Saturday, July 04, 2020

બદરીનાથમાં

કેદારનાથમાં એક રાત રહીને અમે બદરીનાથની યાત્રા શરૂ કરી. બદરીનાથની યાત્રામાં ગુપ્તકાશી ને જોશીમઠ આવે છે. જોશીમઠમાં શંકરાચાર્યનો મઠ છે. તેનું દર્શન કરીને અમે આગળ વધ્યાં. રસ્તામાં ઠેરઠેર વેરાયેલા કુદરતી સૌંદર્યનો સ્વાદ લેતાં એક પુનિત પ્રભાતે અમે ઉત્તરાખંડના પ્રસિદ્ધ ધામ બદરીનાથમાં આવી પહોંચ્યાં. 'બદરીવિશાલ લાલકી જે' ને 'ગંગામાઈકી જે' ના ધ્વનિ વચ્ચે અમે બદરીનાથમાં પ્રવેશ કર્યો.

ભારતનાં ચાર મોટા ધામોમાં બદરીનાથની પ્રસિદ્ધિ છે. બદરીનાથનું ગામ ને બજાર પર્વતીય પ્રદેશના પ્રમાણમાં મોટું છે. નર ને નારાયણ પર્વતની વચ્ચે વસેલું બદરીનાથ અત્યંત સુંદર દેખાય છે. ગામની એક બાજુએ થઈને અલકનંદા ગંગા વહી જાય છે. બીજી બાજુ બરફના પર્વતમાંથી પ્રકટ થતી ઋષિગંગા વહેતી દેખાય છે. બંને બેનો હિમપ્રદેશને છોડીને લાંબી યાત્રા માટે તૈયાર થતાં પહેલાં એકમેકને ભેટે છે. તે વખતનું દૃશ્ય ઘણું હૃદયસ્પર્શી લાગે છે. નદીના કેવળ બરફવાળા પાણીમાં સ્નાન કરવાનું સાહસ કરવાનું મન કોઈને ભાગ્યે જ થાય તેમ છે, પરંતુ  કુદરતે પોતાની શક્તિનો ચમત્કાર અહીં પણ બતાવ્યો છે. અલકનંદાને કિનારે ગરમ પાણીના સુંદર કુંડ છે. તેમાં સ્નાન કરીને પ્રવાસી સ્ફૂર્તિ મેળવે છે ને પ્રવાસના કષ્ટને દૂર કરે છે.

બદરીનાથનું મંદિર ઘણું નાનું છે. મંદિરમાં નારાયણ ભગવાનની મૂર્તિ છે. મંદિરમાં સો રૂપિયા જેટલી રકમ આપે તેના તરફથી પૂજા કરવામાં આવે છે ને તેને પૂજાવિધિનું દર્શન કરવાની છૂટ મળે છે. પૈસા આપે તેને ભગવાનનો ભોગ પણ આપવામાં આવે છે. ભોગમાં પણ ઉત્તમ, મધ્યમ જેવા ભેદ છે. તેને માટે મંદિરના કર્મચારી તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે. બદરીનાથ જેવા ઉત્તમ ધામમાં એ બધું જરાય સારું નથી લાગતું. સુધરેલી ભિક્ષાવૃત્તિનો એ પ્રકાર બદરીનાથના મંદિરને માટે શોભાસ્પદ નથી દેખાતો. ધનને ખાસ મહત્વ આપીને ભોગની વહેંચણી કરવાની ને ધનના બદલામાં પૂજાનો ખાસ હક આપવાની પ્રથાનો વહેલામાં વહેલી તકે અંત આવવો દોઈએ. બદરીનાથમાં જ નહિ પણ દેશના જે મંદિરોમાં એ પદ્ધતિ પ્રચલિત હોય તે તે મંદિરોમાંથી તેને દૂર કરવી જોઈએ. ધનનું જે મહત્વ વ્યવહારમાં આંકવામાં આવે છે તે ઈશ્વરના દરબારમાં કાયમ રાખીને ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ જગાવવાની જરૂર નથી. ધની હોવાને લીધે કોઈને ભગવાનનો ભોગ મેળવવાનો ને વિશેષ પૂજાનો લાભ લેવાનો અધિકાર મળી જાય છે, એમ માનવું ભૂલ ભરેલું છે. હવે તો બદરીનાથના મંદિરનો વહીવટ સરકાર તરફથી થાય છે. એટલે એ ભેદભાવવાળી કુત્સિત પદ્ધતિનો અંત આવવો જોઈએ. સરકારના કેટલાક મોવડીઓ આ પ્રખ્યાત ધામનાં દર્શને આવે છે. તેમાંના પ્રતિષ્ઠિત પુરુષો માટે મંદિર મારફત કેસરિયા ભાત ને ખીરનો પ્રસાદ પણ મોકલવામાં આવે છે. છતાં પણ તેમાંના કોઈનું ધ્યાન હજી આ જરૂરી સુધારા તરફ ગયું નથી. ગયું હોય તો તેના અમલ માટે કોઈએ પ્રયાસ કર્યો નથી એ ઓછા ખેદની વાત નથી. મંદિરમાં ભોગ વહેંચવાની, અટકા માટે પૈસા લખાવવાની ને પૈસા લઈને પૂજાનો વિશેષ અધિકાર પૂરો પાડવાની પ્રથાનો વહેલામાં વહેલી તકે અંત આવવો જોઈએ.

બદરીનાથના દર્શનથી અમને આનંદ થયો. એ દિવ્ય ધામમાં નરનારાયણ ઋષિ, મહર્ષિ વ્યાસ, દેવર્ષિ નારદ ને પાંડવોના મહાપ્રસ્થાનની સ્મૃતિ તાજી થઈ. યાત્રામાં અમારી સાથે અલ્વરના એક ડોસા પણ હતા. તે પણ બદરીનાથનું દર્શન કરીને પ્રસન્ન થઈ ગયા. તે પંદરેક વરસથી ઘી નહોતા ખાતા. તેમને કુટુંબમાં કોઈ પ્રસંગે કોઈએ મ્હેણું મારવાથી ખોટું લાગેલું. તે દિવસથી તેમણે ઘીને તિલાંજલિ આપેલી. કોઈ વાર લગ્ન જેવો મંગલ પ્રસંગ હોય તો પણ તેમને માટે તેલની જ રસોઈ બનાવવી પડતી. કેદારનાથમાં મેં તેમને પ્રેમપૂર્વક સમજાવીને ઘી ખવડાવ્યું. તેથી તેમને શાંતિ થયેલી. આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું હતું, 'મારી બેનને હવે બહુ આનંદ થશે. મેં ઘી ખાવાનું છોડી દીધેલું તેથી તેને ખૂબ જ શોક થતો હતો. તમારો ઉપકાર હું કદી નહિ ભૂલું.'

 

Today's Quote

Violence can only be concealed by a lie, and the lie can only be maintained by violence.
- Solzhenitsyn

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok