ચંપકભાઈનો પરિચય

 ધર્મશાળામાં રહેવાનો જે સોનેરી સમય મળ્યો, તેનો ઉપયોગ કરીને વધારે ને વધારે સાધનાપરાયણ થવાની વૃતિ મેં કેળવવા માંડી. તે દિવસોમાં મારું ધ્યાન જપ તરફ વિશેષ હતું. દિવસનો વધારે વખત હું જપ જ કર્યા કરતો. જપથી અનેક લાભ થાય છે ને સિદ્ધિ મળે છે તે વાતની મને ખબર હતી. એટલે જપ કરવામાં મને ખૂબ જ આનંદ આવતો.

ધર્મશાળામાં ગયા પછી લગભગ ત્રણ-ચાર મહિને મારું મન જરા અસ્વસ્થ રહેવા લાગ્યું. સાધનાના મુશ્કેલ માર્ગનો વિચાર કરીને તે મુંઝાવા માંડયું. ધર્મશાળાના વાતાવરણની અસર પણ તેના પર થોડીઘણી થઇ હશે. તે દરમ્યાન મારે એક યોગીપુરુષના પરિચયમાં આવવાનું થયું. તેમણે મને રોજના હજાર ગાયત્રીજપ કરવાનું કહ્યું. તે પ્રમાણે મેં નિયમિત રીતે ગાયત્રીજપ કરવાની શરૂઆત કરી. પરિણામ ઘણું ચમત્કારિક આવ્યું. લગભગ ત્રણેક મહિના પછી મારું મન સ્થિર થઇ ગયું. તેમાં આશા અને ઉત્સાહ ફરી વળ્યાં. જપની શક્તિનો એ અનુભવ ઘણો અમૂલ્ય હતો. તેને લીધી જપ પરના મારા વિશ્વાસમાં વધારો થયો.

રસોઇ બનાવવાનો પ્રસંગ મારે માટે આ પહેલો જ હતો. ધર્મશાળામાં પ્રવેશ કર્યા પહેલાં રસોઇના વિજ્ઞાનની મને માહિતી ન હતી. કડછી કે વેલણ પકડવાનો પહેલવહેલો અવસર ધર્મશાળામાં જ આવી પડ્યો. છતાંપણ મેં હિંમત કરીને જેવા તેવા પ્રયોગ કરવા માંડ્યા. સદભાગ્યે ધર્મશાળામાં રહેતા એક-બે ભાઇબહેનો ખૂબ જ માયાળુ હતા. તે મને વારંવાર સલાહસૂચનો આપતા ને મદદ કરતાં. તેથી મારું કામ સહેલું થઇ પડતું. છતાંપણ કોઇને જમાડી શકાય તેવી રસોઇ તો હું બનાવી જ ના શકતો. તેવી રસોઇની કળા બહુ લાંબે ગાળે હસ્તગત થઇ શકી.

હું ટ્રસ્ટીનો મોકલેલ માણસ હોવાથી લક્ષ્મીબાઇ મને કોઇ જાતની મદદ કરવા તૈયાર ન હતી. તે મને શત્રુ સમજતી, ગાળો દેતી, મારી વિરુદ્ધ ફાવે તેવી વાતો ફેલાવતી, ને મને હેરાન કરવાની તક શોધ્યા કરતી. કોઇ રીતે કંટાળી કે ત્રાસીને હું ધર્મશાળાનો ત્યાગ કરીને ચાલ્યો જાઉં એવી તેની ઇચ્છા હતી. પણ મારે માથે થોડીક પણ જવાબદારી હતી. મારે ધર્મશાળામાં રહીને બધી વિગતથી ટ્રસ્ટીઓને વાકેફ કર્યા વિના છૂટકો ન હતો. મને સમજાતું કે લક્ષ્મીબાઇને મારી હાજરી સાલે છે. પણ શું થાય ? તે માટે કોઇ ઉપાય ન હતો. ધર્મશાળાના પ્રકરણની સુખદ પૂર્ણાહુતિ માટે પ્રભુને પ્રાર્થના કરીને હું બને તેટલો શાંત રહેતો. વળી મારા મનમાં તે બાઇ પ્રત્યે ખરાબ વિચાર કે વિરોધી ભાવના ના જાગે તે માટે પણ બનતી સાવધાની રાખતો. તેમાં મદદ મળે તે માટે અઠવાડિયામાં એક વાર તેની પાસે જતો ને બધી વાત સમજાવીને કહેતો કે, 'મારા અહીં રહેવાથી તમને દુઃખ થાય છે તેની મને ખબર છે. પણ શું કરું ? લાચાર છું. મારે ટ્રસ્ટીઓની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે છે. છતાં પણ મારે લીધે તમને દુઃખ થતું હોય તો તમારી માફી માંગુ છું.'

તેથી લક્ષ્મીબાઇને જરા શાંતિ વળતી ને સારું લાગતું. પણ પોતાની મૂળ પ્રકૃતિમાં આવી જતાં તેને વાર ન લાગતી. તે મને ગાળો દેતી કે વિરોધી વચનો કહેતી છતાં મેં તેનો સામો ઉત્તર આપ્યો હોય એવો એકે પ્રસંગ મને યાદ નથી. ઇશ્વરે જાણે મારી સહનશક્તિની કસોટી કરવા માંડી. તે દિવસોમાં એક દિવસ મારે મૌનવ્રત હતું. ત્યારે તે બાઇ મારે માટે ફાવે તેમ બોલવા લાગી. મારી પાસે તે વખતે ચંપકભાઇ બેઠેલા. તેમને પણ બાઇના વચનો સાંભળીને ઘણું ખરાબ લાગ્યું. બાઇને મારા તરફથી ઉત્તર આપવાની ઇચ્છા થઇ. કેમ કે તેમને મારા પર પ્રેમ હતો. પરંતુ મેં તેમને સંકેત કરીને શાંત રાખ્યા. એવા વિરોધી વાતાવરણમાં મારે તે વખતે રહેવાનું હતું.

ચંપકભાઇના ઉલ્લેખ પરથી કોઇને તેમના વિશે વધારે જાણવાની ઇચ્છા થશે. તેમણે મારા તે વખતના જીવન દરમ્યાન મને ઘણી યાદગાર મદદ કરેલી.

ચંપકભાઇની પહેલવહેલી મુલાકાત મને સ્વર્ગાશ્રમમાં થઇ. ત્યાં વિખ્યાત વડના વૃક્ષની નીચે શ્રી જયદયાલ ગોયન્કાનો સત્સંગ ચાલતો. કોઇ કોઇ વાર હું તે સ્થાનની મુલાકાત લેતો. સત્સંગ પૂરો થયા પછી ત્યાં બેઠેલા બે ગુજરાતી ભાઇઓની સાથે હું બેઠેલો, ત્યારે એમાંના એક ભાઇએ ચંપકભાઇને બોલાવીને તેમની સાથે મારી ઓળખાણ કરાવી. ચંપકભાઇને મારી નાની ઉંમર જોઇને મારા વિશે જરા કુતૂહલ થયું. તેમણે મને બેત્રણ પ્રશ્નો પૂછ્યાં ને મેં તેના પ્રેમથી ઉત્તર આપ્યા. સાંજ પડવાનો વખત પાસે આવતાં હું ઋષિકેશના મારા ઉતારે જવા તૈયાર થયો. એટલે તેમણે પણ મારી સાથે આવવાની ઇચ્છા બતાવી. બજારમાં થઇને અમે ધર્મશાળામાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે મારી રોજનીશી જોઇ. જતી વખતે તેમણે મારી સાથે રહેવાની ઇચ્છા બતાવી. મેં કહ્યું, 'તમે મારી સાથે રહો તેમાં મને કશી હરકત નથી. પરંતુ તમને ફાવવું મુશ્કેલ છે. હું વધારે ભાગે પ્રભુપરાયણ રહુ છું. અઠવાડિયામાં બે દિવસ મૌન રાખું છું. તે ઉપરાંત રોજ બપોરે બે થી પાંચ સુધી જપ કરું છું. તે વખતે બારીબારણાં બંધ રાખું છું. તમારે અંદર બેસવું હોય તો શાંતિથી બેસવું પડશે અથવા પસંદ પડે તો તે વખતે બહાર જવાનું રહેશે. તમને અનુકૂળ આવે તો મને હરકત નથી.'

તે મારી વાત સાથે સંમત થયા. એમણે ભગવાન આશ્રમમાં એક ખંડ રાખેલો એટલે રાતે ત્યાં રહેવાનું ને દિવસનો બધો ભાગ મારી સાથે ગાળવાનું નક્કી કર્યું. ભોજન પણ શરૂઆતમાં કેટલોક વખત અમે સાથે જ બનાવતાં. તે મને બનતી બધી જ મદદ કરતાં. બપોરે બારીબારણાં બંધ કરીને હું જપ કરવા બેસતો ત્યારે શરૂઆતમાં તો અપૂર્વ હિંમત રાખીને તે બંધ ઓરડામાં બેસી રહેતા. પરંતુ થોડા દિવસ પછી તે પણ જપ કરતા થયા. સામે રાધાકૃષ્ણની છબી રાખીને, હાથમાં માળા લઇને, તે જપ ને પ્રાર્થના કરતા. એ રીતે અમારો પ્રેમ વધતો ગયો.

પ્રેમ ને પરિચય વધવાથી અમે એકમેકની પાસે પહોંચતા ગયા. ચંપકભાઇના બહુવિધ ગુણોની મને ખબર પડી. તેમનો સ્વભાવ શાંત ને પરગજુ હતો. મિત્રતા કરવાની તેમની શક્તિ ખાસ ઉલ્લેખનીય હતી. અજાણ્યા માણસોની સાથે પણ તેમને સ્નેહ કરતા વાર લાગતી નહિ. તે બહુ દયાળુ ને પવિત્ર દિલના હતા. સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની આઝાદીની લડતમાં તેમણે આગળ પડતો ભાગ લીધેલો ને ૧૯૪૨ની લડતમાં મુંબઇમાં કામ કરતાં તે પકડાયેલા. મુંબઇની જેલમાંથી તે ઘોળે દિવસે નાસી છૂટેલા. તેના પરથી તેમની અજબ હિંમત ને સમયસૂચકતાનો સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. ત્રીસ થી બત્રીસ વરસની અંદર અંદર તેમણે મેળવેલા અનુભવો ઘણાં કિંમતી હતા. મુંબઇથી નાસી છૂટીને કોઇ મિત્રની સલાહ પ્રમાણે તે મસૂરી જવા રવાના થયા. પરંતુ દૈવયોગે મસૂરી જવાને બદલે સીધા ઋષિકેશ આવી પહોંચ્યા. કૃશ શરીરના એ ખાદીધારી, બુદ્ધિશાળી ને સાહસિક યુવાનને જોઇને મને ખરેખર આનંદ થયો. એમનામાં એક ઉમદા પુરુષના ઘણાંખરા લક્ષણો વિદ્યમાન હતાં. તેમનું બહોળુ મિત્રમંડળ તેમને સ્વેચ્છાથી આર્થિક મદદ મોકલ્યા કરતું. એટલે જીવનની એક મહત્વની ચિંતાથી તે મુક્ત હતા. મારી સાથે પ્રસંગમાં લાવવા માટે જ ઇશ્વરે તેમને ઋષિકેશ મોકલી આપ્યા હોય એમ લાગ્યું. તે ઉપરાંત તેમના જીવનમાં બીજરૂપે રહેલા આધ્યાત્મિક સંસ્કારોની વૃદ્ધિ કરીને એક નવી જ દુનિયાનું દર્શન કરાવવાનો પણ ઇશ્વરનો હેતુ હશે.

 

 

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.