Wednesday, September 30, 2020

દહેરાદૂનની મુલાકાત

ચંપકભાઇ સાથેનો મારો સ્નેહસંબંધ દિવસે દિવસે વધતો જ ગયો. તે વખતે ચંપકભાઇની સાથે એકવાર હું દહેરાદૂન ગયો હતો. દહેરાદૂનમાં અમે થોડાં દિવસ અભય મઠમાં રહેલા. તે દરમ્યાન એક પ્રસંગ બન્યો. મઠની પાસે રહેતા કોઇ બે પુરુષો રોજ સાંજે મને મળવા આવતા. પણ તે વખતે મને ધ્યાનમાં બેઠેલો જોઇને તે પાછા જતા. તેમણે ચંપકભાઇને વાત કરતાં કહ્યું, 'અમારે મહાત્માજીને મળવું છે.' ચંપકભાઇએ તેનું કારણ પૂછ્યું તો તેમાંના એક ભાઇ બોલ્યા: 'થોડા દિવસ પહેલા મને સંતસમાગમની ઇચ્છા થઇ. તે વખતે એક સંતપુરુષનું સ્વપ્નમાં દર્શન થયું. બેત્રણ દિવસ પહેલાં તમારી સાથેના મહાત્માને જોયા એટલે અમને તેની યાદ આવી. સ્વપ્નમાં મેં તમારી સાથે છે તે જ મહાત્માજીને જોયા. તેમને મારે ઘેર લઇ જઇને ભોજન કરાવવું છે.'

ચંપકભાઇને એ વાત સાંભળીને જરા નવાઇ લાગી. તેમણે મને વાત કરી જોઇ. તેથી મને પણ નવાઇ લાગી. એક દિવસ રાતે અમે મઠમાં ફરતા હતા તે વખતે તે ભાઇઓ આવી પહોંચ્યા. મારે મૌન હોવાથી મેં તેમને સવારે આવવાની સૂચના કરી ને તેમના આગ્રહને માન આપીને બીજે દિવસે તેમને ત્યાં ભોજન કરવા જવાનું કબૂલ કર્યું.

સવારે તે ભાઇઓ આવી પહોંચ્યા. થોડીક વાતો કરીને અમે તેમના બાજુના મકાનમાં ગયા. તેમણે અમને ભાવપૂર્વક ભોજન કરાવ્યું. ભોજન કરીને તેમની વિદાય લેવાની મેં તૈયારી કરી, ત્યાં જ એક ડોશીમા આવી પહોચ્યાં. તેમના હાથમાં એક પાણીની વાડકી હતી. વાડકી મારી સામે ધરીને તે મારો રસ્તો રોકીને ઉભા રહ્યાં ને તૂટીફૂટી ભાષામાં કાંઇક બોલવા માંડ્યા. પેલા ભાઇએ મને તેમનો પરિચય આપતા કહ્યું કે ડોશીમા તેમના માતા હતા. કેટલાય વખતથી તે બિમાર ને પથારીવશ હતા. લાંબા વખતથી ડોક્ટરોની દવા ચાલતી, પણ તેમને કોઇ આરામ થતો ન હતો. બિમાર વ્યક્તિને વધારે ભાગે સંતસાધુના આશીર્વાદની ઇચ્છા હોય જ છે. તેમાંયે વળી કોઇ વિશેષ ભાવિક ને શ્રદ્ધાળુ વ્યક્તિને તેની વિશેષ ઇચ્છા હોય છે. ડોશીમા પણ મારા આશીર્વાદની ઇચ્છાથી મારી આગળ ઉભા રહ્યા. તેમના હાથની વાડકીને હું સ્પર્શ કરું ને તેનું પાણી તે પી જાય તો તેમની બિમારી દૂર થઇ જાય એવી તેમની ભાવના હતી. દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણેની ભાવના સેવવાનો અધિકાર છે. તેમાંથી તેને કોઇ વંચિત કરી શકે તેમ નથી. પરંતુ મારા તરફથી મારે મારી યોગ્યાયોગ્યતાનો વિચાર તો કરવો જોઇએને ? મારામાં કોઇ ખાસ યોગ્યતા ન હતી, તેમજ કોઇ કરામત પણ ન હતી. તે દશામાં ડોશીમાની ઇચ્છાનો અમલ કરવાનું કામ સારું ના જ ગણાય. એટલે મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો.

પરંતુ તે તો પોતાની હઠને વળગી જ રહ્યાં. પેલા ભાઇને મેં તેને સમજાવી જોવા વિનંતી કરી. પણ તે ભાઇ માતાના પક્ષના જ નીકળ્યા ! તેમણે મને ડોશીમાની ભાવના પૂરી કરી તેમને સંતોષ આપવાની પ્રાર્થના કરી.

મેં કહ્યું: 'મને આવી વાતોમાં શ્રદ્ધા જરૂર છે. પણ આજે તો તેમનો વેપાર ચાલ્યો છે ને તે રોજની થઇ પડી છે. સ્વાર્થી હેતુથી પ્રેરાયેલા કેટલાય લેભાગુ અને અધકચરા સાધુઓ આવી પદ્ધતિનો આધાર લઇને લોકોને ઠગી રહ્યા છે. છતાં તમે શિક્ષિત થઇને આવી વાતને પસંદ કરો છો ને ઉત્સાહ આપો છો એ આશ્ચર્યજનક છે. સાચા સંતોના આશીર્વાદ સર્વકાંઇ કરી શકે છે એમાં મને શંકા નથી. પણ હું તો હજી શરૂઆતનો સાધક છું. મારી ક્ષુદ્રતાનો મને ખ્યાલ છે. માટે એક વાર ફરી ડોશીમાને સમજાવી જુઓ તો સારું. મને આનંદ થશે.'

પણ ડોશીમા પોતાના નિર્ણયમાં દૃઢ હતાં. એટલે નાછૂટકે મારે તેમની વાડકીને હાથ લગાડવો પડ્યો. જતી વખતે મેં કહ્યું : 'જોજો, મને કોઇ જાતનો દોષ દેતા નહિ. તમારી ભાવનાને માન આપીને જ મેં વાડકીને હાથ લગાડ્યો છે. મેં તો તમારી ઇચ્છા પ્રમાણે અભિનય કરી બતાવ્યો છે. હા, તમને આરામ થાય તે માટે મેં પ્રભુને પ્રાર્થના જરૂર કરી છે. તેને સાંભળવાનું કામ તેનું છે.'

અભય મઠમાં પાછા આવીને મેં ચંપકભાઇને કહ્યું : 'હવે આપણે ઋષિકેશ જઇએ તે સારું છે. અહીં વધારે રહેવું સારું નથી. પરિચયો ધીરે ધીરે વધવા માંડતા માણસો વધારે ને વધારે પ્રમાણમાં ભેગા થશે અને આપણી એકાંત સાધના-ભજનમાં ભંગ પડશે. માટે પહેલેથી ચેતી જઇએ તે સારું છે. ઇચ્છા હોય તો તમે અહીં થોડા દિવસ ભલે રહો. પણ હું તો આજે જ વિદાય થઇશ.'

ચંપકભાઇ મારી સાથે સંમત થયા. એટલે મેં તે જ દિવસે સાંજે દહેરાદૂન છોડ્યું. તે થોડા દિવસ રોકાઇને ફરી ઋષિકેશ આવ્યા ત્યારે કહેવા લાગ્યા : 'તમારા ગયા પછી પેલા ભાઇઓ મઠમાં આવ્યા હતા. ડોશીમાનું સ્વાસ્થ્ય પાણી પીધું તે દિવસથી સુધરવા માંડેલું. તેથી તેમની શ્રદ્ધા વધી હતી. તે તમારું ઋષિકેશનું સરનામું પૂછતાં હતાં પણ તમે ના કહી હોવાથી મેં તેમને સરનામું ના આપ્યું. બીજા પણ કેટલાક ભાઇઓ દર્શન કરવા આવેલા.'

મેં કહ્યું : 'પ્રભુની ઇચ્છા એવી હશે એટલે ડોશીમાને આરામ થવા માંડ્યો. બાકી માણસમાં શી શક્તિ છે ? આ તો કાગને બેસવું ને ડાળને પડવા જેવું થયું છે. એમાં આપણે આનંદ માનવાનો કે ગૌરવ લેવાનો પ્રશ્ન જ ના હોય.'

ચંપકભાઇની પાછળ વોરંટ હતું. તેથી તે ખૂબ જ સાવધાનીથી રહેતા. તેમણે ચંપકભાઇને બદલે મનુભાઇ નામ રાખ્યું. મિત્રોને પત્રો લખવામાં પણ તે એ જ નામનો ઉપયોગ કરતા. તેમના શિર પર જોખમ હતું. મુંબઇની બાહોશ મનાતી છૂપી પોલીસ તેમની કડીબંધ માહિતી મેળવીને તેમને ક્યારે પકડી પાડે તે કહેવાય તેમ ન હતું. એટલે તે સદાયે જાગ્રત ને વિચારશીલ રહેતા.

એ અરસામાં અમે એકવાર દહેરાદૂનની પાસે આવેલા કુદરતી સૌંદર્યથી ભરેલા સ્થળ સહસ્ત્રધારાના દર્શને ગયા. નામ પ્રમાણે પાણીની હજારો ધારાઓ ત્યાં વહ્યા કરે છે. એ શાંત અને એકાંત સ્થળને જોઇને મને ઘણો આનંદ થયો. પાછા આવતાં રાયપુરમાં માતા આનંદમયીના દર્શનનો લાભ મળ્યો. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હતું. રાયપુરમાં એમના આશ્રમની પણ અમે મુલાકાત લીધી.

દહેરાદૂનમાં શ્રી ભૈરવદત્ત જોશી નામે એક યોગીપુરુષ હતા. તેમની પહેલવહેલી મુલાકાત મને ઋષિકેશના ભરત મંદિરમાં થઇ. સાધનાના માર્ગે તેમણે ઘણો નોંધપાત્ર વિકાસ કર્યો હતો. તેમના અનુભવો તેમની પાસેથી સાંભળવાનો કોઇવાર લાભ મળતો ત્યારે આનંદ થતો. તેમના અનુભવો ઘણાં ગુઢ હતા. તેમનો સ્વભાવ શાંત ને પ્રેમાળ હતો. ઔષધિનું તેમનું જ્ઞાન ઘણું ઊંચું હતું. સાધુ સંત ને ગરીબોની સેવા તેઓ ખૂબ જ રસપૂર્વક કરતા. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં તેમનું મન પ્રભુપરાયણ રહેતું. આત્મિક ઉન્નતિની ઇચ્છાવાળા સંસારીજનોને માટે તેમનું જીવન આદર્શરૂપ ને પ્રેરણાથી ભરેલું હતું. તે પહેલાં સરકારી નોકરી કરતાં પણ કોઇ કારણથી છૂટા થઇને સાધનાના ક્ષેત્રમાં પડેલા. મને મળેલા સજ્જન પુરુષોમાં તેમનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. તેમની નમ્રતા પણ અનુકરણીય હતી. તે મારા પર પ્રેમ રાખતા. ચંપકભાઇને પણ સુયોગ્ય સલાહ આપતા.

 

 

 

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok