Saturday, July 04, 2020

રમણ મહર્ષિનું દર્શન

શ્રી રમણ મહર્ષિના નામથી કોણ અપરિચિત હશે ? સામાન્ય માણસે કદાચ તેમનું નામ નહિ સાંભળ્યું હોય. પણ જેને ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં અને આધ્યાત્મિકતામાં રસ છે તે તો તેમના નામ ને કામથી ભાગ્યે જ અજ્ઞાત હશે. ભારતના આધ્યાત્મિક આકાશમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સમયથી જ્યોતિર્ધરોનો જે સતત ઉદય થતો રહ્યો છે તેમાં શ્રી રમણ મહર્ષિ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમણે પોતાના જીવન દ્વારા ભારતનું આધ્યાત્મિક ગૌરવ વધાર્યું છે ને ભારતમાં ને ભારતની બહાર પ્રકાશ પાથરીને અનેક માણસોને માર્ગદર્શન ધરીને શાંતિ આપી છે. મદ્રાસ પ્રાંતના એક નાનકડા ગામમાં જન્મી લગભગ અઢારેક વરસની ઉંમરે તેમણે ઘર છોડ્યું ને પરમપિતાની શોધ શરૂ કરી. દક્ષિણના પ્રખ્યાત અરુણાચલ પર્વતે એમના અંતરનું આકર્ષણ કર્યું. ત્યાં વરસો સુધી વિજનમાં વાસ કરીને એ મહાપુરુષે તપ કર્યું ને છેવટે શાંતિ મેળવી. તે સાધકમાંથી સિદ્ધ બની ગયા ને જીવનમુક્ત થયા. તે પછી પોતે પ્રાપ્ત કરેલા પ્રકાશ દ્વારા બીજાના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાના કાર્યની શરૂઆત કરી. પછી તો તેમનું નામ દેશવિદેશમાં વિખ્યાત થઈ ગયું. ભારતની ભૂમી તેમને લીધે સાચે જ સુશોભિત બની છે.

ઉત્તરકાશીમાં એક દિવસ તે મહાપુરુષે મને અચાનક દર્શન આપ્યું. લગભગ મધરાત પછીનો સમય હતો. હું રોજની જેમ ધ્યાનમાં બેઠેલો. એટલામાં મારું દેહભાન ભુલાઈ ગયું. તે દશામાં શ્રી રમણ મહર્ષિ  મારી સામે પ્રકટ થયા. તેમના દર્શન કરવાનો અવસર મને આ પહેલા મળ્યો ન હતો. તેમના ચિત્રો મેં જોયેલા. વડોદરામાં હતો ત્યારે મેં તેમના વિશે સાંભળેલું પણ ખરું. એટલે તેમના વિશે થોડી ઘણી માહિતી હતી. તેથી તેમને ઓળખતા વાર ના લાગી. અનુભવની એ અવસ્થામાં મેં જોયું તો તેમની સાથે હું મુંબઈના ચોપાટીના દરિયા કિનારે ઊભેલો. તેમની દિવ્ય શક્તિથી કદાચ તે મને એવો અનુભવ કરાવી રહ્યા હતા તેવો મને વિચાર થયો. તે વિશે વધારે વિચાર કરું તે પહેલાં તો તેમની સાથે હું દરિયા પર ચાલવા લાગ્યો. અમારા બંનેના શરીરો પાણીથી થોડે ઉપર જોરથી દોડતા હોય તેમ પસાર થવા માંડ્યાં. દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યાં. અલ્પ સમયમાં અમે એમના આશ્રમમાં આવી પહોંચ્યાં. તે મને આશ્રમના મુખ્ય ખંડ અથવા હોલમાં લઈ ગયા. ત્યાં મને ભેટી પડ્યાં ને મારો હાથ પકડીને મને તેમના કોચ પર બેસાડવા માંડ્યાં. તેમની સાથે એક-આસન પર બેસવા મારું મન માનતું ન હતું. તેમના જેવા વૃદ્ધ મહાપુરુષની સાથે એક આસન પર બેસવામાં મને સંકોચ થતો. તેમણે મારો સંકોચ લક્ષમાં ના લીધો. પોતાની પાસે કોચ પર બેસાડીને તે મને કહેવા લાગ્યા : 'હજી તમને ખબર નથી કે તમે કેવા મહાન પુરુષ છો. પણ હું તમને જાણું છું. મારી પાસે બેસવામાં તમારે કોઈ જાતનો સંકોચ કરવાની જરૂર નથી. તમારે સંસારમાં મહત્વનું કામ કરવાનું છે.'

તે પછી અમે કેટલીક બીજી વાતો કરી. એ અનુભવ બધો મળીને લગભગ અડધો કલાક ચાલ્યો હશે. તે પછી મારી ધ્યાનાવસ્થા પૂરી થઈ ને મને ભાન આવ્યું ત્યારે હું ઉત્તરકાશીની મારી ગંગાતટ પરની નાની કેબિન જેવી કુટિયામાં બેઠેલો. છેલ્લે છેલ્લે જે જુદા જુદા આનંદજનક અનુભવો થતા હતા તેમાં આ અનુભવે ખરેખર નવી જ ભાત પાડી. આ અનુભવની વિશેષતા એ હતી કે આ એક એવા મહાપુરુષનો અનુભવ હતો જે જીવંત હતા અને પોતાની મહત્તા માટે પ્રખ્યાત હતા. એક જીવંત મહાપુરુષના અનુભવનો આવો પ્રસંગ મારા જીવનમાં આ પહેલો જ હતો. તે દ્વારા મને એક સ્થૂળ શરીરે શ્વાસ લેતા મહાપુરુષના સંપર્કનો લાભ મળ્યો. એવી રીતે એ અનુભવ ક્રાંતિકારી, કીમતી ને શકવર્તી હતો. ભવિષ્યમાં એ મહાપુરુષે મારી સાથે દૂર રહીને પણ ગાઢ સંબંધ સ્થાપિત કર્યો અને આવા અનેક અનુભવો દ્વારા મને કૃતાર્થ કર્યો. એ અનુભવોની પૂર્વભૂમિકારૂપે થયેલો આ અનુભવ મારા સાધનાત્મક જીવનમાં ખાસ સ્થાન ધરાવતો હતો.

રમણ મહર્ષિ અરુણાચલની તળેટીના તેમના આશ્રમનો ત્યાગ કરીને ક્યાંય ગયા નથી. વરસો સુધી તે શાંતિપૂર્વક આશ્રમમાં જ રહ્યા છે. તેમણે મદ્રાસ સુધી પણ મુસાફરી કરી નથી. બાહ્ય રીતે જોતાં તે તદ્દન નિષ્ક્રિય જેવા અને આત્મારામ લાગે. આશ્રમમાં તેમનું દર્શન કરવાનો સુયોગ જેમને પ્રાપ્ત થયો છે તેમના પર એવી છાપ જરૂર પડી હશે. પરંતુ તે તો તેમનું બાહ્ય સ્વરૂપ હતું. એમના આંતરસ્વરૂપની ખબર કોને છે ? બાહ્ય રીતે ઉદાસીન ને નિષ્ક્રિય દેખાવા છતાં તે કેટલું ઉપયોગી કામ કરતા તે કોણ જાણી શકે તેમ છે ? તેમની શક્તિ અદભુત હતી. સમાધિ પર તેમનો પૂરો કાબૂ હતો. તેને લીધે તેમને કેટલીક અસાધારણ શક્તિ અથવા તો સિદ્ધિની પ્રાપ્તિ થયેલી. તેથી તે આશ્રમમાં રહીને આશ્રમની બહાર સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે જઈને સંકલ્પ, ને વચન દ્વારા ભક્તો ને સાધકોને મદદ કરતાં. તેમના એ મહાન ગુપ્ત સેવાકર્મનો ખ્યાલ કોને આવે તેમ છે ? બહારની પ્રવૃત્તિ ને બહારના કર્મને જ સર્વ કાંઈ માનનારા માણસો મહર્ષિના આ અંદરના કર્મને ભાગ્યે જ સમજી શકાશે. તે દ્વારા તેમણે કેટલા સાધકોને શાંતિ આપી, કેટલા માર્ગ ભૂલેલા માણસોને માર્ગ બતાવ્યો, ને કેટલાનું જીવન ઉજ્જવળ કરી દીધું, તેનો હિસાબ કોની પાસે છે ? તેમના જેવા શક્તિશાળી સંતો બહારથી ઉદાસીન રહેવા છતાં એવી રીતે અનેક પ્રકારનાં ઉપકારક કર્મ કરી શકે છે એ ચોક્કસ છે.

આવા અનુભવો બે રીતે થાય છે એમ વરસોના અનુભવથી મને સમજાયું છે.  ઈશ્વર પોતે સાધકોને ઉત્સાહ આપવા ને મદદ કરવા આવા મહાપુરુષોના અનુભવો પોતાની ઇચ્છાથી આપે છે. તેમાં મુખ્ય કારણ મહાપુરુષોની સવિશેષ શક્તિનું નથી હોતું પણ ઈશ્વરની શક્તિનું છે. મહાપુરુષોને તો તે અનુભવોની ખબર પણ નથી હોતી. બીજા પ્રકારના અનુભવો મહાપુરુષની શક્તિ માટે ગૌરવ ને અંજલિરૂપ છે. કેટલીકવાર તો તે મહાપુરુષ પ્રથમથી જણાવીને નક્કી કહેલા દિવસે ને સમયે અનુભવ આપે છે. બધાને આ સૂક્ષ્મ ભેદનો ખ્યાલ નથી તેથી ઈશ્વરની કૃપાથી થયેલા અનુભવને તેવા લોકો વધારે ભાગે મહાપુરુષે પોતે પોતાની શક્તિથી આપેલો અનુભવ માની લે છે ને ભ્રમમાં પડે છે. કેટલાક સાધુપુરુષો પણ ભક્તો દ્વારા એવા અનુભવને સાંભળીને પોતાની શક્તિ વિશે ન છાજે તેવા મોટા ને ખોટા અભિપ્રાયો બાંધી લે છે ને ઈશ્વરે આપેલા ચમત્કારિક અનુભવને પોતાના ચમત્કાર તરીકે ગણાવે છે. પોતાની ત્રુટિને જાણી લઈ તથા દૂર કરી તેમણે સાચી શક્તિ મેળવવાની છે, જેથી તે ભક્તો ને સાધકોને ઈચ્છાનુસાર અનુભવો આપી શકે. રમણ મહર્ષિમાં એવી શક્તિ હતી, તેમના સંપર્કમાં આવનારા એ વાતને સમજી શક્યા હશે.

 

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok