Saturday, July 04, 2020

મહાત્મા બચ્ચીદાસની મુલાકાત

બદરીનાથમાં ત્રણેક દિવસ રોકાયાં તે દરમ્યાન અમે મહાત્મા બચ્ચીદાસની મુલાકાત લીધી. બચ્ચીદાસજી અલકનંદા અને ઋષિગંગાનાં સંગમ પાસે એક નાની કુટિયામાં રહેતાં. તે પહેલાં દેવપ્રયાગમાં રહેતાં ને કોઈ સંતમહાત્મા આવે તેની સેવા કરતા. તેમના સદભાગ્યે દેવપ્રયાગમાં એક વાર એક બંગાળી મહાત્મા આવી પહોંચ્યા. તે સિદ્ધ કોટિના સાચા સંત હતા. તેમણે બચ્ચીદાસને સાધનાની કોઈ વિધિ બતાવી, એકાદ માસ ચા પર રાખ્યા, ને બદરીનાથમાં જઈને તપ કરવાની આજ્ઞા કરી. તે પ્રમાણે બચ્ચીદાસે બદરીનાથની મુલાકાત લીધી. પછી તો તે બદરીનાથમાં કાયમ માટે રહેવા માંડ્યાં. કહે છે કે સાધના કરતાં કરતાં તે ખૂબ જ ઊંચી અવસ્થાએ પહોંચી ગયેલા. બદરીનાથના ઠંડા પ્રદેશમાં રહીને વરસો સુધી સાધના કરવામાં ઓછા સંયમ અને ઓછી સહનશક્તિની જરૂર નથી પડતી. તેનો વિચાર કરતાં તેમને માટે આપણને માન ઉત્પન્ન થાય છે. છેલ્લે છેલ્લે બદરીનાથમાં સિદ્ધબાબા સુંદરનાથજી થઈ ગયા. તે વરસો સુધી બદરીનાથમાં નગ્નાવસ્થામાં રહ્યા. મંદિરની સામે અલકનંદાને કિનારે એક વિશાળ પથ્થર પર રાત ને દિવસ બધી જ ઋતુમાં તે અર્ધ પદ્માસનમાં બેસી રહેતા. એક દિવસ એ અચાનક અદૃશ્ય થઈ ગયાં. તે પછી વરસો પછી બદરીનાથમાં રહેનારા તપસ્વીઓમાં બચ્ચીદાસજી મુખ્ય હતા. તે ઉપરાંત બે મહાત્મા બદરીનાથથી આગળ વસુધારાની ગુફામાં પણ વરસોથી રહેતાં.

બચ્ચીદાસની પાસે અમે લગભગ અડધો કલાક બેઠાં. પણ તે દરમ્યાન કોઈ વાત ના થઈ. તે શાંત જ રહ્યા. તેમની શાંત મુખમુદ્રા પરથી તેમણે સાધના કરીને સારા અનુભવો મેળવ્યા હોય તેમ લાગતું. તેથી વધારે તો તેમના વિશે શું કહી શકાય ? ઊંડા અનુભવ વિના મહાત્મા પુરુષોના સબંધમાં કોઈ ચોક્કસ અભિપ્રાય આપવાનું સાહસ કરવાનું કામ બરાબર નથી.

દેવપ્રયાગના એક ભાઈ પાસેથી તેમના સબંધમાં એક વાત સાંભળવા મળી. બચ્ચીદાસજીએ તે વાત પોતાના શ્રીમુખે કહેલી. એક વાર બચ્ચીદાસજી બદરીનાથથી ઉપર સત્યપથ તરફ લક્ષ્મીવન નામના સ્થાનમાં રહેવા ગયા. ત્યાં એક ગુફામાં તે રહેતાં. લક્ષ્મીવનમાં ભોજપત્રનાં અસંખ્ય વૃક્ષો હતાં. બરફ પણ ઘણો હતો. તેથી કુદરતી સૌંદર્યનો પાર ન હતો. તે સ્થાનમાં બચ્ચીદાસનો વિચાર સાધના કરવાનો હતો. પણ ઈશ્વરની ઈચ્છા જુદી જ હતી. રાત પડી એટલે તેમની પાસે બેત્રણ માણસો આવ્યા. તે ખૂબ જ તેજસ્વી ને પાંખોવાળા દેખાતા હતા. તેમણે તેમને પૂછ્યું : 'અહીં કેમ બેઠા છો ?'

બચ્ચીદાસે કહ્યું: 'સાધના કરવા માટે.'

'આ સ્થાન સાધના કે તપ કરવા માટે નથી.' તેણે કહેવા માંડ્યું: 'તમારી હદ અહીં પૂરી થાય છે. આ તો અમારો કિંપુરુષ ખંડ છે. અમારા યક્ષ ને ગંધર્વોની આ ક્રીડાભૂમિ છે.'

પણ બચ્ચીદાસ એમ શેના માને ? તે દલીલ કરવા માંડ્યાં. પેલા માણસોએ કહ્યું: 'કાલે અહીંથી જરૂર ચાલ્યા જજો. નહીં તો અમારે બળજબરી કરવી પડશે.' ને તે વિદાય થઈ ગયા.

બીજી રાતે તે ફરી આવ્યા. બચ્ચીદાસે તેમનું કહ્યું ના માન્યું એથી એમનામાંના એકે બચ્ચીદાસને ફૂલની જેમ ઉપાડી લીધા ને આકાશમાં ઊડવા માંડ્યું. પાંચેક મિનિટમાં તો બચ્ચીદાસને તેણે તેમની બદરીનાથની કુટિયામાં લાવી મૂક્યા. સાથે સાથે સૂચના આપી કે ફરી વાર ત્યાં આવશો નહીં, નહિ તો આથી પણ ખરાબ પરિણામ આવશે.

તે પછી બચ્ચીદાસે લક્ષ્મીવન જવાનો વિચાર માંડી વાળ્યો.

આ વાત પરથી યક્ષ ને ગંધર્વના અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થાય છે. પુરાણોમાં યક્ષ ને ગંધર્વનું વર્ણન આવે છે, એટલે તેમના અસ્તિત્વની વાત નિરાધાર નથી. બચ્ચીદાસનો અનુભવ તેમાં સાક્ષી પુરાવે છે. આ સૃષ્ટિ એકલા માનવ અને એકલી માનવસૃષ્ટિની જ બનેલી નથી એ વાત તો સહેજે સમજાય તેવી છે.

 

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok