Saturday, July 04, 2020

દહેરાદૂનમાં

ઋષિકેશમાં તે વખતે ઓમ્ સ્વામી નામે ગુજરાતી મહાત્મા રહેતા. તેમની વિદ્વતા સારી હતી. તે વિનોદી પણ સારા હતા. તેમનો મને પરિચય થયો. આગળ પર મેં યોગી શ્રી ભૈરવ જોશીનો ઉલ્લેખ કર્યો છે, તેમની સાથે તેમને ઘનિષ્ઠ મિત્રતા હતી. ઘણા વખતથી તે જોશીજીને મળી શક્યા ન હતા. તેથી મારી સાથે દેહરાદૂન આવવા તે સહેજે તૈયાર થઈ ગયા.

દેહરાદૂનમાં અમે શ્રી જોશીજીને ત્યાં ઉતારો કર્યો. જોશીજી એક સારા સંતપુરુષ ને યોગી હતા. તેમનું હૃદય ઘણું પવિત્ર ને પ્રેમાળ હતું. તે સારા સાધક હતા. સાધનાના ક્ષેત્રમાં તે વરસોથી પડેલા. તેમાં તેમને સારા સારા અનુભવ પણ થયેલા. તેથી તેમનામાં ઊંડા આત્મગૌરવ ને શાંતિનું દર્શન થતું. તેમની ખાસ વિશેષતા તો એ હતી કે તે સંસારી હતા, તો પણ વ્યવહારથી અલિપ્ત રહીને તે આપબળે આગળ વધ્યે જતાં. વ્યવહારમાં રહીને સાધના કરવાની કામનાવાળા સાધકો માટે તેમનું જીવન પદાર્થપાઠરૂપ હતું. તેમની આર્થિક સ્થતિ નબળી હોવા છતાં તેમનું દિલ નબળું ન હતું. તેથી અતિથિ ને પ્રેમીજનોનો યોગ્ય સત્કાર કરવામાં તે કદી પણ પાછા ના પડતા. તેમને ઔષધિશાસ્ત્રમાં પણ રસ હતો. જડીબુટ્ટીનું તેમનું જ્ઞાન સારું હતું. તેની મદદથી તે હાથે દવા બનાવતા, ને દીનદુઃખીની સેવા કરતા. તેમનું જીવન ખરેખર ઉત્તમ હતું. અમને ઘણે લાંબે વખતે મળીને એમને આનંદ થાય એ સ્વાભાવિક હતું.

ચંપકભાઈ છેલ્લે છેલ્લે મારી પાસેથી દેવપ્રયાગથી છૂટા પડ્યા પછી જોશીજીને ત્યાં જ રહેતાં. ત્યાં તેમને ગમી ગયું હતું. જોશીજીને ત્યાં જવામાં મારો એક ઉદ્દેશ તેમને મળવાનો પણ હતો. તેમની પાસેથી જોશીજીએ અમારા દશરથાચલ પર્વત ને દેવપ્રયાગના દિવસો વિશે સાંભળ્યું હતું. હવે રૂબરૂ મેળાપ થવાથી તે વિશે વધારે વાતો થઈ. મને શાંતિ મળી છે તે જોઈને તે ખુશ થયા.

આજ સુધીમાં મને એવા ત્રણ પુરુષો મળ્યા છે જેમને તેમના પૂર્વજન્મનું જ્ઞાન થયું હોય. અથવા વધારે સારા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે આજ સુધીમાં ત્રણ સંતપુરુષોએ મને તેમના પૂર્વજન્મના જ્ઞાન વિશે માહિતી આપી છે. તેમાંના એક સંત વેદબંધુની માહિતી હું આગળ પર આપી ગયો છું. આજે અવસર આવ્યો છે ત્યારે કહેવું જોઈએ કે બીજા સંતપુરુષ શ્રી જોશીજી છે. તેમને પણ તેમના પૂર્વજન્મનું જ્ઞાન થયેલું. તે વિશે તેમણે મારી પાસે દિલ ખોલીને વાત કરી. તેમના પૂર્વજન્મની ઝીણી વિગતોમાં ઊતરવાનું ઠીક નહિ થાય. પણ તેના સંબંધમાં એટલું કહી શકીશ કે તેમના કહ્યા પ્રમાણે તેમનો પૂર્વજન્મ એક સ્ત્રીનો હતો, ને તેની પહેલાના જન્મમાં તે એક ફકીર હતા. આ વાતનો ઉલ્લેખ હું એટલા માટે કરી રહ્યો છું કે ભારતના વર્તમાનકાળના સાધકોમાંથી પણ કેટલાક પોતાના જન્માંતરનું અનુભવસિદ્ધ જ્ઞાન ધરાવે છે તેનો ખ્યાલ આવે.

જોશીજીને બીજા કેટલાક સારા અનુભવો પણ થયેલા. દહેરાદુનથી થોડેક દૂર સહરાનપુરની સડક પાસે, નાથ સંપ્રદાય મહાન સંત શ્રી ગૈનીનાથની સમાધિ છે. જ્ઞાનેશ્વરના મોટાભાઈ નિવૃત્તિનાથને પર્યટન કરતાં કરતાં ગૈનીનાથનું  દર્શન થયેલું એમ કહેવાય છે. એ મહાન સિદ્ધ યોગી ગૈનીનાથે હિમાલયના આ પ્રદેશમાં સમાધિ લીધી હોય તે માની શકાય તેવું છે. જોશીજી તેમની સમાધિના દર્શને અવારનવાર જતાં. તેમના કહેવા પ્રમાણે ગૈનીનાથે તેમને સમાધિસ્થાનની બાજુમાં કોઈ સંતપુરુષના સ્વરૂપમાં દર્શન આપેલું.

દહેરાદુનમાં એક શિવાલય હતું. ત્યાંના મહંત ગુજરાતી હતા. તે પ્રસિદ્ધ મહાત્મા જયેન્દ્રપુરીજીના શિષ્ય હતા. બીજા ત્રણ-ચાર ગુજરાતી મહાત્મા પણ ત્યાં રહેતા. અભય મઠની જગ્યા પણ તેમના કબજામાં હતી. અમે ત્યાં વારંવાર જતાં. શિવાલયમાં રહેતાં બે સંન્યાસી મહાત્માનો વિચાર ઉત્તરકાશી જવાનો હતો. તેથી તેમનો સાથ સહજ રીતે જ મળી ગયો. તેમનો વિચાર દેહરાદુનથી મસુરી પણ પગપાળા જવાનો હતો. પરંતુ મારી મરજી મસુરી સુધી મોટરમાં જવાની હતી. તેથી અમે એક નક્કી દિવસે મસુરીમાં સનાતન ધર્મશાળામાં ભેગા થવાનું નક્કી કર્યું.

ચંપકભાઈને લોકસેવા પર ખાસ પ્રેમ હતો. તેમનો વધારે ભાગનો વખત સેવામાં વીતેલો. એટલે સેવાની વૃત્તિ તેમનામાં પ્રબળ હતી. ભવિષ્યમાં હું કોઈ પ્રકારની સેવા કે બાહ્ય પ્રવૃત્તિ કરીશ કે કેમ તે વિશે તે વારંવાર પૂછ્યા કરતા. હું કહેતો કે મારું બધું ધ્યાન અત્યારે તો આત્મિક વિકાસની સાધનામાં જ લાગેલું છે. સેવાનો સિદ્ધાંત મને ગમે છે. પણ હાલ તો મારી પોતાની જાતનું ઘડતર કરવાની જરૂર છે. તે માટે એકાંતસેવન અને આત્મપરાયણતાની આવશ્યકતા છે. તે પછી ભવિષ્યમાં કોઈ સક્રિય સેવાની તક ઈશ્વર જો મને આપશે તો તેથી મને ખેદ નહિ થાય. કયે વખતે ક્યાં ને કેવું કાર્ય કરાવવું તે ઈશ્વરના હાથની વાત છે. મારો એવો ખુલાસો સાંભળીને તેમના મનનું સમાધાન થઈ જતું. સંસારમાં કોઈ મહત્વનું કામ મારી દ્વારા જરૂર થવાનું છે ને તે માટે જ મારો જન્મ છે એવું મને વરસોથી લાગતું. મારી અંદર પ્રગટ થતી પ્રેરણા પાછળ ઈશ્વરનો હાથ છે ને તેના સંકેત પ્રમાણે એક દિવસ મારે સંસારમાં તેનું સેવાકાર્ય કરવાનું છે એવી મને પ્રતીતિ થતી. પણ કોઈ નાના ને સાધારણ સેવાકાર્યમાં મને રસ ન હતો. મારી ભાવના ને કલ્પના અત્યંત વિશાળ હતી. બુદ્ધ, ઈશુ ને શંકરની જેમ સમસ્ત માનવજાતિની આધ્યાત્મિક સેવા કરવાની મારી મહેચ્છા હતી. સમસ્ત સંસારમાં પ્રકાશ પાથરવાની તક મેળવવાની મારી તમન્ના હતી. છેક કિશોરાવસ્થાથી મારામાં એ વૃત્તિ ભરી હતી. પણ હમણાં હમણાં તે વૃત્તિ ભૂગર્ભમાં રહીને જાણે કે કામ કરી રહેલી. આત્મિક ઉન્નતિ તરફ મારું ધ્યાન હાલ વધારે હતું ને તે માટે સાધનાનો પ્રવાહ સ્વાભાવિક રીતે જ પ્રબળ બનીને વહ્યા કરતો.

દેવપ્રયાગમાં મેં કૃષ્ણ ભગવાનની કૃપા માટે ઉપવાસ કરેલા હતા તે વિશે ચંપકભાઈએ મને કહ્યું: 'હું પણ એમ ઉપવાસ કરું તો ?'

મેં કહ્યું: 'તો શું ? એમ કાંઈ દર્શન થોડું જ થઈ જાય છે ? એવા ઉપવાસ ઉત્તમ કોટિના ત્યારે જ કહેવાય કે જ્યારે તે સહજ રીતે થાય. દિલમાં જ્યારે ભાવ ને પ્રેમ પ્રબળ બને ને બીજો કોઈ ઉપાય હાથમાં રહે નહિ ત્યારે તેવા ઉપવાસ આપોઆપ થઈ જાય છે. પ્રભુની કૃપાની તે વખતે એવી લગની લાગે છે કે મન બેચેન બની જાય છે, ખાવા-પીવાનું ગમતું  નથી, અને આઠે પહોર પ્રભુની જ ઝંખના ચાલ્યા કરે છે. એ ઉપવાસ કાંઈ આગળથી દિવસને નક્કી કરીને કરવાના નથી હોતા. એ કરાતા નથી પણ થઈ જાય છે. ધ્રુવ જેવા ભક્તોના ઉપવાસ એવા હતા. પ્રેમ વિના તે ટકી શકે નહિ. જે ઈશ્વરની કૃપા માટે અન્ન છોડે છે ને ઉપવાસ કરે છે તેના હૃદયમાં ઈશ્વર માટેનો કેવો પ્રબળ પ્રેમ ઉછાળા મારતો હશે ? પણ દરેકે તેની નકલ કરવાની જરૂર નથી. સારો રસ્તો જપ, ધ્યાન ને પ્રાર્થના દ્વારા ધીરે ધીરે પ્રેમને પ્રબળ કરવાનો છે.'

તે સમજી ગયા.

નક્કી દિવસે તે મને મસુરીની મોટરમાં બેસાડી ગયાં. તેમનો પ્રેમ ભારે હતો. મોટરમાં મારે મસુરીમાં વેપાર કરતા એક ભાઈની ઓળખાણ થઈ. તે આર્યસમાજી જેવા દેખાતા. તે મને ઘણો આગ્રહ કરીને તેમને ત્યાં લઈ ગયાં. તેમનું મકાન ખૂબ સુંદર હતું.

બીજે દિવસે સનાતન ધર્મશાળામાં પેલા સંન્યાસી ભાઈઓ મળી ગયા. તે દિવસે સાંજે અમે ઉત્તરકાશી જવા નીકળી પડ્યા. ખભે થેલો ને કામળો તથા કમંડલ લઈને મેં ચાલવા માંડ્યું. કુદરતી સૌંદર્યનું દર્શન કરતાં ને વિવિધ પ્રકારના વાર્તાલાપ કરતાં અમે માર્ગ કાપ્યે જતા હતા. રસ્તામાં મન માને ત્યાં મુકામ કરતા. એ રીતે મસુરીથી ઉત્તરકાશી સુધીનું અંતર અમે ત્રણેક દિવસમાં કાપી નાખ્યું. ઉત્તરકાશીમાં પ્રવેશ કર્યો ત્યારે સાંજ પડી ગઈ. ત્યાંના પ્રસિદ્ધ વિશ્વનાથના મંદિરમાં દર્શન કરીને અમે બિરલા ધર્મશાળામાં પહોંચ્યા ત્યારે અંધારું થઈ ગયેલું. રાત્રિ અમારા સ્વાગત માટે જાણે કે ઉતાવળી થયેલી.

 

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok