Wednesday, August 12, 2020

લક્ષ્મીબાઈનું મૃત્યુ

 આંખ ફરકવાનો ફળાદેશ સાચો છે ? મને તેની ખબર નથી. પણ હરદ્વારમાં છેલ્લા બે દિવસથી મારી ડાબી આંખ ફરકી રહેલી. ઋષિકેશ આવતા ખબર પડી કે બે દિવસ પહેલાં લક્ષ્મીબાઇનું મરણ થયું છે. મૃત્યુ વખતે મારી તરફ કરેલા ખરાબ વર્તાવ બદલ તેને દુઃખ થયું ને તે રડી. જે બાઇ ધર્મશાળાનો દાવો કરતી હતી તે ખાલી હાથે ચાલી ગઇ ને ધર્મશાળા અહીં ને અહીં રહી ગઇ. ખરેખર આ પૃથ્વી કોઇની થઇ નથી ને થવાની નથી. મોટા મોટા મહીપતિ પણ અહીંથી ખાલી હાથે વિદાય થયા છે. છતાં પણ પામર માણસ અહંકારી બને છે અને ના કરવાના કામ કરે છે એ આશ્ચર્યજનક છે. સમજુ માણસે સાવધાન રહીને રાતદિવસ એવાં કામો કરવા જોઇએ કે અંતિમ વખતે તેને કરેલા કામને માટે પશ્ચાતાપ કરીને રોવું ના પડે. જીવન દરમ્યાન શુદ્ધિની સાધના કરીને તેણે વખત આવે ત્યારે શાંતિપૂર્વક સ્મીત કરતાં વિદાય થવાનું છે.

લક્ષ્મીબાઇએ પોતાની ભૂલ સમજીને છેલ્લી ઘડીએ પશ્ચાતાપ કર્યો તે પણ તેનું ભાગ્ય ને ઇશ્વરની કૃપા. છેલ્લી ઘડીના પશ્ચાતાપના પાવકમાં પવિત્ર થયેલો તેનો જીવાત્મા બીજા જન્મમાં વધારે સારી ગતિ ને બુદ્ધિની પ્રાપ્તિ કરી શકશે.

લક્ષ્મીબાઇએ મૃત્યુ વખતે પશ્ચાતાપ કર્યો તેથી તેને જરૂર લાભ થયો હશે. પશ્ચાતાપનું કામ તેના આત્માના મંગલને માટે ઉપયોગી થઇ પડ્યું હશે. છેલ્લી ઘડીએ પણ પોતાનું વિરાધી વર્તન યાદ કરીને તેને દુઃખ થયું. તે તેના ભાવિ જીવનને માટે એક સારું ચિન્હ કહી શકાય. તેને મારી માફી માગવાની ઇચ્છા થઇ આવેલી, એવું મને જાણવા મળ્યું. પરંતુ મારી દશા જુદી જ હતી. મને તેના તરફ દ્વેષભાવ નહોતો થતો. પરંતુ અનુકંપા થયા કરતી. મારા દિલમાં તેને માટેનો પ્રેમભાવ કાયમ હતો ને તેથી પ્રેરાઇને તેને સદબુદ્ધિ ને સદવર્તનની પ્રેરણા મળે તે માટે હું પ્રાર્થના કરતો. એ પ્રમાણે કરવાનું કામ કઠિન છે તે જાણું છું. સામાન્ય રીતે માણસ આવા સંજોગોમાં દ્વેષભાવથી ભરાઇ જાય છે, ગાળાગાળી ને તકરાર પર ચઢી જાય છે, ને વેરનો બદલો વેરથી લેવાના ઘાટ ઘડે છે. પરંતુ સતત જાગૃતિ, પ્રાર્થના ને ઇશ્વરની કૃપાથી મારું મન તેવી પ્રવૃતિથી કાયમને માટે દૂર રહી શક્યું. લક્ષ્મીબાઇના વિરોધી વર્તાવથી મને તો લાભ જ થયો. મારી સહનશક્તિને કેળવવાની મને તક મળી. તે તો ખરું જ, પરંતુ સાથે સાથે ધર્મશાળાના રોજિંદા કામથી નિવૃત રહીને મારો મોટા ભાગનો વખત હું સાધનામાં લગાડી શક્યો. એટલે લક્ષ્મીબાઇને માટે મારા દિલમાં કટુતા કે દ્વેષભાવ કેવી રીતે જાગી શકે ? વેર ને પ્રેમનો મુખ્ય આધાર પ્રારબ્ધ કર્મો પર રહે છે. તેમને અનુસરીને કોઇને કોઇ પ્રત્યે પ્રેમ ને કોઇ પ્રત્યે વેર થાય છે. તે ઉપરાંત, વેર ને પ્રેમના બીજા કારણો પણ હોઇ શકે છે. તેની ચર્ચામાં ઉતરવાની આવશ્યકતા નથી લાગતી. મુખ્ય વસ્તુ એ છે કે પોતાને કોઇ વેરભાવે જુએ કે ના જુએ, તો પણ સાધકે સૌને પ્રેમ કરતા શીખવું જોઇએ. વેરથી કાયમને માટે દૂર રહેવું જોઇએ, ને છેવટે રાગ ને દ્વેષ બંનેથી પર થવાની કોશિષ કરવી જોઇએ. કામ ભગીરથ હોવાં છતાં પણ સતત સાધના ને ઇશ્વરકૃપાથી સાધી શકાય તેવું છે.

*

લક્ષ્મીબાઇનું મૃત્યુ થવાથી મારું કામ સરળ થયું. તે દિવસોમાં ટ્રસ્ટીઓએ વકીલને રોકીને લક્ષ્મીબાઇ સામે કેસ કરવાની તૈયારી કરી. બાઇએ પણ ઋષિકેશના પંડાની મદદથી કોર્ટમાં લડી લેવાની હિંમત બતાવી. એટલે ધર્મશાળાનું કામ સહેલાઇથી ઉકલે તેવું ન હતું. આગળ પગલાં ભરીને માર્ગ કાઢવાનું કામ ટ્રસ્ટીઓનું હતું. એટલે મને રાહત મળી. હવે ધર્મશાળમાં કોઇ પ્રકારની દખલગીરી અને ઉપાધિ વિના શાંતિથી રહી શકાશે એમ લાગવાથી મારો ઉત્સાહ વધી પડ્યો.

ધર્મશાળામાં રહેવાનો મુખ્ય હેતુ માતાજીની સંભાળ રાખી શકાય અથવા એમને આર્થિક મદદ મોકલી શકાય તે હતો. તે માટે જ મેં ધર્મશાળાનું કામ સ્વીકારેલું. હવે મને ધર્મશાળામાં ફાવી પણ ગયું. ઋષિકેશનું વાતાવરણ પણ મને ગમતું. પરંતુ તુલસીદાસે કહ્યું છે કે 'હોવત સોઇ જો રામ રચી રાખા'. ઇશ્વરની ઇચ્છા પ્રમાણએ જ બધું થયા કરે છે. તે પ્રમાણે મારા જીવનમાં એક નવા અણધાર્યા પ્રસ્થાનનો કાળ આવી પહોંચ્યો. એક નવી પરિવર્તનની પળ પેદા થઇ. છેલ્લા કેટલાક વરસોમાં જીવનમાં ઉપરાઉપરી અનેક ફેરફારો થયેલા. એના અનુસંધાનમાં એક બીજા મોટા ફેરફારનો વખત આવી પહોંચ્યો.

 

 

Today's Quote

The easiest thing to find is fault.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok