Saturday, July 04, 2020

સંત જ્ઞાનેશ્વરનું દર્શન

એ અરસામાં એક બીજો સુંદર અનુભવ થયો. એ અનુભવ પણ રાતનો ને ધ્યાનાવસ્થામાં થયેલો. ધ્યાનને અંતે મને સમાધિ થઈ. તેમાં મને નીચે ભૂગર્ભમાં ઊંડી ખીણ જેવું દૃશ્ય દેખાયું. ત્યાં એક નાનું સરખું ઘટાદાર વૃક્ષ હતું. નીચે બેસીને પણ તેનાં પાંદડાંને પકડી શકાય તેમ હતું. વૃક્ષની નીચે એક નાનો ચોતરો હતો. તેની આગળ થોડું મેદાન હતું. ચોતરા પર પદ્માસન વાળીને એક મહાપુરુષ આંખ બંધ કરીને ધ્યાનાવસ્થામાં બેઠેલા. તેમણે સ્વચ્છ ને સફેદ વસ્ત્રો પહેરેલાં. શરીરના નીચેના ભાગમાં એક વસ્ત્ર વીંટેલું અને ઉપર એક ઓઢેલું. નીચેનું વસ્ત્ર ઘૂંટણ સુધી જ હતું એટલે અડધા પગ ઉઘાડા જ દેખાતા. માથે લાંબા વાળ, દાઢી બિલકુલ ન હતી. મોઢું અત્યંત તેજસ્વી સુવર્ણમય ને શાંત. આખુંયે દર્શન અદભુત હતું.

મને થયું કે આ નાની ઉંમરના મહાપુરુષ કોણ હશે ? ભારતમાં બાલયોગી ઘણા થયા છે. અષ્ટાવક્ર, શુકદેવ, શંકરાચાર્ય જેવા મહાપુરુષો પ્રખ્યાત છે. પણ આ મહાપુરુષનું સ્વરૂપ તો તદ્દન નિરાળું છે. તે જ વખતે મને અંતઃપ્રેરણા થઈ કે આ મહાપુરુષ બીજા કોઈ નહિ પણ સંત જ્ઞાનેશ્વર છે. મારું અંતર આનંદથી નાચી ઊઠ્યું.

જ્ઞાનેશ્વરને કોણ નથી ઓળખતું ? જ્ઞાનેશ્વરી ગીતા જેવા મહાન ગ્રંથની રચના જેમણે પંદર વરસની નાની ઉંમરમાં કરી તે જ્ઞાનેશ્વર એમના અપૂર્વ જ્ઞાનને માટે પ્રસિદ્ધ છે. પૈઠણમાં તેમણે પાડાના મુખમાંથી વેદ બોલાવ્યા. તે પછી તે મહાન યોગી તરીકે જાણીતા થયેલા. પુનાની પાસેનું આલંદી ગામ તેમનું જન્મસ્થાન ને મુખ્ય લીલાસ્થાન પણ તે જ. ચાંગદેવ તેમને મળવા માટે સિંહ પર સવારી કરીને હાથમાં સાપની ચાબુક લઈને આવ્યો ત્યારે તેમણે દીવાલને તેની દિશામાં ચલાવી. તે દિવાલ પર જ્ઞાનેશ્વર, નિવૃતિનાથ, સોપાન ને મુક્તાબાઈ ચારે ભાઈબેન બેઠેલાં. તે ચારે મુક્ત હતાં. જ્ઞાનેશ્વરે આલંદીમાં જીવંત સમાધિ લીધી. આલંદીમાં તેમની મોટી સમાધિ છે. હજારો ભક્તો ત્યાં ભેગા થાય છે ને પ્રેરણા મેળવે છે. એવા મહાન સંત, જ્ઞાની ને યોગી જ્ઞાનેશ્વરનું મને દર્શન થયું તેથી મને ખરેખર આનંદ થયો. તેમના દર્શનનો એ અનુભવ આશરે દશેક મિનિટ રહ્યો હશે.

કોઈ કહેશે, જ્ઞાનેશ્વર મહારાજને તો થઈ ગયે વરસો વીતી ગયાં છે. તો શું આજે તેમનું દર્શન થઈ શકે ? આપણે કહીશું કે જરૂર થઈ શકે. જેમ વરસો વીતી જવા છતાં આજે કૃષ્ણ, રામ, વ્યાસ, દત્તાત્રેય, નારદ, બુદ્ધ ને ઈશુ જેવા મહાપુરુષોનું દર્શન પણ થઈ શકે છે. મહાપુરુષો દેશ ને કાળથી પર હોય છે. દેશ ને કાળની મર્યાદામાં રહીને તેમનો વિચાર કરવામાં અજ્ઞાન રહેલું છે. તેમને દેશ ને કાળનાં બંધન નથી. તેથી ગમે તે વખતે ને ગમે તે સ્થળે દર્શન આપી શકે છે. તેમના દર્શન માટે માણસનું મન આતુર હોવું જોઈએ. અથવા માણસનું મન આતુર ના હોય તો પણ તેમની અથવા ઈશ્વરની ઈચ્છાથી તેમનું દર્શન થઈ શકે છે.

આ સંસારમાં બે પ્રકારના મહાપુરુષો છે. પહેલા પ્રકારના મહાપુરુષો શરીરનો ત્યાગ કરીને પરમાત્મામાં સંપૂર્ણપણે મળી જાય છે અથવા એક થઈ જાય છે કે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવામાં રસ ધરાવતા નથી. પરંતુ બીજા પ્રકારના મહાપુરુષોનું બંધારણ જરાક જુદું હોય છે. તેમણે પરમાત્મા સાથે એકતા સાધી લીધી હોવા છતાં શરીર છોડ્યા પછી તે પરમાત્મામાં પૂરેપૂરા મળી જતાં નથી. તે વિચારે છે કે આપણે તો પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જીવનમુક્ત પદે પહોંચી ગયાં પણ હવે બીજાને પૂર્ણતા ને મુક્તિનો માર્ગ બતાવીએ, બીજાને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાના કલ્યાણ કામમાં મદદ કરીએ, ને સંસારમાં ઈશ્વરનો સંદેશ ફેલાવીએ. એવા પુરુષો જરા વધારે પ્રેમાળ ને પરગજુ સ્વભાવના હોય છે. લોકસંગ્રહમાં માને છે તેથી શરીરને છોડી દીધા પછી પણ પોતાના અલગ અસ્તિત્વને ટકાવી રાખે છે. તેમાંના કોઈ સુક્ષ્મ શરીરે તો કોઈ સ્થૂળ શરીરે પણ રહે છે. તે સિદ્ધ ને મુક્ત કોટિના હોય છે.

તે પુરુષો પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરે છે અથવા જન્મે છે. પણ તેમને બાળપણથી જ પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન હોય છે ને પોતે જે હેતુ માટે શરીર ધારણ કર્યું છે તેનો પણ ખ્યાલ હોય છે. તે સંસારમાં ફસાતા નથી. બાળપણથી જ પ્રભુના પંથે વળી જાય છે. પોતાના જીવન દ્વારા તે કેટલાય લોકોનું કલ્યાણ કરે છે, ને પોતાનું કાર્ય પૂરું કરીને પોતાના મૂળ સ્વરૂપમાં મળી જાય છે. કેટલીકવાર તેમના દ્વારા સંસારમાં વ્યાપક રીતે અસર કરનારા મોટાં કામો થાય છે તો કેટલીકવાર ધર્મપ્રચાર પણ થાય છે. એવા અવતારી પુરુષોને શાસ્ત્રોમાં કારક પુરુષ પણ કહેવામાં આવ્યા છે. તેવા પુરુષો જ્યારે તેમને યોગ્ય લાગે ત્યારે કોઈ જાતની હરકત વિના, પરમાત્મામાં સંપૂર્ણપણે મળી જઈને પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને શાંત પણ કરી શકે છે. તેમ કરવામાં તે તદ્દન સ્વતંત્ર છે.

જે મહાપુરુષો પરમાત્મામાં મળી ગયા છે તેમાંના કોઈનું દર્શન કરવાની ઈચ્છા હોય તો પણ તે ઈચ્છા પરમાત્માની કૃપાથી પૂરી થઈ શકે છે, એ સમજી લેવા જેવું છે. પરમાત્મા સર્વસમર્થ હોવાથી સાધકની સઘળી ઈચ્છા પૂરી કરી શકે છે પરમાત્માની કૃપાથી તેવું દર્શન થઈ શકે છે અથવા પરમાત્મા પોતે તે મહાપુરુષના સ્વરૂપમાં પ્રકટ થઈને સાધકને શાંતિ આપે છે. પણ તેવું કોઈ વાર જ બને છે.

આટલી સ્પષ્ટ વિચારણા પરથી સમજાશે કે જ્ઞાનેશ્વર મહારાજને સશરીર સમાધિ લીધે વરસો થયાં તો પણ તેમનું દર્શન આજે જરૂર થઈ શકે તેમ છે. જ્ઞાનેશ્વર મહારાજે તો જીવતાં જ સમાધિ લીધેલી. તે પરથી તેમની મહાન યૌગિક શક્તિનો ખ્યાલ આવી શકે છે. તેવા કાળ પર શાસન કરનારા મહાપુરુષ સમાધિ લીધા પછી પણ કોઈને પોતાની ઈચ્છાથી દર્શન આપે તો તેમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી. તે વાત સહેલાઈથી સમજી શકાય તેવી છે. ઈતિહાસ કહી બતાવે છે કે જ્ઞાનેશ્વર મહારાજ પછી આશરે ત્રણસો વરસે મહારાષ્ટ્રમાં એકનાથ મહારાજ થયા. તેમને જ્ઞાનેશ્વર મહારાજે એકવાર સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે જે વૃક્ષ નીચે મેં સમાધિ લીધી છે તેની એક ડાળ મને વાગે છે. તેથી તું આવીને ઠીક કરી જા.

આવા મહાન યોગીને વળી ડાળી શું વાગે ? શું તે ડાળીને તે ઠીક ના કરી શકે ? પણ એવી રીતે એમણે એકનાથજીને દર્શન આપવાનું એક નિમિત્ત ઊભું કર્યું. એકનાથજી સ્વપ્નની સુચના પ્રમાણે આલંદી પહોંચ્યા. પણ સમાધિનું સ્થાન શોધી શક્યા નહિ. ત્યારે જ્ઞાનેશ્વર મહારાજે ફરી સૂચના કરી તે પ્રમાણે જમીનની અંદરના સમાધિસ્થાનમાં પ્રવેશ કર્યો. ત્યાં જે જોવામાં આવ્યું તેથી તેમને અત્યંત આનંદ થયો. એક નાના સરખા વૃક્ષ નીચે જ્ઞાનેશ્વર મહારાજ બેઠેલા. એમણે એકનાથજીનો સ્મિત સાથે સત્કાર કર્યો. એકનાથ પણ મહાન ને ઈશ્વરદર્શી સંત હતા. બંનેનું મધુર મંગલ મિલન થયું. જાણે રામ ને ભરત, બદ્રીનાથ ને કેદારનાથ, ગંગા ને જમના અથવા જ્ઞાન, ભક્તિ ને યોગનો શાનદાર સમાગમ થયો. કહે છે કે ત્યાં એકનાથજી ત્રણ દિવસ ને ત્રણ રાત રહ્યા. તે દરમિયાન તે બંને મહાપુરુષોએ શું કર્યું તે તો તે જ જાણે, પણ શ્રી એકનાથના ગીતો ઉપરથી સંસારે એટલું તો જરૂર જાણ્યું કે જ્ઞાનેશ્વર મહારાજ હજી હયાત છે અને એમણે એકનાથજીને કૃતાર્થ કર્યા છે. તે મહાજ્ઞાની ને યોગી મહાપુરુષે મને ઉત્તરકાશી જેવા હિમાલયના દૂરના સ્થાનમાં પણ શોધી કાઢીને તે પછી કેટલાંય વરસે ઠેઠ ઈ.સ.૧૯૪૪ માં દર્શન આપ્યા તેનું કારણ તેની કૃપા જ કહી શકાય. તેમને માટે મને કે કોઈને દર્શન આપવાનું મુશ્કેલ નથી. આટલાં વરસોમાં તેમણે બીજા કેટલા સાધકોને દર્શન આપ્યા છે ને મદદ કરી છે તેની કોને ખબર છે ?

મને દર્શન આપીને શ્રી રમણ મહર્ષિની જેમ એમણે પણ મારા અંતરનું એમણા તરફ આકર્ષણ કર્યું. એમના પ્રત્યે મને પ્રેમ તો હતો જ, પરંતુ તે હવે વધી ગયો, તેમનું મહાન વ્યક્તિત્વ મારી આંખ આગળ રમવા માંડ્યું. શ્રી એકનાથ મહારાજ તો મહાન હતા. હું તો હજી એક સાધારણ બાળક છું. મારામાં કોઈ વિશેષ યોગ્યતા પણ નથી. છતાં મારા પર તેમણે કૃપા કરી, તેનો વિચાર કરીને મારું હૃદય ભરાઈ આવ્યું. પણ મહાપુરુષોની પદ્ધતિ એવી જ રહસ્યમય હોય છે. તે કોના પર કૃપા કરશે તે વિશે કશું જ કહી શકાતું નથી. ભારત ને સંસારના એ બંને મહાપુરુષો-શ્રી રમણ મહર્ષિ ને જ્ઞાનેશ્વરનાં ચરણોમાં મારાં પ્રણામ છે, વારંવાર પ્રણામ છે. તેમની કૃપા શક્ય હોય ત્યાં સુધી તે મારા પર વરસાવ્યા કરશે એવી આશા રાખું તો એ અસ્થાને નહિ ગણાય.

 

Today's Quote

Love is the only reality and it is not a mere sentiment. It is the ultimate truth that lies at the heart of creation.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok