Saturday, July 04, 2020

માતાજીનો મેળાપ

ઉત્તરકાશીનું સ્થાન મને બધી રીતે બહુ ગમી ગયું હતું. ત્યાંની આબોહવા મને ખૂબ અનુકૂળ લાગતી એટલે ત્યાં મારી સાધના સંગીન રીતે ચાલતી. તે દિવસોમાં મારું હૃદય જીવનમુક્ત દશા ને ધન્યતાનો અનુભવ કરી રહેલું. મળવા જેવું બધું મને મળી ગયું છે એવો અનુભવ નિરંતર થયા કરતો. તેથી મારું તન, મન અને અંતર સતત ને સનાતન શાંતિમાં સ્નાન કર્યા કરતું. જ્ઞાનમાર્ગની આત્માનુભાવની સાધનાને સંપૂર્ણ કરી ચૂક્યાનો સંતોષ તે વખતે મને મળ્યા કરતો. તેથી મારા આનંદનો પાર ન હતો. તે આનંદનો ઓઘ અંતરમાં ઊછળવા માંડતો ત્યારે હું શંકરાચાર્યના સુપ્રસિદ્ધ સ્તોત્ર 'ચિદાનંદરૂપ: શિવોઙહમ્ શિવોઙહમ્' ને ગાયા કરતો. એ દિવસો જીવનની ધન્યતાના ઉત્સવ જેવા મધુર હતા.

દેવકીબાઈની ધર્મશાળાનો ત્યાગ કરીને ચંપકભાઈ સાથે મેં દેવપ્રયાગ માટે પ્રસ્થાન કર્યું ત્યારથી અત્યાર સુધી હું વધારે ભાગે સાધનામાં મશગૂલ રહ્યો હતો. તેથી સરોડા માતાજીને પત્રો લખવાનું કામ ચંપકભાઈએ જ ઉપાડી લીધેલું. દેહરાદૂનમાં અમારે મળવાનું થયેલું ત્યારે તેમણે મને બદરી-કેદાર ને ગંગોત્રી-જમનોત્રીની યાત્રા કરવાની ને તે વખતે મને સાથે રાખવાની ઈચ્છા કહી બતાવેલી. એ બધા દિવસો દરમ્યાન તે માતાજીને મારા વિશે પત્રો લખીને માહિતી પૂરી પાડતા. હવે યાત્રાનો સમય શરૂ થયો એટલે તેમણે દેહરાદૂનથી નીકળવાનો નિર્ણય કર્યો. પણ તેની સાથે તેમણે એક બીજું મહત્વનું કામ કર્યું. માતાજીને દહેરાદૂન આવીને યાત્રાનો લાભ લેવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું. દિલ્હી થઈને દહેરાદૂન સુધી કેવી રીતે આવવું ને તેમને કેવી રીતે શોધી કાઢવા તેની સંપૂર્ણ માહિતી તેમણે માતાજીને મોકલી આપી.

ક્યાં નાનું સરખું ગામ સરોડા ને ક્યાં હિમાલય ? સરોડાની નાની સરખી ઝૂંપડીમાં બેસીને માતાજીએ ચંપકભાઈના પત્રની વિગત વાંચી ત્યારે તેમની આગળ એક મહાન કોયડો ઊભો થયો. હિમાલય સુધી એકલા કેવી રીતે જવાય ? તેમને મૂકવા પણ ત્યાં સુધી કોણ સાથે જાય ? જેને વાત કરે તે એમ જ કહે કે હિમાલય જવાનું શું કામ ! બદરીનાથની યાત્રા તો મહાભયંકર યાત્રા છે. ત્યાં જઈને તો કોઈક જ પાછું આવે. વળી મહાત્માજી તો ગમે ત્યાં ફરે. આપણે એની પાછળ જવાનું શું કામ ? શરીર સારું નથી ને ત્યાં જઈને માંદા પડાશે તો શું થશે ?

લોકોની એવી એવી વાતો સાંભળીને માતાજીનું મન મૂંઝાતું. તે વખતે તેમનું શરીર પણ સારું ન હતું. તેમનો બધો જ આધાર મારા પર હતો. પણ મેં તો હવે ત્યાગનો માર્ગ ગ્રહણ કર્યો. તેથી તેમની ચિંતા વધી પડી. આવી રીતે આખું જીવન કેવી રીતે જશે તે તેમને સમજાતું ન હતું. તો પણ તે પહેલેથી જ સમજુ હતાં. તેથી બનતી ધીરજ ધારણ કરતાં. પરંતુ મારા પરના પુષ્કળ પ્રેમને લીધે તેમને કેટલીક વાર બેહોશી થઈ જતી. ખાસ કરીને કથા સાંભળતી વખતે ને ભજન ગાતી વખતે તેમની છાતી ભરાઈ જતી ને રગો ખેંચાવા માંડતી. કથામાં ધ્રુવ જેવા ભક્તો ને તપસ્વીઓની વાતો સાંભળીને તેમને મારી સ્મૃતિ થતી ને પરિણામે બેહોશી પણ થઈ જતી. ગામડાનાં માણસો માનસશાસ્ત્રના આ સીધા ને સ્વાભાવિક કારણને સમજી શકતા નહિ, તેથી માતાજીની એવી અવસ્થા વખતે તેમને ભૂત વળગ્યું છે એમ માનતાં ને કેટલાક તો દોરાધાગા ને બાધા કરવાનું ને ભૂવાને બોલાવવાનું પણ કહેતા. માતાજી તેમને સાચી વાત સમજાવીને કહેતાં કે તેમને કોઈયે રોગ નથી, તેમજ ભૂતપ્રેતનો વળગાડેય નથી. છતાં જડ બુદ્ધિનાં માણસો પોતાના જ કક્કાને ખરો કરવા પ્રયાસ કરતા.

એ દશામાં તેમને હિમાલયનો પ્રવાસ કરવાની સંમતિ કોણ આપે ? પરંતુ તેમણે તો ગમે તેમ થાય પણ પ્રવાસ કરવાનો વિચાર કર્યો. તેમનું હૃદય મારા તરફ ખેંચાતું. ગમે તેમ કરીને મને મળવાની તેમની ઈચ્છા હતી. તે માટે ચંપકભાઈએ તેમને તક પૂરી પાડી. તેનો લાભ ઉઠાવવાની તેમની ઈચ્છા હતી. કેમ કે ફરીવાર એવી તક ક્યારે આવે તેની કોને ખબર ?

છેવટે હિંમત કરીને, લોકોની વાર્તાને લક્ષમાં લીધા વિના, તે અમદાવાદ આવી પહોંચ્યા. તારાબેનનું લગ્ન મારી હાજરીમાં જ થયું હતું. તે અમદાવાદ રહેતી. માતાજીએ તેને બધી વાત કહી. તેણે માતાજીને ઉત્સાહ આપ્યો ને હિમાલય જવાની હિંમત આપી. તારાબેનની ઉંમર નાની છતાં સમજશક્તિ સારી હતી. તેથી પ્રસન્ન થઈને માતાજી વડોદરા આવ્યાં. રમણભાઈએ શરૂઆતમાં તો તેમને સમજાવવાનો પ્રયાસ કરી જોયો. પણ તેમનો દ્રઢ નિરધાર જોઈને તેમણે તેમના પુત્ર મનુભાઈને તેમની સાથે દહેરાદુન સુધી જવા તૈયાર કર્યા. મનુભાઈ તે વખતે નાના હતા. પણ તેમણી સમજણ ને ચતુરાઈ ઘણી હતી. તેથી તેમની સાથે મુસાફરી કરવામાં માતાજીને કોઈ તકલીફ પડે તેમ ન હતું.

એ રીતે ઈશ્વરની ઈચ્છાનુસાર બધી વ્યવસ્થા થઈ ગઈ ને માતાજી તથા મનુભાઈ દહેરાદુન આવી પહોંચ્યાં. તે પછી થોડા દિવસે તે મસૂરી પહોંચ્યાં. મસૂરીમા ચંપકભાઈ માતાજીને એક પ્રખ્યાત ધોધ પાસે લઈ ગયા. તેના ઠંડા પાણીમાં સ્નાન કર્યું. એટલે એમણે કહ્યું : 'હવે તમે હિમાલયના ઠંડા પ્રદેશની યાત્રા કરી શકશો. તમારી સહનશક્તિની કસોટી થઈ ગઈ.'

મનુભાઈ મસુરીથી પાછા વળ્યા ને ચંપકભાઈ માતાજી સાથે આગળ વધ્યા. તેમની સાથે એક મજૂર પણ હતો. મેં તેમને જમનોત્રી થઈને ઉત્તરકાશી આવવાનું કહ્યું હતું. એ પ્રમાણે જમનોત્રીની કષ્ટમય યાત્રા કરીને એક ધન્ય દિવસે તે માતાજી સાથે ઉત્તરકાશી આવી પહોંચ્યાં. તેમની એ સેવા ઘણી અસાધારણ હતી.

ચંપકભાઈ ને માતાજી હજી તો ઉત્તરકાશીમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતાં, ત્યાં જ મેં તેમને દૂરથી જોયાં. હું ક્ષેત્રમાંથી ભિક્ષા લઈને ગંગા તરફ જઈ રહ્યો હતો. ભિક્ષાને ગંગા કિનારે મૂકીને હું તેમને મળવા ગયો. માતાજીને મેં પ્રણામ કર્યાં. એમની આંખમાં પ્રેમનાં આંસુ ઊભરાઈ આવ્યાં. ચંપકભાઈ તો મને હમણાં જ મળેલા, પણ માતાજી લગભગ દોઢેક વરસ પછી મળી રહ્યા હતાં. મારું શરીર ખૂબ જ સારું હતું પણ મારા રૂપરંગમાં થોડોક ફેર પડેલો. ઋષિકેશની ધર્મશાળામાં આવ્યા પછી મેં સીવેલાં વસ્ત્રો પહેરવાનું બંધ કર્યું હતું ને દાઢીના વાળ વધવા દીધેલા. એટલે મારો વેશ તપસ્વી કે સાધુ જેવો લાગતો.

ભિક્ષાનું કામ પૂરું કરીને હું બિરલા ધર્મશાળામાં તેમની પાસે ગયો. બિરલા ધર્મશાળામાં તે વખતે શ્રી નારાયણ સ્વામી પણ ઉતર્યા હતાં. તે ગુણપાટની લંગોટી પહેરતા ને મૌન રાખતા. ગોરખપુરના ગીતા પ્રેસ તરફથી તેમની એક પુસ્તિકા 'એક સંતનો અનુભવ' બહાર પડેલી. તે વાંચ્યા પછી તેમના પ્રત્યે મને પ્રેમ થયેલો. તે એક ઉચ્ચ કોટિના અનુભવી સંતપુરુષ હતાં. તેમણે નર્મદા તટ પર કરનાળી પાસે હનુમંતેશ્વરમાં વરસો સુધી રહીને સાધના કરેલી. તેમણે માતાજી ને ચંપકભાઈને તેમની રસોઈમાંથી પ્રસાદ આપ્યો. તે પછી માતાજી મારી સાથે મારી કુટિયામાં આવ્યાં. ત્યાં બેસીને તેમણે તારાબેનને પત્ર લખ્યો ને બીજો પત્ર રમણભાઈને લખી દીધો.

ચંપકભાઈના પ્રેમના લીધે મેં તેમની સાથે યાત્રામાં જોડાવાની સંમતિ આપી. તે પ્રમાણે વળતે દિવસે અમે ગંગોત્રી જવા રવાના થયાં. ઉત્તરકાશીથી દોઢેક માઈલ દૂર સંગમ પર એક મકાન હતું. ત્યાં મંગલસ્વરૂપ નામે ગુજરાતી બ્રહ્મચારી રહેતા. તે ફળાહારી હતા. તેમને ત્યાં થોડોક વિશ્રામ કરી, ભોજન કરીને અમે આગળ વધ્યાં. હવે અમે ગંગોત્રી તરફ જઈ રહ્યાં હતાં.

 

Today's Quote

The easiest thing to find is fault.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok