Saturday, July 04, 2020

અયોધ્યા

 અમે ઋષિકેશ છોડ્યું ત્યારે દેશની પરિસ્થિતિ જોઈએ તેવી સારી ન હતી. ખરાબ કે અશાંત જરૂર કહી શકાય. ઈ. સ. ૧૯૪૨ના 'ભારત છોડો' આંદોલનથી આખા દેશમાં જાગૃતિ, સંગઠન અને એકતાની હવા ફેલાઈ ગઈ હતી. એની અસર કાયમ હતી. સમસ્ત પ્રજા બીજી બધી વાતોમાંથી મનને હઠાવીને કેવળ આઝાદીની ઝંખના કરતી હતી. નેતાઓના મનમાં પણ દેશને વહેલામાં વહેલી તકે આઝાદ કરવાની ઈચ્છા રમી રહેલી. તેમની ઈચ્છા પૂરી થાય ને સંસારના આધ્યાત્મિક પ્રેરણાદાતા જેવો આ દેશ સ્વતંત્ર તથા સુખી થઈને સંસારના આધ્યાત્મિક ગુરુપદે પ્રતિષ્ઠિત થઈને પોતાના મરી પરવારેલા પ્રાચીન યશને પ્રાપ્ત કરે, તે માટે કોઇ કોઇ વાર હું પ્રભુને પ્રાર્થના કરતો. એ રીતે દેશની આઝાદીની લડતમાં મારી સંપૂર્ણ સહાનુભૂતિ હતી. પણ એટલું સાચું છે કે છેલ્લાં કેટલાક વખતથી મારું ધ્યાન મારી પોતાની જ જીવનસાધના પર એકાગ્ર થયેલું. તે વખતના મારા વિચારો હું નારાયણભાઇને પત્રો દ્વારા જણાવતો. તેમનામાં મારા વિચારોને સમજવાની સંપૂર્ણ શક્તિ હતી, તેથી મને આનંદ થતો.

ઋષિકેશથી ગુજરાતની પુણ્યભૂમિમાં પ્રવેશતાં પહેલાં મેં દહેરાદૂનમાં ચંપકભાઇની મુલાકાત લીધી. તેમની તબિયત હજી નરમ હતી. તેથી અમારી સાથે તેમના પહેલાંના કાર્યક્રમ મુજબ તે ગુજરાતના પ્રવાસમાં જોડાઇ શકે તેમ ન હતું. અમારાથી તેમની રાહ જોઇને વધારે રોકાવાય તેમ પણ ન હતું. એટલે અમે પહેલાં નીકળીએ ને તે પાછળથી અનુકૂળતાએ આવી પહોંચશે એમ નક્કી થયું. માતાજીને હરિદ્વારના સિદ્ધાશ્રમમાં મુકીને હું એકલો જ દહેરાદૂન ગયેલો. હરિદ્વારમાં ફરી આવતાં મહાત્મા વેદબંધુનો મેળાપ થયો. થોડો વખત હરિદ્વારમાં રોકાઇને અમે હિમાલયની પવિત્ર ભૂમિની વિદાય લીધી. હિમાલયની પવિત્ર ભૂમિમાં આટલા લાંબા વખત લગી રહેવા મળ્યું તે ખરેખર ઇશ્વરની મહાન કૃપા હતી. તેની કૃપા વિના આટલી નાની ઉંમરમાં તેમનું સ્મરણ કરતાં તેના પ્રેમી તરીકે એવા પુણ્યપ્રદેશમાં રહેવાનો અવસર ભાગ્યે જ મળી શકે. તેની એ મહાન કૃપાને કેવી રીતે ભૂલી શકાય ? આ સંસારમાં એવા લોકો પણ ઘણાં છે જે ઇશ્વરની કૃપાને સહેજે ભૂલી જાય છે. સામાન્ય માણસોએ પણ તેમને માટે જે સેવા ને હિતના કામ કર્યા હોય તેને ભૂલતાં તેમને વાર નથી લાગતી. એવા માણસો વધારે ભાગે તકલાદી ને સ્વાર્થી હોય છે. ઇશ્વરે તેમને આ સર્વોત્તમ માનવશરીર આપ્યું છે ને બીજી કેટલીય રીતે મદદ કરી છે, તે વાતને તે સહેલાઇથી ભૂલી જાય છે ને ઇશ્વરની દુનિયાના બંધારણની વિરુદ્ધ અનીતિ અને અધર્મના કામ કરીને દુનિયાને અમંગળ કરે છે. પણ બધા માણસો કાંઇ તેવા થોડા હોય છે ? કૃતજ્ઞ વૃત્તિવાળા માણસો પણ સંસારમાં ઘણાં હોય છે. બીજાએ કરેલા ગુણ કે ઉપકારને તે સદા યાદ રાખે છે ને બદલામાં તેનું કે બીજાનું તેવી જ રીતે ભલું કરવા તૈયાર રહે છે. ઇશ્વરના આશીર્વાદ મેળવવા માટે પણ સદા પરિશ્રમ કરે છે. તેમનો સ્વભાવ જ એવો હોય છે, તેવા માણસોથી સૃષ્ટિ સાચે જ સુશોભિત બને છે. માણસે કૃતજ્ઞ થવું કે કૃતઘ્ન તે તેના હાથમાં છે.

હરિદ્વાર છોડ્યા પછી મને પણ યાત્રાના પાણીની અસર શરૂ થઇ. મારી તબિયત બગડી એટલે મને પણ ઝાડા શરૂ થયા. અત્યાર સુધી માતાજી એકલાં જ અસ્વસ્થ હતા. હવે મને પણ તકલીફ થવા માંડી. તે દશામાં પણ હિંમત હાર્યા વિના અમે મુસાફરી ચાલુ જ રાખી. હરિદ્વારથી અયોધ્યા થઇને અમે કાશી ગયા. ભારતની સાત મોક્ષદાયી પુરીમાં અયોધ્યા ને કાશીની ગણના કરવામાં આવે છે. એનો અર્થ એવો નથી કે તે વિનાનાં બીજા ગામો ને નગરોમાં રહેવાથી મુક્તિનો આનંદ નથી મળી શકતો. મુક્તિનો સંબંધ મુખ્યત્વે કોઇ સ્થાનની સાથે નહિ પણ મનની સાથે છે. એટલે મનને નિર્મળ, નિર્મમ, નિરહંકાર કરીને તે દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને ગમે તે સ્થાનમાં રહીને કોઇ મુક્તિનો આનંદ મેળવી શકે છે. પરંતુ પેલા શ્લોકમાં કહી બતાવેલી સાત પુરીનો મહિમા તેની સાથે સંકળાયેલા ઇતિહાસને લીધે વિશેષ વખણાય છે. તે બરાબર જ છે. તેનો હેતુ બીજા પુણ્યપ્રદેશોનો મહિમા જરા પણ ઓછો આંકી બતાવવાનો નથી.

 

અયોધ્યા તો ભગવાન રામની જન્મભૂમિ ને રાજધાની. સરયૂનો પટ અહીં ખૂબ જ વિશાળ છે. નદી કાંઠે કેટલાંક સુંદર મંદિરો છે. રામ પ્રત્યેના અનુરાગને આજે પણ અમર રાખતાં હોય તેમ વાનરનાં ટોળેટોળાં અહીં જોવા મળે છે. રામના જન્મસ્થાનની પાસે મસ્જીદ જેવા ઘાટનું મકાન મધ્યયુગની અસહિષ્ણુ મુસ્લીમ રાજનીતિની યાદ આપતું ઊભું છે. અયોધ્યામાં ફરતી વખતે રામ ને સીતાનું આદર્શ જીવન નજર સામે તરવર્યા વિના રહેતું નથી. એથી અંતર આનંદ અનુભવે છે. આજનું અયોધ્યા રામના મહત્વને બાદ કરીએ તો એટલું બધું આકર્ષક નથી.

 

 

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok