Saturday, July 04, 2020

માતાજીની માંદગી અને રામનું દર્શન

બદરીનાથથી હવે અમારે સીધા દેવપ્રયાગ થઈને ઋષિકેશ જવાનું હતું. હિમાલયની પ્રખ્યાત ચાર ધામની યાત્રા પ્રભુકૃપાથી પૂરી થઈ. લગભગ છેલ્લા બે મહિનાથી અમારો પ્રવાસ સતત રીતે ચાલ્યા કરતો. ધ્યેય સિદ્ધિ થઈ ગઈ એટલે હવે વધારે ચાલવાની ઈચ્છા પણ ન હતી.

કર્ણપ્રયાગથી રાનીખેત જવાનો એક બીજો માર્ગ શરૂ થાય છે. અમારી સાથેના મજૂરની ઈચ્છા તે માર્ગે જવાની હતી, કેમ કે તેનું ગામ તે તરફથી પાસે પડે તેમ હતું. પરંતુ મારી ઈચ્છા દેવપ્રયાગ જવાની હતી. એટલે છેવટે અમે રાનીખેત જવાનો વિચાર માંડી વાળ્યો. તે વખતે આજના જેવી મોટરની વ્યવસ્થા ન હતી. એટલે પગપાળા પ્રવાસ કરીને પાછાં અમે દેવપ્રયાગ પહોંચી ગયાં. દેવપ્રયાગથી ચંપકભાઈ મજૂરને લઈને પગરસ્તે ઋષિકેશ ગયા. અઠવાડિયા પછી માતાજી સાથે મેં પણ મોટરમાર્ગે ઋષિકેશ પહોંચવા દેવપ્રયાગની વિદાય લીધી.

ચાર ધામની યાત્રા અમે બહુ કપરા સંજોગોમાં કરેલી. અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી. ચંપકભાઈ પોતે મિત્રોની મારફત મળતી મદદ પર પોતાનું જીવન ચલાવતા ને માતાજી ચાર ધામની યાત્રાની બરાબર કલ્પના નહિ હોવાથી થોડીક રકમ લઈને ઘરેથી નીકળેલાં. તો પણ પ્રભુની પરમકૃપાથી કોઈ જાતની તકલીફ ન પડી. મૂંઝવણના પ્રસંગો ચંપકભાઈને માટે કોઈવાર ઊભા થયા ખરા, પણ થોડી જ વારમાં પ્રભુની કૃપાથી મૂંઝવણનો ઉકેલ થતો ગયો. એ રીતે આખીયે યાત્રા સુખપૂર્વક પતી ગઈ અને એક દિવસ અમે ઋષિકેશ આવી પહોંચ્યાં.

ઋષિકેશમાં અમારો ઉતારો ભગવાન આશ્રમમાં હતો. ભગવાન આશ્રમની ધર્મશાળાના શાંત ને સ્વચ્છ વાતાવરણમાં અમને અત્યંત આનંદ આવતો. ત્યાં થોડાક દિવસ રહ્યા પછી ચંપકભાઈ તેમનો વધારાનો સામાન લેવા દહેરાદુન ગયા. દહેરાદુનથી બે ત્રણ દિવસમાં આવીને તે અમારી સાથે ગુજરાતમાં આવવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ ઈશ્વરની ઈચ્છા જુદી જ હતી. દહેરાદુનમાં ગયા પછી તેમને તરત કોલેરા થયો. મને તેમની પાસે બોલાવવા તેમણે સમાચાર મોકલ્યા. તેમને કોલેરા થયો જાણીને મને લાગી આવ્યું. પણ તેમની પાસે જવું કેવી રીતે ? ઋષિકેશમાં માતાજીને એકલાં મૂકી શકાય તેમ ન હતું. જો તે સાજાં હોત તો તો એકલાં રહી શકત. પણ તેમની તબિયત ખરાબ હતી. ઋષિકેશમાં આવ્યા પછી તેમને ઝાડા થયેલા ને તેમાંથી ભયંકર મરડો થઈ ગયેલો. તેમને યાત્રાનું પાણી લાગેલું. તેને લીધે તેમની દશા કરુણ થતી જતી હતી. તેમની તબિયત લથડતી જતી હતી. પાછળથી તો તે પથારીવશ થઈ ગયાં. તેમને ઝાડામાં લોહી પડતું. એ દશામાં એમને એકલાં મૂકીને મારાથી ચંપકભાઈ પાસે જવાય તેમ ન હતું. ચંપકભાઈ તો જોશીજીના ઘરમાં હતા. તેમની સારવાર ત્યાં થઈ શકે તે સમજી શકાય તેમ હતું. પણ માતાજીની સારવાર બીજું કોણ કરે ? તેમને ભગવાન આશ્રમની અજાણી જગામાં બીજા કોને ભરોસે મૂકી શકાય ? એટલે ચંપકભાઈને માટે અત્યંત પ્રેમ હોવા છતાં તેમની પાસે જવાનો વિચાર પરિસ્થિતિની પ્રતિકુળતાને લીધે મુલતવી રાખવો પડ્યો. પત્ર લખીને તેમને મેં પરિસ્થિતિથી વાકેફ કર્યા.

માતાજીની તબિયત બગડવાનું મુખ્ય કારણ હિમાલયની લાંબી ને કષ્ટમય યાત્રા હતું. એમ તો ઘણા લોકો યાત્રા કરે છે. તે બધાની તબિયત બગડે છે જ એમ નથી. માતાજીનું સ્વાસ્થ્ય પહેલેથી બહુ સારું ન હતું. પર્વતીય પ્રદેશનો પગપાળા કરાયેલો પ્રવાસ તેમને માટે આ પહેલો જ હતો. તેથી તેમની તબિયત બગડી ગઈ.

એ દિવસો ખરેખર વિકટ હતા. માતાજીને કોઈ રીતે આરામ થતો ન હતો. અમારી પાસે પૂરતા પૈસા પણ ન હતા. ગુજરાત તરફ પ્રયાણ કરવાની ઈચ્છા હતી, પણ માતાજીની તબિયત જરાક પણ સુધરે તો જઈ શકાય ને ? દહેરાદુનમાં ચંપકભાઈ પણ બિમાર હતા. એક દિવસ તો માતાજીની દશા જરા વધારે ખરાબ થઈ ગઈ. હું તેમને હિંમત આપતો, પણ તેમની તબિયત સુધરતી ન હતી. તેથી તે નિરાશ થતાં જતાં. તે દિવસે રાતે તેમણે મારી પાસે ઘીનો દીવો કરાવ્યો. તેમને એમ થયું કે હવે કદાચ નહિ બચાય.

પરંતુ પ્રભુ દયાળુ છે. તેણે પોતાની દયા તે રાતે વરસાવી. તેને શરણે જે બેસે છે ને જે તેને પ્રાર્થે છે ને પોકારે છે તેને મદદ કરવા તે સદાય તૈયાર રહે છે. ભક્તોની બધી રીતે રક્ષા કરવાનો તેનો સ્વભાવ છે. અમારામાં સાચી ને સંપૂર્ણ ભક્તિ ન હતી, પણ અમે તેનું શરણ લીધેલું. તેના વિના અમારે બીજા કોઈનો આધાર ન હતો. તેની કૃપા વિના આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળાય તેમ ન હતું. ને સદભાગ્યે તેની કૃપા થઈ. માતાજી ઓરડાની બહાર ઓસરીમાં ખાટલા પર સુતેલાં. ત્યારે લગભગ મધરાત વખતે અર્ધજાગૃતિ જેવી દશામાં એમને એક અલૌકિક અનુભવ થયો. તેમના ખાટલાની પાંજેઠ તરફથી એક તેજોમય સ્વરૂપ બહાર નીકળવા લાગ્યું. તેને ધડનો ભાગ ન હતો. કેવળ તેનું મુખ જ દેખાતું. તેને માથે સુંદર મુકટ હતો. તે સ્વરૂપ ધીરે ધીરે આગળ વધીને તેમની છાતીથી જરાક ઉપરના ભાગ સુધી આવી ગયું. તેનું તેજ માતાજીથી સહન થતું ન હતું. તેથી તે બે હાથ જોડીને બોલવા માંડ્યાં : ‘હે પ્રભુ, તમારું તેજ સહન નથી થતું. તમને હું પ્રણામ કરું છું.’ તેમને જણાયું કે તે સ્વરૂપ ભગવાન શ્રી રામનું હતું. શ્રીરામે તેમને કૃપા કરીને એ અલૌકિક અનુભવ આપેલો. બે ત્રણ મિનિટ રહીને એ અનુભવ બંધ થયો.

પણ તેમને માટે તો એ અલૌકિક અનુભવ આશીર્વાદરૂપ નીવડ્યો. પ્રભુએ જાણે તેમના પર વિશેષ કૃપા કરી. તેને લીધે બીજા દિવસથી તેમની તબિયતમાં એકાએક સુધારો થવા માંડ્યો. સંપૂર્ણ સુધાર તો ઠેઠ ગુજરાતમાં આવ્યા પછી વડોદરામાં દવા કરાવ્યા પછી થયો, પણ પથારીવશ દશાનો અંત આવ્યો. થોડાક દિવસ આરામ કર્યા પછી ઋષિકેશ છોડવાનો અમે નીર્ણય કર્યો.

શ્રી પ્રભુદત્તજી તે દિવસોમાં બદરીનાથની યાત્રા પૂરી કરીને ઋષિકેશ આવ્યા. તેમના દર્શનનો લાભ એકવાર ફરીથી પ્રાપ્ત થયો.

ઋષિકેશથી નીકળવા માટે અમારી પાસે પૈસાની પુરતી સગવડ ન હતી. વડોદરાથી થોડીક રકમ મંગાવેલી. તેમાં મદદરૂપ થાય એવો એક બીજો પ્રસંગ પ્રભુની કૃપાથી ઊભો થયો. અમદાવાદમાં મને નામ માત્રથી ઓળખનાર એક ભાઈએ મને અચાનક પચાસ રૂપીયાનો મનીઓર્ડર મોકવ્યો તે લઈને ટપાલી મારી પાસે આવ્યો. તેને સ્વીકારવો કે નહિ તેનો વિચાર થઈ પડ્યો. મોકલનાર તરીકે જે કંપની કે પેઢીના માણસનું નામ હતું તેમનો મને પરિચય ન હતો. છતાં ઈશ્વરની ઈચ્છા માનીને મેં તેનો સ્વીકાર કર્યો. ઈશ્વરની લીલા એવી જ અજબ છે. તે ક્યારે, ક્યાં ને કેવી રીતે મદદ કરે છે તે કોઈ કહી શકતું નથી. આજ સુધી એવી અચિંત્ય રીતે મને એણે અનેક વાર મદદ કરી છે ને માયાળુ માતાની જેમ મારી સંભાળ રાખી છે. મારું સમસ્ત જીવન એક રીતે એની મહાન કૃપાનો જ નમૂનો છે. એવા પરમ પ્રેમમય કૃપાળુ ઈશ્વરને કેવી રીતે ભૂલી શકાય ? ભૂલવાનો વિચાર પણ કેવી રીતે કરી શકાય ? એવા કૃતઘ્ની સ્વપ્ને પણ થઈ શકાય ?

 

Today's Quote

If you think you're free, there's no escape possible.
- Ram Dass

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok