Saturday, July 04, 2020

પૂર્વજન્મનું જ્ઞાન - ૩

આ જીવનમાં નાની ઉંમરથી જ મારું મન ધર્મ ને ઈશ્વર તરફ વળવા માંડ્યું, સંસારના બીજા પદાર્થો ને વિષયોમાં મને રસ ના લાગ્યો. એક મહાન ને સાચા સંત થવાની અથવા ઉત્તમોત્તમ આધ્યાત્મિક વિકાસને સિદ્ધ કરવાની ભાવના મારામાં જાગ્રત થઈ; તેથી મને તો એમ લાગતું જ હતું કે પૂર્વજન્મમાં હું કોઈ સારો સંત કે તપસ્વી હોઈશ; તે જન્મમાં મારી સાધના કદાચ અધૂરી રહી ગઈ હશે; ને તે અધૂરી સાધનાને પૂરી કરવા મારે આ જન્મ લેવો પડ્યો હશે. વાવે તેવું લણે ને કરે તેવું ભોગવે - એ કહેવત પ્રસિદ્ધ છે. તે પ્રમાણે આ જન્મ પહેલાંના જન્મના કર્મસંસ્કારો પ્રમાણે પ્રાપ્ત થાય છે ને બુદ્ધિ ને રુચિ પણ તેના અનુસંધાનમાં જ આવી મળે છે, તે વાતને સાચી માનીએ તો પૂર્વજન્મમાં એક સારા સંતપુરુષ હોવાની મારી ભાવના સાથે સૌ કોઈ સંમત થઈ શકશે, એમાં સંદેહ નથી. પરંતુ તે વિશે ચોક્કસ માહિતી મેળવવાની જરૂર હતી ને પૂર્વજન્મનું જ્ઞાન થવાથી તે માહિતી મળી ગઈ. તે માહિતી પ્રમાણે મારી ભાવના સાચી ઠરી. પૂર્વજન્મનું જ્ઞાન થયું એટલે મને જણાયું કે મારા પૂર્વજન્મમાં હું એક મહાન સંતપુરુષ હતો. તે ઉપરાંત મને સમજાયું કે હું કોઈ યોગભ્રષ્ટ પુરુષ નથી અથવા અધૂરી રહેલી સાધનાને પૂરી કરવા માટે પણ મને આ જન્મ મળ્યો નથી. મને જણાયેલા મારા પૂર્વજન્મમાં હું એક મુક્ત ને સિદ્ધ કોટિનો મહાત્મા હતો. તે જન્મમાં તીવ્ર સાધના કરી હતી ને તેને પરિણામે પરમાત્માની પ્રાપ્તિ કરીને શાંતિ, સંસિદ્ધિ ને પૂર્ણતા મેળવેલી હતી. મતલબ કે મારો પૂર્વજન્મ મુક્ત પુરુષનો જન્મ હતો. તે જન્મે મેં પ્રકાશની પ્રાપ્તિ કરીને બીજા કેટલાય જીવોને પ્રકાશ પૂરો પાડેલો. માટે મારો આ જન્મ બંધનમાંથી મુક્તિ મેળવવા કે અંધકારમાંથી પ્રકાશમાં પહોંચવા માટે નથી, તે વાતની મને ખાતરી થઈ.

કોઈ કહેશે, ત્યારે પૂર્વજન્મમાં તમે શું હતા તે જાહેર કેમ કરતા નથી ? તેની જાહેરાત કરવામાં શી હરકત છે ? તમારે કોઈ ભળતી વાત તો કરવી નથી ! તમને સાધના દરમ્યાન ઈશ્વરની કૃપાથી થયેલા અનુભવ જ્ઞાનના આધાર પર જ તમારે તો બોલવાનું છે. પછી તેમાં સંકોચ શા માટે ? તમારા પૂર્વજન્મની માહિતી મેળવીને અમને પણ આનંદ થશે.

તેવા જિજ્ઞાસુ ને પ્રેમીજનોને મારે જણાવવું જોઈએ કે મારા પૂર્વજન્મની વાત સાંભળીને તમને આનંદ થશે તે સમજી શકાય તેમ છે, પરંતુ તમારા આનંદનો જ એક માત્ર વિચાર કરીને બેસી રહેવાને બદલે મારે કેટલાક બીજા વિચાર પણ કરવાના છે. સૌથી પહેલી નોંધપાત્ર વાત તો એ છે કે પૂર્વજન્મનું જ્ઞાન મને મારા જ લાભ માટે મળ્યું છે. મારી જિજ્ઞાસાને સંતોષવા ને મને ઉત્સાહ ને પ્રેરણા આપવા ઈશ્વરે તેનો પ્રકાશ મારા દિલમાં પાથરી દીધો છે. તે એક વ્યક્તિગત વસ્તુ છે. છતાં તેથી બીજાનું હિત થવાનો સંભવ હોય તો તેની જાહેરાત કરવામાં કાંઈ ખોટું ના ગણાય. પણ મને લાગે છે કે તેની જાહેરાત અત્યારે ના થાય તે જ સારું છે. કેમ કે તેથી કેટલોક ઊહાપોહ થવાનો, વિવાદ જાગવાનો ને ભેદભાવ ઊભો થવાનો સંભવ રહે છે. મારી માહિતી મુજબ મારો પૂર્વજન્મ એક પ્રસિદ્ધ મહાપુરુષનો છે. તેમને અવતારી પુરુષ તરીકે પણ કેટલાક લોકો માને છે. તેમને ભારતની બહાર પણ કેટલાક લોકો માને છે, પૂજે છે, ને ભક્તિભાવથી જુએ છે. ભારત ને ભારતની બહાર એમના અસંખ્ય પ્રશંસક, પૂજારી અને અનુયાયી છે. તેમણે પોતાના જીવન દરમ્યાન મહત્વના કામો કર્યાં છે, જે તેમની પાછળ ચિરસ્થાયી અસર મૂકી ગયાં છે. કેટલાય લોકોના દિલમાં તેમને માટે સ્થાન છે. તે દશામાં તેમની સાથેનો મારો પૂર્વજન્મોનો સંબંધ હું જાહેર કરું તો તેમના પ્રેમી, પૂજારી અને અનુયાયીઓમાં ઊહાપોહ થાય, મતભેદ ઊભો થાય, મારી વાતને  ટાઢા પહોરના ગપ્પા જેવી, ઉપજાવી કાઢેલી માને અને એ રીતે વાતાવરણ કદાચ દૂષિત થાય. તેનો અર્થ એવો નથી કે લોકાપવાદથી હું ડરું છું. બિલકુલ નહિ. પરંતુ કવખતે નકામો ઊહાપોહ થાય તે મને પસંદ નથી. ઈશ્વરને પણ પસંદ નથી. તેથી જ તે મારી મારફત આવો ખુલાસો  કરાવી રહ્યા છે. મારા વ્યક્તિગત અનુભવોને કોઈ માને કે ના માને તેની મને તમા નથી, મારે મન તેનું મહત્વ જરા પણ નથી, પરંતુ પૂર્વજન્મનો આ અનુભવ એવો છે કે જે કવખતે કે આંખો મીંચીને જાહેર કરવાનું કામ બરાબર નથી, તેથી જ મેં તે વિશે મૌન સેવ્યું છે. વિવેકી પુરુષો મારા મૌન સાથે સંમત થશે તેની મને ખાતરી છે.

ભવિષ્યમાં કદાચ ઈશ્વરની ઈચ્છા હશે અને અનુકૂળ વખત આવી પહોંચશે તો એ જ્ઞાનને જાહેર કરી શકાશે. બાકી હાલ તો તેને જાહેર કરવાથી લાભને બદલે ગેરલાભ જ વધારે થશે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે હું પૂર્વજન્મમાં ઈશુ હતો, શંકર હતો, કપિલ હતો કે એવો કોઈ મહાપુરુષ હતો, તો તેમને માનનારા વિશાળ જનસમુદાય પર તેની અસર કેવી ખરાબ થાય ? લોકોમાં તેથી વિરોધની ભાવના જાગ્રત થાય. તેથી જ તે વિશે શાંત રહેવું સારું છે. કોઈ મને મુક્ત પુરુષ માને, કોઈ ઈશ્વરી કૃપાથી સંપન્ન માને, કોઈ કારક, યોગી, જ્ઞાની, ભક્ત કે સાધારણ પુરુષ માને, તેની મને ચિંતા નથી. પોતપોતાની સમજ પ્રમાણે સૌ કોઈ જેમ સમજવું હોય તેમ સમજી ને માની શકે છે. તે વિશે મને જેટલું ઠીક લાગ્યું તેટલું મેં અત્યાર સુધી કહી દીધું છે. તેના અનુસંધાનમાં બીજી વાત એ પણ કહી રહ્યો છું કે પૂર્વજન્મની મહત્તા બતાવીને માન મેળવવાની કે મારી વિશેષતા બતાવવાની મારી ઈચ્છા નથી. વર્તમાન જીવનની મહત્તા મારે મન વધારે છે. પૂર્વજન્મની પ્રતિષ્ઠાનો લાભ લેવાની પણ મારી ઈચ્છા નથી. પૂર્વજન્મમાં હું ગમે તેવો મહાપુરુષ, સંત, સાક્ષાત્ ઈશ્વર કે કોઈ સાધારણ પુરુષ હોઉં પણ આજે કેવો છું ને મારામા શું છે તે જ ખાસ મહત્વનું છે, તેના જ વિચારથી મને વિશેષ લાભ છે. એટલે પૂર્વજન્મના મહત્વને યાદ કરીને ચાલુ જીવનની કિંમત ઓછી આંકવાનો મારો વિચાર નથી. તે વૃત્તિ મારા સ્વભાવમાં જ નથી. એટલે આ જન્મને ઉત્તમોત્તમ કરવાની કોશિશ હું કર્યા કરું છું.

ત્યારે જો હું આ પહેલાના જન્મથી જ એક મુક્ત પુરુષ તરીકે જીવી રહ્યો છું તો આ જન્મમાં મારે સાધના કેમ કરવી પડે છે ? કર્મના નિયમ પ્રમાણે હું જન્મ્યો ત્યારથી જ મુક્ત ને પૂર્ણ થઈને કેમ નથી જન્મ્યો ? કોઈને એવી શંકા થવાનો સંભવ છે. તેનું સમાધાન એ છે કે મને અથવા કોઈને કેવી રીતે જન્મ આપવો તે ઈશ્વરના હાથની વાત છે. મુક્ત પુરુષો કે અવતારી પુરુષો જન્મે ત્યારથી મુક્તાવસ્થાનો અનુભવ કરે જ છે એમ નથી ભગવાન બુદ્ધ ઈશ્વરના અવતાર કહેવાય છે. તો પણ તેમણે શરૂઆતના જીવનમાં મૂંઝવણ ને વેદના વેઠેલી. તેમને વરસો સુધી તીવ્ર તપ કરવું પડેલું. ત્યારે જ તેમને શાંતિ કે બોધિની પ્રાપ્તિ થઈ હતી. તે જ વાત ઈશુ, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થ રામદાસ ને વાલ્મિકનો અવતાર મનાતા તુલસીદાસને પણ લાગુ પડે છે. તે સૌને જન્મમુક્ત હોવા છતાં ઓછી સાધના નથી કરવી પડી. પરંતુ  શંકરાચાર્ય, શુકદેવ ને જ્ઞાનેશ્વર જેવા મહાપુરુષનો વિચાર કરો તો વાત તેથી જુદી જ જણાશે. તેમને કોઈ સાધના નથી કરવી પડી. તે બાળપણથી જ મુક્તાવસ્થાનો જ અનુભવ કરતા હતા. એટલે અવતારી કે મુક્ત પુરુષોમાં પણ આવો સૂક્ષ્મ ભેદ દેખાઈ આવે છે.

