! જ્યાં સુધી ઋષિકેશ રહેશે ત્યાં સુધી દેવકીબાઇની સેવાભાવનાનું સ્મારક અમર રહેશે.

એ સ્મારકમાં મારો જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રવેશ થયો તેનો વિચાર કરતાં અંતર અવનવા ભાવોનો અનુભવ કરવા માંડ્યું.

પરિસ્થિતિ ઉપર કહ્યા પ્રમાણે પ્રતિકૂળ હોવાથી મારે ધર્મશાળામાં ખાસ કામ ન હતું. લક્ષ્મીબાઇ પોતાનો કબ્જો છોડવા તૈયાર ન હતી. એટલે તે સંબંધી મેં ટ્રસ્ટીઓની સાથે પત્રવ્યવહાર ચલાવવા માંડ્યો. ટ્રસ્ટીઓએ મને ટ્રસ્ટડીડની નકલ મોકલી. પરંતુ તેથી કામ સરે તેમ ન હતું. કોર્ટમાં કેસ કર્યા વિના આખોયે પ્રસંગ ઉકલે તેવી આશા ન હતી. એ વિશે પોતાને યોગ્ય લાગે તે નિર્ણય ટ્રસ્ટીઓને લેવાનો હતો.

લક્ષ્મીબાઇ મને ગાળો દેતી પણ હું તેને શાંતિથી સાંભળી રહેતો. પ્રભુએ જાણે મારી કસોટી કરવાનું શરૂ કર્યું. પ્રતિકૂળતામાં પણ પ્રભુની કૃપાનું દર્શન કરીને મેં અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા માંડયું. મારા હૃદયમાં ભક્તિભાવ ને વૈરાગ્ય હતો. વળી ઋષિકેશ જેવું સ્થળ મળ્યું એટલે મેં મનને સાધનામાં લગાડી દીધું. મારા ખંડમાં મારી પથારીની પાસે કબાટ પર મેં શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ ને વિવેકાનંદના મોટા ફોટાઓ લગાવી દીધા. તે ફોટાઓ મને ભિક્ષુ અખંડાનંદજીએ ભેટ આપેલા. સવાર-સાંજ તેમની પાસે બેસીને મેં જપ, ધ્યાન ને પ્રાર્થનાનો આનંદ લેવા માંડ્યો. દિવસે વધારે ભાગે બારણાં બંધ રાખીને મારું કામ કર્યા કરતો. એકાંત જીવનનો અભ્યાસ મને પહેલેથી પડી ગયો હતો. એટલે એકલા રહેવામાં અનેરો આનંદ આવતો. વધારે ભાગે હું સાધનાપરાયણ જ રહેતો. અઠવાડિયામાં બે વાર - ગુરૂવાર ને સોમવારે મૌનવ્રત પણ રાખવા માંડ્યો. પ્રભુએ કૃપા કરીને મને જે એકાંત જીવનનો લાભ આપ્યો, તેનો વિચાર કરીને મેં પ્રભુનો ખરેખર અંતઃકરણપૂર્વક આભાર માનવા માંડ્યો.

 

 

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok