Saturday, July 04, 2020

કાશી

 કાશી તો ભારતનું પ્રાચીનકાળથી વખણાતું વિદ્યાનું કેન્દ્ર કહેવાય. પણ તે સંતસંસ્કૃતિનું પણ કેન્દ્ર રહ્યું છે. રામાનંદ, કબીર, તુલસીદાસ જેવા કેટલાય મહાપુરુષોની સ્મૃતિથી તે પાવન થયું છે. 'કાશીમાં મરવાથી મુક્તિ મળે છે' એ વાતમાં વિશ્વાસ રાખીને ને ભગવાન શંકરના અનુરાગથી આકર્ષાઇને કાશીના સુંદર સ્થાનમાં સંતો ને સાધારણ માણસો કાયમી વસવાટ માટે આવ્યા જ કરે છે. ગંગામાતાનો પ્રવાહ અહીં અત્યંત સુંદર ને વિશાળ લાગે છે. વિશ્વનાથના મંદિરની બાજુમાં જ અમારો ઉતારો હતો એટલે દર્શનનો લાભ વારંવાર મળતો. વિશ્વનાથ ભગવાનનું મંદિર ઘણું જ નાનું છે. તેની બાજુમાં જ મસ્જીદ છે. મંદિરમાં પ્રવેશતાંવેંત તુલસીદાસના રામાયણની કસોટી કરવા કાશીના પંડિતોએ જે પ્રયોગ કરેલો તે યાદ આવે છે. મંદિરમાં ધર્મના ગ્રંથોને ગોઠવીને કહે છે કે તેમણે રામાયણને છેક જ નીચે રાખ્યું હતું ને સૌમાં જે શ્રેષ્ઠ હોય તે ગ્રંથને સૌથી ઉપર કરી દેવા શંકર ભગવાનને પ્રાર્થના કરેલી. બીજે દિવસે સવારે મંદિર ઉઘાડીને જોયું તો તુલસીદાસનું રામાયણ સૌથી ઉપર હતું. ભગવાન શંકરે એવી રીતે તુલસીદાસ પર કૃપા કરેલી. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી મધુસુદન સરસ્વતી પણ તે વખતે બ્રહ્મચર્યદશામાં કાશીમાં રહેતા. તેમણે પણ બધા પંડિત તરફથી નિર્ણય કરીને રામાયણની મુક્ત કંઠે પ્રસંશા કરેલી.

કાશીના કેટલાક રસ્તા ખૂબ જ સાંકડા ને ગંદા છે. જે તીર્થો માટે આપણે ગૌરવ લઇએ છીએ તેમને પવિત્ર ને સુંદર રાખવાની વૃતિ હજી આપણે કેળવી નથી. તેમના વાતાવરણને નીતિમય ને પ્રભુમય રાખવાનો પ્રયાસ પણ કરતા નથી. તે વાત બહુ સારી નથી. કેટલાક વિદેશી લોકો તીર્થોના વાતાવરણને જોઇને જ આપણી સંસ્કૃતિનું મૂલ્યાંકન કરે છે. તેમને માટે તેમજ આપણી સુંદર સંસ્કૃતિની શોભા ને રક્ષા માટે પણ તીર્થો ને મહત્વના બધા સ્થળોને આપણે સ્વચ્છ, સંસ્કારી ને સદાચારમય રાખવાની જરૂર છે. ત્યારે જ આપણો દેશ સાચા અર્થમાં મહાન થઇ શકશે.

કાશીમાં અસિઘાટ પ્રસિદ્ધ છે. મણિકર્ણિકા ઘાટ પણ મહત્વનો છે. અસિઘાટની બાજુમાં જ તુલસીઘાટ છે. ત્યાં તુલસીદાસે નિવાસ કરેલો ને સમાધિ લીધેલી તેથી તે સ્થાન ખાસ મહત્વ ધરાવે છે. તુલસીદાસ જેવા મહાન સંતનું એ સ્મારક જોવા જેવું છે. એ મહાન સંતે ભારતીય ધર્મ ને સંસ્કૃતિની કીમતી સેવા કરી છે. આજે પણ રામાયણની રસમય રચના દ્વારા તેમની સેવા ચાલુ છે. અસિઘાટ પર ઉભા રહીએ છીએ એટલે પેલો પ્રસિદ્ધ દોહો યાદ આવે છે :

સંવત સોલહસેં અસી અસિ ગંગકે તીર,

શ્રાવન શુકલા સપ્તમી તુલસી તજ્યો શરીર.

અમર યશનું દાન દેનારી રામાયણની રચનાની શરૂઆત તુલસીદાસે છેક ૮૦ વરસની વયે કરી હતી એ ઘણાંને ખબર નહિ હોય.

અસિઘાટ પર એક નાવમાં તે વખતે હરિહર બાબા રહેતા. તેમના દર્શનનો લાભ પણ અમને મળી ગયો. તે મૌન રાખતા. તેમની પાસે વધારે વખત ભક્તો તરફથી રામધૂન ચાલ્યા કરતી.

કાશીના નિવાસ દરમ્યાન મને ને માતાજીને ઝાડા ચાલુ જ હતા. તેથી માલવિયાજીના હિંદુ વિશ્વવિદ્યાલયની મુલાકાત ન લઇ શકાઇ.

કાશીમાં પાંચેક દિવસ રોકાયા પહેલાં અમે પ્રયાગરાજના પ્રસિદ્ધ તીર્થના દર્શને જઈ આવેલાં. તે વખતે ચોમાસું હોવાથી ગંગા ને જમના પાણીથી ભરપૂર હતી. ત્રિવેણીમાં સ્નાન કરીને અમે નાવમાં બેસીને નદીમાં પૂરને લીધે લગભગ આખો દિવસ વિહાર કર્યો અથવા કહો કે અમારે વિહાર કરવો પડ્યો. તબિયત ખરાબ હોવાથી ત્યાં પણ વધારે રહી શકાય તેમ ન હતું, એટલે વધારે વખત ખોયા વિના કાશી થઈને મથુરા જવાનો અમે નિર્ણય કર્યો.

 

 

Today's Quote

We do not see things as they are; we see things as we are.
- Talmud

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok