Saturday, July 04, 2020

આત્મજ્યોતિનો અનુભવ

એ દિવસોમાં એક બીજો અસાધારણ આનંદદાયક અનુભવ થયો. રાતે મારા ઓરડાની અંદર મારાથી થોડે દૂર ઉપરના ભાગમાં મને એક પ્રકાશ અથવા જ્યોતિનું દર્શન થયું. તે દર્શન જાગૃતિ દશાનું હતું ને લગભગ બે દિવસ સુધી રાતે બે-ત્રણ કલાક ચાલતું. તે જ્યોતિનું શરૂઆતમાં દર્શન થયું ત્યારે મને જરા નવાઈ લાગી. કેમ કે મારા ઓરડાનાં બારીબારણાં બંધ હતાં. બહારથી કોઈ પ્રકાશના પ્રવેશ માટે અવકાશ ન હતો. અંધારી રાત હોવાથી બહાર પણ બધે અંધારું છવાયેલું. તે જ્યોતિ પ્રકાશના પુંજ જેવી પ્રબળ બનીને ચમકી રહેલી. તે જ્યોતિ મારા મસ્તકથી બે હાથ ઉપર તદ્દન સ્થિર થઈને પ્રકાશી રહેલી. મને થયું કે આ જ્યોતિ શેની હશે ! ધ્યાનની દશામાં જ્યોતિનું દર્શન થાય એ વાત મારા વાંચવામાં આવેલી. પણ આ તો જાગૃતિનું દર્શન હતું. મને સ્ફુરણા થઈ કે એ આત્માનું દર્શન અથવા આત્માનો સાક્ષાત્કાર છે. ઈશ્વરની કૃપાથી મને આત્માનું સાક્ષાત્ દર્શન થઈ રહ્યું છે, એમ મને લાગ્યું.

ઉપનિષદના ઋષિવરોએ આત્મા નિરાકાર હોવા છતાં તેનું ધ્યાન કે સમાધિમાં દર્શન કર્યું છે ને તેનું વર્ણન પણ કર્યું છે. આત્મદર્શન કરી ચૂકેલા એક ઋષિ ઉપનિષદમાં લખે છે કે ज्योतिरिवा धूमकः।

अंगुष्ठमात्रः पुरुषो मध्यआत्मनि तिष्ठति।
ईशानो भूतभव्यस्य ततो न विजुगुप्सते॥

એટલે કે આત્મા અંગુઠાના પરિમાણનો છે ને શરીરના મધ્યમાં હૃદયપ્રદેશમાં રહે છે. તેને જાણનાર શોક ને મોહથી મુક્તિ મેળવે છે.

બીજે ઠેકાણે કહેવામાં આવ્યું છે કે આત્મા જ્યોતિ સ્વરૂપ છે. પણ તે જ્યોતિમાંથી ધૂમાડો નથી નીકળતો.

આ વચનો મને યાદ હતાં. તેથી સમજાયું કે મને દેખાઈ રહેલી જ્યોતિ કોઈ સાધારણ જ્યોતિ નથી પણ આત્માની જ્યોતિ છે. તે જયોતિ પણ નાના દીવાની જ્યોતિની જેમ અંગુઠાના પરિમાણની જ હતી.


કોઈને એવી શંકા થવાનો સંભવ છે કે 'આત્માની જ્યોતિનું દર્શન જાગૃતિમાં ને પોતાની બહાર થઈ શકે ખરું ?' તેના સમાધાનમાં આપણે કહીશું કે હા, તેમ થઈ શકે. આત્મા અત્યંત સૂક્ષ્મ છે ને સ્થૂલ દ્રષ્ટિથી દેખાવો લગભગ અશક્ય છે એમ કહેવામા આવ્યું છે. વળી તે સૌના શરીરમાં વાસ કરે છે ને સમાધિ દશામાં સુસૂક્ષ્મ થયેલી મનોવૃતિથી યોગી તેનું દર્શન કરે છે એ વાત પણ પ્રસિદ્ધ છે. પણ એનો અર્થ એવો નથી કે તેનું દર્શન ઉઘાડી આંખે ને બહાર ના થઈ શકે. આત્મા સૌના શરીરમાં રહે છે એ સાચું છે પણ શરીરની બહાર પણ નથી રહેતો એમ નહિ. તે તો ચરાચરમાં બધે જ વસે છે, તો પછી બહાર શા માટે ના દેખાય ? જે યોગી તેને પોતાની અંદર જુએ છે, તેમણે બહાર પણ બધે તેનું દર્શન કરવાનું છે એમ ગીતા જેવા ગ્રંથો કહી બતાવે છે. ઈશ્વરની કૃપાથી ઉપનિષદના ઋષિઓએ વર્ણવ્યા પ્રમાણે તેનું અંદર ને બહાર દર્શન થઈ શકે છે. જે અંદર દેખાય છે તે ઈશ્વરની કૃપા કે સાધકની ઈચ્છાથી બહાર પણ જોઈ શકાય છે. આત્માનો સાક્ષાત્કાર સાધકને બંને રીતે થઈ શકે છે. 'સાક્ષાત્કાર' શબ્દમાં જે ધ્વનિ છે તે સમાધિના અનુભવ સાથે જાગૃતિદશાના અનુભવને પણ સૂચિત કરે છે, એ સહેજે સમજી શકાય તેવું છે.
ઈશ્વરની કૃપા વિના એ પ્રકારનો અનુભવ મને ભાગ્યે જ થઈ શક્યો હોત.


Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok