Sunday, August 09, 2020

ટિહરી માટે પ્રસ્થાન

 પ્રેમ ને જ્ઞાનના બે પ્રવાહો મારા જીવનમાં પહેલેથી જ વહ્યા કરતા. કેટલાય સાધકોના જીવનમાં તે પ્રવાહો વહેતા હશે. કોઇ વાર પ્રેમનો પ્રવાહ પ્રબળ થતો તો કોઇ વાર જ્ઞાનનો. કોઇ વાર બંને પ્રવાહો સંવાદી બનીને સાથે સાથે પણ કામ કરતા. પણ આ વખતે તો જ્ઞાનના પ્રવાહે પ્રબળ થઇને વહી રહેલા પ્રેમના પ્રવાહ પર કાબુ કરી લીધો. પ્રેમના પ્રવાહની સફળતા માટે એ વાત બરાબર થઇ એમ ના કહેવાય. જ્ઞાનની ભાવના જાગે તો પણ તેને શાંત રાખીને પ્રેમની ભાવનાને સફળ કરવાની સાધનામાં લાગી જવાની જરૂર છે. ત્યારે જ ભક્તિ કે પ્રેમની સાધના સંપૂર્ણ થઇ શકે. પ્રેમપંથના પ્રવાસીએ જાગ્રત રહેવાની જરૂર છે.

કૃષ્ણદર્શનની સાત દિવસની સાધનાનો એ પ્રમાણે અનેરી રીતે અંત આવ્યો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે જે ભાવ હતો તે તો કાયમ જ રહ્યો. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણમનન તો ચાલુ જ રહ્યું. સાત દિવસની સતત ને કઠોર સાધનાથી મન પર જે સંસ્કારો પડ્યા ને જે અનુભવો થયા એની અસર પણ કાયમ રહી. ઉપવાસ પૂરા થયા, જ્ઞાનના ભાવોથી મારું હૃદય ભરાઇ ને રંગાઇ ગયું, તો પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાની કામના ને તે માટેની પ્રાર્થના આગળ પર ચાલુ જ રહી.

ઠંડીના ખરા દિવસો હવે પૂરા થવા આવ્યા. હજી મહા મહિનો બાકી હતો. ઋષિકેશ છોડ્યા પછીના છેલ્લા બે મહિનામાં મને કેટલાય સારા સારા અનુભવો થયેલા. હવે મારો વિચાર પગરસ્તે ટિહરી થઇને ઉત્તરકાશી જવાનો હતો. મેં સાંભળ્યું કે ઉત્તરકાશીનું સ્થળ સુંદર છે ને ત્યાં સારા સારા સંતપુરુષો નિવાસ કરે છે. એટલે તેનું દર્શન કરવાની ને તેના પવિત્ર પરમાણુથી ભરેલા વાતાવરણમાં થોડો વખત રહેવાની મારી ભાવના હતી. દેવપ્રયાગના બેત્રણ પ્રેમી ભાઇઓની પાસે મેં મારી ભાવનાની રજૂઆત કરી. તેમની સલાહ મુજબ મેં વસંતપંચમી કરીને દેવપ્રયાગથી ટિહરી માટે પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો.

વસંતપંચમીને દિવસે દેવપ્રયાગમાં મોટો મેળો ભરાય છે. પર્વતોની અંદરના પ્રદેશના માણસો હજારોની સંખ્યામાં દેવપ્રયાગમાં ભેગા થાય છે. સ્ત્રીપુરુષોની ઠઠ જામે છે. જૂના વખતમાં વસંતોત્સવની પ્રથા ચાલતી. એના અવશેષરૂપ એ મેળાની પ્રથા આજે પણ લોકોને માટે મનોરંજનના એક મોટા સાધનરૂપ થઇ પડે છે. ગઢવાલની ગ્રામીણ સંસ્કૃતિની છાયા એ મેળામાં સારી રીતે જોવા મળે છે. પર્વતીય પ્રજાનો જુદો જુદો પોષાક ખાસ આકર્ષક હોય છે. તેમના લોકગીતો પણ ઓછાં આકર્ષક નથી હોતાં.

ચંપકભાઇએ મને મુસાફરીમાં મદદરૂપ થાય તે માટે જાડી ખાદીનો ખભે લટકાવી શકાય તેવો એક થેલો બનાવડાવેલો. તેમાં જરૂરી સામાન ગોઠવીને હું તૈયાર થઇ ગયો. તે દિવસનું ભોજન મેં ચક્રધરજીને ત્યાં કર્યું. દેવપ્રયાગમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. એક મિલનસાર સ્વભાવના વિદ્વાન ને જ્યોતિષમાં પારંગત પુરુષ હોવાને લીધે લોકો તેમને માન ને પ્રેમની નજરે જોતા. તેમને ત્યાં ગામના સારા સારા પુરુષો ભેગા મળતા. તેમને ત્યાં ભોજન કરીને હું ઉતારા પર આવ્યો. ચંપકભાઇની ઇચ્છા એવી હતી કે હું દહેરાદૂન થઇને તેમને મળીને પછી ઉત્તરકાશી જાઉં. પણ મને ટિહરી થઇને જ ઉત્તરકાશી તરફ જવાનું વધારે સારું લાગ્યું. તે દિવસે વસંતપંચમીને દિવસે લગભગ સવારે અગિયારેક વાગ્યે ખભે સામાનનો થેલો લટકાવી, તેના પર જાડો ને ધોળો કામળો નાખી, ને હાથમાં પિત્તળના કમંડળ જેવો મોટો ડબો લઇને હું વિદાય થયો.

દેવપ્રયાગથી ટિહરી લગભગ ૨૮ માઇલ હતું. મારે માટે ટિહરીનો માર્ગ નવો જ હતો. પણ મને પ્રભુ પર શ્રદ્ધા હતી. તે મારી સંભાળ રાખીને મને સહીસલામત સફર કરાવશે એમ માનીને મેં ગંગાતટ પરની પગદંડી પર પ્રવાસ કરવાનું શરૂ કર્યું. અજાણ્યા માર્ગે પર્વતોમાં મારો આ પહેલો પ્રવાસ હતો. છતાં મને કોઇ પ્રકારનો સંકોચ કે ભય ના લાગ્યો. જેને ઇશ્વર પર શ્રદ્ધા છે ને જેનામાં સત્યતા ને પ્રમાણિકતા છે, તેને સંસારમાં શાનો ભય ? જેણે ઇશ્વરને માટે ફકીરી લીધી ને ઇશ્વરને સર્વસમર્પણ કર્યું તે ગમે ત્યાં રહે ને ગમે ત્યાં ફરે, ઇશ્વર તેની રક્ષા નિરંતર કર્યા કરે છે ને તેને સદાયે સલામત ને સુખી રાખે છે. તેણે કોઇથી ડરવાનું કારણ નથી. ઇશ્વરના અનુરાગથી રંગાઇને તે ઇશ્વર સાથે અનુસંધાન સાધે કે સંબંધ બાંધી લે એટલું પૂરતું છે. આગળની બધી બાજી ઇશ્વર પોતે જ સંભાળી લેશે.

 

 

 

Today's Quote

The easiest thing to find is fault.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok