Friday, August 07, 2020

ત્રિકાળજ્ઞ મહાત્માનો મેળાપ - 1

 દેવકીબાઇની ધર્મશાળામાં આવ્યે થોડાક મહિના થઈ ગયા. મારો સમય સાધના ભજનમાં સુખપૂર્વક વીતી રહ્યો. મારા નિયમ પ્રમાણે એકવાર સવારે કામકાજમાંથી પરવારીને હું ગંગા કિનારે જવા રવાના થયો. બહાર જતી વખતે બારણામાં તાળું મારવાને બદલે કેવળ સાંકળ વાસવાની મને ટેવ હતી. એ પ્રમાણે મેં બહાર સાંકળ મારી. થોડો વખત ગંગા તટ પર પસાર કરીને છેવટે હું ધર્મશાળામાં પાછો આવ્યો. ત્યારે મારા આશ્ચર્ય સાથે મારા જોવામાં આવ્યું કે મારો ઓરડો કોઈએ ઉઘાડ્યો છે. અંદર જઈને જોયું તો મારું આશ્ચર્ય વધી પડ્યું. બેસવાની શેતંરંજી પાસે નીચે જમીન પર એક ભગવાં વસ્ત્રધારી સાધુપુરુષ બેઠેલા. તેમની ઉંમર ઘણી મોટી -આશરે પચાસ પંચાવનની દેખાઈ. તેમની મુખાકૃતિ આકર્ષણ વગરની ને કાળી હતી. તાજું જ મુંડન કરાવેલું હોવાથી તેમનું મસ્તક જરાક ચમકતું હતું. તેમની આંખો તેજસ્વી હતી. એવી એક અજાણી વ્યક્તિને મારી મંજૂરી વિના મારા ઓરડાનાં બંધ બારણા ઉઘાડીને અંદર બેઠેલી જોઈને મને ખરેખર આશ્ચર્ય થયું. તેનું એ સાહસ જોઈને મને અનેક પ્રકારના વિચારો આવવા માંડ્યા. પણ વિચારોના વમળમાં અટવાઈ ગયે ચાલે તેમ ન હતું. જે હકીકત હતી તેનો સ્વીકાર ને સામનો કર્યે જ છૂટકો હતો. વળી આ વ્યક્તિ  કોઈ સામાન્ય ન હતી. તેનું સ્વરૂપ સંન્યાસીનું હતું. એટલે મેં આસન પર બેસીને તે સંન્યાસી પુરુષને પ્રણામ કર્યા ને આવવાનું કારણ પૂછ્યું.

તેમણે સુંદર ને આકર્ષક સ્મિત કરતાં ઉત્તર આપ્યો : 'તમને હું પહેલી જ વાર મળું છું. ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો છું. ગુજરાતી ધર્મશાળા છે એટલે કોઈકવાર આવી જ જાઉં છું.'

'તમે ગુજરાતી છો ?' મેં પ્રશ્ન કર્યો. ’ 

તેમણે કહેવા માંડ્યું, 'હા. હું ગુજરાતી છું. આફ્રિકામાં થોડોક વખત નોકરી કરીને હવે કેટલાંક વરસોથી મેં સન્યાસ લીધો છે. અહી માયાકુંડ પાસે મારી પર્ણકુટી છે. છ મહિના અહીં ને છ મહિના પંજાબમાં રહું છું. પંજાબની પ્રજા બહુ ભાવિક ને સેવાભાવી છે. સાધુસંતોનું સન્માન તે ખૂબ જ પ્રેમથી કરે છે.' 

વાતાવરણમાં થોડીવાર સુધી શાંતિ ફરી વળી. બહાર રસ્તા પરથી પસાર થતા માણસોની વાતચીત વિના બીજું કાંઈ સંભળાતું ન હતું. મારી પાસે રામકૃષ્ણદેવ ને વિવેકાનંદના ફોટા હતા. તેની તરફ જોઈને હું તે સાધુપુરુષના શબ્દો પર વિચાર કરવા માંડ્યો. ત્યાં તો તેમણે અચાનક પ્રશ્ન કર્યો, 'કેમ, અહીં ગમે છે ને ? આ જગ્યા કેવી લાગે છે ?'

'ગમે છે.' મેં તરત જ ઉત્તર આપ્યો: 'આવું પવિત્ર તીર્થ, ગંગાનો કિનારો ને વળી ધર્મશાળાની શાંત ને સુંદર જગ્યા. પછી શા માટે ના ગમે ? સાધનભજનમાં વખત આનંદમાં વીતી જાય છે. અહીં બરાબર અનુકૂળ આવશે એટલે થોડા વખત પછી માતાજીને પણ બોલાવી લઈશ. તે અહીં પ્રભુસ્મરણ કરશે ને આનંદ કરશે.'

એકાદ સેકંડ સુધી તે ચૂપ રહ્યા. પછી જમણા હાથની આંગળીને નાકે લગાડીને કહેવા માંડ્યા, 'એમ નહિ થઈ શકે. ઈશ્વરની ઈચ્છા એવી નથી. તમે અહીં ફક્ત એક જ વરસ રહી શકશો. તેથી વધારે નહિ ને ઓછુંયે નહિ.'

મને તેમનું કથન વિચિત્ર લાગ્યું. તેમની વાત સાચી માનવી કે ખોટી ? 'મારી મરજી તો અહીં જ રહેવાની છે. મારા  દિલમાં સાચો વૈરાગ્ય ને પ્રભુપ્રેમ ભરેલો છે. મારે આવા એકાંત સ્થળનો ત્યાગ કરીને હવે સંસારના કોલાહલ ભરેલા વાતાવરણમાં નથી જવું. મને સંસારમાં રહીને કોઈ ખાસ પ્રવૃત્તિ કે વ્યવસાય કરવાની ઈચ્છા નથી.' મેં તેમને ખુલાસો કર્યો. 

'એ તો હું સમજી શકું છુ.' તેમણે કહેવા માંડ્યું, 'હું ક્યાં કહું છું કે તમે સંસારની માયામાં પડવાના છો ? મારે તો એટલું જ કહેવાનું છે કે આ સ્થાનમાં તમે બધું મળીને એક વરસ રહી શકશો. પછી તમને પાણીની પાસે શાંત ને સુંદર જગ્યા મળશે. ત્યાં તમે રહેશો ને તમારો ખરો વિકાસ ત્યાં જ થશે; ત્યાં તમે ઘણો મહત્વનો વિકાસ કરી શકશો. જીવનમાં તમે અનેક પ્રકારની સાધનાનો આધાર લેશો ને સારા સારા અનુભવો મેળવશો. પણ જ્યાં સુધી કાલી કે હનુમાનને ઈષ્ટ નહિ કરો ત્યાં સુધી તમને શાંતિ નહિ મળે એ નક્કી છે. ’ 

'ધર્મશાળાનો કેસ ચાલશે. કેસ બરાબર દોઢ વરસ સુધી ચાલશે અને આખરે એમાં ટ્રસ્ટીઓ જીતી જશે. પણ તે વખતે તમે તો અહીં નહિ જ હો. તમે તો સાધના કરશો. સાધનાના ઊંચામાં ઊંચા શિખર પર પહોંચી જશો ને મહાન બનશો. તમારી અત્યારની સાધના શા હિસાબમાં છે ? ખરી સાધના તો હજી હવે થશે. અને એક વખત એવો આવશે કે જ્યારે દુનિયાના લોકો તમારી પૂજા કરશે ને તમારા દ્વારા શાંતિનો માર્ગ મેળવશે. તે વખતે હું તમને ફરી મળીશ. તમે મને ઓળખી લેજો. કેમ કે તે વખતે તમારી આસપાસ ઘણા લોકો ફરતા હશે.'

તેમની ભવિષ્યવાણી મારે માટે તદ્દન નવી હતી. ઈશ્વરની કૃપા અથવા સાધનાની શક્તિથી મહાપુરુષો આ પ્રમાણે ભૂત, ભાવિ ને વર્તમાન જાણી શકે છે, એ વાતમાં મને શ્રદ્ધા હતી. પણ (તેમણે કરેલું) મારું આ ભવિષ્યદર્શન કેટલે અંશે સાચું છે તેનો નિર્ણય કરવાનું કામ મારે માટે મુશ્કેલ બની ગયું. મારા વધારે પડતાં વખાણ કરવાની તો તેમની ઇચ્છા નહિ હોય ? પણ તેમ કરવાનો અર્થ શો ? તેમ કરવાથી તેમના હાથમાં શું આવવાનું હતું ?

'તમારામાં આવી શક્તિ ક્યાંથી આવી ?' મેં કુતૂહલ બતાવ્યું.     

'પ્રભુની ઈચ્છા ને ગુરુની કૃપાથી.' તેમણે કહેવા માંડ્યું, 'મારા ગુરુ એક સમર્થ પુરુષ હતા. તેમણે મને મંત્ર આપીને હનુમાનની સાધના બતાવેલી. તે વરસોમાં મારો વૈરાગ્ય અત્યંત પ્રબળ હતો. રાતભર જાગીને હું ગંગાકિનારે જપ કરતો. એમ કરતાં કરતાં મારા પર હનુમાનજીની કૃપા થઈ. તેમની કૃપાનો જ પ્રભાવ છે કે હું જેના મુખ સામે જોઉં છું, તેના ભૂત, ભાવિ ને વર્તમાનને સાફ સાફ જોઈ શકું છું. દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય તેમ મારા મનમાં સૌનું પ્રતિબિંબ પડી જાય છે.'

મેં કહ્યું: 'તમારા જેવા પુરુષ જો મુંબઈ જેવા શહેરમા જઈને નિવાસ કરે તો અઢળક ધન ને યશ મેળવી શકે, માણસોને ગાંડાં  કરી દે.'

તેમણે સુમધુર સ્મિત કરતાં કહ્યું : 'વાત સાચી છે. પણ મારું તે તરફ ધ્યાન જ નથી. જો મને ધનની કામના હોત તો હું મારી ચાલુ નોકરી શા માટે છોડત ? સાધના દ્વારા સાંપડેલી શક્તિ કોઈ મદારી વિદ્યા નથી. તે જનરંજન માટે કે સ્વાર્થી હેતુની સિદ્ધિ માટે નથી. ધનના સંગ્રહ સારુ પણ નથી. મને તેનું પ્રદર્શન કરવાનું પસંદ નથી. હા, કોઈકવાર તેનો પ્રયોગ સ્વાભાવિક રીતે થઈ જાય, તેની વાત જુદી છે. બાકી તો તેને ગુપ્ત રાખવાની જરૂર છે. મારામાં આવી શક્તિ છે તેની કોઈને ખબર પણ ના પડે તેની સાવધાની રાખું છું. તમારી પાસે ઈશ્વરની ઈચ્છાથી જ જાણે ખેંચાઈ આવ્યો છું; ને તમને જોઈને પ્રેમ થવાથી આટલો વાર્તાલાપ કરી રહ્યો છું,’

તેમનો વાર્તાલાપ રસિક હતો. તેમના મેળાપથી મને આનંદ થયો. મારું હૃદય અવનવા ભાવે ભરાઈને ઉછળી રહ્યું. મેં પ્રેમપૂર્વક કહેવા માડ્યું : 'તમારા જેવા સાચા સંતોના દર્શન હવે દુર્લભ થઈ ગયાં છે. તમારા વિચારો ખરેખર ઉત્તમ છે. તમને મળીને મને આનંદ થયો છે. તમારી શક્તિ ને નિસ્પૃહતા છક કરી દે તેવી છે.'

 

 

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok