Saturday, July 04, 2020

બે આશ્ચર્યકારક અનુભવો

ગયા પ્રકરણમાં મેં જ્યોતિદર્શનનું વર્ણન કર્યું છે તેના પરથી કોઈએ એમ નથી સમજવાનું કે સૌને એવુ દર્શન થાય છે અથવા તો થવું જોઈએ. આત્મદર્શનના પ્રકાર અનેક છે. તેમાંથી કોને કેવા પ્રકારનું દર્શન થશે તે કહી શકાય નહિ. અમુક પ્રકારના દર્શન અથવા અનુભવનો દુરાગ્રહ રાખવાની પણ જરૂર નથી. મેં તો એક પ્રકારના અનુભવનો ઉલ્લેખ માત્ર કર્યો છે. તે એટલા માટે કે એવો અનુભવ પણ થઈ શકે છે તેનો ખ્યાલ આવી શકે.

વેદબંધુએ કરેલી લક્ષેશ્વર મહાદેવની વાત મને યાદ હતી. લક્ષેશ્વરના સ્થાનમાં તેમને થયેલા અનુભવનું રેખાચિત્ર મારા મનમાં રમ્યા કરતું. ઉત્તરકાશીમાં સ્થિર થયા પછી એક દિવસ બપોર પછી મેં લક્ષેશ્વર મહાદેવની મુલાકાત લીધી. મારી સાથે પેલા ગુજરાતી સ્વામી ચિદઘનાનંદ પણ હતા. લક્ષેશ્વર મહાદેવનું સ્થાન છેક એકાંતમાં હતું. પાસે જ ગંગા હતી. ત્યાં ત્રણ-ચાર મહાત્મા પણ રહેતા. તે ભિક્ષા માટે રોજ ક્ષેત્રમાં આવતા. સ્થાન તો મને ગમી ગયું, પરંતુ એક મુશ્કેલી લાગી. તે સ્થાનથી ઉત્તરકાશી ગામ અને અન્નક્ષેત્ર પણ ઘણું દૂર હતું. એટલે રોજ રોજ ભિક્ષા માટે એટલે દૂર જવાનું ફાવે તેમ ન હતું. તેમાં ઘણો વખત વીતી જાય. ખાસ કરીને જ્યારે વરસાદ પડે ત્યારે તો જવા આવવામાં ભારે અગવડ ઊભી થાય. એટલે એ વિચારથી મારું મન જરાક પાછું પડ્યું. છતાં પણ વેદબંધુએ કહેલી ગંગાકિનારાની કુટિયા જોવાનો મેં વિચાર કર્યો. કુટિયા ખરેખર કેવી છે તે જોયા વિના તે સ્થાનમાં રહેવાનો નિર્ણય કરી શકાય તેમ ન હતો. કુટિયા બંધ હતી, પણ તેની બારીમાંથી અંદરનો ભાગ જોઈ શકાય તેમ હતો. અંદરની જમીન જરા જૂની ને ઉખડેલી જણાઈ. તેની તો હરકત નહિ કેમ કે ગોબરથી તેને નવો અવતાર આપી શકાય પરંતુ અંદર પૂરતો પ્રકાશ પહોંચી શકે કે કેમ તે વિશે મને શંકા થઈ. કુટિયા જરાક નિચાણમાં હતી ને તેની આજુબાજુ મોટા મોટા છોડ ને ઝાડ હતાં. પ્રકાશ માટે એક નાની સરખી બારી અને એક બારણું, બીજું કોઈ સાધન ન હતું. મને પ્રકાશ ને સ્વચ્છતા વધારે ગમે છે, ને તદ્દન બંધ ગુફા જેવાં મકાનો પસંદ નથી પડતાં, તેથી મારું મન માન્યું નહિ. કુટિયાનું નિરીક્ષણ કર્યા પછી ચિદ્દઘનાનંદે મને કહેવા માંડ્યું : 'અહીં તો તદ્દન જંગલ જેવું છે. સ્થાન પણ બહુ સારું નથી. તમને અહીં રહેવાનું ભાગ્યે જ ગમશે. એક બીજી વાત પણ કહી દઉં. અહીં જે બે ત્રણ સાધુ રહે છે તેમનું વર્તન સારું નથી. તે કેટલાંક ના કરવાનાં કામ કર્યા કરે છે, તેને લીધે તે સાધુસમાજમાં પંકાઈ ગયા છે.'

મેં કહ્યું : 'તેમની વાત તો ઠીક. તે આપણને શું કરે તેમ છે ? આપણે તેમની સાથે ક્યાં સંબંધ બાંધવો છે ? આપણે તેનાથી દૂર રહીને સાધના કરી શકીએ તેમ છીએ.'

તે બોલ્યા : 'પણ તમને આ સાધુઓની પ્રવૃત્તિની ખબર નથી. તે તો ભજન કરતા નથી પણ કોઈને કરવાય નથી દેતા. તમને અશાંત કરવા ને અહીંથી કાઢવા તે કીમિયા કર્યા જ કરશે.'

મેં કહ્યું : 'તે વખતે જોઈ લેવાશે ને તેની યે દવા કરાશે. પણ કુટિયામાં રહેવાની મને ઈચ્છા જ થતી નથી. તેનું ખાસ કારણ પૂરતા પ્રકાશનો અભાવ છે. કુટિયા મને અંદરથી અંધારી લાગે છે.'

ચિદ્દઘનાનંદ રાજી થયા હું તેમનાથી દૂર રહેવા જાઉં તે તેમને પસંદ ન હતું. તેમને મારા પર વિશેષ પ્રેમભાવ થયેલો.

આખરે અમે પાછા આવી પહોંચ્યા. તે વખતે મેં મારું રહેવાનું સ્થાન બદલ્યું હતું. ઉત્તરકાશીમાં આનંદ સ્વામી નામે એક મહાત્મા રહેતા. તે સ્વામી રામતીર્થના પાછલા જીવનનાં સંસ્મરણો રસપૂર્વક કહી બતાવતા. તેમનો વિચાર થોડા વખત માટે ઋષિકેશ તરફ જવાનો થયો. એટલે તેમણે મને તેમની નાની કુટિયામાં રહેવાનું આમંત્રણ આપ્યું. તે મેં સપ્રેમ સ્વીકારી લીધું. કૈલાસ આશ્રમની પાસે જે મકાનમાં હું પહેલાં રહેતો, તેની પાછળના ભાગમાં જ આ કુટિયા હતી.

લક્ષેશ્વર મહાદેવના સ્થાનનું નિરીક્ષણ કરીને હું તે કુટિયામાં પાછો આવ્યો ત્યારે સાંજ પડી ગયેલી. લક્ષેશ્વરની કુટિયા મારી આંખ આગળ રમી રહી. કુટિયા અંધારી છે એ વિચાર મારા મનમાં રમ્યા કરતો. બીજે દિવસે પણ એ વિચાર ચાલુ રહ્યો. પણ ઈશ્વરની કૃપાથી હવે મને રહેવા માટે સુંદર સાનુકૂળ કુટિયા મળી ગઈ હતી. એટલે તે બાબતે કોઈ ચિંતા ન હતી. લક્ષેશ્વરની કુટિયાનો વિચાર તો મને સહજ રીતે જ આવ્યા કરતો.

તે દિવસે રાતે એક અજાયબીમાં નાખી દે એવો અનુભવ થયો. એ અનુભવ અવિસ્મરણીય હતો. રાતે કુટિયામાં પાટ પર બેસીને હું ધ્યાન કરી રહેલો. તે વખતે કોઈ સિદ્ધપુરુષ મારી પાસે એકાએક પ્રગટ થયા ને મને લઈને જાણે કે આકાશમાં ઊડવા માંડ્યા. મારું શરીર તેમના સ્પર્શથી ફૂલ જેવું હલકું થઈને તેમની સાથે ઊડવા લાગ્યું. મારા માટે આવો અનુભવ આ પહેલો જ હતો. આંખ મીંચીને ઉઘાડીએ એટલી વારમાં તો તે મને લઈને લક્ષેશ્વરની પેલી કુટિયામાં પહોંચ્યા. કુટિયામાં મને નીચે ઉતાર્યો ને તે મહાપુરુષ કહેવા માંડ્યા : 'ક્યાં છે અંધારું ? કહો છો ને કે કુટિયામાં પ્રકાશ નથી ? અહીં તો પ્રકાશ જ પ્રકાશ છે. તમારે અહીં ના રહેવું હોય તો ભલે પણ અંધારું છે એમ માનીને અહીં રહેવાનો વિચાર માંડી ના વાળશો. કુટિયામાં અંધારું છે એમ ના માનશો.'

તેમની વાત મને સાચી લાગી. કુટિયાની બારી ઉઘાડી હતી. બારણું પણ આપોઆપ ઉઘડી ગયેલું. કુટિયામાં જ્યાં જોઈએ ત્યાં બધે પ્રકાશ પથરાયેલો. પ્રકાશ પણ ખૂબ જ અનેરો અને અલૌકિક. તે મહાપુરૂષ મારી પાસે સ્મિત રેલાવતા ઉભા રહ્યા. તેમનાં શબ્દો સાથે સમંત થઈને મેં કબુલ કર્યું, ‘હા, અંધારું નથી. પ્રકાશ છે.’

પછી તે મહાપુરુષે પહેલાંની પેઠે મારા શરીરને સ્પર્શ કર્યો. એટલે મારું શરીર પાછું તેમની સાથે બહાર આવીને અધ્ધર ઊડવા માંડ્યું. એક ક્ષણમાં તો હું મારી કુટિયામાં આવી પહોંચ્યો. તે મહાત્મા અદૃશ્ય થઈ ગયા. મારી આંખ ઊઘડી ત્યારે મારી કુટિયાનું મને દર્શન થયું. નાની સરખી બારીમાંથી બહાર ચાંદનીમાં સ્નાન કરતી પર્વતમાળા દેખાતી, તેનું દર્શન કરીને પ્રમત્ત બનેલો પવન આમતેમ આંટા મારતો. રાત્રિની નિ:સ્તબ્ધ શાંતિમાં ગંગાનો સંગીતસ્વર સંભળાઈ રહ્યો. મહાપુરુષે આપેલો અનુભવ એટલો બધો અચાનક થયો હતો કે તે જાગૃતિ દશામાં થયો કે ધ્યાનની દશામાં તેના ખબર ના પડી. પરંતુ મારી સ્મૃતિ પ્રમાણે તે અર્ધજાગૃતિમાં થયેલો. તે ગમે તે દશામાં થયો હોય તો પણ અતિશય આનંદદાયક તો હતો જ.

તે મહાપુરુષ કોણ હશે ? તે કોઈ પ્રાચીન સંત હશે ? અથવા અર્વાચીન સિદ્ધ હશે ? લક્ષેશ્વરના સ્થાનમાં રહેનારા કોઈ મહાત્મા હશે ? અથવા ઉત્તરકાશીમાં સૂક્ષ્મ રીતે રહેતા કોઈ સમર્થ પુરુષ હશે ? તેમને હું ઓળખી શક્યો નથી. પરંતુ એ એક મહાસમર્થ સિદ્ધ પુરુષ હશે એ નક્કી છે. એમની અલૌકિકતા ચોક્કસ છે. તે વિના તે આવો અનુભવ આપી શકે નહિ. આકાશગમનની સિદ્ધિ વિશે મેં વાંચેલું. સિદ્ધપુરુષો ઈચ્છાનુસાર ગમે ત્યાં જઈ શકે છે તેની પણ મને ખબર હતી. આ અનુભવથી તેની પ્રતીતિ થઈ. સાધનામાં આવા અનુભવો થઈ શકે છે ત્યારે શાંતિ મળે છે ને વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવા અનુભવો સાધના વિના સમજાય તેવા નથી. કેવળ બૌદ્ધિક જ્ઞાનથી તેમનું સાચું રહસ્ય નહિ સમજાય. આપણે ત્યાં સાધનામય જીવન તરફનું વલણ દિવસે દિવસે ઓછું થતું જાય છે. વિદ્વાનો ને વિરક્ત પુરુષોના સંબંધમાં પણ એ સાચું છે એ હકીકત ઉત્સાહજનક અને આદરપાત્ર નથી સાધનાનું રહસ્ય સમજવા માટે કેવળ તર્ક નહિ કિન્તુ અનુભવની અનિવાર્ય આવશ્યકતા છે.

આવા મહાપુરુષો દેશમાં કેટલા હશે તે કોણ કહી શકે ? અજ્ઞાત અવસ્થામાં રહેવા છતાં સાધકોના જીવનમાં આ રીતે તે કેટલો મહત્વનો ભાગ ભજવે છે ને કેટકેટલા સાધકોની સેવા કરે છે તે પણ કોણ કહી શકે ? સંસારને માટે તે સાચે જ આશીર્વાદરૂપ છે.

ઉત્તરકાશીના નિવાસ દરમિયાન એક બીજો અગત્યનો અનુભવ થતો. સવારે, બપોરે ને સાંજે કેટલીવાર ગંગાતટ તરફથી પૂજા કે આરતી થતી હોય તેમ સમૂહગીત સંભળાતું. તેની સાથે જુદાં જુદાં વાજિંત્રો પણ વાગતાં. એ અનુભવ લગભગ રોજનો થઈ ગયેલો. મને થતું કે શું દેવો કે સિદ્ધપુરુષો ગંગાની આરતી ઉતારતા હશે કે પછી પ્રાર્થના કે વેદપાઠ કરતા હશે ? તેમનો સ્વર સ્પષ્ટ સંભળાતો. તે વિશે મેં કેટલાક મહાત્માઓને પૂછ્યું હતું. પણ ઉત્તરકાશીમાં વરસોથી વાસ કરવા છતાં કોઈને એવો અનુભવ ના થતો. ચિદઘનાનંદજી કહેતા કે તેમણે બેત્રણ વાર એવો અનુભવ કરેલો.

 

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok