Wednesday, August 12, 2020

દેવપ્રયાગનું પ્રથમ દર્શન

 ઋષિકેશ પહોંચ્યાને દસેક મહિના થયા હશે. તે દરમ્યાન મારે માટે નાનકડા પ્રવાસનો પ્રસંગ ઊભો થયો. અમદાવાદનું એક સંસ્કારી ગુજરાતી કુટુંબ ઋષિકેશની યાત્રાએ આવી પહોંચ્યું. મારે તેની સાથે પરિચય થયો. તેના મુખ્ય સભ્ય દામોદરદાસ ખૂબ જ માયાળુ ને ભલા સજ્જન પુરુષ હતા. ગરીબ દશામાંથી આગળ વધીને તે આર્થિક રીતે સુખી સ્થિતિએ પહોંચ્યા હતા. તેથી તેમનામાં નમ્રતા ને સેવાભાવના સારી હતી. દરેકનું ભલું કરવાની ભાવના તેમના દિલમાં ભરેલી. દયાળુ પણ તે ભારે હતા. બીજાનું દુઃખ જોઇને દ્રવી જતા. ઇશ્વર પર તેમને શ્રદ્ધા હતી ને સંતમહાત્મા તથા ઇશ્વરભક્તોનો સમાગમ કરવા તે સદાયે તૈયાર રહેતા. તેમના યુવાન અને આશાસ્પદ પુત્રનું તાજેતરમાં મૃત્યુ થયુ હોવાથી તેમને દુઃખ થયેલું. તેમનું દિલ બેચેન હતું. હિમાલયના પ્રખ્યાત પ્રદેશમાં કોઇ સારા સંતનો સમાગમ થવાથી બેચેની ટળશે ને શાંતિ મળશે એવી આશાથી તે ઋષિકેશના દર્શને આવ્યા. ઇશ્વરની ઇચ્છાથી કે સંસ્કારના બળથી મારે તેમની સાથે પહેલે જ દિવસે પરિચય થયો. પછી તો તેમનો મારા પરનો પ્રેમ દિનપ્રતિદિન વધતો જ ગયો. તેમના ધર્મપત્ની પણ માયાળુ ને સેવાભાવી હતા. હું તેમને વૈરાગ્યશતક તથા બીજા ધર્મગ્રંથોના ઉપદેશ સંભળાવતો. તેથી તેમને શાંતિ મળતી.

તેમની ઇચ્છા દેવપ્રયાગ જવાની હતી. ઠંડીના દિવસો તદ્દન પાસે હોવાથી હિમાલયની લાંબી યાત્રા કરવાનો તેમનો વિચાર ન હતો. પણ દેવપ્રયાગ સુધી તો તેમને જવું જ હતું. દેવપ્રયાગના ગોર શ્રી ચક્રધર જોશી સાથે તેમને ઓળખાણ હતી. એટલે તેમનું મન ત્યાં સુધી જવા માટે ખાસ લલચાયું. થોડા દિવસોની અવરજવરને લીધે તેમને મારા પર ભાવ થયેલો. મને સાથે લેવાથી સમય શાંતિથી પસાર થઇ જશે અને આનંદ આવશે એમ લાગવાથી તેમણે મને દેવપ્રયાગ આવવાનું આમંત્રણ આપ્યું. મને પણ હિમાલયના આગળના પ્રદેશનું અવલોકન કરવાની ઇચ્છા તો હતી જ. એટલે એ આમંત્રણને મેં સપ્રેમ વધાવી લીધું. મેં સાથે આવવાની સંમતિ આપી એટલે તેમને ખૂબ આનંદ થયો.

વહેલી સવારે અમે દેવપ્રયાગની મોટરમાં રવાના થયા. પર્વતની મુસાફરીનો પ્રસંગ મારે માટે આ સૌથી પહેલો જ હતો. ઋષિકેશથી દેવપ્રયાગનો મોટરમાર્ગ ઉપરાઉપરી આવતા અનેક વળાંકથી ભરેલો છે. વધારે ભાગે તે માર્ગે મોટરોને ચઢાઇ અને ઉતરાઇમાંથી પસાર થવું પડે છે. સીધી સડક બહુ જ ઓછી આવે છે. પર્વતોમાંથી કોતરી કાઢેલો માર્ગ ઘણો જ સુંદર દેખાય છે. માર્ગની એક તરફ ઊંચા ઊંચા પર્વત ને બીજી તરફ ઊંડી ખીણ છે. વધારે ભાગે તેમાં સર્પાકારે વહી જતી ગંગાનું દર્શન થયા કરે છે. તે દૃશ્ય હૃદયસ્પર્શી ને રમણીય લાગે છે. તેની શોભાને ધરાઇ ધરાઇને જોયા જ કરીએ એવી ભાવના થયા કરે છે. પરંતુ મોટર પોતાનું કામ કર્યે જાય છે ને રસ્તો કપાતો ચાલે છે.

ઋષિકેશથી દેવપ્રયાગનું લગભગ અડધું અંતર કાપ્યા પછી એક ઠેકાણે મોટર ઊભી રહી. ત્યાં એક બે નાની સરખી દુકાનો હતી. ત્યાં ચા, દૂધ અને ખાવાનું મળતું. પાસે પાણીનું સુંદર ઝરણું હતુ. પર્વતોની વચ્ચે આવેલું તે વિશ્રામ સ્થાન કુદરતી સૌંદર્યથી ભરેલુ હતું. ત્યાં દામોદરદાસ શેઠના સમાચાર મળવાથી દેવપ્રયાગના ગોર ચક્રધરજી તેમને લેવા માટે આવેલા. દેવપ્રયાગથી આવતી મોટરમાંથી તે હમણાં જ ઉતરેલા. શેઠને જોઇને તે સામે આવ્યા ને નમસ્કાર કરીને ઊભા રહ્યા. તેમનો સ્વભાવ મને પ્રથમ દૃષ્ટિએ ઘણો સારો લાગ્યો. તેમનો વિવેક જોઇને મને આનંદ થયો. તે સાદા, સરળ ને મધુરભાષી હતી. શેઠને લીધે અમારી ઓળખાણ થતાં વાર ના લાગી.

દેવપ્રયાગમાં અમારે તેમને ત્યાં જ ઉતરવાનું હતું. તેમનું મકાન ગંગાકિનારે હતું. વધારે ભાગનું દેવપ્રયાગ એવી રીતે ગંગાકિનારે ઊંચા પર્વતની તળેટીમાં જ વસેલું છે. ત્યાં અલકનંદા અને ભાગીરથીનો સંગમ થાય છે. તેની શોભા અપાર કહી શકાય તેવી છે. સંગંમ થયા પછી પર્વતોની વચ્ચેથી પસાર થતો ગંગાનો પ્રવાહ ખૂબ જ આકર્ષક લાગે છે. પાણી પ્રબળ ગતિથી વહી જાય છે અને ઉછાળા મારે છે. કિનારા પર ઘાટ ને મોટાં મોટાં પત્થરો છે. ઘાટ પર બે ગુફાઓ પણ આવેલી છે. તેમાં કોઇ વાર કોઇ સાધુસંતો નિવાસ કરે છે.

દેવપ્રયાગમાં ત્રણેક દિવસ રહ્યા પછી અમને જાણવા મળ્યુ કે દેવપ્રયાગથી લગભગ ચારેક માઇલ દૂર એક સુંદર પર્વત છે. તે દશરથાચલ નામે ઓળખાય છે. ત્યાં ઘાસના વિશાળ મેદાનો છે ને ક્ષિતિજમાં અર્ધચંદ્રકાર બરફવાળા હિમાલયનું દર્શન થાય છે. અમને તેનું દર્શન કરવાની ઇચ્છા થઇ. એટલે ચક્રધરજી સાથે વળતે દિવસે સવારે અમે રવાના થયા. શેઠના પરિવારમાંથી શેઠ ને તેમના બે સંતાનો આવ્યાં. તેમને માટે દંડીની વ્યવસ્થા કરી.

પર્વતમાં નાની પગદંડી પરથી પસાર થતાં લગભગ સાત હજાર ફીટની ઊંચાઇએ આવેલા દશરથાચલ પહાડ પર અમે આવી પહોંચ્યા ત્યારે સાંજ પડવાને થોડો વખત બાકી હતો. રસ્તામાં ત્રણ ગામ આવી ગયા. હવે અમે ખૂબ જ ઊંચાઇ પર ઊભા હતા. પર્વત પર ચીડના સંખ્યાબંધ વૃક્ષો હતા. તેને ચીડના વૃક્ષોનું ઘર કહીએ તોપણ ચાલી શકે. દિવાળીની પાસેના દિવસો ને પર્વતની ઉપરનો પ્રદેશ, પછી ઠંડીનું તો કહેવું જ શું ! સાંજનો સમય થયો એટલે ઠંડો પવન ફૂંકાવા માંડ્યો. ચામડીને ચીરી નાખવાની તૈયારીવાળો વાયુ આમતેમ ફરતા સૂસવાટા મારવા માંડ્યો. પર્વતવાસી પવન મેદાનમાં રહેતા માણસોને ઘણે વખતે જોઇને જાણે ગાંડો થઇ ગયો હોય એવું દેખાયું. પર્વતનું દૃશ્ય સુંદર હતું. પર્વત પર કોઇ ગામ ન હતું. કોઇ જમીનદારે બાંધેલુ એક નાનું સરખું મકાન જર્જર દશામાં અમારુ સ્વાગત કરતું ઊભુ હતું. બાકી ઉતરવા કે રહેવાનું કોઇ જ ઠેકાણું ન હતું. એવા એકાંત પર્વતને જોઇને મને આનંદ થયો. તેના પર પગ મૂકતાંની સાથે જ મારા દિલમાં અવનવા ભાવો ઉત્પન્ન થવા માંડ્યા. થોડી વાર સુધી મારું મન તદ્દન શાંત થઇ ગયું. મને થયું કે આ પર્વત પર લાંબો વખત રહેવા મળે તો મારો વિકાસ ઘણો સારો થાય ને મને શાંતિ મળી શકે. પર્વતનો પ્રદેશ મારે માટે ચિરપરિચિત હોય એમ મને લાગવા માંડ્યું.

બીજે દિવસે સવારે અમે આમતેમ ફરવા નીકળ્યા ને પછી નાસ્તો કરવા બેઠા. પર્વત બધી રીતે અનુકૂળ હશે પણ પાણીની તકલીફ હતી. ઝરણું ઘણું દૂર હતું ને તેનું પાણી તીવ્ર વૈરાગ્યની અસર નીચે હોય તેમ ટપકે ટપકે પર્વતમાંથી પડતું. પાણી એટલુ બધું ઠંડુ કે તેને પીવું એટલે જાણે દવાનું સેવન કરવું.

બપોર પછી અમે દેવપ્રયાગ આવવા રવાના થયા પણ એક દિવસના પરિચયમાં તો જાણે પર્વત સાથે મારી પ્રીત થઇ ગઇ. તેનું વાતાવરણ મારા મનમાં ઘર કરી ગયું. દિવાળી તેમજ બેસતા વર્ષના મંગલ દિવસો દેવપ્રયાગમાં પસાર કરીને છેવટે અમે ઋષિકેશ આવી પહોંચ્યા. ત્યાંથી દામોદરદાસ શેઠ સાથે મારે હરદ્વાર આવવાનું થયું. ત્યાં તેમણે મને તેમની સાથે અમદાવાદ આવવા ખૂબ જ આગ્રહ કરી જોયો.  આટલા દિવસોમાં તેમને મારા પર પુષ્કળ પ્રેમ થઇ ગયેલો. તેમણે કહ્યું : 'અમદાવાદમાં આનંદ આવશે. આપણે સાથે રહીશું ને વેપાર કરીશું.'

પણ મારું મન માન્યું નહિ. મેં કહ્યું : 'હાલ તો પ્રભુના નામનો વેપાર લઇને બેઠો છું. તેમાં સફળ થવાય તેવી ઇચ્છા છે એટલે બીજા વેપારની કામના નથી. જીવનમાં શાંતિ મેળવવા આ વેપાર કરવાની જરૂર છે. પ્રભુએ પ્રેમ કરીને અવસર આપ્યો છે તો તેનો લાભ લઇ લઉં.'

છેવટે તેમણે મને જેમ બને તેમ જલ્દી અમદાવાદ આવીને થોડો વખત તેમને ત્યાં રહેવાનુ આમંત્રણ આપ્યું. મેં તેનો સ્વીકાર કર્યો. પણ ઇશ્વરની ઇચ્છાને કોણ જાણી શકે છે ? અમદાવાદ પહોંચ્યા પછી થોડાં જ વખતમાં એમનું અવસાન થયું. ફરીવાર તેમની ને મારી મુલાકાત ના જ થઇ શકી.

તેમનો ઉલ્લેખ કરતી વખતે આજે પણ તેમના ઉત્તમ ગુણો યાદ આવે છે. ખરેખર તે એક દેવપુરુષ હતા એમ લાગ્યા વિના રહેતું નથી. કર્મના સંસ્કાર પ્રમાણે આ સંસારમાં માણસો મળે છે ને છૂટા પડે છે. પણ તેમની સુવાસ સદાને માટે રહી જાય છે.

 

 

Today's Quote

God's love elevates us without inflating us, and humbles us without degrading us.
- B.M. Nottage

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok