Friday, June 05, 2020

'મા'ની કૃપા માટે ત્રણ દિવસનું વ્રત

 રામકૃષ્ણ પરમહંસદેવનું જીવન મારે માટે શરૂઆતના જીવનમાં પ્રેરણાદાયક થઈ ચૂક્યું હતું. તે વિશે મેં આગળ પર ઉલ્લેખ કરી દીધો છે. ઋષિકેશમાં આવ્યા પછી પણ તેમને હું રોજ યાદ કરતો. આધ્યાત્મિકતાના આદર્શ તરીકે તેમનું જીવન મને ખૂબ પ્રિય લાગતું. એમાં અનંત શક્તિ ભરેલી. તેને નજર સામે રાખીને જીવનને ઉજ્જવળ ને પ્રભુપરાયણ કરવા હું સદા પ્રયાસ કરતો. તેમના જીવન વિશે ચંપકભાઈ સાથે પણ વારંવાર વાતો થતી. તેમની પાસે તે વખતે રામકૃષ્ણદેવના ઉપદેશોની એક નાની ચોપડી હતી. રામકૃષ્ણદેવના જીવનમાં તેમને રસ હતો એવું જણાઈ આવતું.

     રામકૃષ્ણદેવ પર મને અપાર પ્રેમ ને પૂજ્યભાવ હતો. તેથી તેમનો ફોટો હું હમેંશા મારી પાસે રાખતો. તેને લીધે કહો કે ઈશ્વરની કૃપા જેવા કોઈ બીજા કારણને લીધે કહો પણ મારા પર તેમનો વિશેષ પ્રેમ વરસવા માંડ્યો. કેટલીયવાર સવારે એવું બનતું કે હું જપ કે ધ્યાન કરીને આંખ ખોલતો ત્યારે તેમના શાંત ને સુંદર સ્વરૂપને મારી સામે ઓરડામાં ઉભેલું જોતો. કોઈ વાર તેમની મુખાકૃતિનું જ દર્શન થતું. એકાદ મિનિટ પછી તેમનું સ્વરૂપ અદૃશ્ય થઈ જતું. એ અનુભવ અલૌકિક હતો. તેથી મને આનંદ થતો ને મારા સાધનામાંનો વિશ્વાસ ને ઉત્સાહ વધી પડતો.

સાધનાના વચગાળાના વિકાસ દરમ્યાન મહાપુરુષોનાં દર્શનના અને એવા બીજા અનુભવોથી સાધકોના ઉત્સાહમાં વધારો થાય છે. તેથી તેમને બળ ને પ્રેરણા મળે છે ને સાધનાની સત્યતા અને અસરકારકતાની ખાતરી થાય છે. પરંતુ બધા જ સાધકોને એવા અનુભવો થાય છે અથવા થવા જોઈએ એવો કોઈ નિયમ નથી. જેમને એવા અનુભવો ના થાય તેમણે નિરાશ થઈને સાધના મૂકી દેવાની જરૂર નથી. અનુભવો ના થાય તેથી તેમની સત્યતા સંબંધી શંકા કરવાની પણ જરૂર નથી. સાધનામાં સૌને એકસરખા અનુભવો નથી થતા. રુચિ, પ્રકૃતિ ને પાત્રતા પ્રમાણે અનુભવોના પ્રકારમાં ફેર પડે છે. માટે અનુભવો થાય કે ના થાય તો પણ સાધના ચાલુ જ રાખવી જોઈએ. સાધનાનો ઉત્સાહ ને વિશ્વાસ કોઈયે સંજોગોમાં ઠંડો પડવા દેવો ના જોઈએ. આવા અનુભવોનો લાભ જેમને મળતો હોય તેમણે પણ ફુલાઈ જવાની, અંહકારી થવાની કે અતિશય ઉત્સાહમાં આવી જઈને પ્રમાદી બની બેસવાની જરૂર નથી. એ અનુભવોને જ સર્વકાંઈ માની લઈને તેમાં અટવાઈ જવાની જરૂર નથી. તેથી આગળ વધીને તેમણે પરમાત્માનું દર્શન કરી લેવાનું છે ને સાધનાના નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્તિ કરવાની છે.

ઈશ્વરની કૃપાથી મને સાધનાના છૂટાછવાયા અનુભવો છેક બાળપણથી જ થયા કરે છે. તેથી મને ઘણો લાભ થયો છે. શ્રી રામકૃષ્ણદેવના દર્શનનો અનુભવ પણ મારે માટે લાભકારક થઈ પડ્યો. રામકૃષ્ણદેવ જેવા મહાપુરુષ પોતાના પ્રેમી ભક્તો પર કૃપા કરવા તૈયાર છે ને શ્રદ્ધાભક્તિથી પ્રેરાયેલા કોઈયે સ્ત્રીપુરુષને તેમનાં દર્શનનો લાભ મળી શકે છે, તે વાતની મને ખાત્રી થઈ. એવા મહાપુરુષો મનુષ્યજાતિના મંગલને માટે આજે પણ કામ કરે છે. સાધકો ને સામાન્ય માણસોમાં સુતેલા આધ્યાત્મિક સંસ્કારોને જગાડે છે ને તેમને મોટી મદદ કરે છે. મારા સ્વાનુભવથી મને એ વાતનો ખ્યાલ આવ્યો.

તે દિવસોમાં એક બીજો પ્રસંગ બની ગયો. પ્રસંગ આમ તો તદ્દન નાનો પણ મહત્વમાં મોટો છે. નાના પ્રસંગોમાં કેટલીક વાર મોટું રહસ્ય સમાયેલું હોય છે.

ઈશ્વરને 'મા'રૂપે ભજવાનું મને વધારે ગમતું. 'મા'નું દર્શન કરવાની ને 'મા'ની સાથે વાતો કરવાની મને ઈચ્છા હતી. 'મા'ના નિરાકાર સ્વરૂપને હું જગતમાં બધે જ જોતો. જગતના જડ ને ચેતન બધા પદાર્થોને હું 'મા'ના સ્વરૂપ જેવા સમજતો ને સૌમાં તેનું દર્શન કરતો. એ ટેવ મેં લાંબા વખતથી પાડી હતી. પરંતુ મારું હૃદય એક પ્રેમી ભક્તનું હૃદય પણ હતું. તેથી જ્ઞાનના એ અનુભવની સાથે સાથે અનંત શક્તિ ને સુંદરતાથી ભરેલી 'મા'ની અલૌકિક કાયાનું દર્શન કરવાની ઈચ્છા પણ મને થયા કરતી. તે માટે હું પ્રાર્થના ને પ્રયાસ કર્યા કરતો. પેલા ત્રિકાળજ્ઞ મહાત્માએ કહ્યા પ્રમાણે મને 'મા' પર પ્રેમ જરૂર હતો. તે 'મા'ની કૃપાદૃષ્ટિ માટે  મારું મન તલસતું રહેતું. પણ 'મા'ના મંગલમય સ્વરૂપ પર વધારે રુચિ હતી. તે પ્રમાણે તે વખતે મેં સરસ્વતીદેવીનો એક નાનો ફોટો રાખેલો. વીણાપાણિ સરસ્વતીએ મુંબઈમાં મને સ્વપ્નમાં દર્શન આપ્યું ત્યારથી મને તેના તરફ વિશેષ આકર્ષણ થયેલું.

એકવાર વિચાર કરતાં કરતાં મને થયું કે જીવન તો ચાલ્યું જાય છે. પાણીના દોડતા રેલાની જેમ ચાલ્યું જાય છે. સવાર પછી સાંજ ને વળી પાછી સવાર, એમ કાળ પોતાનું કામ કર્યે જ જાય છે. જીવનમાંથી એકેક દિવસ ઓછો થતો જાય છે. આમ ને આમ બધા દિવસો જતા રહેશે તો કેમ ચાલશે ? 'મા'નું દર્શન કરવાનું સુખ ક્યારે મળશે ? 'મા'ના દર્શનને માટે પ્રયાસ તો ચાલે છે, પરંતુ હજી વધારે પ્રયાસ કરવો જોઈએ. તે વખતે મને રામકૃષ્ણદેવનાં વચનો યાદ આવ્યા. તેમણે કહ્યું હતું કે આ કળિયુગમાં જો કોઈ સાચા દિલથી ત્રણ જ દિવસ પોકારે ને પ્રાર્થના કરે તો પ્રભુ તેને જરૂર મળે. મને થયું કે આ અનુભવ કરવા જેવો છે. આ વચનો અજમાવવા જેવાં છે. તે વચનો કોઈ સામાન્ય માણસનાં ન હતાં. ઈશ્વર વિના જેના જીવનમાં કાંઈ સાર ન હતો, જેનું મન રાતદિવસ ઈશ્વરમાં જ રમ્યા કરતું ને વરસોની સતત તથા સખત સાધના પછી જેના પર ઈશ્વરની પૂર્ણ કૃપા વરસી ચૂકી હતી, તેવા ઈશ્વર સાથે એકતા સાધી ચૂકેલા એક આદર્શ અનુભવી પુરુષનાં એ વચનો હતાં. તેથી જ મારે મન તેનું મૂલ્ય વિશેષ હતું. એ વચનો પ્રમાણે ત્રણ દિવસ સતત પ્રાર્થના કરવાની મને ઈચ્છા થઈ.

તે દિવસોમાં સવાર-સાંજ પાશેર ગાયનું દૂધ લેવાનો મારો નિયમ હતો. વળતે જ દિવસે મને વિચાર થયો કે આજે તો દૂધ ના જ પીવું. ત્રણ દિવસ ભોજન ના કરવું ને ખાસ કામકાજ વિના ઓરડામાંથી બહાર પણ ના નીકળવું. રાત ને દિવસ બને તેટલા વધારે સમય સુધી 'મા'ને પ્રાર્થના કરતા રહેવું. ત્રણ દિવસ સુધી 'મા'ની કૃપાને માટે સતત તલસ્યા કરવું.

સંકલ્પ થઈ ગયો પછી તેનો અમલ કરતા વાર શી ? સવારથી જ મેં બારણું બંધ કર્યું, સરસ્વતીના સુંદર ફોટાને સામે રાખ્યો, તેની પાસે દૂધની વાડકી રાખી ને પ્રાર્થનાની શરૂઆત કરી, રામકૃષ્ણદેવના વચન પ્રમાણે ત્રણ દિવસ થતાં 'મા' પ્રકટ થશે એવો મારો વિશ્વાસ હતો. તે પોતાના હાથે દૂધ પીને મને પ્રસાદ તરીકે બીજું દૂધ આપશે એવી મારી ભાવના હતી.

આશામાંને આશામાં પહેલો દિવસ પૂરો થઈ ગયો. રાત પણ વીતી ગઈ. રાતે થોડી ઊંઘ આવી ગઈ. બીજો દિવસ પણ વીતી ગયો. છતાં કોઈ વિશેષ નોંધપાત્ર અનુભવ ના થયો. ત્રીજો દિવસ પણ પસાર થઈ ગયો. ત્રીજે દિવસે સાંજે હું બહાર નીકળ્યો. દૂધ તો ખરાબ થઈ ગયું હતું. પણ 'મા'નું દર્શન ના થયું. રામકૃષ્ણદેવને મેં વારંવાર પ્રાર્થના કરવા માંડી. પણ બધુ જાણે વ્યર્થ. 'મા' તો એવાં જ અચલ હતાં. મારી મહેનત જોતાં કોણ જાણે તે શા શા વિચાર કરી રહ્યાં હશે ?

ચોથે દિવસે મેં દૂધ પીધું ને ભોજન કર્યું. પરંતુ મને પૂરો આનંદ ના થયો.  એટલો સંતોષ  હતો કે મેં મારી સમજ પ્રમાણે પ્રયાસ કરી જોયો. તે પ્રયાસ જો સફળ થયો હોત તો મને ખૂબ ખૂબ આનંદ થાત ને શાંતિ મળત. પણ ધાર્યા પ્રમાણે અનુભવ ના થવાથી નિરાશ થવાનું કોઈ જ કારણ ન હતું. પુરુષ તો પુરુષાર્થ જ કરી શકે છે. તેનું ફળ આપવાનું ઈશ્વરના હાથમાં છે. ક્યારે, ક્યાં, કેટલું ને કેવું ફળ આપવું તે ઈશ્વર જ જાણે છે. માણસે તેનો વિચાર કરીને શોક ને મોહમાં પડવાનું કોઈ કારણ નથી, કર્મનો કંટાળો લાવીને કર્મસંન્યાસ લેવાની પણ જરૂર નથી.

ત્યારે શું રામકૃષ્ણદેવનાં વચનોને મિથ્યા માનવાં ? તેમના જેવા મહાન અનુભવી પુરુષના વચનને મિથ્યા કેમ મનાય ? તે તો સાચાં જ છે. પણ તેના સીધા શબ્દાર્થને બદલે તેની પાછળના ભાવને જોવાની ને ગ્રહણ કરવાની જરૂર છે. વળી માણસના ભાવમાં કાંઈ ને કાંઈ ત્રુટી રહી જાય છે. તે દૂર થતાં ત્રણ દિવસથી પણ ટૂંકા કાળમાં ઈશ્વરની કૃપા મળી શકે છે. તે ઉપરાંત, પ્રારબ્ધ કર્મની પ્રબળતાને લીધે પણ, કેટલીકવાર સાધના પ્રમાણે અનુભવ મળતાં વાર લાગે છે ને વધારે સાધનાની જરૂર પડે છે. રામકૃષ્ણદેવના ઉપદેશમાં એવા ઉપદેશ વચનોનો અભાવ નથી. તે બંનેનો એકી સાથે વિચાર કરવાથી શંકાનું સમાધાન થઈ જશે.

તે વખતે મને શી ખબર કે ભવિષ્યમાં 'મા'ની સંપૂર્ણ કૃપા માટે મારે તો અનેક ઉપવાસ કરવા પડશે અને આવી રીતે અનેક દિવસો સુધી તપવું ને તલસવું પડશે ? તે વખતની મારી શ્રદ્ધા ને હિંમતનો ખ્યાલ લાવવા આ પ્રસંગ પૂરતો થઈ પડશે એવી આશા છે.

 

 

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok