Saturday, July 04, 2020

સંતોનો મેળાપ

ઋષિકેશમાં રોજના ક્રમ પ્રમાણે સાંજે હું ગંગાકિનારે ફરવા ગયેલો. ત્યાં એક મુસાફર ભાઈની મુલાકાત થઈ. તેમની સાથે વાત નીકળતા તેમણે કહ્યું : 'મારો વિચાર ઉત્તરકાશી અથવા દેવપ્રયાગ જવાનો છે. કોઈ સારા સંતમહાત્માના દર્શનની મારી ભાવના છે. તેથી જ હું હિમાલયના આ પ્રદેશમાં આવ્યો છું. દેવપ્રયાગ કે ઉત્તરકાશીમાં મને કોઈ સારા મહાત્માનું દર્શન થઈ શકશે ? ત્યાં તો કેટલાય સિદ્ધપુરુષો રહે છે એમ મેં સાંભળ્યું છે.'

મેં કહ્યું : 'દેવપ્રયાગમાં કોઈ સારા મહાત્મા રહેતા હોય એવો મને ખ્યાલ નથી. ત્યાં ભાગ્યે જ કોઈ સાધુ મહાત્મા રહે છે. ઉત્તરકાશીમાં તમને સંતમહાત્માના દર્શનનો લાભ જરૂર મળશે. પણ તેમનાં દર્શનથી તમને સંતોષ કે શાંતિ મળશે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. અત્યારે વખત કેવો છે તે તો તમને ખબર છે. આ વખતમાં શુદ્ધ ને સંયમી થઈને પ્રભુપરાયણ જીવન જીવનારા થોડા છે. હિમાલયમાં પણ તેમની સંખ્યા થોડી છે. આ બાજુ અભ્યાસી ને વિદ્વાન સંતપુરુષો મળે છે પણ તપસ્વી, અનુભવી ને સાધના કરનારા પુરુષો ભાગ્યે જ મળે છે. તેમને ઓળખવાનું કામ પણ કઠિન છે. સંભવ છે કે ઉત્તરકાશી તરફ તેવા કોઈ મહાત્મા મળી જાય. તમારી ઈચ્છા હોય તો ત્યાં જવામાં હરકત નથી. સ્થાન સારું છે. કુદરતી સૌંદર્ય પણ વરસાદને લીધે સારા પ્રમાણમા ખીલ્યું હશે. તમને આનંદ આવશે ને પ્રત્યક્ષ અનુભવ મળશે.'

મારા શબ્દોને સાંભળીને તે ભાઈ પ્રસન્ન મુખે વિદાય થયા. તે ઉત્તરકાશી ગયા કે નહિ તેની મને ખબર નથી. પણ તેમની સાથેની વાતચીત પછી ઉત્તરકાશીના નિવાસ દરમિયાન મને થયેલા સંતમહાત્માના અનુભવો મારા સ્મૃતિ પટ પર તાજા થયા. સંતમહાત્મા વિશે તે ભાઈને મેં જે અભિપ્રાય આપ્યો હતો તેની પાછળ ઉત્તરકાશીના ને તે પછીના જીવનના વિશાળ અનુભવનું પીઠબળ હતું. ઉત્તરકાશી જતાં મેં સાંભળેલું કે ત્યાં ઘણી ઊંચી કોટિના વિરક્ત ને તપસ્વી મહાત્માઓ નિવાસ કરે છે. પરંતુ ત્યાંના પ્રત્યક્ષ અનુભવ પછી મને તે વાત અતિશયોક્તિ ભરેલી લાગી. ઉત્તરકાશી કે ગંગોત્રી જેવાં સ્થળોમાં વાસ કરવા માત્રથી કોઈ તપસ્વી કે વિરક્ત નથી થઈ જતું અથવા કેવળ કૌપીનને અને કંથાને ધારણ કરવાથી કે કરપાત્રી થવાથી પણ કોઈને માનવામાં આવે છે તેમ જીવન મુક્તિપદ નથી મળી જતું. વિરક્તિ ને જીવનમુક્તિમાં મુખ્ય ભાગ મન ભજવે છે. એટલે માણસના બાહ્ય રૂપરંગ ગમે તેવા હોય તો પણ તેનું મન શામાં રમે છે, પરમાત્મામાં કે સંસારમાં, ને તેના વિચારો ને વૃત્તિનું સ્વરૂપ કેવું છે તેનું નિરીક્ષણ પણ કરવું પડે છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરીને એ અહંકાર, મમતા તથા વિષાયાસક્તિથી મુક્ત થયો છે કે કેમ તે પણ જોવું પડે છે. તે વિના ચોક્કસ અભિપ્રાય આપી શકાતો નથી. તે દૃષ્ટિએ જોઈએ તો મને ઉત્તરકાશીમાં ઉત્તમ કોટિના સંતો ખૂબ જ વિરલ દેખાયા. જેમ ઋષિકેશમાં જોવા મળેલું તેમ ત્યાં પણ વિદ્વાનોની સંખ્યા સારી દેખાઈ, પણ સાધનામાં રસ લેનારા કે સાધના કરીને શાંતિ મેળવી ચૂકેલા બહુ ઓછા દેખાયા. એવા પુરુષોના સમાગમથી મને આનંદ થતો. તેમાંથી બેચારનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય.

ઉત્તરકાશીમાં વિશ્વનાથ મહાદેવનું સ્થાન છે. તેમાં નાની સરખી કુટિયા કરીને એક મહાત્મા કહેતા. તે નાગાજીના નામે ઓળખાતા. શરીર પર કૌપીન ને ભસ્મ વિના તે બીજું કાંઈ જ રાખતા નહિ. તેમને માથે મોટી જટા હતી. તેમનું શરીર તદ્દન કૃશ દેખાતું. એકવાર કોઈના કહેવાથી ક્ષેત્રમાં ભિક્ષા લેવા જતી વખતે મેં તેમની મુલાકાત લીધી. તેમણે મારો સસ્મિત સત્કાર કર્યો ને સંકેતથી મારી સાથે થોડી વાતચીત કરી. તેમણે વર્ષોથી મૌનવ્રત લીધેલું હોવાથી ખુલ્લી રીતે વાતચીત કરી શકાય તેમ ન હતું. પરંતુ તેમને જોઈને મને તેમની વિશેષતાની ખાતરી થઈ ને તેમના પર પ્રેમ થયો. પછી તો અવારનવાર તેમની પાસે જવાનું ચાલું રહ્યું. પરિણામે તે પણ મને પ્રેમભાવે જોવા લાગ્યા. તેમને ક્ષેત્રમાંથી મદદ મળતી. તેથી તે રસોઈ હાથે જ બનાવી લેતા. તેમની કુટિયામાં અગ્નિ જાગ્રત જ રહેતો. ક્ષેત્રમાં જતી વખતે બીજા પણ કેટલાક સાધુમહાત્મા તેમની પાસે આવતા. મેં પણ તેમની પાસે જવાનો સમય એ જ રાખ્યો.

તેમના એક પ્રશંસક તરફથી મેં સાંભળેલું કે તે રાતે સૂતા નથી. આખી રાત લગભગ જાગતા જ રહે છે ને સાધના કરે છે. તે વાત સમજતાં મને મુશ્કેલી ના પડી. કેમ કે મને તે દશાનો અનુભવ હતો. પાછલા થોડા મહિનાથી મેં પણ તેવી ટેવ પાડેલી. નાગાજીની મુખાકૃતિ શાંત ને પ્રસન્ન રહેતી. તેમની આંખ પણ તેજસ્વી દેખાતી. તે પરથી અનુમાન કરી શકાતું કે તેમને સાધનામાં સારી અનુભવદશાની પ્રપ્તિ થઈ હશે. મારા પ્રત્યેનો તેમનો પ્રેમ ધીરેધીરે વધવા માંડ્યો. પછી તો કેટલીક વાર અમારે બપોરે મળવાનું થતું. બપોરે કોઈવાર દૂધ પીવા બજારમાં જતો ત્યારે તે મને દૂરથી જોઈને મળવા આવતા ને મારી પાસે થોડીવાર બેસતા. મને જોઈને કોણ જાણે કેમ પણ તેમને આનંદ થતો. તેમની સાથે અવારનવાર જે થોડી ઘણી સાંકેતિક વાતો થતી તે પરથી તે એક ઉત્તમ શ્રેણીના સંતપુરુષ છે તેની ખાતરી થતી. તેમની વાતો અનુભવની પીઠબળવાળી હતી. એકવાર તેમણે મને કહેવા માંડ્યું : 'સાધુપુરુષે બે વસ્તુને ખાસ સાચવવાની છે : જીભ અને ઉપસ્થ. જીભ અને ઉપસ્થના સંયમ વિના બધું નકામું છે - સાધુજીવનનું કાંઈ મહત્વ નથી રહેતું.'

આજે વરસો વીતી ગયાં છે તો પણ તે મહાપુરુષે કહેલી એ ડહાપણભરેલી અનુભવવાણી એવી ને એવી જ યાદ છે. ખરેખર સાધુપુરુષે જ નહિ પણ જીવનની ઉન્નતિની ઈચ્છાવાળા કોઈયે પુરુષે એ શબ્દોને ખાસ યાદ રાખવા જેવા છે. જીભના વિષયમાં રસાસ્વાદ ને વાણી બંનેનો સમાવેશ થઈ જાય છે. બ્રહ્મચર્ય અથવા સંયમની મહત્તા તો લગભગ પ્રત્યેક ધર્મના મહાપુરુષોએ પોકારી પોકારીને કહી બતાવી છે. સ્ત્રી ને પુરુષ બંનેને માટે તેનું પાલન એકસરખું આવશ્યક છે. જીભ અને ઉપસ્થ બંનેનો સંયમ શ્રમસાધ્ય છે. તે માટે સતત જાગૃતિ, આત્મનિરીક્ષણ ને પ્રભુપ્રાર્થનાનો આધાર આવશ્યક છે. તે ઉપરાંત સારા પુરુષો, સ્થળો અને ઉત્તમ પુસ્તકોનો સંગ પણ સહાયકારક થઈ પડે છે. ગમે તેમ કરીને પણ સંયમનું વ્રત સાધકે લેવું જોઈશે અને સંયમની સાધના કરવી જ પડશે. તેના વિના આત્મિક ઉન્નતિની સાધના અધૂરી જ રહેશે.

નાગાજીની ઈચ્છા એવી હતી કે હું ઉત્તરકાશીમાં જ કાયમ માટે રહી જાઉં. તે ઈચ્છા તે મારી પાસે અવારનવાર વ્યક્ત પણ કરી બતાવતા. મારી ઈચ્છા પણ કૈંક એવી હતી, કેમ કે ઉત્તરકાશીનું વાતાવરણ મને ફાવી ગયેલું. પરંતુ ઈશ્વરની ઈચ્છા જુદી હતી. એટલે ઉત્તરકાશીમાં મારે વધારે વખત રહેવાનું ના થયું. આજે એ સાચા સંતપુરુષની સ્મૃતિ મારા દિલમાં કાયમ છે ને તેમને માટેનો આદરભાવ પણ એવો જ છે. વરસો વીતી જાય ને કોઈ કારણથી શરીરથી દૂર રહેવાનું થાય તેથી તેનો અંત કેવી રીતે આવે ને કેવી રીતે દૂર થઈ શકે ? સંતોની સ્મૃતિ ને સંતોનો સ્નેહ તેમના સમાગમની પેઠે સદાય સુખકારક ને શાંતિદાયક છે. તે તો વખતના વીતવા સાથે વધે અને અમર રહે તે જ બરાબર છે.

ઉત્તરકાશીમાં તે વખતે બીજા ઊંચી શ્રેણીના સાધકનો સમાગમ થયા કરતો. તેમનું નામ મોતીલાલ બ્રહ્મચારી હતું. તે ગંગાના બીજા કિનારા પર એક નાનું સરખું ગામ હતું ત્યાં રહેતા. ઉત્તરકાશીમાં અવારનવાર આવતા, ત્યારે તે મને અચૂક મળતા. તેમની ઉંમર તે વખતે ચાલીસેક વરસની હતી, પણ યોગાભ્યાસના પ્રભાવથી તે પચ્ચીસેક વરસના દેખાતા. તેમને યોગની સાધનામાં રસ હતો. તેમના જેવા ઉત્સાહી પુરુષાર્થી સાધકો બહુ ઓછા મળે છે. યોગની કેટલીક જરૂરી પ્રારંભિક તાલીમ લઈને તે હિમાલયમાં આવી પહોંચેલા ને હવે ઉત્તરકાશીમાં સ્થાયી જેવા થઈ ગયેલા. રાતે બે વાગે ઊઠીને તે આસન ને પ્રાણાયામની જરૂરી સાધનામાં લાગી જતાં. બપોરે એકવાર ભાત ને દૂધનું ભોજન કરતાં. ભોજન હાથે જ બનાવી લેતા. ઉત્તરકાશીથી થોડેક દૂર બ્રહ્માજી નામે એક યોગી રહેતા. તેમની પાસેથી તેમને પ્રાણાયામની કોઈ ક્રિયાની પ્રાપ્તિ થયેલી. તેથી તેમને ખૂબ લાભ થયેલો. ખાસ કરીને કુંભક કરવામાં અથવા પ્રાણવાયુને લાંબો વખત રોકી રાખવામાં તે પછી તેમને અણધારી સફળતા સાંપડેલી. તે મને કહેતા કે તે એક કલાક સુધી કુંભક કરી શકતા. કોઈ બીજું વિઘ્ન ના આવે ને નિયમિત ક્રમ પ્રમાણે પ્રાણાયામનો વર્તમાન અભ્યાસ ચાલ્યા કરે તો એક કે બે વરસમાં તે ત્રણ કલાકનો કુંભક કરી શકશે એવી તેમની ગણતરી હતી. તે વાતને આજે વરસો વીતી ગયાં છે. તે અત્યારે ક્યાં છે તેની મને ખબર નથી. તેમની સાધના સતત ચાલુ રહી કે તેમાં કોઈ અણધારી આપત્તિ આવી પડી, તેની પણ મને ખબર નથી. પરંતુ જો એમની સાધના ચાલુ રહી હશે તો આજે એમની અવસ્થા અત્યંત ઊંચી હશે. ઈ. સ. ૧૯૪૪ના એ મોતીલાલ બ્રહ્મચારી આજે કદાચ એક મોટા અનુભવી યોગી બની ગયા હશે.

સાધનાનો માર્ગ કષ્ટસાધ્ય છે. તેમાં ભારે ઉત્સાહ, લગની, તાલાવેલી, શ્રદ્ધા ને પુરુષાર્થની જરૂર પડે છે. યોગની સાધના તો વળી વધારે કપરી છે. તેની સિદ્ધિ સારું વરસો સુધી મહેનત કરવી પડે છે. બધા માણસોમાં એવી સતત ને દીર્ઘ મહેનત કરવાની શક્તિ નથી હોતી. એટલે બહુ ઓછા સાધકોને યોગનો માર્ગ પસંદ પડે છે ને તેથી પણ ઓછા તેમાં સફળ થઈ શકે છે.

ઉત્તરકાશીમાં તે દિવસોમાં મને ગંગોત્રીમા રહેતા પ્રસિદ્ધ મહાત્મા શ્રી કૃષ્ણાશ્રમના દર્શનનો લાભ મળ્યો. કૃષ્ણાશ્રમ તે વખતે ઉત્તરકાશી આવેલા ને મારી પાસેની જ કુટિયામાં રહેતા. તે નગ્નાવસ્થામાં રહેતા ને મૌન રાખતા. સંસ્કૃત સારું જાણતા એમ કહેવાતું. મેં તેમની મુલાકાત લીધી ત્યારે તે કુટિયામાં પરાળ જેવા સુકા ઘાસ પર બેઠેલા. તેમની મુખાકૃતિ જટા ને દાઢીથી ભરેલી ને પ્રભાવશાળી હતી. એ તેમનું પહેલું દર્શન હતું. તે પછી થોડા જ દિવસમાં તે ગંગોત્રી જવા રવાના થયા. તેમની સાથે એક પર્વતીય સ્ત્રી પણ હતી. તે તેમની સેવા કરતી. તે વિશે વિશેષ ઉલ્લેખ આગળ પર કરી શકાશે.

સ્વામી તપોવનજી, દેવગિરિજી તથા પ્રજ્ઞાનાથજીનો દર્શન લાભ પણ ઉત્તરકાશીમાં પ્રાપ્ત થયેલો. પ્રજ્ઞાનાથજી યોગસાધનામાં વિશેષ અભિરુચિ રાખતા અને કેટલીક યોગક્રિયાઓ પણ કરતા રહેતા.

 

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok