Saturday, July 04, 2020

પૂર્વજન્મનું જ્ઞાન - ૧

પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે ખરું ? જરૂર થઈ શકે. આજ સુધી કેટલાય પુરુષોને થયું છે ને પ્રયાસ કરનારા બીજા કેટલાયને થઈ શકશે. વિવેકી પુરુષોએ તેમાં સંદેહ કરવાની જરૂર નથી. ભારતના મહાન ધર્મગ્રંથોમાં પૂર્વજન્મના જ્ઞાનની વાતો સારા પ્રમાણમાં આવે છે. ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે. તે બધાને હું જાણું છું પણ તને તેની ખબર નથી. તે શબ્દોમાં અસ્તિત્વ અને જ્ઞાનનો  સ્વીકાર કરવામાં આવ્યો છે. તુલસીકૃત રામાયણમાં કાકભુશુંડજીએ પોતાના પૂર્વજન્મોની કથા કહી બતાવી છે. તે ઉપરાંત શ્રીમદ્ ભાગવતમાં જડભરત જેવા પૂર્વજન્મના જ્ઞાન સાથે સંસારમાં અનાસક્ત ભાવે વિચરણ કરનારા મહાપુરુષની વાત આવે છે. એવા બીજા કેટલાય ઉદાહરણો આપી શકાય. પરંતુ તેમ કરીને વિસ્તારમાં પડવાની જરૂર નથી. શાસ્ત્રની વાતો તો જરા જૂની થઈ. કોઈ એવી દલીલ પણ કરી ઊઠે. એવા પુરુષોને માટે મહાત્મા વેદબંધુ જેવા કેટલાક વર્તમાનકાળના સંતપુરુષોની અનુભવી વાતો સંતોષકારક થઈ પડશે. તેવી વાતો પરથી સમજાય છે કે પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે ને તેવા જ્ઞાનવાળી વ્યક્તિઓ આજેય હયાત છે. એથી પ્રબળ પ્રત્યક્ષ પ્રમાણ બીજું કયું હોઈ શકે ? જેની ઈચ્છા હોય તે જરૂરી પુરુષાર્થ કરીને તેની ખાતરી કરી શકે છે.

પૂર્વજન્મનું જ્ઞાન મેળવવાનો માર્ગ કયો ? પાતંજલ યોગદર્શનના વિભૂતીપાદના અઢારમાં સૂત્રમાં તેનો નિર્દેશ ભગવાન પતંજલિએ સ્પષ્ટપણે કરેલો છે. તે કહે છે કે અંતઃકરણમાં એકઠા થયેલા સંસ્કારોમાં સંયમ કરવાથી યોગીને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે. તે પ્રમાણે યોગીને બીજાના પૂર્વજન્મનું જ્ઞાન પણ થઈ શકે છે. સમાધિની મદદથી પૂર્વજન્મને જાણવાનો એ માર્ગ યોગની સાધનાનો માર્ગ છે. તે ઉપરાંત એક બીજો પણ માર્ગ છે. તેને પ્રેમ અથવા ભક્તિનો અથવા ઈશ્વરની કૃપાનો માર્ગ કહી શકાય. તે માર્ગ મુજબ પૂર્વજન્મના જ્ઞાન માટે કોઈ સાધક ઈચ્છા કરે, તલસે, ને પ્રભુની પ્રાર્થનાનો આધાર લે, એટલે તેને પ્રભુની કૃપાથી પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે. પ્રભુ અથવા પ્રભુના પ્રતિનિધિ જેવા સિદ્ધ પુરુષો તેને પૂર્વજન્મની માહિતી પૂરી પાડે છે. કોઈવાર એવું પણ બને છે કે માણસને પૂર્વજન્મના જ્ઞાનની ઈચ્છા કે આતુરતા ના હોય તો પણ ઈશ્વરને યોગ્ય લાગે તો તેની આગળ તે પૂર્વજન્મનું રહસ્ય ખુલ્લું કરે છે. વેદબંધુના સંબધમાં એવું જ બન્યું છે. તેમને થયેલા આકસ્મિક અનુભવ પરથી તે સમજી શકાય છે.

પૂર્વજન્મનું જ્ઞાન એ રીતે યોગ, ભક્તિ ને ઈશ્વર અથવા સિદ્ધ પુરુષોના અનુગ્રહથી પણ થઈ શકે છે. તે દેવી, દેવતા, સિદ્ધપુરુષ, ઈશ્વર અથવા આત્માના અવાજ દ્વારા પણ પૂરું પાડવામાં આવે છે. કોઈવાર તેની માહિતી સ્વપ્ન દ્વારા, કોઈવાર ભગવાન પતંજલિએ કહ્યું છે તેમ ધ્યાન કે સમાધિ દ્વારા, ને કોઈવાર જાગૃતિ દશામાં પૂરી પાડવામાં આવે છે. જાગૃતિ દશામાં બહુ જ ઓછા સાધકોને પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે. સમાધિ દશામાં થનારા જ્ઞાનનું પણ તેવું જ છે.

નાનપણમાં હું એકવાર એક મહાપુરુષનું જીવનચરિત્ર વાંચતો હતો ત્યારે મને અચાનક એવો ભાવ થઈ આવ્યો કે આ મારું જ જીવનચરિત્ર છે.  હું તે વખતે બાળક હતો. મને જીવનના રહસ્યનું ને સાધનાનું પૂરું જ્ઞાન પણ ન હતું. જીવનની ઉન્નતિનો એકડો ઘૂંટવા બેઠો હોઉં તેવી તે વખતે મારી દશા હતી. તે મહાપુરુષની મહાનતા ને યોગ્યતા પાસે મારી યોગ્યતા સિંધુ આગળ બિંદુ ને પર્વતની આગળ રજ બરાબર પણ ન હતી. કોઈ મોટેરાને ડાહ્યા માણસને મારો ભાવ જણાવ્યો હોત તો તે મને હસી કાઢત, એવી તે વખતે મારી દશા હતી. છતાં પણ એવો ભાવ મારા દિલમાં કેમ ઉત્પન્ન થયો તે કહી શકાય તેમ ન હતું. આશ્ચર્ય એ હતું કે તે ભાવ મારા દિલમાં તદ્દન સહજ રીતે ઉત્પન્ન થયેલો ને મારા અંતરે સ્વીકારી લીધેલો. પૂર્વજન્મની આછી સ્મૃતિ તે વખતે જાણે જાગી ઊઠી હોય એવી મારી દશા હતી. વખતના વીતવા સાથે એ વિચાર ને ભાવ શાંત થવા માંડ્યો. પહેલીવાર મારા હૃદયે કામ કર્યું હતું ને સંદેશ આપ્યો હતો. હવે મન પોતાનો ભાગ ભજવવા માંડ્યું. મન કહેવા માંડ્યું કે હું તો તદ્દન સાધારણ નવયુવાન છું. હું તે કાંઈ આવો મહાપુરુષ હોઇ શકું ? એ તો કેવળ ભાવનાને લીધે એમ લાગ્યું હશે ! તે પ્રમાણે મન પોતાનું કામ કરવા માંડ્યું ને હૃદય શાંત થવા લાગ્યું. પરંતુ એક ધન્ય ઘડીએ ઈશ્વરે આપેલા સંદેશની જેમ ઉત્પન્ન થયેલા પેલા ભાવને તે સંપૂર્ણપણે ભૂલી શક્યું નહિ.

તે પછી તો વરસો વીતી ગયાં. સાધનાની પ્રવૃતિ પણ શરૂ થઈ. તેણે જીવનની દિશા પલટી નાંખી. દૃષ્ટિકોણ પણ બદલી નાંખ્યો. જેમ વાદળની પાછળ ચંદ્રમા છુપાઈ જાય તેમ શાંતિની ઝંખના ને સાધનામાં પૂર્વજન્મનો વિચાર ઢંકાઈ ગયો. કહો કે ગૌણ બની ગયો. પરંતુ જ્યારે ટિહરીમાં વેદબંધુએ તેમના પૂર્વજન્મની વાત કહી ત્યારે તે પુન: પ્રકટ થવા માંડ્યો ને દેહરાદુનમાં પૂર્વજન્મનાં જ્ઞાનવાળા યોગી ભૈરવ જોશીની મુલાકાત થઈ ત્યારે તો તે વધારે પ્રબળ બન્યો. તેમના પૂર્વજન્મની વાત સાંભળ્યા પછી મને થયું કે મને મારા પૂર્વજન્મનું જ્ઞાન નથી તે મારી કચાશ છે. તે ત્રુટીને મારે દૂર કરવી જોઈએ. મને વારંવાર એવો વિચાર આવ્યા કરતો કે આટલી નાની ઉંમરના યુવાનો સંસારમાં જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા છે, ત્યારે મારું મન ઈશ્વર અને આધ્યાત્મિકતા તરફ આટલા પ્રબળ પ્રમાણમાં કેમ દોડ્યા કરે છે ? જીવનના ઉષાકાળમાં જ મારી અંદર સંત બનીને પરમાત્મા ને પરમપદને પ્રાપ્ત કરવાની આ તમન્ના ક્યાંથી જાગ્રત થઈ ? એ પ્રશ્નોના પ્રત્યુત્તર માટે પણ મને પૂર્વજન્મનું જ્ઞાન મેળવવાની ઈચ્છા થયા કરતી. વિષય ભારે હતો, પણ મારો ઉત્સાહ પણ ઓછો ભારે ન હતો. ઉત્તરકાશીના નિવાસ દરમ્યાન એ ઉત્સાહ ઘણો વધી પડ્યો. મને થયું કે ગમે તેમ થાય પણ પૂર્વજન્મની માહિતી તો મેળવવી જ જોઈએ.

મારી ઈચ્છા ને પૂરી કરવા માટે મારી પાસે કોઈ શક્તિ જ ક્યાં હતી ? મારી પાસે જે રહ્યુંસહ્યું બળ હતું તે કેવળ પ્રાર્થનાનું હતું. તેમાં ને ઈશ્વરની કૃપામાં મને શ્રદ્ધા હતી. તેથી મેં દિવસ-રાત ખૂબ જ પ્રેમ ને વ્યાકુળતાથી ઈશ્વરને પ્રાર્થના કરવા માંડી. એકાદ દિવસ તો ભૂખ્યા રહીને પણ પ્રાર્થના કરી. મારી પદ્ધતિ આ જ છે. શરૂઆતથી મેં આ જ પદ્ધતિનો આધાર લીધો છે. મારામાં જ્ઞાન, ભક્તિ, તપ કે મંત્રનું બળ બિલકુલ નથી. ફક્ત થોડો ઘણો પ્રેમ છે. તેને લીધે મને જે વસ્તુની ઈચ્છા થાય છે, તેને માટે હું એક સરળ શિશુની જેમ ઝંખું છું, રડું છું, મનોમન પોકારું છું ને પ્રભુને પ્રાર્થું છું. પ્રભુ મને એ રીતે શાંતિ પણ આપે છે. મારું આજ સુધીનું જીવન એ રીતે ઉત્કટ પ્રાર્થના ને તેના પરિણામે મળેલી પ્રભુની કૃપાનું જ જીવન છે એમ કહીએ તો ચાલે. મારી સાધનાનો એ સારમંત્ર છે.

પૂર્વજન્મના જ્ઞાનને માટે મેં આતુર અંતરે પ્રાર્થના કરવા માંડી, પણ તેનું પરિણામ જલદી ના આવ્યું. છેવટે પૂર્વજન્મના જ્ઞાનનો વિચાર જરા મંદ પણ પડી ગયો. થોડી મહેનત પછી મેં એ વિચારને પ્રભુ પર છોડી દીધો. મને થયું કે જો પ્રભુની ઈચ્છા હશે ને પૂર્વજન્મના જ્ઞાનની મારે જરૂર હશે તો પ્રભુની કૃપાથી મને તે જ્ઞાન જરૂર મળી રહેશે.

તે દિવસોમાં એક નવો જ બનાવ બની ગયો. મારી સાથે દેહરાદુનથી ઉત્તરકાશી આવેલા બે સંન્યાસી ભાઈઓને જમનોત્રીની યાત્રા કરવાની ઈચ્છા થઈ. તેમણે મને તેમની સાથે યાત્રા કરવાનું આમંત્રણ આપ્યું. તે ભાઈઓને મારા પર પ્રેમ હતો. તેથી મેં એમના આમંત્રણનો સ્વીકાર કર્યો. એવી રીતે એક ધન્ય દિવસે અમે જમનોત્રી જવા નીકળી પડ્યા. જમનોત્રીની યાત્રા પૂરી કરીને ઉત્તરકાશીમા આવીને રહેવાનો અમારો નિર્ણય હતો.

એ યાત્રા મારે માટે મંગલકારક સાબિત થઈ. કેમ કે તે દરમ્યાન જમનોત્રીના સુંદર સ્થાનના દર્શન સાથે પૂર્વજન્મના જ્ઞાનનો પણ મને લાભ મળ્યો. ઈશ્વરે એ પ્રમાણે કૃપા કરીને મારી દિવસોની ઈચ્છા સફળ કરી. જે વખતે મહેનત કરી તે વખતે મને પૂર્વજન્મની માહિતી ના મળી ને હવે મહેનત મંદ પડી ત્યારે મારી ભાવના પૂરી થઈ. ઈશ્વરની લીલા ને કર્મનું રહસ્ય એવું અજબ છે. જમીનમાં વાવેલું બી અનુકૂળતા હોય તો પણ જેમ અમુક વખત પછી જ ઊગી નિકળે છે, તેમ કર્મના ફળને પાકતાં ને પ્રત્યક્ષ થતાં કેટલીકવાર અમુક વખત લાગે છે. વિવેકી સાધકે તેથી નિરાશ થવાની જરૂર નથી.

ઈશ્વરની કૃપાથી મારી ઈચ્છા કેવી રીતે પૂરી થઈ તે હવે પછી વિચારીશું. તે પહેલા પૂર્વજન્મના જ્ઞાન વિશે પાતંજલ યોગદર્શનનો એક બીજો ઉલ્લેખ જોઈ જઈએ. પાતંજલ યોગદર્શનના સાધનપાદના ૩૯માં સૂત્રમાં કહ્યું છે કે અપરિગ્રહનું પૂર્ણપણે પાલન કરવાથી પૂર્વજન્મ અને વર્તમાન જન્મનાં રહસ્યોનું જ્ઞાન થઈ જાય છે. એટલે પૂર્વજન્મમાં સાધક ક્યાં હતો, શું હતો, તે જણાય જાય છે. એટલે અપરિગ્રહના વ્રતથી પણ પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે, એમ ભગવાન પતંજલિનું કહેવું છે. તેમનું સૂત્ર આ પ્રમાણે છે :
अपरिग्रहस्थैर्यै पूर्वजन्मकथन्तासंबोध :।

 

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok