Saturday, July 04, 2020

પૂર્વજન્મનું જ્ઞાન - ૨

જમનોત્રીની યાત્રાનો માર્ગ જરા વિકટ છે. આ માર્ગે ધર્મશાળાઓ આઠ ને નવ માઈલ જેટલા લાંબા અંતરે આવે છે. વળી માર્ગ બહુ સારો નથી. ચઢાઈ ને ઉતરાઈ પુષ્કળ આવે છે પરંતુ કુદરતી સૌંદર્યનો લાભ અલૌકિક છે. ઊંચાઊંચા પર્વતોની વચ્ચેથી પસાર થતો પગદંડીનો રસ્તો જમનાને કિનારે કિનારે આગળ વધે છે ત્યારે ત્યારે ખૂબ જ રમણીય લાગે છે. એ રમણીયતાનું દર્શન થતાં થાક ઊતરી જાય છે અને અંતર આનંદથી ઊભરાઈને નાચવા માંડે છે.

ઉત્તરકાશીથી જમનોત્રી જતાં જમનાજીનું પહેલું દર્શન થાય છે ત્યાં એક ધર્મશાળા છે. તેમાં અમે રાત રહ્યા. એ રાત ચાંદનીને લીધે ઘણી સુશોભિત દેખાતી. આકાશમાં જ્યારે ચંદ્રનો ઉદય થયો હોય, નજીકમાં નદી હોય, ચારે તરફ સુંદર પર્વતમાળા દેખાતી હોય ને લીલીછમ ધરતી પર કોઈ સંત કે સજ્જનનો સમાગમ હોય, ત્યારે કેટલો આનંદ આવે તે ખરેખર અનિર્વચનીય છે. તે વખતે જ સ્વર્ગથી પણ વધારે સુખદ ને મુક્તિના રસ જેવું મધુર વાતાવરણ ઉત્પન્ન થાય છે. તેનો સ્વાદ તો જેને જરા પણ અનુભવ થયો હોય તે જ સમજી શકે. તે વાતાવરણનો આનંદ અનુભવીને લાંબે વખતે અમે ઓરડીમાં આરામ કરવા ગયા.

જમનોત્રીની યાત્રામાર્ગની એ ધર્મશાળા અને એ રાત મારા જીવનમાં યાદગાર બની ગઈ. આકાશમાં જેમ ચંદ્રમાનો મંગલમય ઉદય થયેલો, તેમ મારા અંતરના આકાશમાં તે રાતે પૂર્વજન્મના જ્ઞાનનો ઉદય થયો. તે રાત મારા સાધનામય જીવનમાં ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ. ઓરડીમાં જઈને મેં થોડો વખત વિશ્રામ કર્યો. પછી ધ્યાનમાં બેઠો. ધ્યાનની અવસ્થામાં મને ખૂબ શાંતિ મળી ને થોડા જ વખતમાં મનનો લય થઈ ગયો. શરીરનું ભાન બિલકુલ ના રહ્યું. તે દશામાં જાણે હું કોઈ જુદા જ જગતમાં પહોંચી ગયો. કોઈ એવા સ્થળમાં મેં પ્રવેશ કર્યો કે જેને આ જીવનમાં મેં કદી જોયું ન હતું. તેથી હું તેને ઓળખી ના શક્યો. શું તે બ્રહ્મલોક કે ઉચ્ચકોટિના કારક પુરુષોને રહેવાનો સિદ્ધલોક હતો ? અથવા તો મહાપુરુષોનો તપલોક કે પ્રસિદ્ધ સત્યલોક હતો ? કે પછી તે સ્થાન આ જ પૃથ્વી પરનું કોઈ અપરિચિત સ્થાન હતું ? મારામાં તેનો નિર્ણય કરવાની શક્તિ ન હતી. મારો આજ સુધીનો અનુભવ પણ ઘણો અલ્પ અથવા કાચો હતો. તે સ્થળ ગમે તે હોય, પણ ત્યાં હું પહોંચી ગયો તે નક્કી. ત્યાં મોટું સભાગૃહ હતું. તેને અનેક પ્રકારે સુશોભિત કરવામાં આવેલું. તેમાં જુદા જુદા રૂપરંગવાળા લગભગ સો જેટલા મહાત્માઓ બેઠેલા. તેમાંથી કોઈએ ભગવા વસ્ત્રો પહેર્યાં હતાં તો કોઈએ સફેદ, કોઈ કેવળ કૌપીનધારી હતા તો કોઈ કફનીધારી; કોઈ ગૌર તો કોઈ શ્યામ તો કોઈ મિશ્ર રંગના. કોઈને જટા ને દાઢી હતી તો કોઈને ન હતી. તે બધા મહાપુરુષો શાંતિથી બેઠેલા. તે મને જોઈને ઊભા થઈ ગયા. બધા જાણે એકી અવાજે ને ઉચ્ચ છતાં સુમુધર સ્વરે બોલી ઊઠ્યા : 'આવો....તમે...છો.' તેમણે મારો સત્કાર કર્યો ને બે સુંદર વાક્યોમાં મારા પૂર્વજન્મોનું મને જ્ઞાન આપ્યું. મારા બે પૂર્વજન્મોનું રહસ્ય તેમણે મારી પાસે પ્રકટ કર્યું. તે સાથે તેમાંના બેચાર, પાસે ઊભેલા સંતો વચમાંથી માર્ગ કરીને મને આગળ લઈ ગયા અને એક વ્યાસપીઠ જેવા ઊંચા આસન પર બેસાડીને મારા પર પુષ્પોની વૃષ્ટિ કરી. તે પછી લાંબે વખતે મારું ધ્યાન પૂરું થયું ને હું જાગ્રત થયો, ત્યારે મેં જોયું કે હું એ જ ધર્મશાળામાં બેઠો છું. જમનાનો નાદ રાત્રીની નિશ્ચલ શાંતિમાં વધારે જોરથી સંભળાઈ રહ્યો. હજી પ્રભાત થવાને વાર હતી. બાકીનો સમય ધ્યાનાવસ્થામાં થઈ ચૂકેલા અનુભવને યાદ કરવામાં વીતી ગયો. સવારે જમનોત્રી તરફ જવા માટે પ્રસ્થાન કર્યું ત્યારે મારું હૃદય ઊંડી શાંતિનો અનુભવ કરી રહ્યું. પ્રભુની અપાર કૃપાથી પૂર્વજન્મને જાણવાની મારી ઈચ્છા પૂરી થઈ. પ્રભુ ધારે તો શું ના કરી શકે ? મારા જેવા સાધનશક્તિ વગરના, સમજ સિવાયના, ને તપ કે વ્રતની ગમ વિનાના એક સાઘારણ બાળકના લાડકોડ પ્રભુની કૃપાથી આ પ્રમાણે પૂરા થયા તો જે સાધના ને શક્તિથી સંપન્ન હશે, જ્ઞાની હશે, તપસ્વી હશે ને સાચા અર્થમાં અધિકારી બનીને પ્રભુપરાયણ થયા હશે તેમના વિશે તો કહેવું જ શું ? તે તો જે ધારશે તે સહેલાઈથી મેળવી શકશે. તેમના પર તો પ્રભુની સંપૂણ કૃપા હશે. જે અધિકાર ને બળ વિનાના છે તે પણ શ્રદ્ધા ને પ્રેમપૂર્વક પ્રભુનું શરણ લેશે તો દુ:ખદારિદ્રયનો અંત આણીને જીવનને ઉજ્જવળ ને ધન્ય કરી શકશે. જન્માંતરના જ્ઞાન જેવા અનુભવો તો ઠીક, પણ પ્રભુને પોતાને પામી શકશે. પણ ખેદની વાત છે કે માણસે પોતાની જાતમાંથી ને પ્રભુમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી છે !

પૂર્વજન્મના જ્ઞાનના એ પ્રથમ અનુભવ પછી થોડાક દિવસોમાં મારે હિમાલયના પ્રસિદ્ધ ધામ ગંગોત્રીની યાત્રાએ જવાનું થયું. ત્યારે ગંગોત્રીમાં પણ પહેલી જ રાતે એ પ્રમાણેનો અનુભવ ફરી થયો. તેમાં પણ મારા બે પૂર્વજન્મોની મને માહિતી મળી. તે પછી મને અત્યંત આનંદ થયો. આશ્ચર્ય એ હતું કે વિદ્યાર્થી અવસ્થામાં પેલા મહાપુરુષનું જીવનચરિત્ર વાંચતી વખતે મને જે ભાવના થયેલી તે ભાવના એ માહિતી મુજબ સાચી પડી. એ પછી તો વરસો વહી ગયાં છે. તે દરમ્યાન આજ સુધીમાં પૂર્વજન્મના જ્ઞાનના અનુભવ થતા જ રહ્યા છે. આજ સુધીનાં દસ વરસોમાં મને પચાસથી પણ વધારે વાર પૂર્વજન્મનું જ્ઞાન થયું છે. જુદા જુદા મહાપુરુષો ને જુદા જુદા શબ્દો દ્વારા તેની પ્રાપ્તિ થતી રહે છે. તેમાંયે ઈ. સ. ૧૯૪૪-૪૫ ને ૪૬ના ત્રણ વરસો તો જાણે પૂર્વજન્મના જ્ઞાનનાં અનુભવોનાં જ વરસો હતા. તે બધા અનુભવોનો ઉલ્લેખ ટૂંકમાં કહી બતાવીશ.

એક બીજી વાતનો ઉલ્લેખ પણ સાથે સાથે કરી લઉં. આજ સુધીના મારા જીવનમાં એવો અવસર એક જ વાર આવ્યો છે કે જ્યારે કોઈ સંતપુરુષે મને પ્રત્યક્ષપણે મારા પૂર્વજન્મની માહિતી આપી હોય. એ પ્રસંગ ઈ. સ. ૧૯૪૬ નો છે. પરંતુ વર્તમાન વાત સાથે તેને નજીકનો સંબધ હોવાથી તેની રજૂઆત બંધબેસતી ગણાશે. ઈ. સ. ૧૯૪૬માં  મેં બીજી વાર બદરીનાથની યાત્રા કરી. ત્યારે મારી સાથે એક મહાત્મા હતા. તેમનું નામ કુલાનંદ હતું. તે દેવપ્રયાગમાં લાંબો વખત રહ્યા તે દરમ્યાન અમારી વચ્ચે પ્રેમ થયેલો. તે એક ઉચ્ચ કોટિના ને અનુભવી મહાત્મા હતા. બદરીનાથ જતી વખતે અમે આશરે બે દિવસ શ્રીનગરમાં રોકાયા. તે વખતે અમને એકાંતમાં લાંબો વખત સાથે રહેવાનો લાભ મળ્યો. અનુભવોની એકમેક સાથે આપલે કરતાં એક વાર તેમણે કહ્યું : 'કાશીમાં એક સચ્ચેબાબા નામે મહાત્મા થઈ ગયા છે. તે મહાન સિદ્ધપુરુષ હતા. કાશીમાં તેમની સમાધિ છે. તે મહાપુરુષ મારા ગુરુ છે. તેમની શક્તિ મારામાં કામ કરી રહી હોય અથવા વધારે સાફ શબ્દોમાં કહું તો તે મારી અંદર પ્રકટ થયા હોય એવું મને લાગે છે.' તે પછી તેમણે કહેવા માંડ્યું: 'મને કેટલાક સિદ્ધ પુરુષોની પુનરાવૃત્તિઓ જેવા પુરુષો મળ્યા છે. તેમને ઉચ્ચ કોટિના અથવા અવતારી પુરુષો કહી શકાય. ભારતનું ભાવિ પણ ઘણું ઉજળું લાગે છે. નહિ તો એવા મહાપુરુષનો આવિર્ભાવ ના થાય.'

મેં કહ્યું: 'મને પણ મારા પૂર્વજન્મની માહિતી મળી છે પણ કહેવાનું મન થતું નથી. તેની જરૂર પણ જણાતી નથી.'

તેમણે કહ્યું: 'મારું હૃદય તો કહે છે કે તમે પૂર્વજન્મમાં .... હતા.'

મને તેમના શબ્દો સાંભળીને જરા નવાઈ લાગી. મને થયું કે મારા પૂર્વજન્મની માહિતી તેમને ક્યાંથી મળી ! તેમની વાત મારા પૂર્વજન્મના જ્ઞાન સાથે મળતી હતી. મારા અનુભવના આધારે જોતાં તેમણે કરેલો મારા પૂર્વજન્મનો ઉલ્લેખ સાચો હતો. તે મોટા સાધક હતા. તેમનામાં કેટલીક વિશેષ શક્તિ હતી. તેના પ્રભાવથી તેમને એવી માહિતી મળી શકે તે વાત સમજી શકાય તેમ હતી. તેથી તે વિશે વિશેષ ઉહાપોહ કરવાનું મૂકી દઈને મારા વિશેની એ માહિતી ભૂલેચૂકે પણ કોઈની પાસે પ્રકટ ના કરવાની મેં તેમને સૂચના આપી. મારી સૂચના તેમણે સત્વર ને સહર્ષ સ્વીકારી, તેથી મને સંતોષ થયો.

આવો પ્રસંગ મારા અત્યાર સુધીના જીવનમાં આ એક જ છે. બાકી ધ્યાનાદિની દશામાં તો આવા અનેક પ્રસંગો પ્રાપ્ત થયા છે તે મેં આગળ પર કહી દીધું છે.

મારો સ્વભાવ સદાયે સંશોધક રહ્યો છે. મારી સાધનામાં મેં તે સ્વભાવનો સારી રીતે ઉપયોગ કર્યો છે. મારા સાધનામય જીવનના બધા મહત્વના અનુભવોને મેં એક નહિ પણ અનેક વાર કસી કે ચકાસી જોયા છે, જરૂરી તર્કના ત્રાજવામાં તોળી જોયા છે ને તેમના સ્વરૂપ પર વારંવાર વિચાર કર્યો છે. મારામાં શરૂઆતથી જ એક કડક વિવેચકની સૂક્ષ્મ દૃષ્ટિ છે. તેનો ઉપયોગ મેં મારી સાધનાને અને મારા અનુભવોને મૂલવવામાં કર્યો છે. તેથી મને મોટો લાભ થયો છે. મારી સાધનાને સુધારવા ને વધારવામાં તેથી મદદ મળી છે ને મારા અનુભવોનું તર્કબદ્ધ ને વૈજ્ઞાનિક પૃથક્કરણ થઈ શક્યું છે. તેને પરિણામે સ્વીકૃત થયેલા અનુભવોમાં મારી અત્યંત દૃઢ શ્રદ્ધા થઈ ગઈ છે. તે વિવેચનદૃષ્ટિ બીજાના સંબધમાં પણ જરૂર પૂરતી લાગુ પાડવાની મને ટેવ છે. તેથી ખૂબ જ ઝીણા વિચાર અને અનુભવ પછી જ કોઈ બીજાની અનુભવ-વાતોનો પણ હું સ્વીકાર કરું છું. એટલે પૂર્વજન્મના મારા અનુભવો પર મેં પૂરતો વિચાર નથી કર્યો એમ નહિ.

 

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok