Saturday, July 04, 2020

ઉત્તરકાશીમાં

 ઉત્તરકાશી સ્થળ કેવું છે ? ટૂંકમાં કહીએ તો સુંદર, શાંત ને સાધના માટે અનુકુળ. ઋષિકેશ ને ઉત્તરકાશી જેવા સુંદર ને સાધના માટે અનુકુળ સ્થળો ઉત્તરાખંડમાં બહુ ઓછાં છે. ઉત્તરકાશીમાં  મેદાન ને પર્વત બંનેનો આનંદ છે. કેટલોક ભાગ મેદાનમાં વસેલો છે ને કેટલોક પર્વત પર. ગામ પર્વતીય પ્રદેશના પ્રમાણમાં મોટું છે. તેનું બીજું નામ બારહાટ પણ છે. ગામમાં ગૃહસ્થી ને ત્યાગી બંનેની વસ્તી છે. બંનેને માટે રહેવાના વિભાગો અલગ અલગ છે એટલું સારું છે. અમે ઉત્તરકાશી પહોંચ્યા ત્યારે ઉનાળો ચાલતો હતો. છતાં પણ ઠંડી સારા પ્રમાણમાં હતી. એટલે સુધી કે લગભગ બધા જ સાધુસંતો સવારનું સ્નાન તડકો નીકળે પછી જ કરતાં. તેનું કારણ આળસ ન હતું પણ ત્યાંની ઠંડી જ એવી પ્રખર હતી. ઉનાળામાં પણ કામળા ઓઢવા પડતાં. ગંગાનું પાણી તો એટલું બધું ઠંડુ રહેતું કે વાત નહિ. ઠંડીને લીધે બહુ થોડા સાધુપુરુષો ત્યાં કાયમ રહેતા.

ઉત્તરકાશીમાં કોટેશ્વર નામે સ્થાન હતું. તેના મહંત ગુજરાતી હતા. તેમના તાબામાં એક બીજું સ્થાન ઉજેલી નામના વિભાગમાં હતું. તે સ્થાનમાં મને એક સુંદર ઓરડી મળી ગઈ. એટલે ચાર-પાંચ દિવસ બાદ મેં ત્યાં રહેવાનું શરૂ કર્યું. તે સ્થાન ખૂબ જ એકાંત ને રમણીય હતું. તેની બાજુમાં કૈલાસ આશ્રમ હતો. બેત્રણ દિવસ મારી સાથેના સંન્યાસી મહાત્માઓ સાથે હું તેમાં રહ્યો. તે આશ્રમ ખાસ કરીને દસનામી  સંપ્રદાયનો હતો.

ભોજનની સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરવો તે પ્રશ્ન વિચારવા જેવો હતો. અનુકૂળતાના અભાવે હાથે રસોઈ બનાવવાનું ફાવે તેમ ન હતું. લોજ કે વીશીની વ્યવસ્થા પણ ન હતી. એટલે શરૂઆતમાં તો એ પ્રશ્ન જરા ગંભીર લાગ્યો. પરંતુ તેનો ઉકેલ તરત જ થઈ ગયો. ઉત્તરકાશીમાં કાલીકમલીવાલાનું ક્ષેત્ર ચાલતું. તે ઉપરાંત પંજાબી ક્ષેત્ર પણ ચાલતું. એટલે મેં તેમાંથી ભિક્ષા લેવાનું ચાલુ કર્યું. ક્ષેત્રમાં દંડી સ્વામી ને તેમના બ્રહ્મચારી માટે અલગ રસોડું હતું. ત્યાં રસોઈ પ્રમાણમાં સારી મળતી. ત્યાંથી ભિક્ષા લેવામાં સ્વચ્છતાની દૃષ્ટિએ પણ હરકત ન હતી. ત્યાં દસથી પંદર માણસોનું ભોજન બનતું એટલે ભોજનનો પ્રકાર પણ સારો હતો. બંને ક્ષેત્રમાંથી મળીને આઠ રોટલી, ભાત, દાળ ને શાક મળતાં. ભિક્ષા લગભગ નવ વાગે શરૂ થઈ જતી. એટલે સ્નાનાદિ ને વ્યાયામથી પરવારીને સીધા ભિક્ષા માટે જ આવવું પડતું. ઉજેલીથી ક્ષેત્ર સુધીનું અંતર લગભગ એકાદ માઈલનું હતું, એટલે એક પ્રકારની ચાલવાની કસરત પણ થઈ રહેતી. ભિક્ષા લઈને બાજુમાં ગંગા કિનારે જવાનો ક્રમ રાખ્યો હતો. કૈલાસ આશ્રમમાં ચિદઘનાનંદ નામે એક ગુજરાતી સ્વામી રહેતા. તેમને મારા પર ખાસ પ્રેમ થયેલો, તેથી ભિક્ષા માટે વધારે ભાગે ગામમાં અમે સાથે જ જતા, ને સાથે જ ગંગા કિનારે જતા. ત્યાં એક પથ્થર પર બેસતા ને ભિક્ષાને ઈશ્વરાર્પણ કરીને પ્રસાદરૂપે આરોગતા. તે વખતનો આનંદ અનેરો હતો. કેટલીક વાર તો સમડી ઓચિંતી ઝડપ મારીને અમારા હાથમાંથી રોટલી લઈ જવાનો પ્રયાસ કરતી. અમારી ભિક્ષામાંથી તે પણ તેનો હિસ્સો માંગતી. અમે તેને પ્રેમપૂર્વક થોડોક હિસ્સો આપતાં. પણ તેની ભૂખ ભારે હતી. એટલે અમારે ખાસ સંભાળવું પડતું. ભિક્ષાનો સમય થાય એટલે એવી તો કેટલી સમડીઓ આકાશમાં ઊડ્યા કરતી. 

મારી પાસે પિત્તળનો એક ડબ્બો હતો. ગંગાના પાણીમાં એક પથ્થર પર બેસીને ભોજન કરતી વખતે તેનું ઢાંકણું એક દિવસ પાણીમાં પડી ગયું. તે પછી હાથ આવ્યું જ નહિ. તેણે જાણે જળસમાધિ લઈ લીધી.

ભિક્ષામાંથી રોજ ચારેક રોટલી અલગ કાઢી રાખવાનો મેં નિયમ કર્યો હતો. સાંજના ભોજનની બીજી વ્યવસ્થા ન હતી. એટલે સાંજે તે રોટલી ખાઈને હું પાણી પી લેતો. કોઈવાર બહુ ઈચ્છા થાય તો ગામમાં જઈને બપોરે દૂધ પણ પી લેતો. એ રીતે ભોજનનો પ્રશ્ન સારી પેઠે પતી રહ્યો.

ઉત્તરકાશીમાં પંજાબી ક્ષેત્રની બાજુમાં માતા આનંદમયીનો પણ એક નાનો આશ્રમ હતો. ત્યાં એક યુવાન સાધક રહેતા. મારા સાંભળવામાં આવ્યું કે ભારતના પ્રાચીન જ્ઞાનીશિરોમણી જડભરતની એ આશ્રમની બાજુમાં સમાધિ છે. જડભરતને કોણ નથી જાણતું ? શ્રીમદ ભાગવતમાં તેમના જીવનનો ઉલ્લેખ વિસ્તારથી કરેલો છે. રાજા ભરત પોતાની ઉત્તરાવસ્થામાં રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં આશ્રમ બાંધીને રહેવા લાગ્યાં. ત્યાં કેટલોક વખત સાધનામાં રત રહ્યા પછી એક મૃગશાવકની સાથે સ્નેહના દોરે બંધાયા. અંતકાળે તે મૃગનાં બચ્ચામાં મન રહી જવાથી ફરી  મૃગના રૂપમાં જનમ પામ્યા. તે પછી એક બ્રાહ્મણને ત્યાં એમણે અવતાર લીધો. પૂર્વજન્મોની સ્મૃતિ તેમને કાયમ હતી, તેથી તે જન્મમાં તેમણે કોઈની સાથે પ્રીતિ નહિ કરવાનો ને કેવળ પરમાત્મ જ્ઞાનમાં મસ્ત થઈને આત્મારામ રહેવાનો નિર્ણય કર્યો. તે નિર્ણયથી પ્રેરાઇને ઉછરતી ઉંમરમાં જ સંસારનો ત્યાગ કર્યો. તે મહાજ્ઞાની ને જીવનમુક્ત દશાને પહોંચેલા તો પણ બાહ્ય દૃષ્ટિએ અજ્ઞાની ને જડની જેમ રહેતા, તેથી જડભરત કહેવાતા. તે જીવનમાં તેમણે રાજા રહૂગણને આપેલો ઉપદેશ આજે પણ અમર તથા અજોડ છે. તેમાં સમાયેલો જ્ઞાનનો અર્ક કે સારભાગ ભલભલા વિદ્વાનોને પણ મોહિત કરે છે. એવા જડભરતે જીવનની અંતિમ અવસ્થામાં હિમાલયની યાત્રા કરી હોય ને ઉત્તરકાશીમાં શરીર છોડ્યું હોય તેમાં આશ્ચર્ય નથી. તે બનવાજોગ છે. તેવા પુરુષને યાત્રા કરીને કોઈ વિશેષ લાભની ઈચ્છા ના હોય તે સમજી શકાય તેવું છે. એટલે તે વિચરણ કરતાં કરતાં આ તરફ આવી પહોંચ્યા હોય તેમ માનવામાં હરકત નથી.

એ મહાપુરુષની સ્મૃતિથી મને આનંદ થયો. મને એકવાર ફરી સમજાયું કે સંસારની કોઈયે વ્યક્તિ કે વસ્તુમાં માણસે મમતા કે આસક્તિ કરવાની જરૂર નથી. આસક્તિ એક ઈશ્વરમાં જ કરવાની છે. તેથી જ લાભ છે. અનુભવી પુરુષે આત્માનંદમાં મગ્ન બનીને સંગદોષથી દૂર રહેવાનું છે ને સૌમાં પરમાત્માનું દર્શન કરવાનું છે. મોહ નહિ પણ પ્રેમ ને મમતા નહિ પણ નિર્ભયતાના ઉપાસક થવાનું છે.

મારું જીવન એવી રીતે ચાલી રહેલું. હિમાલયમાં રહીને સાધના કરવાનું વિદ્યાર્થીદશા દરમ્યાન સેવેલું સ્વપ્ન પ્રભુકૃપાથી સાકાર બનેલું. તેથી મને બેહદ લાભ થયેલો. મુંબઈના સુખી ને સાનુકૂળ જીવનની સાથે સરખાવતાં હિમાલયનું ચાલુ જીવન જરા અગવડભરેલું જરૂર હતું, પણ  ત્યાગ અને તપનું જીવન સદા એવું જ હોય. એમાં જે સુખ ને સગવડ જોઈ શકે ને સ્મિત સાચવી શકે તે જ વીર ને વિવેકી. ત્યાગ ને તપની સફળતા તે જ મેળવી શકે. એટલે ઉત્તરકાશીના મારા તે વખતના જીવનમાં મને ખૂબ ખૂબ શાંતિ ને ખૂબ ખૂબ આનંદ હતો. ભિક્ષાનું ભોજન ને ઈચ્છાનુસાર વિચરણ ખરેખર રસદાયક હતું. ભર્તુહરીએ વૈરાગ્યશતકમાં લખ્યું છે તેમ કોઈ મહાન પુણ્યોદયને પરિણામે યૌવનની શરૂઆતમાં જ મને એ સુંદર યોગ સાંપડેલો. ભર્તુહરિનું વૈરાગ્યશતક મને પહેલેથી જ પ્રિય હતું. તેના શ્લોકોનું રટણ હું વારંવાર કર્યા કરતો. તેના એક શ્લોકમાં તે આવું જ લખે છે કે 'ખૂબ વિચાર કરતાં પણ મને સમજાતું નથી કે આ મરજી મુજબનો વિહાર, દીનતા વગરનું ભોજન, સજ્જનોનો સહવાસ, ચિત્તની શાંતિનું દાન દેનારું શાસ્ત્રશ્રવણ ને બાહ્ય વિષયોમાંથી ઉપરામ થઇને શાંત બની રહેલું મન - એ બધાની પ્રાપ્તિ મને મારા કયા ઉદાર તપના ફળરૂપે થઈ રહી છે !' આ રહ્યો એ શ્લોક: 

यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं । सहार्यैः संवासः श्रुतमुपशमैकव्रतफलम् ॥
मनो मन्दस्पन्दं बहिरपि चिरस्यापि विमृशन् । न जाने कस्यैष परिणतिरुदारस्य तपसः ॥

એવા એવા ભાવાનુભવમાં ઉત્તરકાશીના દિવસો અસીમ શાંતિ અને આનંદપૂર્વક પસાર થઈ રહ્યા. મારામાં,જ્ઞાન, યોગ ને ભક્તિ ત્રણેના પ્રવાહો પહેલેથી જ એક સાથે પરસ્પર પૂરક બનીને વહ્યા કરતા, તે મેં આગળ પર કહી દીધું છે. ઉત્તરકાશીમાં જ્ઞાન ને ધ્યાનના પ્રવાહો વધારે પ્રબળ હતા. સૌમાં મને એક પરમાત્માનું દર્શન થયા કરતું. ધ્યાનની દશામાં દેહભાન ભૂલીને ડૂબી જવાનું મારે માટે સહજ થયેલું. તેથી મારું હૃદય ધન્યતાનો અનુભવ કર્યા કરતું ને જ્ઞાનની દિશામાં કરવાનું કામ મેં પૂરું કર્યું છે એવું લાગ્યા કરતું. એ દિવસો એવા અનેરા ને ધન્ય હતા.

 

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok