Saturday, July 04, 2020

ખેચરીનો અનુભવ

ખેચરી મુદ્રાની સફળતા માટે મેં ઉત્તરકાશીમાં પહોંચ્યા પછી બે વાર જીભ નીચેની નસ કાપી જોઈ; પરંતુ મારી જીભ પ્રથમથી જ ટૂંકી હોવાથી મને લાગ્યું કે ખેચરી મુદ્રાની સિદ્ધિ માટે મારે સુદીર્ઘ સમયપર્યંત એકધારો અભ્યાસ કરવો પડશે. તેથી મને થોડીક ચિંતા થઈ. પરંતુ ચિંતા કરીને બેસી રહ્યે ચાલે તેમ ન હતું. એટલે મેં બનતો પ્રયાસ ચાલુ રાખ્યો. ખેચરીથી મન સ્થિર થાય છે. પ્રાણવાયુ રોકાય છે, ને સમાધિનો આનંદ મળે છે. મારું મન સ્થિર અને શાંત હતું. સમાધિના મંગલમય મંદિરદ્વારને ઉઘાડવામાં પણ મને સંતોષકારક સફળતા સાંપડેલી. સૌથી મહત્વની વાત તો મેં વરસોથી જડચેતનાત્મક સમસ્ત જગતમાં પરમાત્માના દર્શનની પાડેલી ટેવ હતી. એથી મારું સાધનાત્મક કાર્ય સરળ બનેલું ને મને આત્માનુભવનો અલૌકિક આનંદ મળ્યા કરતો. એ ભૂમિકા પરથી વિચારતાં સમજાશે કે મારે માટે ખેચરી મુદ્રાના અભ્યાસની આવશ્યકતા ન હતી.

તે સંબંધી વેદબંધુએ આપેલો અભિપ્રાય સાચો હતો. છતાં ખેચરીના અભિનવ અનુભવ માટે મારું મન આતુર હતું. તેની પાછળ મુખ્યત્વે મારી કુતૂહલવૃત્તિ જ કામ કરી રહેલી. તેને સંતોષવા માટે પણ ખેચરીના અભ્યાસની ને અનુભવની આવશ્યકતા લાગી.

ઉત્તરકાશીમાં થોડાક દિવસ રહ્યા પછી મને એક નાથસંપ્રદાયના મહાત્માની મુલાકાતનો લાભ મળ્યો. તે મહાત્મા નહાન સ્ટેટમાં રહેતા. તે યોગાભ્યાસમાં પ્રવીણ હતા. તેમની સાથે મેં યોગ વિશે વિસ્તારથી વાતો કરી. મારો યોગ પ્રત્યેનો પ્રેમ જોઈને તેમણે મને નહાન સ્ટેટમાં આવેલા એમના આશ્રમની મુલાકાત લેવાનું ને એમની સાથે થોડા દિવસ રહેવાનું આમંત્રણ આપ્યું. મેં એમના આમંત્રણનો સ્વીકાર કર્યો તેથી તે પ્રસન્ન થયા. તે ખેચરી મુદ્રાના સારા અભ્યાસી હતા. તેમણે મને સૂચના કરી કે બચ નામની બુટી થાય છે તે ખેચરી મુદ્રા માટે મદદ કરે છે. તેના રસને જીભ પર ચોપડીને દહન કરવાથી જીભ મોટી થાય છે. તેમના કહ્યા પ્રમાણે બેચાર દિવસ પછી ઉત્તરકાશીના જ્ઞાનસુ નામના પ્રદેશમાં તપાસ કરીને તે બુટી શોધી કાઢી. તેનો પ્રયોગ મેં દિવસો સુધી ખૂબ જ ઉત્સાહથી કર્યો. પણ એમ કાંઈ જીભ જલ્દી વધી જાય કે ? જીભ લાંબી કરવા માટે યોગના ગ્રંથોમાં માખણનો પ્રયોગ બતાવ્યો છે. પણ ઉત્તરકાશીમાં તે પ્રયોગ શક્ય ન હતો. માખણ મેળવવાની મુશ્કેલી હતી. તેથી મને જરા મુંઝવણ થવા માંડી. તે દિવસોમાં રાતે સૂવાનું મેં બંધ કરેલું. દિવસે ને રાતે થોડો વખત મને સમાધિનો લાભ મળતો, એટલે સાધનાની દૃષ્ટિએ મને શાંતિ હતી. પણ એક પ્રક્રિયા તરીકે મારા મનમાં ખેચરીનો અનુભવ કરવાની જે ઈચ્છા હતી તેને પણ શાંત કરવાની ને બનતી વહેલી તકે શાંત કરવાની જરૂર હતી.

ઈશ્વરની કૃપાથી તે ઈચ્છા પણ શાંત થઈ. ઈશ્વરે તેની શાંતિ માટે એક નવો જ માર્ગ નક્કી કર્યો. જીભ ટૂંકી ને ટૂંકી જ રહે ને છતાં પણ ખેચરી મુદ્રાનો આનંદ અનુભવાય એ વાત કોની કલ્પનામાં આવી શકે તેમ છે ? તેને માનવાનું મન પણ કોને થાય ? યોગના ગ્રંથોમાં એવા અનુભવનો ઉલ્લેખ જ ક્યાં છે ? પણ ઉલ્લેખ ના હોય એથી એને અસત્ય ના કહી શકાય. યોગના શાસ્ત્રમાં પ્રેમયોગનું શાસ્ત્ર સૌથી મૌટું છે. એનો આશ્રય લેનારની ઈચ્છા ઈશ્વર પોતાની વિશેષ કૃપાથી પૂરી કરે છે. ઈશ્વરની શક્તિ અપાર છે. જે મૂંગાને બોલતા કરે છે ને મરેલાને જીવતા કરવાની શક્તિ ધરાવે છે તે ઈશ્વરને માટે ટૂંકી જીભ હોવા છતાં ખેચરીનો અનુભવ કરાવવાનું મુશ્કેલ નથી. તે ધારે તે કરી શકે છે. ઈશ્વર કૃપાળુ છે ને સૌના પર કૃપા કરવા તૈયાર છે પણ તેને ઝીલવા માટે સરળ ને ભક્તિભાવમય હૃદયની જરૂર છે. જો કોઈ સરળ, નિષ્કપટ ને ભાવભરેલા હૃદયે ઈશ્વરને પ્રાર્થે ને પોકારે તથા ઈશ્વરની આગળ પોતાની ઈચ્છાને રજૂ કરે તો ઈશ્વર તેની પ્રાર્થના ને પોકાર જરૂર સાંભળે, તેને પ્રેમપૂર્વક ઉત્તર આપે, ને તેની ઈચ્છા પૂરી કરે. અલબત્ત કઈ ઈચ્છા કેટલા પ્રમાણમાં ને ક્યારે પૂરી કરવી તે તેના હાથની વાત છે. માણસે તેના વિધાનમાં સદા સંતુષ્ટ ને ખુશ રહેવું જોઈએ. મારા વ્યક્તિગત પ્રયાસની સાથે સાથે મેં ઈશ્વરની પ્રાર્થના પણ ચાલુ રાખી. તેની માત્રા છેવટે વધી પડી ત્યારે ઈશ્વરે મારા પર વિશેષ કૃપા કરીને મને કામચલાઉ શાંતિ આપી.

એક દિવસ રાતના પ્રથમ પ્રહરમાં હું મારા નિત્ય નિયમ પ્રમાણે પ્રાર્થના કરવા બેઠેલો. તે વખતે મારી જીભ અચાનક લાંબી થઈને તાળવે લાગી ગઈ ને મને એક પ્રકારના દિવ્ય રસનો સ્વાદ મળવા માંડ્યો. એ દશામાં થોડોક વખત રહ્યા પછી મારું દેહભાન ભુલાઈ ગયું. એ અવસ્થામાં લાંબા વખત લગી રહ્યા પછી છેવટે મને જાગૃતિદશાની પ્રાપ્તિ થઈ. હજી મારી જીભ તાળવે જ લાગેલી ને મને કોઈ સુમધુર રસનો સ્વાદ મળી રહેલો. લગભગ બ્રાહ્મમુહૂર્તના સમયે જીભ પાછી પૂર્વવત્ સહજ દશામાં આવી ગઈ. એ અનુભવથી મને અપાર આનંદ થયો. ખેચરીનો અનુભવ કરવાનું મારું કુતૂહલ તેથી સારા પ્રમાણમાં શમી ગયું. ઈશ્વરની મહાન કૃપા વિના એવો વિશેષ અનુભવ મને ભાગ્યે જ થઈ શક્યો હોત. એ પ્રકારનો અનુભવ તે પછી ત્રણ દિવસ ને રાતે સતત રીતે થતો રહ્યો. એ ખાસ નોંધવા જેવું છે.

એ પછી ખેચરી પ્રત્યે પ્રેમ હોવા છતાં એનો વિધિપૂર્વક અભ્યાસ મારાથી નથી થઈ શક્યો. એવા અભ્યાસ માટે મારું મન આતુર પણ નથી થયું.

 

Today's Quote

The happiest people don't necessarily have the best of everything. They just make the best of everything.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok