Mon, Jan 25, 2021

વસુધારાનો વૈરાગી

 એક દિવસ ભોજન કરીને હું ધર્મશાળામાં આરામ કરતો હતો. ત્યાં તો મારા ઓરડાનું બારણું ઉઘડ્યું અને એક કૃશ કાયાવાળા કાળી શાહી જેવા દેખાતા યુવાન સાધુએ અંદર પ્રવેશ કર્યો. મેં તેમને આદરપૂર્વક આસન આપ્યું. મને લાગ્યું કે તે ગુજરાતી હશે એટલે આ ધર્મશાળામાં કોઇના કહેવાથી આવ્યા હશે ને મને મેનેજર જાણીને મારી સાથે વાત કરવા માગતા હશે.

મારી કલ્પના અમારી વાતચીત પરથી સાચી નીકળી. તે યુવાન મૂળ સૌરાષ્ટ્રના નિવાસી હતા. બાળપણમાં તે ઘર છોડીને નીકળી ગયેલા. તેમના શરીર પર એક માત્ર લંગોટી હતી. તેના પર કાળી કફની પહેરેલી. માથા પર નાની જટા ને કાનમાં કુંડલ તેમની શોભામાં વધારો કરતાં. તેમની મુખાકૃતિ છેક જ કાળી પણ આંખો તેજસ્વી હતી. તેમનો ઉપલક પરિચય જાણ્યા પછી મેં તેમને પ્રશ્ન કર્યો: 'તમે ક્યાં રહો છો ને ક્યાંથી આવો છો ?'

તેમણે ઉત્તર આપ્યો : 'વસુધારા રહું છું ને ત્યાંથી જ આવી રહ્યો છું. વસુધારા બદરીનાથથી લગભગ છ માઇલ દૂર છે.'

'ત્યાં કેવી રીતે પહોંચી ગયા ?' મારી જિજ્ઞાસા વધી.

'સંસ્કારને લીધે.' તેમણે કહેવા માંડ્યું, 'ફરતો ફરતો બદરીનાથ ગયો, ત્યારે ત્યાંની સુંદરતાને જોઇને ત્યાં રહેવાનું મન થઇ ગયું. મંદિરનો પટ બંધ થઇ ગયો તોપણ હું તો ત્યાં જ રોકાઇ ગયો. બે ત્રણ બીજા સાધુ પણ ત્યાં રહેતા હતા. તેમની સૂચનાથી હું તેમની પાસે વસુધારાની ગુફામાં રહેવા માંડ્યો.'

'પણ ત્યાં તો પ્રખર ઠંડી હશે. વળી ખાવા પીવાનું સાધન પણ નહિ. ત્યાં તમને કેવી રીતે ફાવે છે ?' મેં પ્રશ્ન કર્યો.

'વાત સાચી છે.' તેમણે કહેવા માંડ્યું, 'પણ ખાસ મુશ્કેલી જેવું નથી. વસુધારાની પાસેના પ્રદેશમાં એક જાતની જડીબુટ્ટી થાય છે. તેનું સેવન કરવાથી લગભગ ચાલીસ દિવસ સુધી ભૂખ નથી લાગતી. ત્યાંના અનુભવી મહાત્માઓએ મને તે બુટ્ટી બતાવી ને તેને વાપરવાની વિધિનું જ્ઞાન આપ્યું. એટલે મારી ચિંતા દૂર થઇ. બદરીનાથના પ્રદેશમાં એવી કેટલીય બુટ્ટીઓ થાય છે. એક બીજી બુટ્ટી છે, તેની અમુક વિધિપૂર્વક ભસ્મ બનાવીને તેનું સેવન કરવાથી ને તેના રસને શરીરે ચોપડવાથી એટલી બધી ગરમી ઉત્પન્ન થાય છે કે બરફ પર ઉઘાડા પગે ચાલવામાં આવે તોપણ ઠંડી ના લાગે. બરફ પર સૂઇ જઇએ તોપણ કાંઇ જ થાય નહિ. એ બુટ્ટીની મદદથી કેટલાક સંતો બરફના ટૂંકા માર્ગે થઇને બદરીનાથથી કેદારનાથ વચ્ચે આવજા કરે છે.'

એમ કહીને તેમણે ખભે લટકાવેલી નાની થેલી કાઢી, અને મને બંને પ્રકારની જડીબુટ્ટી બતાવી. મને તેથી આનંદ થયો. તેમણે કહ્યું કે : 'ઔષધિ સેવનથી ભૂખ લાગતી નથી, પણ લાંબે ગાળે શરીર જરા અશક્ત જરૂર થાય છે. એટલે તદ્દન એકાંત પ્રદેશમાં ન છૂટકે જ તેનો ઉપયોગ કરવો સારો.'

અમે પ્રાણાયામની વાતો કરી. તેમણે મને કહ્યું : 'તમે મારી સાથે ચાલો. આપણે વસુધારા રહીશું. હું તમને ઔષધિ બતાવી દઇશ.'

મેં કહ્યું : 'હાલ તો અનુકૂળતા નથી. ભગવાન કરશે તો ભવિષ્યમાં તે તરફ આવવાનું થતાં મળીશું.' મારે મન સાધારણ ઔષધિ કરતાં ઇશ્વરની પ્રેમરૂપી ઔષધિની કિંમત વધારે હતી ને મારામાં એની જ ઝંખના જાગેલી. તેની પ્રાપ્તિ થતાં જીવન ધન્ય બની જાય છે તેની મને ખબર હતી.

અત્યંત આગ્રહ કરીને મેં તેમને પાશેર જેટલું દૂધ પાયું ને તે વિદાય થયા. બદરીનાથ જતાં અધવચ્ચે માંદા પડવાથી તે પાછા આવ્યા. પછી તો આજ સુધીમાં મારે ત્રણ વાર બદરીનાથ જવાનું થયું, એક વાર વસુધારાની મુલાકાત પણ લીધી, પણ એ આકર્ષક ને તેજસ્વી યુવાન વૈરાગીના દર્શન કરવાનો પ્રસંગ નથી મળ્યો. તે હશે કે નહિ ને હશે તો ક્યાં હશે તે એક ઇશ્વર જ જાણે છે. આજે તે બાલયોગીનું સ્મરણ કરતાં અંતર આનંદથી ઉભરાઇ જાય છે. પ્રભુની કૃપા વિના એવા બાલબ્રહ્મચારી યોગી પુરુષનું દર્શન આ યુગમાં ખરેખર અશક્ય છે. દુર્લભ તો છે જ.

ભારતવર્ષને માટે બાળયોગીની વાત કાંઇ નવી નથી. સંસ્કૃતિનો ઉષઃકાળ શરૂ થયો ત્યારથી તે અત્યાર સુધી આ દેશમાં બાળબ્રહ્મચારી ને યોગીપુરુષો પાકતાં જ રહ્યાં છે. સંસારના પદાર્થમાંથી મનને પાછું વાળી પરમાત્મામાં બાળપણથી જ પ્રીતિ કરનારા બડભાગી આત્માઓ આ દેશમાં અસંખ્ય થતાં રહ્યા છે. ભારતની આત્મિક સાધનાનું એ એક ઉજ્જવલ પ્રકરણ છે. સનકાદિ ઋષિથી માંડીને નારદ ને શુકદેવ, જડભરત, દત્તાત્રેય, અષ્ટાવક્ર ને ગાર્ગી, તેમજ શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, તેમના ભાઇબેન અને એકનાથ તથા આધુનિક યુગમાં વિવેકાનંદ જેવા અનેક ઉદાહરણો એ પ્રકરણમાં લખી શકાય તેમ છે. એમનાં નામ તો પ્રસિદ્ધ છે, પણ આ પ્રકરણમાં જેમનો ઉલ્લેખ કર્યો છે તેવા બીજા કેટલાય અપ્રસિદ્ધ બાલયોગી પુરુષો આ દેશમાં વસતાં ને વિચરણ કરતાં હશે, તેનો ચોક્કસ આંકડો કોણ આપી શકે ? જે દેશમાં ધ્રુવ ને પ્રહલાદ જેવા ભક્તો ને ધર્મપરાયણ બાળકો જન્મે છે તે દેશ પર પ્રભુની કૃપા છે, તેની સંસ્કૃતિનો વિનાશ કદી પણ નહિ થાય એ નક્કી છે.

પ્રભુની કૃપા વિના એવા યોગીપુરુષોના દર્શનનું સૌભાગ્ય સાંપડવું મુશ્કેલ છે. કવિએ 'સાચા સંતોના દર્શન દોહ્યલાં રે' એમ કહ્યું છે. પરંતુ મારે માટે તે સદા સોહ્યલાં થયાં છે. જેના દિલમાં તેને માટે લગની છે, ઝંખના છે, ને જે તેને માટે બેચન બને છે, તેને માટે તે સોહ્યલાં થાય છે એમાં શંકા નથી.

 

 

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.