તેનું કારણ સમજી શકાય તેવું છે. અવતારી ને મુક્ત મહાપુરુષોના શરીરધારણના બે હેતુ હોય છે : એક તો વ્યક્તિગત સાધના દ્વારા બીજાને માર્ગદર્શન કરવાનો હેતુ ને બીજો આધ્યાત્મિક પુનરુત્થાનનો હેતુ. જે વખતે કેવળ બીજા હેતુને સિદ્ધ કરવાની જરૂર હોય છે તે વખતે શંકર ને જ્ઞાનેશ્વર જેવા મહાપુરુષો જન્મે છે ને તે કામ કરે છે. પણ બંને હેતુની સિદ્ધિ જરૂરી હોય છે, ત્યારે ઈશુ, બુદ્ધ, તુલસી ને ચૈતન્યની જેમ મહાપુરુષો પોતાના જીવન દ્બારા તે બંને હેતુને સાધી બતાવે છે. તેની જરૂર પણ ખૂબ છે. કેમ કે જગતમાં જો બધા મહાપુરુષો બાળપણથી મુક્ત થઈને જ જન્મે તો ઈશ્વરદર્શન કે મુક્તિ ને પૂર્ણતાની સાધનાના પ્રત્યક્ષ પ્રયોગો કરી બતાવીને જગતને પ્રેરણા કોણ આપે ? પછી તો માણસો એમ જ માને કે મહાપુરુષો તો જન્મથી જ ઈશ્વરની વિશેષ કૃપાથી મુક્ત થઈને આવે છે. પણ આપણાથી કાંઈ તેવા થઈ શકાય નહિ. મહાપુરુષો પોતાના જીવનમાં સાધનાના સફળ પ્રયોગો કરી બતાવીને બીજાને ઉત્સાહ આપે છે ને માનવજાતિની મરી પરવારતી અથવા ડગમગતી શ્રદ્ધાને જીવતી કરે છે. તે સેવા ઓછી નથી. તેમના સાધનામય જીવનથી એ હેતુ સહેજે સરી રહે છે. તેમને સાધનાની સિદ્ધિ જલદી મળે છે. તે સંસારમાં આસક્ત થતા નથી ને પોતાના જન્મના હેતુને બહુ જ જલદી જાણી લે છે. એવી રીતે વિચાર કરીએ તો હું પૂર્વજન્મમાં મુક્ત હોઉં તો પણ આ જન્મમાં સાધના કરી શકું છું. હું તો એક સાધારણ માણસ છું. છતાં ઈશ્વરને મારી મારફત જે હેતુ સાધવો હોય તે પ્રમાણે તે મારો ઘાટ ઘડી શકે છે. આ જન્મમાં મારે ગુજરાતની ભૂમિમાં આવવાનું કેમ થયું તે પણ ઈશ્વર જ જાણે છે. આ પહેલાનો મારો જન્મ ગુજરાતનો ન હતો. હિમાલયમાં રહેવાનો ને તપવાનો યોગ ચાલુ જીવનનો વિશેષ યોગ છે. સાહિત્ય લેખનની પ્રવૃત્તિનો આટલો વિકાસ આ જ જન્મમાં થયો છે. એ રીતે આ જીવનમાં કેટલાક બાહ્ય ભેદ જરૂર છે.

પૂર્વજન્મના જ્ઞાનથી મને મારામાં નાનપણથી થયેલી આધ્યાત્મિક રુચિનો ખુલાસો મળી ગયો. પૂર્વજન્મના જ્ઞાનથી મને પોતાને ઘણો જ લાભ થયો છે. મારા વિકાસને યાદ કરવાથી ને નજર સામે રાખવાથી આ જન્મમાં હું સતત સાવધ રહી શક્યો છું ને મારી આત્મશ્રદ્ધામાં અત્યંત વધારો થયો છે. તે જન્મમાં હું સાચો સંત હતો. તેમ આ જન્મમાં પણ સાચો ને સિદ્ધ સંત બની શકું તેવી મારી ભાવના છે. તે જન્મની મારી યોગ્યતા આગળ આજની યોગ્યતા આગળ રજ બરાબર પણ નથી. તો પણ તે કારકિર્દીથી યે ઉત્તમ કારકિર્દીની મારી ઈચ્છા છે. તે જન્મને ઝાંખો કરું કે લજવું તો નહિ જ એ માટે પ્રભુને મારી સતત પ્રાર્થના છે.

એક બીજી વાતનો વિચાર પણ તટસ્થભાવે કરી લઉં. મેં આગળ ઉપર કહ્યું છે તેમ મારા પહેલાંના જન્મે હું એક મુક્ત પુરુષ હતો. તે પરથી એમ વિચાર થવાનો સંભવ છે કે હું કોઈ કાયમ માટે મુક્ત રહેનારા મહાપુરુષના અવતાર કે નવા સંસ્કરણ જેવો છું. પણ એ બાબતમાં એક બીજી દૃષ્ટિ પણ છે, ને ઈશ્વરની કૃપાથી તે મારા હૃદયમાં સ્ફુરે છે. જે મુક્ત પુરુષ તરીકે હું પૂર્વજન્મમાં હોવાનું જાણું છું તે પરમાત્મામય હતા. પરમાત્માના પરમ પ્રકાશના કિરણ હતા. તે પ્રકાશના પહેલા મુક્ત કિરણની જેમ મારા રૂપમાં આ અન્ય કિરણ છૂટ્યું છે, એમ કહેવામાં વધારે વિવેક લાગે છે.

વેદવ્યાસને ઈશ્વરના અવતાર કહેવામાં આવે છે. હવે ધારો કે એક માણસને એમ જણાય કે તે પૂર્વજન્મમાં વેદવ્યાસ હતો તો તે જ્ઞાનને બે રીતે સમજી શકાય. એક તો એમ કે તે વેદવ્યાસનો અવતાર કે વેદવ્યાસની આવૃત્તિ છે. ને બીજી સમજવાની રીત એ છે કે વેદવ્યાસ તો ઈશ્વરના અવતાર હતા. તેથી જે ઈશ્વર વેદવ્યાસના રૂપમાં પ્રકટ થયેલા તે જ તેની વર્તમાન આવૃત્તિમાં પ્રકટ થયા છે. અહીં આપણે ખાસ ભાર વ્યાસ પર નહીં પણ તેમના મૂળતત્વ ઈશ્વર પર મૂકીએ છીએ. એ જ વાત મારા સંબધમાં લાગુ પાડીએ તો મને હું ઈશ્વરી પ્રકાશના એક કિરણ તરીકે કહી શકું. તે રીતે પહેલા જન્મના કિરણ જેવું આ બીજું કિરણ છે એમ કહી શકાય. ઈશ્વરના પરમ પ્રકાશના એવાં નાનાં મોટાં અનેક કિરણો પ્રકટી શકે છે. તે દરેકનો ઈશ્વરી પ્રકાશ સાથેનો મૂળ સંબંધ સચવાઈ રહે છે.

આમ માનવાથી વધારે પ્રેરણા મળે છે અને આનંદ થાય છે અને એક રીતે જોઈએ તો સમસ્ત સંસાર ઈશ્વરના કિરણ કે સંસ્કરણ રૂપ જ છે ને ?

એટલે હું મને ઈશ્વરી માતાનો બાળક કહેવાનું વધારે પસંદ કરું છું. એ રીતે ઈશ્વર સાથેનો મારો સહજ સંબધ યાદ કરું છું. મારા આ ખુલાસા પરથી કોઈ મને ઈશ્વરના અવતારમાં માનવા- મનાવાની વાત ના કરે. તેવા ભ્રમમાં કોઈ ના પડે. હું તો એક સાધારણ માણસ છું. આ વાત તો મેં કેવળ જ્ઞાનની દૃષ્ટિથી જ કરી છે.

 

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok