Saturday, July 04, 2020

પ્રભુદત્ત બ્રહ્મચારીનો મેળાપ

બદરીનાથના મંદિરના પવિત્ર વાતાવરણનો પ્રભાવ મન પર ઘણો સારો પડે છે. આકાશને અડવા મથનારા બરફના પર્વતોને જોયા જ કરીએ એવી ભાવના થયા કરે છે. તેમાં યે જ્યારે ચાંદની રાત હોય, ને ગંગા, પર્વત ને મેદાનમાં બધે જ ચંદ્રમાંના ચારુ કિરણો પહોંચી ને પથરાઈ ચૂક્યા હોય, ત્યારે તો અમૃતનો વરસાદ વરસતો હોય એવો આભાસ થાય છે. એવા અલૌકિક વાતાવરણમાં મન સહેલાઈથી સ્થિર થાય છે, શાંત થાય છે, ને પરમાત્મા તરફ વહેવા માંડે છે. શાસ્ત્રો ને મહાપુરુષોએ એવા એકાંત, શાંત, સુંદર વાતાવરણમાં રહીને સાધના કરવાની જે સૂચના કરી છે તેનો મર્મ તે વખતે સહેલાઈથી સમજાઈ જાય છે. સંસારની નશ્વરતા ને પરિવર્તનશીલતાનાં ચિત્રો આપણી આંખ સામે આવીને ઊભા રહે છે ને વિચાર થાય છે કે જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે જ છે. તેનો સદુપયોગ કરીને વહેલામાં વહેલી તકે પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. અસત્યમાંથી સત્યમાં, અંધકારમાંથી જ્ઞાનમાં, અલ્પતામાંથી પૂર્ણતામાં ને મૃત્યુમાંથી અમૃતત્વમાં પહોંચી જવું જોઈએ. વિષયોના રસનો ત્યાગ કરીને પ્રભુરસનો આસ્વાદ લેવો જોઈએ. એ દિવ્ય વાતાવરણમાં જૂનું જીવન યાદ આવે છે ને નવાની રૂપરેખાને તૈયાર કરવાનું મન થાય છે. હૃદય પ્રભુની પ્રેમગંગામાં સ્નાન કરીને પ્રાર્થનાની પેલી પ્રખ્યાત પંક્તિઓમાં પોકારી ઊઠે છે કે:

અસત્યો માંહેથી પ્રભુ, પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ, લઈ જા,
તુંહીનો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા !

સામાન્ય માણસોના હૃદયમાં પણ આવા આવા ભાવો નથી ઊઠતા એમ નહિ. તીર્થના વાતાવરણના, કથા કીર્તનના કે કોઈ સંતમહાત્માના સમાગમના પ્રભાવથી એવા પવિત્ર ભાવો પ્રગટે છે. પણ મુસીબત એ છે કે આકાશમાં ચમકીને અદૃશ્ય થઈ જનારી ચંચલ ચપલાની જેમ તે ક્ષણભંગુર નીવડે છે. પ્રતિકુળ પરિસ્થતિમાં આવતાં જ તે તદ્દન નામશેષ થઈ જાય છે. જેમ સ્મશાનમાં જવાથી ને ચિતા પર કોઈને બળતું જોવાથી માણસને વૈરાગ્યનો ભાવ થઈ આવે છે, પણ થોડી જ વારમાં તે અદૃશ્ય થઈ જાય છે, તેવું જ આ સંબંધમાં પણ સમજી લેવાનું છે. તેથી તે ભાવની કિંમત ઓછી આંકવાની જરૂર નથી. સ્મશાન, તીર્થ, દેવમંદિર, કથાકીર્તન ને સંતપુરુષોનો લાભ મળવા છતાં ને કેટલીક વાર લાંબો લાભ મળવા છતાં માણસો એટલા બધા જડ ને સંસ્કાર-પ્રૂફ થઈ ગયા હોય છે કે તેમનું રૂંવાડુંયે હાલતું નથી, ને લેશ પણ લાગણી કે સુધરવાની વૃત્તિ નથી થતી, તેમના કરતાં એ માણસો વધારે ભાગ્યશાળી છે. પરંતુ તેમણે પોતાના ભાગ્યને વધારે ચમકાવવું જોઈએ. એટલે કે ક્ષણવારને માટે ઉત્પન્ન થઈને અદૃશ્ય થઈ જનારા એ પવિત્ર ભાવને લાંબા વખત લગી ને છેવટે કાયમ માટે ટકાવતાં શીખવું જોઈએ. સારા કે નરસા અને અનુકૂળ કે પ્રતિકુળ, બધી જ જાતના વાતાવરણમાં તે કાયમ રહે એવી કળા હાથ કરવી જોઈએ. લાંબી જાગૃતિ અને સતત સાધનાથી તેમ થવું મુશ્કેલ નથી. જીવનનો સાચો આનંદ ત્યારે જ અનુભવાય છે. તેવો પુરુષ પોતે તીર્થમય બની જાય છે ને જ્યાં જાય છે ને રહે છે ને ત્યાં તીર્થનું વાતાવરણ ઊભુ કરે છે. તેના ઉત્તમ વિચાર, ભાવ ને સંસ્કારની ગંગા, જમના ને સરસ્વતી તેના સમાગમમાં આવનારા સૌને પાવન કરે છે.

વિવેકી પુરુષોને બદરીનાથના શાંતિમય વાતાવરણમાંથી એ પ્રમાણે પ્રેરણાનું ભાથું મળી રહે છે, પણ બદરીનાથમાં લાંબા વખત લગી રહેવાનું કામ સહેલું નથી. ઠંડી અતિશય અને અનુકૂળ ખાનપાન ને રહેઠાણની વ્યવસ્થાનો અભાવ હોવાથી યાત્રીઓ એક, બે કે વધારેમાં વધારે ત્રણ દિવસ રહીને પાછા વળી જાય છે.

બદરીનાથમાં ચરણપાદુકા નામે સુંદર સ્થાન છે. તેની મુલાકાતથી અમને આનંદ થયો. પર્વતની ઊંચાઈ પર આવેલા એ સ્થાનની આજુબાજુ વિશાળ મેદાન છે. તેમાં પાણીનાં નાનાં નાનાં ઝરણાં ને સુંદર રંગબેરંગી પર્વતીય પુષ્પોનું દર્શન થાય છે. આગળ જતાં પર્વતમાં એક નાની સરખી ગુફા આવે છે.

બદરીનાથમાં તે વખતે શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારીજી રહેતાં. મંદિરના પાસેના મકાનમાં તેમનો ઉતારો હતો. તેમનાં દર્શનનો લાભ પણ સહેજે મળી ગયો. તેમણે લખેલા શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવનચરિત્ર શ્રી ચૈતન્ય ચરિતાવલિનો ગુજરાતી અનુવાદ મેં વાંચેલો. ત્યારથી તેમની ચૈતન્ય પ્રીતિ ને વિદ્વત્તા માટે મને માન ઉત્પન્ન થયેલું. હરિદ્વારની તેમની મુલાકાત પછી અમને પરસ્પર પ્રેમ થયેલો. એટલે બદરીનાથમાં ફરી મેળાપ થવાથી અમને આનંદ થયો.

સંતોનો સમાગમ સદાયે સુખકારક હોય છે. તે સદાને માટે મળ્યા કરે તો પણ મન ધરાતું નથી કે તેનુ આકર્ષણ ઓછું થતું નથી. મારી સાથે માતાજીને જોઈને તેમને વિશેષ આનંદ થયો. તેમના પ્રેમ અને આનંદને વ્યક્ત કરવા તે વારંવાર પેલો પ્રસિદ્ધ શ્લોક 'કુલમ્ પવિત્રં જનની કૃતાર્થા' બોલવા લાગ્યા. સાચા સંતોનો સ્વભાવ એવો જ ઉદાર ને સરળ હોય છે. બીજાના રાઈ જેટલા ગુણને તે મેરુ તુલ્ય માની લે છે અને અંકુર જેટલા સારાંશને વૃક્ષ બરાબર વર્ણવી બતાવે છે. તે હંસ જેવા ગુણવાળા હોય છે. બીજાને મોટાઈ આપવા ને જરા પણ શુભ દેખાય ત્યાં તેની મહત્તા ગાવા સદાય તૈયાર રહે છે. પોતે માનના અધિકરી હોવા છતાં નિર્માનભાવ ને નમ્રતાની મૂર્તિ હોવાથી બીજાને સન્માનના અધિકારી માનતા હોય છે. તેમના વિચાર, તેમની વાણી ને તેમનું વર્તન મંગલમય હોય છે. એવા સંતો સંસારને માટે શોભાસ્પદ અને આશીર્વાદરૂપ હોય છે. તેમનું દર્શન પ્રેરણાદાયક ને ઉત્સવરૂપ હોય છે. પ્રભુદત્તજી એવા ઉચ્ચ કોટિના સંત હતા. તેથી તે મને સન્માનનો અધિકારી માને અને મારાં વખાણ કરે એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. સંસાર તો ત્રિગુણાત્મક પ્રકૃતિનું સંતાન છે. તેમાં શુભ અને અશુભ બંને તત્વો રહેલા છે. કોઈક જ મહાપુરુષ એનાથી પર હશે. માટે અશુભની તરફ વારંવાર ને કાયમને માટે આંગળી કરીને કોઈને તિરસ્કારની નજરે જોવાની જરૂર નથી. ડાહ્યા માણસોની એ વાત પોતાના ને પારકાના જીવનના ઉદ્ધારમાં ખૂબ જ કામ લાગે એવી છે.

બદરીનાથમાં રહેવાનુ થયું ત્યાં સુધી રોજ સાંજે અમને પ્રભુદત્તજી તરફથી મંદિરનો પ્રસાદ મળતો રહ્યો. પ્રભુદત્તજીને ભજનકીર્તન પર વિશેષ પ્રેમ હતો. તેમની ઈચ્છાથી રાતે હું તેમને ગુજરાતી ભજન ગાઈ સંભળાવતો. તેમનો ભાવ સમજવામાં તેમને મુશ્કેલી ના પડતી.

તે વખતે તેમની પાસે એક મોટી ઉંમરના બીજા મહાત્મા પણ આવતા. તે લાલ વસ્ત્રો પહેરતાં ને ખૂબ જ ગંભીર ગતિથી ચાલતા. એમની આકૃતિ હનુમાન જેવી હતી. તેમને જોઈને ભક્તવીર શ્રી હનુમાનજી સાક્ષાત્ રીતે પ્રકટ થયા હોય એવું લાગતું. તેમનું મુખ પણ હનુમાન જેવું જ હતું. તેમની પ્રણામ કરવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી. યોગના જુદા જુદા અજાણ્યા આસનો કરતાં હોય તેમ પ્રભુદત્તજીને જોઈને તે હાથ, પગ ને મોઢું હલાવીને વિવિધ અભિનય કરતાં પ્રણામ કરતાં ત્યારે જોનારા સ્તબ્ધ થઈ જતા. એ પ્રકારની પ્રણામ કરવાની પદ્ધતિ મેં મારા આજ સુધીના જીવનમાં બીજે ક્યાંય જોઈ નથી. એ ઓરડામાં પ્રવેશ કરતા એટલે પ્રભુદત્તજી હનુમાનસ્તુતિના સુપ્રસિદ્ધ શ્લોકો બોલતાં ને બે હાથ જોડીને સત્કાર કરતાં. તે વખતે વિદ્વતાનો અને અનુરાગનો સંગમ થતો હોય એમ લાગતું. પ્રભુદત્તજીની સ્તુતિમાં સૂર પૂરાવવાનું કોઈને પણ મન થતું.

મનોજવં મારુતતુલ્યવેગ જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરીષ્ઠમ્,
વાતાત્મજં વાનરયૂથમુખ્યં શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે.
અતુલિત બલધામં  સ્વર્ણશૈલાભદેહં દનુજવનકૃશાનું  જ્ઞાનિનામગ્રગણ્યમ્,
સકલગુણનિધાનં  વાનરાણામધીશ રઘુપતિવરદૂતં વાતજાતં નમામિ.

એ મહાત્માની બેસવાની પદ્ધતિ પણ શ્રી હનુમાનના જેવી જ હતી. એ એક પગ ઊંચો રાખીને અર્ધ વજ્રાસનમાં બેસતાં. મૌન રાખતા. છતાં પણ પ્રભુદત્તજી પાસે રોજ સવારે આવતા. તેમનું દર્શન અતિશય આનંદકારક ને મંગલ હતું. બંને મહાત્મા પુરુષો ભેગા મળતા ત્યારે પરસ્પર જે અપૂર્વ નમ્રતા ને પ્રેમ બતાવતા તેના પરથી તે બંનેની મહાનતાની પ્રતીતિ થતી. બીજાના નમસ્કાર ને સત્કારને ઝીલીને ખુશ થનારા પુરુષોને બીજાને નમસ્કાર કરવામાં ને સત્કાર કરવામાં જે મહત્તા રહેલી છે તેની ખબર કેવી રીતે પડી શકે ? તે બંને મહાપુરુષોના પરસ્પર પ્રેમભર્યા વર્તન પરથી લેવા માગનારાને ઘણો બોધપાઠ મળે તેમ હતો.

બદરીનાથની યાત્રા એ રીતે ખૂબ જ યાદગાર બની ગઈ. એક ધન્ય દિવસે અમે તે દિવ્ય ભૂમિની વિદાય લીધી. મારો વિચાર તે ભૂમિમાં હજી વધારે રહેવાનો હતો, પણ હાલ પૂરતો તેને મુલતવી રાખવો પડ્યો.

 

Today's Quote

God looks at the clean hands, not the full ones.
- Publilius Syrus

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok