Friday, August 07, 2020

ધર્મશાળામાંથી રાજીનામું

 રોજના નિયમ પ્રમાણે સ્નાનાદિથી પરવારીને હું સવારે ધ્યાનમાં બેઠો. ને થોડાં જ વખતમાં મારું મન એકાગ્ર થઇ ગયું. તે વખતે શરીરનું જરાક જેટલું ભાન કાયમ હતું. તે દશામાં મારા હૃદયમાં ઉંડે ઉંડે પ્રેરણા કરતું કોઇ કહેવા માંડ્યું : 'અરે, માતાજીની ચિંતા શા માટે કરે છે ? તને મારા પર શ્રદ્ધા નથી ? માતાજીના ગુજરાનની ચિંતા કરીને તો તું મારા પરની શ્રદ્ધાને ઓછી કરે છે. જરા વિચાર તો કર કે આખા જગતની ચિંતા કોણ કરે છે ? મનુષ્ય જ નહિ પણ પશુપંખી ને વનસ્પતિનો ભાર કોણ વહન કરે છે ? સૌનું પોષણ કરનાર શું એક ઇશ્વર નથી ? તે ઇશ્વર પર - મારા પર તને શ્રદ્ધા નથી ? તો પછી અહીં શું કામ બેસી રહ્યો છે ? આ નાનકડા પિંજરમાં શા માટે પૂરાઇ રહ્યો છે ? નોકરી કરવા જ હોય તો મારી કર. મારો જ સેવક ને પ્રેમી બન. તેમ કરીશ તો તારું જીવન ધન્ય બની જશે. તું કૃતાર્થ થઇ જશે. માતાજીની ચિંતા છોડી દે. તેમને કોઇ જાતની તકલીફ નહિ પડવા દઉં. તારા જીવન માટે તું બીજા પર આધાર રાખે છે ત્યાં સુધી તારું સમર્પણ સાચું નથી. પૂરું નહિ પણ અધૂરું છે. માટે મારે માટે સર્વસમર્પણ કરીને આગળ પર્વતોમાં ચાલ ને જીવનને મારામય કરી દે. હવે વિલંબ ના કર.'

પહેલેથી તૈયાર કરી રાખ્યા હોય તેવા શબ્દો અંતરના ઉંડાણમાંથી એક પછી એક બોલાયે ગયા. તે શબ્દોને સંભળાવનાર શક્તિનું દર્શન ના થયું. શિવાનંદ આશ્રમમાં પહેલી વાર જે અલૌકિક અનુભવ મળેલો તેને મળતો આ બીજો અનુભવ હતો. આ શબ્દો મારા મનના વિચાર કે ભાવતરંગ ન હતા, કલ્પના પણ ન હતી, પણ તે વખતે આકસ્મિક રીતે અંતરમાંથી આવી રહેલા. તેમને પ્રેરિત કરનારી શક્તિ કોઇ જુદી જ હતી. તેમની સામે કોઇ દલીલ કામ કરતી ન હતી. તર્કશક્તિ તેમને અનુકૂળ થઇને સ્વીકાર્યે જતી.

એ પ્રેરણાશબ્દોની અસર તો જુઓ ! શબ્દો પૂરા થયા કે તરત જ મેં આંખ ઉઘાડી, સામે પડેલી નોટબૂક લીધી, ને ટ્રસ્ટીઓને રાજીનામાનો કાગળ લખી નાખ્યો. 'આજથી પંદર દિવસ પછી હું ધર્મશાળા છોડી દઇશ. તે દરમ્યાન ઇચ્છા હોય તો કોઇ બીજા માણસને મોકલી દેજો નહિ તો તમારી મંજૂરી મળશે તો, દહેરાદૂનમાં એક ગુજરાતી ભાઇ વરસોથી રહે છે તેમને મારી જગ્યાએ મેનેજર તરીકે મુકતો જઇશ. એટલે તમને તકલીફ નહિ પડે.' એવી સૂચના પણ કાગળમાં કરી દીધી. રાજીનામાનો પત્ર પૂરો કર્યા પછી પદ્માસન પૂરું કરીને હું ઉભો થયો. મારો નિર્ણય તદ્દન નવો અને આકસ્મિક હતો. તેની પાછળ ઇશ્વરની પ્રેરણા હતી. એટલે મારા મનને શાંતિનો અનુભવ થઇ રહ્યો. આખરે તો ઇશ્વરની ઇચ્છા પ્રમાણે જ બધું થયા કરે છે. કવિ દયારામે ઠીક જ કહ્યું છે કે -

'ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નહિ ફરે,

ચિત્ત તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે !'

*

ટ્રસ્ટીઓને પત્ર રવાના કર્યા પછી એક પત્ર મગર સ્વામીને લખીને બીજો પત્ર મેં ચંપકભાઇને લખી દીધો. તેમને મેં મારા નિર્ણયની જાણ કરી. ચંપકભાઇ તે વખતે નહાન સ્ટેટમાં પોન્ટા સાહેબ નામે સ્થાનમાં હતા. તેમના સમાચાર અવારનવાર આવતા. દહેરાદૂનમાં રહેતા ગુજરાતી ભાટિયા ભાઇ વલ્લભદાસે તેમને તે સ્થાન બતાવેલું. તેથી તે ત્યાં એકાંતવાસ માટે ગયેલા.

મગર સ્વામીની સાથે મારો પત્રવ્યવહાર ચાલુ હતો. હું ધર્મશાળામાં રહું તેવી તેમની ઇચ્છા હતી. એટલે મારો રાજીનામાનો નિર્ણય તેમને સારો ના લાગ્યો. કોની સલાહ લઇને મેં રાજીનામું આપ્યું, ધર્મશાળાનું સ્થાન મારા માટે બહુ સારુ હતું, ત્યાં રહેવાની મારી આજ્ઞા હતી, તેનું પાલન કેમ ના કર્યું, એવા એવા ભાવો તેમણે કાગળમાં ઠાલવી બતાવ્યા. પણ મારે માટે એ ભાવોનું મહત્વ ઝાઝું ન હતું. મને ઇશ્વરી પ્રેરણા મળી ચૂકેલી. તેનું પાલન કર્યા વિના છૂટકો ન હતો. એકાદ વ્યક્તિને બદલે ઇશ્વરને વફાદાર રહેવાનો મારો ધર્મ હતો. તે ધર્મની ઉપેક્ષા કરવાની મારી શક્તિ ન હતી, ઇચ્છા પણ ન હતી.

મારો નિર્ણય માતાજીને માટે મૂંઝવણરૂપ હતો. પણ ઇશ્વર પર શ્રદ્ધા રાખીને એનો અમલ કરવાની આવશ્યકતા હતી. તેની કૃપાથી બધું મંગળ જ થઇ રહેશે એવી મને શ્રદ્ધા હતી. માતાજીને માટે એ કાળ ભારે કસોટીનો હતો. તેમનો સ્થૂળ આધાર કેવળ મારા પર હતો. તેથી તેમની દશા સમજી શકાય તેવી છે. પછીના વરસો તેમને માટે વધારે કપરાં ને કસોટી કરનારા સાબિત થયા. પણ ઇશ્વરની કૃપાથી ભયંકર અગ્નિપરીક્ષામાંથી પસાર થઇને છેવટે તે સુખ અને શાંતિ મેળવી શક્યા. આજે તે વરસોથી મારી સાથે જ રહે છે. તેવો યોગ કેવી રીતે પ્રાપ્ત થયો તે ક્રમે ક્રમે કહેવાશે. હાલ તો એટલું જ કહીશ કે ઇશ્વરી પ્રેરણા પ્રમાણે થયેલો રાજીનામાનો નિર્ણય મારે માટે આગળ પર મંગલમય સાબિત થયો. ધર્મશાળામાં જ બેસી રહેવાનું થયું હોત તો મારા જીવનમાં આજના જેટલો આધ્યાત્મિક વિકાસ કદાચ ના થઇ શક્યો હોત. ધર્મશાળા છોડવાથી મને બધી રીતે લાભ જ થયો છે.

ધર્મશાળામાંથી મુક્ત કરીને ઇશ્વરે મારા પર ખરેખર કૃપા કરી. જીવનના વધારે વિકાસનો માર્ગ મોકળો કરી આપ્યો. ધર્મશાળાનો ત્યાગ કર્યા પછી હિમાલયના પાવન પ્રદેશમાં મેં ઇચ્છાનુસાર વિચરણ કર્યું, તે ભાગ્ય ધર્મશાળામાં બેસી રહેવાથી મને ભાગ્યે જ મળી શક્યું હોત. ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફરવાના ને નિવાસ કરવાના ભાગ્યથી પણ વંચિત રહી જાત. ધર્મશાળાના એક સાધારણ મેનેજર તરીકે હું જીવતો હોત. તે દશામાં પણ મારી સાધના તો ચાલ્યા જ કરત. પરંતુ તેનું સ્વરૂપ જરા જુદું હોત. ધર્મશાળાનો ત્યાગ કરવાથી મારા જીવનમાં અંદરના ત્યાગની સાથે સાથે બહારના ત્યાગની દશા પણ શરૂ થઇ. એ વાત એટલી અગત્યની ન હતી. તે ઉપરાંત મારી પ્રવૃતિ પાછળ ઇશ્વરની પ્રેરણા હતી. ઇશ્વરનો હાથ હતો, એટલે મને શાંતિ હતી.

મારા રાજીનામાનો ઉત્તર આવી ગયો. ટ્રસ્ટીઓની મંજૂરી મળી ગઇ.

 

 

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok