Wednesday, August 12, 2020

ત્રિકાળજ્ઞ મહાત્માનો મેળાપ - 2

 થોડા વખત સુધી ઓરડામાં શાંતિ પથરાઈ ગઈ. તુલસીદાસે ગાયું છે કે 'બિન હરિકૃપા મિલહિ નહિ સંતા' તે પ્રમાણે મારા પર પ્રભુની કૃપા હતી. તે વિના આવા મહાપુરુષનો મેળાપ ના જ થઈ શકે. વાર્તાલાપ કરતી વખતે તેમને નાક પર હાથ લગાડવાની ટેવ હતી. વધારે નહિ પણ એકાદ સેકંડ તે નાકે હાથ લગાડતા. તે જોઈને મને શરૂઆતમાં વિચાર આવેલો કે તે સ્વરોદયશાસ્ત્રના આભ્યાસી હશે ને તેના આધાર પર ભૂત-ભાવિની વાતો કહેતા હશે. પરંતુ ઈષ્ટની કૃપા વિશેનો તેમનો ખુલાસો સાંભળીને એ વિચાર નિરાધાર છે એમ લાગ્યા વિના રહ્યું નહિ. બાકી સ્વરોદયશાસ્ત્રથી પણ માણસ ત્રિકાળજ્ઞ થઈ શકે છે એમ કહેવાય છે. ઈષ્ટદેવની કૃપા તો સર્વ કાંઈ કરી શકે છે. જેને તેની પ્રાપ્તિ થાય છે, તે પૂર્ણ શાંતિ ને સિદ્ધિ મેળવી લે છે. મને પણ ઈષ્ટ કૃપાની ઈચ્છા હતી. પણ તે મળે કેવી રીતે ? વળી ઈષ્ટ કરવા પણ કોને ? જગદંબા પર મને પ્રેમ હતો પણ હનુમાનની વાત મારે માટે નવી હતી.

તેમણે જાણે કે મારા વિચારોને જાણી લીધા ને તેના જવાબમાં કહેવા માંડ્યું : 'કાલી માતાનો એક મંત્ર છે. તે ખૂબ જ અકસીર છે. તેનો વિધિપૂર્વક જપ કરવાથી સાતમે દિવસે મા કાલીનું દર્શન થઈ જાય છે.

 ‘કાલી કાલી મહાકાલી, દોનોં હાથ બજાવે તાલી,

બ્રહ્મા કી બેટી ને ઈન્દ્ર કી સાળી, બેઠી પીપલ કી ડાળી,

તેરા વચન ન જાવે ખાલી.

પઠાવું ત્યાં જા, મેરા વચન પાલકે આ.

શબદ સાચા, ગુરુ વાચા,

ગુરુ વચન આદેશ.'

તે પછી તેમણે મને મંત્રજપની વિધિ બતાવી ને ભારે ગંભીરતા ને શ્રદ્ધા સાથે કહ્યું કે સાતમે દિવસે  સાંજે પાંચ હજાર જપ પૂરા કરીને પીપળાના ઝાડ પાસે માટલું મૂકવાથી પીપળાની ડાળી પર બેઠેલી કાલી માતાનું દર્શન જરૂર થશે. એ વાતને વરસો થઈ ગયા છે, પણ એ પ્રયોગને અજમાવવાનું કદી મન થયું નથી. સાત જ દિવસમાં સાક્ષાત્કાર થવાની આશા કાંઈ નાનીસૂની નથી. પરંતુ મંત્રના શબ્દપ્રયોગનો વિચાર કરતાં જ મન પાછું પડે છે. ખાસ કરીને 'બ્રહ્માની બેટી ને ઈન્દ્રની સાળી' નો પ્રયોગ ખૂબ જ વિચિત્ર લાગે છે. તે સાંભળીને માતા પ્રસન્ન થવાને બદલે ક્રુદ્ધ કે નાખુશ તો નહિ થાય ને, તે વિચાર પણ ભારે મહત્વનો ભાગ ભજવે છે. તે વખતે પણ મંત્રને સાંભળતાં વેંત મારા મનમાં વિરોધી ભાવો જ ઉત્પન્ન થયેલા. તેવા ભાવથી પ્રેરાઈને જપ કે અનુષ્ઠાન થાય તો તે સફળ પણ કેવી રીતે થઈ શકે ? પ્રેમ ને શ્રદ્ધા વિનાની કોઈયે સાધના સારવતી ભાગ્યે જ થઈ શકે. 

મંત્રને વાંચી કે સાંભળીને કેટલાકને હસવું આવશે તે જાણું છું. પણ તેથી તેને સસ્તો ને ઉડાઉ માની લેવાની જરૂર નથી. આપણે ત્યાં એવા સાધકો ને સિદ્ધો કેટલાય છે, જે સંસ્કૃતનું જ્ઞાન ધરાવતા નથી. તેમને ગુરુપરંપરાથી કેટલાક મંત્રોની પ્રાપ્તિ થઈ હોય છે. તે મંત્રો આવી જાતના હોય છે. પરંતુ તેમની અકસીરતામાં તેમને શ્રદ્ધા હોય છે. તેમને તે જપે છે, સાધે છે, ને છેવટે સિદ્ધિ મેળવે છે. આવા મંત્રો એક નહિ પણ અનેક મળે છે. તેમાં માનનારા માણસો પણ અનેક છે. તેમાં કાંઈ હરકત પણ નથી. મંત્ર સંસ્કૃત હોય કે પ્રાકૃત, તેમાં શ્રદ્ધા હોવી એ મુખ્ય વસ્તુ છે. તેની પાછળ ગુરુપરંપરાનું બળ હોવાથી કેટલાક સાધકોને સહજમાં શ્રદ્ધા થઈ જાય છે. કોને કયા નામ ને રૂપમાં શ્રદ્ધા થશે તે કોણ કહી શકે ? એકલવ્યને માટી કે શિલાની મૂર્તિમાં થઈ. તે પ્રમાણે કોઈને ક્યાંક બીજે પણ થઈ શકે છે. ને સાચું કહીએ તો સાધનામાં શ્રદ્ધા જ કામ કરે છે. આપણી શ્રદ્ધા કોઈ વસ્તુમાં ના થાય તેથી તે નકામી છે એમ ના કહેવાય, તેને હાસ્યાસ્પદ સમજીને ઉતારી પણ ના પડાય. હજારો માણસો એવા પણ છે, જેમને તેના પર પ્રેમ છે, શ્રદ્ધા છે અને એનો આધાર લઈને જે જીવનની ઉન્નતિ કરવાની સાધના કરે છે, તેમને સહાનુભૂતિથી સમજવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. એ પ્રમાણે સમજવાનો પ્રયાસ કરવાથી તે મહાત્માના મંત્રના રહસ્યને સહેજે સમજી શકાશે ને તેવા બીજા મંત્રોને સમજવાની શક્તિ પણ સાંપડી શકશે.

મંત્રનું રહસ્ય બતાવીને તે મહાપુરુષ ઊભા થયા. આટલા વખતમાં તેમને મારા પર ઘણો પ્રેમ થઈ ગયો. તેથી તેમણે મને તેમની પર્ણકુટીનો પરિચય આપ્યો ને ત્યાં આવવા માટે વિનતિ કરી. મેં તેમને ભાવભરી વિદાય આપી.

પછી તો અમારો સંબંધ વધતો જ ગયો. તેમની પર્ણકુટીની મુલાકાત હું કોઈ કોઈ લેવા વાર લાગ્યો. તે મને જોઈને પ્રસન્ન થતા, મારો સ્નેહથી સત્કાર કરતા, તે લગભગ દરેકવાર મને દૂધ પાતા. કોઈવાર દૂધ ઓછું હોય તો તેમાં ગંગાજલ નાખીને મારા દેખતાં જ તેને વધારતા. તેમની સાદાઈ બહુ વખાણવા લાયક હતી. આટલી શક્તિ હોવા છતાં તેમનામાં કોઈ દંભ કે ગર્વ ન હતો. તેમનામાં એક નિર્દોષ બાળક જેવી સરળતા હતી. તે ક્ષેત્રમાંથી બંને વખત ભોજન લેતા. કોઈવાર સાંજે ક્ષેત્રમાં ભિક્ષા માટે જતાં, ત્યારે તેમને જોઈને મને થતું કે કોણ જાણે આવાં કેટલાંય ગુપ્ત રત્નો ક્ષેત્રની ભિક્ષા પર નભતાં હશે ! ક્ષેત્રમાં ભિક્ષા લેનારા સાધુ-સંતોમાં જેમ બુરાં તત્વો પ્રવેશી ગયાં છે તેમ સારાં તત્વો પણ નથી એમ નહિ. તેમને અન્યાય ના થઈ બેસે તે જોવાનું છે. મને થતું કે આ મહાપુરુષ કોઈ શહેરમાં જઈને પોતાની શક્તિને છતી કરે તો ફુલે પૂજાય, પણ તે તો ભિક્ષાના ભોજનમાં જ ખુશ છે. જે સંતુષ્ટ ને નિસ્પૃહ છે તેને કોની પરવા છે ? ઈન્દ્રને કુબેરનો વૈભવ પણ તેને માટે તણખલા બરાબર છે.

એકવાર મેં સરોડા માતાજીને મનીઓર્ડર મોકલ્યો હતો. વીસેક દિવસ થઈ ગયા. પરંતુ કોઈ પ્રત્યુત્તર ન હતો. મનીઓર્ડરની પહોંચ પણ મળી ન હતી. મને જરા ચિંતા થઈ.

ગંગાકિનારે આવેલી પેલા મહાપુરુષની પર્ણકુટીમાં પહોંચીને તેમને પ્રણામ કર્યા ને બધી વાતથી વાકેફ કર્યા.

તેમની લાક્ષણિકતા પ્રમાણે તેમણે નાક પર હાથ ફેરવ્યો ને તરત જ ઉત્તર આપ્યો, 'ચિંતા ના કરશો. તમારો મનીઓર્ડર પહોંચી ગયો છે. માતાજી બહારગામ ગયાં હતાં. તેથી મનીઓર્ડર ગામના પોસ્ટમાસ્તરે રાખી મૂકેલો. માતાજી આજે આવી ગયાં છે ને તેમને પૈસા મળી ગયા છે. હવે આજથી સાતમે દિવસે તમને તેની પહોંચ મળી જશે ને તેટલા વખતમાં માતાજીનો કાગળ પણ આવી જશે.'

'માતાજી અત્યારે શું કરે છે ?' મેં પૂંછ્યું.

'ઘરમાં બેસીને ઘંટી ફેરવે છે ને ગાય છે.' તેમણે તરત જ ખુલાસો કર્યો. માતાજી તે વખતે જરૂર પ્રમાણે ઘંટી ફેરવતાં.

મને થયું કે સાત દિવસ તો હમણાં નીકળી જશે ને તેમના શબ્દોની સત્યાસત્યતા જણાઈ જશે. તેમનું બીજું ભવિષ્ય કથન તો દૂરનું છે, પણ આ તો તદ્દન નજીકનું છે. જોઈએ તો ખરા તે સાચું ઠરે છે કે નહિ ! 

પણ તેમના શબ્દો સાચા નીકળ્યા. બરાબર સાતમે દિવસે મનીઓર્ડરની પહોંચ આવી ગઈ. માતાજીનો પત્ર પણ આવી પહોંચ્યો. તેમણે તેમના બહારગામ જવાની ને પોસ્ટમાસ્તરે મનીઓર્ડર રોકી રાખ્યાની વાત લખેલી. પૈસા તે મહાત્મા પુરુષના કહ્યા પ્રમાણેના દિવસે જ મળ્યા. પોસ્ટમાસ્તર ગામના જ શિક્ષક હતા. એટલે તે ઓળખાણને લીધે થોડા દિવસ મનીઓર્ડર રોકી રાખે તે સમજી શકાય તેવું હતું. આ પ્રત્યક્ષ પ્રમાણથી મને ખૂબ જ આનંદ થયો. તે મહાત્મા પુરુષની શક્તિમાં મારો વિશ્વાસ વધી પડ્યો. એવા પુરુષનો પરિચય કરાવવા બદલ મેં ઈશ્વરનો ઉપકાર માન્યો. આવાં છૂપાં રત્નો આ દેશમાં ક્યાં ને કેટલાં પડ્યાં છે તે કોણ કહી શકે ? એક ઈશ્વરને જ તેની ખબર છે.

 

 

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok