Saturday, August 15, 2020

ટિહરીને રસ્તે

 પર્વતના પંથની પેઠે જીવનનો પંથ પણ સદાને માટે સરળ, સીધો ને સાફ હોય છે એમ નથી. પર્વતના સાધારણ પંથ કરતાં જીવનનો પંથ વધારે જટિલ ને રહસ્યમય હોય છે. તેના પર સફળતાપૂર્વક પ્રવાસ કરવાનું કામ અજાણ્યા માણસને માટે મુશ્કેલ છે. તેમાં અનેક વળાંકો, પગદંડીના ભ્રમણામાં નાખી દેનારા નાના-મોટા માર્ગો ને પ્રલોભનોથી ભરેલાં દૃશ્યો આવે છે. કોક ઠેકાણે ચઢાઇ તો કોક ઠેકાણે ઉતરાઇ પરથી ચાલવું પડે છે. છાયા ને તાપના મિશ્રિત અનુભવમાંથી પસાર થવું પડે છે.  તે પંથના પ્રવાસીએ કેટલીકવાર કાંટા ને કાંકરામાંથી માર્ગ કરીને આગળ વધવું પડે છે. કેટલીક વાર સપાટ તો કોઇ વાર પથરીલી જમીનનો અનુભવ કરવો પડે છે. પરિણામે કોઇવાર હર્ષ તો કોઇવાર શોકની છાયા તેના હૃદયમાં ફરી વળે છે. કોઇવાર મધુર તો કોઇવાર કટુ ભાવનો અનુભવ કરતી ને કોઇવાર રાગ તો કોઇવાર દ્વેષની અસર નીચે આવતી તેની જીવનયાત્રા આગળ ને આગળ ચાલ્યા કરે છે. અનેકવિધ દૃશ્યોવાળી ને કડવા-મીઠા અનુભવથી ભરેલી એ જીવનયાત્રામાં આગળ વધનારા વિવેકી પુરુષે બધી દશામાં વિવેકની જ્યોતિને જાગ્રત રાખતાં શીખી લેવાનું છે. તેની મદદથી પ્રતિકૂળ અને અનુકૂળ બધા પ્રકારની પરિસ્થિતિમાં ચિત્તની સ્થિરતા ને શાંતિ જાળવી રાખવાની છે. બહારના આઘાત-પ્રત્યાઘાતથી પર રહેવાની કળામાં પારંગત થવાનું છે. સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહીને આત્મોન્નતિના ઉદ્દેશને નજર સામે રાખીને તેની સિદ્ધિ માટે મહેનત કરવાની છે. સુખ આવે કે દુઃખ, હર્ષ ઉત્પન્ન થાય કે શોક ને સ્તુતિના પ્રસંગ ઉભા થાય કે નિંદાના, બધે વખતે તટસ્થ રહેવાની તાલીમ મેળવી લેવાની છે. પ્રારબ્ધ પ્રમાણે પ્રભુ તેને જે દશામાં રાખે તેમાં આનંદ માનતા શીખવાનું છે. જે સહન કરવું પડે તે પ્રેમ ને શાંતિથી સહન કરવાનું છે ને પ્રભુના પવિત્ર પ્રેમમાં નિરંતર નહાયા કરવાનું છે. જીવનના જટિલ પંથનો પ્રવાસ તો જ પરિપૂર્ણપણે સફળ થઇ શકે.

હું પણ અત્યારે પ્રવાસી હતો. જીવન ને પર્વત બંનેના એક તદ્દન સાધારણ પરિચિત પુરુષ તરીકે હું આગળ ને આગળ વધ્યે જતો હતો. દેવપ્રયાગથી થોડેક દૂર બાગી નામે એક ગામ છે. તે ગંગાને કિનારે વસેલું છે. ને તેની બાજુના મેદાનમાં મોટાંમોટાં ખેતરો છે. તેને લીધે તેની શોભા ઓર જ લાગે છે. ત્યાં સુધી મને વળાવવા આવેલા એક ભાઇની સાથે હું વાતો કરતાં આવી પહોંચ્યો. પછી તે ભાઇ મને પ્રેમપૂર્વક વિદાય આપીને પાછા વળ્યા ને હું ટિહરીને માર્ગે આગળ વધ્યો. મારો વિચાર બનતી વહેલી તકે ટિહરી પહોંચવાનો ને ટિહરી જઇને જ રોકાવાનો હતો. એટલે એકલો પડ્યા પછી મેં જરા ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. શિયાળાના દિવસો હોવાથી તાપની ચિંતા તો હતી નહિ. એટલે બપોરે કોઇપણ પ્રકારની મુસીબત વિના ચાલી શકાય તેમ હતું. કુદરતી સૌંદર્યથી ભરેલા પ્રદેશનું દર્શન કરતો ને મનમાં પ્રભુનું સ્મરણ કરતો હું રસ્તો કાપવા માંડ્યો.

ટિહરીનો માર્ગ જરા મુસીબતવાળો છે, વિકસેલો નથી. એટલે બહુ જ ઓછા યાત્રીઓ તેનો ઉપયોગ કરે છે. પહેલાં ટિહરી થઇને ધરાસુ ને ત્યાંથી ગંગોત્રી ને જમનોત્રી જવા માટે આ માર્ગનો ઉપયોગ થતો. પણ હવે તો ઋષિકેશથી મોટર રસ્તે ટિહરી ને ધરાસુની સફર સહેલી થઇ છે. તેથી ગંગોત્રી, જમનોત્રી જનારા મુસાફરો વધારે ભાગે તે જ રસ્તે જવાનું પસંદ કરે છે. મને ખાસ પગરસ્તે પ્રવાસ કરવાની ઇચ્છા હોવાથી મેં મોટર માર્ગને બદલે આ માર્ગ પસંદ કર્યો. આ માર્ગે ધર્મશાળાની વ્યવસ્થા બહુ સારી નથી. ગામડાં પણ યાત્રામાર્ગથી જરા દૂર છે. પરંતુ મને તેની ચિંતા ન હતી. 'શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ'ની ધૂન બોલતો હું આગળ ધપતો જતો. કોઇવાર પ્રભુને પ્રાર્થના કરતો, તો કોઇવાર દશરથાચલ ને દેવપ્રયાગના તાજા અનુભવોને યાદ કરતો. પગદંડીનો માર્ગ વધારે ભાગે પર્વતોની અંદર થઇને ગંગાના તટ પ્રદેશમાંથી પસાર થતો. પર્વતોની વચ્ચેથી ઠેકઠેકાણે ઉપરાઉપરી વળાંક લેતી વહી જનારી ગંગા વિહાર કરવા નીકળી પડેલી કોઇ ઋષિકન્યા જેવી દેખાતી. કોઇવાર મંદ તો કોઇવાર ઝડપી ગતિથી તે વહ્યે જતી. પર્વતો તેને લીધે વધારે સુંદર દેખાતા. પર્વતો જાણે શરીર ને તે પ્રાણ હોય એમ લાગ્યા વિના રહેતું નહિ. વેદની કોઇ મંગળ ઋચા જેવી તેની મધુરતા આંખ અને અંતરમાં જોતાંવેંત જ ફરી વળતી. તેનું દર્શન કરતાં મન ધરાતું નહિ. તેણે પણ પોતાનો બધો જ ભંડાર મારે માટે ખુલ્લો મુકી દીધેલો. એનું નિરીક્ષણ કરવાનો જે આનંદ હતો, તેની પાસે થાક કે પ્રમાદ ફરકી શકે તેમ ન હતો.

વચ્ચે વચ્ચે થેલા ને કામળાના ભારથી જ્યારે ખભો દુઃખવા માંડતો ત્યારે સામાન બીજે ખભે મૂકતો ને આગળ વધતો. રસ્તામાં ઝરણાં આવતાં ત્યારે સામાનને ઉતારીને આરામ કરતો ને પાણી પીતો. એવી રીતે હું ટિહરીની દિશામાં આગળ ને આગળ વધ્યે જતો.

એટલામાં સાંજનો સમય થઇ ગયો. સાંજની શોભા કેવી અનેરી છે ? ઉષા ને સંધ્યા બંને કુદરતની કવિતા છે. તેમાં સંધ્યા વધારે કરુણ છે. તે વધારે ભાગે જીવનસંધ્યા ને મૃત્યુની યાદ આપીને હૃદયને ગંભીર, વિચારશીલ ને વૈરાગ્યમય બનાવે છે. ત્યારે ઉષા સ્ફૂર્તિ, ચેતના, જીવનની પ્રેરણા ને ઉલ્લાસ તરફ પ્રેરે છે. પર્વતોની સંધ્યા બહુ વિશાળ ને દીર્ઘજીવી નથી હોતી. થોડી વારમાં જ વિલીન થાય છે. તે પ્રમાણે સુંદર દેખાતી સંધ્યા વિલીન થવા માંડી ને તેની જગ્યાએ અંધકાર ફરી વળવા માંડ્યો. આપણાં સંસારમાં પણ સુંદરતાના સઘળાં સ્વરૂપોના રૂપરંગ થોડા વધારે કે ઓછા સમયને માટે પ્રકટે છે, ખીલે છે, ને ચમકે છે, પરંતુ સનાતન ક્યાં છે ? માણસને સુખી કે દુઃખી કરીને, ઉલ્લાસ કે વિષાદ ને વૈરાગ્યના ભાવથી ભરપૂર કરીને, છેવટે તે પોતાની લીલાને સંકેલી લે છે ને વિલીન થાય છે.

 

 

Today's Quote

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok