Saturday, July 04, 2020

જમનોત્રીની યાત્રા

જમનોત્રીની યાત્રાની શરૂઆતમાં જ પૂર્વજન્મના જ્ઞાનનો અનેરો અનુભવ થઇ ગયો, તેથી તે યાત્રા વિશેષ સફળ ને યાદગાર બની ગઈ. તેવો કોઈ ખાસ અનુભવ ના થયો હોત તો પણ તે યાત્રા યાદગાર તો બનત જ. યાત્રાના માર્ગમાં જોવા મળતું અદભુત કુદરતી સૌંદર્ય તેને યાદગાર બનાવવા પૂરતું છે. કૃષ્ણ ભગવાનની સ્મૃતિ તાજી કરતી જમના કૃષ્ણ ભગવાનની જેમ શ્યામ સ્વરૂપથી સુશોભિત બનીને વહેવા માંડે છે. તેની એક તરફ થઈને યાત્રાનો પગદંડી જેવો રસ્તો પસાર થાય છે. તેના પરથી પસાર થતાં જ અનુપમ આનંદનો અનુભવ થાય છે તે તો જે અનુભવ કરે તે જ સમજી શકે. વિકટ યાત્રા પૂરી થતાં છેવટે રસ્તામાં બરફનું દર્શન થાય છે. ક્યાંક ક્યાંક બરફ પરથી પસાર થવું પડે છે; ને તે પછી જમનોત્રી આવી પહોંચે છે.

જમનોત્રીમાં ઠંડી ઘણી છે. આજુબાજુ પર્વતો છે. એક બાજુ ધર્મશાળા ને જમનાજીનું મંદિર છે. બીજી બાજુ એક નાની ગુફા છે. અમે ગયા ત્યારે તેમાં એક તપસ્વી મહાત્મા રહેતા. તેમના શરીર પર લંગોટી વિના બીજું કાંઈ જ ન હતું. એટલી ભયંકર અને અસહ્ય જેવી ઠંડીમાં માત્ર લંગોટી પહેરીને રહેવું સહેલું ન હતું. તે માટે ભારે સહનશક્તિની જરૂર હતી. તે મહાત્માની મુખાકૃતિ ખૂબ જ તેજસ્વી દેખાતી. તેમણે મૌન વ્રત ધારણ કરેલું. તેમના લક્ષણ પરથી તે એક ઊંચી કોટિના મહાત્મા છે તેવું અનુમાન સહેલાઈથી કરી શકાતું. તેમના દર્શનથી અમને આનંદ થયો. પ્રેરણા મળી.

ગુફાની બાજુમાં જે પર્વત હતો તેમાં બરફનો પાર ન હતો. તેમાંથી જમનાજીનો જન્મ થતો. તે દૃશ્ય ભારે સુંદર અને આકર્ષક હતું. જમનોત્રીમાં જમનાનો પ્રવાહ છેક જ નાનો છે. ત્યાં જાણે કે જમનાની બાલ્યાવસ્થાનું દર્શન થાય છે. જેમ જેમ તે પ્રવાહ આગળ વધે છે તેમ તેમ તેની વિશાળતા વધતી જાય છે. આગળ જતાં તે યૌવનાવસ્થામાં ને પછી પ્રૌઢાવસ્થામાં પ્રવેશે છે, તો પણ તેની સફળતા, સુંદરતા ને મધુરતા તો એવી જ અખંડ રહે છે.

નદીને કિનારે કિનારે યાત્રા કરીને તેના મૂળ સુધી પહોંચી જવામાં પ્રાચીન કાળના મહાપુરુષોને આનંદ આવતો. નદીને પરમાત્માની શક્તિનું સાકાર સ્વરૂપ સમજીને તે નમન કરતા ને તેનું સ્તવન ને પૂજન પણ કરવા માંડતા. નદીઓનાં મૂળ શોધીને તેમણે ત્યાં મંદિરો ને સ્મારકોની સ્થાપના કરેલી. નદીને કિનારે કિનારે પણ અનેક મંદિરો ને તીર્થોની રચના કરેલી. લાખો લોકોને માટે તે આકર્ષણનાં કેન્દ્રો બનીને અનંતકાળથી કામ કરી રહ્યાં છે. તે રીતે તેમની સેવા ઓછી નથી.

જમનોત્રીની ભયંકર ઠંડીમાં જમના માતામાં સ્નાન કરવાનું સાહસ કોણ કરે ? બરફના પર્વતમાંથી નીકળતા પાણીમાં હાથ બોળો તો જૂઠો પડી જાય એવો અનુભવ થાય. મુસાફરોની મુશ્કેલીનો વિચાર કરીને કુદરતે જાણે પહેલેથી જ માર્ગ કરી દીધો છે. જમનોત્રીમાં જમનાને કિનારે જ ઉકળતા ગરમ પાણીના કુંડ બનાવ્યા છે. બરફવાળા આવા ઠંડા સ્થળમાં ગરમ પાણીના કુંડ છે તે કેવા આશ્ચર્યની વાત છે ! પણ ઈશ્વરની દુનિયામાં અજાયબીમાં નાંખનારી એવી વસ્તુઓ તો ન જાણે કેટલીય છે ! યાત્રીઓને માટે તે કુંડ આશીર્વાદરૂપ થઈ પડે છે. તેમાં સ્નાન કરીને સૌ સ્ફૂર્તિ મેળવે છે. તેમાંના એક કુંડમાં કપડામાં બાંધેલા ચોખા રંધાઈ જાય છે ને બટાટા બફાઈ જાય છે. યાત્રીઓમાંના કેટલાક તેને પ્રસાદ તરીકે ઘેર લઈ જાય છે. જમનોત્રીનું સ્થાન એવું અનોખું છે.

એ સુંદર સ્થાનની યાત્રા કરીને અમે ઉત્તરકાશી આવી પહોંચ્યા. જમનોત્રીથી ઉત્તરકાશીના માર્ગમાં એક જાતની ઝેરી માખી થાય છે. તે કરડવાથી દર્દ થાય છે, લોહી નીકળે છે, ને પગ ફૂલી જાય છે. તેથી બચવા માટે કેટલાક માણસો મોજાંનો ઉપયોગ કરે છે અથવા પગે કપડાંના કકડા બાંધે છે. એ માર્ગે બટાટા ને સામાનો પાક વિશેષ થાય છે.

ઉત્તરકાશીમાં આવીને પહેલાંની પેઠે મેં ધ્યાનાદિની સાધના શરૂ કરી દીધી.

 

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok