Saturday, July 04, 2020

ગંગોત્રી અને કેદારનાથ

ગંગોત્રીનું સ્થાન સુંદર છે. જમનોત્રીમાં જેમ જમનાજીનું મંદિર છે તેમ ગંગોત્રીમાં ગંગાનું મંદિર છે. જમનોત્રીની જેમ અહીં પણ બરફનું દર્શન થાય છે. ઠંડી પણ ભારે છે. તેવી સખત ઠંડીમાં પણ યાત્રીઓ ગંગામાં જ સ્નાન કરે છે. જમનોત્રીને કુદરતની કૃપાથી જે ગરમ પાણીના કુંડ મળ્યા છે એનો અહીં અભાવ છે. એટલે વધારે ભાગે તાપ નીકળે તે પછી જ સ્નાન કરવાનો કાર્યક્રમ રાખવો પડે છે. જમનોત્રી કરતાં ગંગોત્રીમાં મકાનો વધારે છે. ગંગાને પેલે કિનારે કેટલીક કુટિરો છે. તેમાં યાત્રાના વખત દરમ્યાન સાધુસંતો નિવાસ કરે છે. તેમને માટે બે અન્નક્ષેત્રો છે.

ગંગોત્રીમાં દેવદારના વૃક્ષો સારી સંખ્યામાં છે. ગંગા અહીં ભાગીરથીના નામે ઓળખાય છે. પુરાણોમાં કહ્યા પ્રમાણે ભગીરથની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ગંગાએ સ્વર્ગમાંથી પૃથ્વી પર વહેવાનું સ્વીકાર્યું, તેથી તેનું ભાગીરથી નામ પણ પ્રસિદ્ધ થયું. ભગીરથ તો ગંગાને પૃથ્વી પર લાવીને તેના પવિત્ર સ્પર્શથી પોતાના પિતૃનો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખતો હતો. કપિલ મુનિના તપોબળથી બળીને ખાખ થઈ ગયેલા તેના પિતૃ-સગર રાજાના સાઠ હજાર પુત્રોનો તેની ઈચ્છા પ્રમાણે ઉદ્ધાર જરૂર થયો, પણ સાથે સાથે બીજા કેટલાય જીવોને લાભ થયો. ભગીરથની કીર્તિ એ રીતે અમર રહી ગઈ.

ગંગોત્રીથી પંદરેક માઈલ દૂર ગોમુખ છે. ત્યાંથી ગંગાનો ઉગમ થાય છે એમ કહેવાય છે. ગોમુખ જવાનો માર્ગ ઘણો વિકટ છે. તેથી બહુ ઓછા લોકો તે માર્ગે જવાનું સાહસ કરે છે. ગોમુખનું દર્શન કરવાની અમારી ખાસ ઈચ્છા ન હતી. તેથી અમે ગોમુખ જવાની હિંમત તો ના કરી પણ તે માર્ગે બે માઈલ સુધી મુસાફરી કરી લીધી. ગંગોત્રીથી ગોમુખ જતાં બે માઈલ પર એક ગુફા હતી. ત્યાં એક મોટી ઉંમરના ફળાહારી મહાત્મા રહેતા. તે હાથમાં માળા લઈને વધારે ભાગે 'જય જગદીશ જય જગદીશ' ના જપ કર્યા કરતા. તેમની મુખાકૃતિ ખૂબ જ તેજસ્વી ને પ્રભાવશાળી હતી. જે તેમના દર્શને જાય તેમને પ્રસાદ આપવાનો અને દિવસમાં એક વાર છેક સાંજે ભોજન કરવાનો તેમનો નિયમ હતો. તેમનું દર્શન કરીને અમને આનંદ થયો.

ઉત્તરકાશીના સ્વામી પ્રજ્ઞાનાથ તે વખતે ગંગોત્રીમાં આવેલા. તેમના સંત્સંગ માટે મુંબઈથી એક ગુજરાતી ભાઈ આવેલા. તેમની સાથે મારે ઉત્તરકાશીમાં સારો પરિચય થયેલો. ગંગોત્રીમાં અમે તે બંનેની મુલાકાત લીધી ને તેમની સાથે કેટલીક વાતો કરી.

ગંગોત્રીમાં સ્વામી શ્રી કૃષ્ણાશ્રમને કેવી રીતે ભુલાય ? વરસોથી તે ગંગોત્રીમાં રહેતાં. પહેલા દંડી સંન્યાસીના રૂપમાં રહેતા, પરંતુ પાછળથી તેમણે દંડ ને વસ્ત્રોનો ત્યાગ કરેલો. ગંગોત્રીની ભયંકર ઠંડીમાં તદ્દન નગ્નાવસ્થામાં તેમણે કેટલાય શિયાળા પસાર કરેલાં. તે ગંગોત્રીમાં રહેતા એટલે તેમની મુલાકાત વિના ગંગોત્રીની જોવા જેવી વસ્તુમાંની એક મહત્વની વસ્તુ બાકી રહી જાય તેમ હતું. મેં તો તેમને ઉત્તરકાશીમાં જોયેલા પણ ચંપકભાઈ ને માતાજીએ હજી તેમનું દર્શન નહોતું કર્યું, એટલે અમે તેમના દર્શનનો લાભ લીધો.

તે કુટિયામાં બહાર પદ્માસન વાળીને શાંતિપૂર્વક બેઠેલા. અમને જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી. તે કોઈ વૈદિક કાળના મહાન તપસ્વી જેવા દેખાતા. તેમની સેવામાં ગંગોત્રી પાસેના ગામની કોઈ સ્ત્રી પણ રહેતી. તે પરણિત હતી, પરંતુ ગૃહક્લેશ જેવા કોઈક કારણથી સંસ્કારવશ પ્રેરાઈને તેમની પાસે આવી પહોંચેલી. તેણે ભગવા વસ્ત્રો ધારણ કરેલાં. એ પ્રદેશના સાધુ સમાજમાં એ પ્રશ્ને ભારે વિરોધનું રૂપ ધારણ કરેલું. કેટલાય સાધુઓ કૃષ્ણાશ્રમને તપમાંથી ભ્રષ્ટ થયેલા માનીને તેમની નિંદા કરતા. એક સ્ત્રીને દયાને લીધે પોતાની પાસે રાખવાથી ને પોતાની સેવાનો લાભ આપવાથી કોઈ સાધુ કે મહાત્મા તપોભ્રષ્ટ કેવી રીતે થઈ જાય છે, તે વાત મારી સમજમાં આવતી ન હતી. હા, તે શરીરની લાલસા કે કામવાસનામાં પડે તે વાત જુદી છે. પણ તેની સાબિતી માટે તો કોઈ પ્રમાણ હતું નહિ. પછી પોતાની બુદ્ધિના બળ પર તર્કવિતર્ક કરીને કોઈના પર કાદવ નાખવાથી શો ફાયદો ?

કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના અમે થોડોક વખત બેસીને પાછા ફર્યા. ગંગોત્રીની પવિત્ર ભૂમિમાં મને બીજી વાર પૂર્વજન્મના જ્ઞાનનો અનુભવ થયો તે વાત મેં આગળ ઉપર કહી દીધી છે.

ગંગોત્રીથી કેદારનાથ જતાં વચ્ચે પવાલીની ચઢાઈ આવે છે. તે યાત્રીની ખૂબ જ ભયંકર કસોટી કરનારી સાબિત થાય છે. રસ્તાના દૃશ્યો સુંદર છે. ઊંચા ઊંચા પર્વતો ને તેના પર છવાયેલા વિશાળ લીલાંછમ મેદાનો આંખ અને અંતરને આનંદ આપે છે તથા મુસાફરીનો બધો થાક હરી લે છે. એ રસ્તે ત્રિયુગીનારાયણ થઈને ગૌરીકુંડ ને પછી કેદારનાથ જવાય છે. તે પહેલાં બુઢ્ઢા કેદારનું પણ દર્શન થાય છે.

કેદારનાથમાં શંકર ભગવાનનું મંદિર અને મંદિરની આજુબાજુ બરફથી ઢંકાયેલા પર્વતો છે. કેદારનાથ ગામ નાનું છે. આ સ્થળ આશરે બાર હજાર ફૂટની ઊંચાઈ પર હોવાથી અહીંની ઠંડી અસહ્ય છે. અહીં વહેતી મંદાકિની ગંગામાં સ્નાન કરવું તે તો એક મોટું તપ છે. કેટલાક લોકો નદી કિનારે તાપણી કરી રાખે છે, ને સ્નાન કે પંચસ્નાન કરીને ભીને લુગડે જ તાપવા બેસી જાય છે. કોઈ કોઈ પ્રવાસીઓ અસહ્ય ઠંડીને લીધે નહાતાંવેંત બેભાન પણ બની જાય છે, તો પણ સ્નાનનો મહિમા સમજનારાં સ્ત્રીપુરુષો સ્નાન કરે છે ખરાં. તેમની હૃદયગત શ્રદ્ધામાંથી તેમને જરૂરી સહનશક્તિ સાંપડી રહે છે.

કેદારનાથનું લિંગ અત્યંત વિશાળ છે. તેની પૂજા કરીને યાત્રી સંતોષ મેળવે છે. મંદિરમાં જઈને સૌ કોઈ પૂજા કરી શકે છે. અમે પણ પૂજાની જરૂરી વિધિ પૂરી કરીને સંતોષ મેળવ્યો. ભગવાનને પૂજા કે સેવાની જરૂર ક્યાં છે ? તે તો માણસના પોતાના મંગલને માટે છે. તેથી માણસનું હૃદય નિર્મળ થાય છે, પ્રેમથી ભરાવા માંડે છે, ને છેવટે પરમાત્માની પ્રસન્નતા માટે તલસવા લાગે છે, પ્રભુની કૃપા માટે એ આધાર બને છે. એ પ્રેમભક્તિની દિવ્ય દશાની પ્રાપ્તિ માટે જ સેવા ને પૂજાની શરૂઆતની સાધના છે. તેનો લાભ લઈને સાધકે પ્રેમના પાવન પંથે આગળ વધવાનું છે.

 

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok