Saturday, July 04, 2020

મથુરા અને વૃંદાવન

 ભગવાન શ્રી કૃષ્ણના કાળનું મથુરા કેવું હશે એની આજે તો કલ્પના જ કરવાની રહે છે, પરંતુ આજનું મથુરા એટલું બધું મનોહર અને આકર્ષક નથી. તો પણ એક પ્રચીન ઐતિહાસિક તીર્થ તરીકે તેની મહત્તા આજે પણ એવી જ અચળ છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાભૂમિ તરીકે તે આજે પણ દેશ ને પરદેશના હજારો લોકોને આકર્ષે છે ને પ્રેરણા પૂરી પાડે છે. જમનાજીને લીધે વધારે વખણાયેલું ને સુશોભિત બનેલા એ તીર્થધામનું હજારો લોકોના દિલમાં ખાસ સ્થાન છે.

મથુરામાં અમે લગભગ પંદર દિવસ રહ્યાં. પરંતુ તે દરમ્યાન તબિયત તો એવી જ ખરાબ રહી. તો પણ જોઈ શકાય એટલાં મહત્વનાં સ્થાનો જોઈ લીધાં. જમનાજીના વિશ્રામઘાટનું દૃશ્ય ખૂબ જ મનોહર છે. સાંજે આવતી વખતે ત્યાંનું વાતાવરણ ખૂબ જ રસમય અને અલૌકિક લાગે છે. હરિદ્વારમાં હર કી પેડી પર સાંજના સમયે આરતીદર્શન કરવાનું સદભાગ્ય જેને સાંપડ્યું હશે તે એનો અલૌકિક આનંદ કદી પણ નહિ ભૂલ્યા હોય. જમનાના વિશ્રામઘાટ પર થતી આરતી હરિદ્વારની આરતીની યાદ તાજી કરે છે. આંખ અને અંતર બંનેને આનંદ આપનારી એ આરતી એક વાર જોયા પછી વારંવાર જોવાનું મન થયા વિના રહેતું નથી.

વિશ્રામઘાટ ખરેખર વિશ્રામનો જ ઘાટ છે. તાપથી તપેલા ને શાંતિની ઈચ્છાવાળા માણસો ત્યાં જઈને શાંતિ મેળવે છે. ત્યાંનું વાતાવરણ એવું સુંદર છે કે માણસ ભારેમાં ભારે મુસિબત ને ચિંતાને ભૂલીને થોડી વાર આનંદમાં સ્નાન કરે છે. તેમાં પણ જો કોઈના સંસ્કાર વધારે પ્રબળ હોય તો ત્યાં બેસીને તે જીવનની ઉન્નતિનો સંકલ્પ કરે છે ને જીવનને પ્રેમમય, પ્રભુમય કરવાની પ્રેરણા મેળવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને કોઈક બડભાગી પુરુષો અંતરનો આરામ પણ પામી લે છે.

વિશ્રામઘાટથી નાવમાં બેસીને જમનાને સામે કિનારે જઈએ એટલે થોડે દૂર ગયા પછી દુર્વાસા ઋષિનું સ્થાન આવે છે. તે સ્થાન એકાંતમાં છે, સુંદર છે, ને ખાસ દર્શનીય છે. ત્યાં જતી વખતે દુર્વાસા ઋષિની પવિત્ર સ્મૃતિ તાજી થાય છે. એ મહાન તપસ્વીની મૂર્તિ મનના પડદા પર નાચવા માંડે છે. ભારતની જુદી જુદી નદીના કિનારા પ્રાચીન કાળથી માંડીને આજ સુધી સંત મહાત્માથી સુશોભિત થતા રહ્યા છે. પર્વતો ને નદીઓના રમણીય ને સુંદર પ્રદેશોને તપસ્વીઓએ સદાય યશસ્વી બનાવ્યા છે. તીર્થયાત્રાના આકર્ષણમાં તેવા મહાન પુરુષોનું દર્શન પણ એક મહાન કારણરૂપ હતું. આજે તીર્થો તપસ્વીઓ ને સાચા સંતોથી રહિત થતાં જાય છે. તો પણ તેમનો તદ્દન લોપ નથી થયો. તીર્થોનો મહિમા વધારનારા સંતો આજે પણ ક્યાંક જોવા મળે છે.

મથુરાથી અમે ગોકુળ જઈ આવ્યાં. ત્યાં જમના તટ પર એક ગુજરાતી સંન્યાસી રહેતાં. તેમના સ્થાનમાં અમે ઉતારો કર્યો. ગોકુળ તો શ્રી કૃષ્ણની બાળપણની લીલાભૂમિ. નંદ ને જશોદાને ત્યાં રહીને તેમણે ગોકુળને અમર બનાવી દીધું છે. ગામ બહુ નાનું પણ ગમે એવું છે. કૃષ્ણ ભગવાનના એ લીલાસ્થાનનું દર્શન કરીને અમે તેમની બાળલીલાને યાદ કરી. એકાદ દીવસ રોકાઇને અમે મથુરા પાછા ફર્યાં.

મથુરાની યાત્રા વૃંદાવનના દર્શન વિના અધુરી જ ગણાય, એટલે થોડા દિવસ પછી અમે વૃંદાવનની મુલાકાત લીધી. ભક્તો વૃંદાવનને ધરતી પરના વૈકુંઠ જેવું માને છે. ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, તુલસીદાસ, સુરદાસ, મીરાં ને રામકૃષ્ણદેવ જેવા અનેક પ્રભુપ્રેમી આત્માઓ તેની પાવન પૃથ્વીના પ્રવાસે આવી ગયા છે. હજારો ભક્તો ને મહાત્માઓ ત્યાં સ્થાયી થઈને રહેવા પ્રેરાયા છે. વૃંદાવનના દર્શનથી અમને આનંદ થયો.

વૃંદાવનના મંદિરો સુંદર છે. ભગવાને રાસલીલા કરી હતી તે જગા પણ જોવા જેવી છે. રાધા ને બીજી ગોપીઓની પ્રેમની ગૌરવગાથા અહીંની ધરતીમાં જાણે કે વણાઇ ગઈ છે. પ્રેમી ભક્તોના અંતરને અહીં શાંતિ મળે છે. ગોપીભાવમાં મસ્ત બનીને ભગવાનની કૃપા માટે તલસનારા ભક્તો આજે પણ અહીં જોવા મળે છે. કેટલાક ઉચ્ચ શ્રેણીના સંતોના સમાગમનું સૌભાગ્ય પણ સહેજે સાંપડે છે.

યાત્રા કરનારા માણસોમાંના મોટા ભાગના માણસો કેવળ ફરવાને માટે યાત્રા કરે છે. કેટલાક શોખને ખાતર તો કેટલાક પુણ્યની પ્રાપ્તિ માટે યાત્રા કરે છે. તેવા માણસોએ યાત્રાની મદદથી જીવનને વધારે ને વધારે પુણ્યમય કરવા પ્રયાસ કરવો જોઈએ. જે કામ કરવામાં આવે તે આંખો મીંચીને કે કેવળ શોખને ખાતર ના થવું જોઈએ. તેની પાછળ પુરતો વિચાર હોવો જોઈએ. તેમ થાય તો કર્મ કેવળ જડ કર્મ ન રહે પણ જીવનને ચેતનાનું દાન દેનારો એક પ્રકારનો યજ્ઞ અથવા યોગ થઈ જાય. વૃંદાવન જેવા પવિત્ર સ્થાનની યાત્રાએ આવનાર માણસ વ્યસનોથી મુક્તિ મેળવવાનો નિશ્ચય કરે, દુર્ગુણોને દૂર કરી સદગુણોને કાયમ કરે, ને સત્કર્મી બને, તો તેનું જીવન વધારે ઉજ્જવળ ને પુણ્યમય બની શકે. પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાની ભૂમિકા પણ એ રીતે સહેલાઈથી તૈયાર થઈ શકે. તે ઉપરાંત ભગવાનની લીલા ને શક્તિને તે યાદ કરે, સંસારની મમતા અને આસક્તિને ઓછી કરીને ભગવાનની કૃપાને પામવાનો પ્રયાસ કરે, યાત્રા પૂરી કરીને ઘેર ગયા પછી પણ એ કાર્યક્રમ કાયમને માટે ચાલુ રાખે તો યાત્રા તેને માટે પુણ્યપ્રદાયક થઈ પડે.

જ્ઞાનદૃષ્ટિએ વિચાર કરવાથી સમજાશે કે સમસ્ત સંસાર વૃંદાવન છે. સંસારમાં એવું એકે સ્થાન નથી જ્યાં ભગવાન ના વિરાજી રહ્યા હોય. જડ ને ચેતનમાં તે જ છે. એટલું જ નહિ પણ જે દેખાય છે અને અનુભવાય છે તે તેમનું જ સ્વરૂપ છે. પણ અહંકાર, મમતા અને અજ્ઞાનને લીધે તેમનું દર્શન થઈ શકતું નથી. અજ્ઞાનનું એ આવરણ દૂર થઈ જાય તો બધે તેમનું દર્શન થઈ શકે અને આ સૃષ્ટિ વૃંદાવન, કાશી, અયોધ્યા જેવી મંગલ બની રહે. કવિએ એ જ અર્થમાં કહ્યું છે કે ‘ઘટ ઘટમાં નાથ સમાયા.’

જે બહાર છે એ અંદર પણ ક્યાં નથી ? તન, મન, અંતરમાં એ જ રમી રહ્યા છે ને મધુરી વાંસલડી વગાડી રહ્યા છે.

એટલે વૃંદાવન જેમ બહાર છે તેમ અંદર પણ છે. અંદર પણ એ જ પ્રભુની લીલા થઈ રહી છે ને તેમની જ શક્તિ કામ કરી રહી છે. જીવનની યાત્રામાં તે પ્રભુની અંદર ને બહાર ઝાંખી કરવા સમજુ સ્ત્રીપુરુષે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. સાધારણ યાત્રા ત્યારે જ સફળ થઈ શકે. યાત્રાને એમ જીવનની સાધનાનું મહત્વનું અંગ બનાવવું જોઈએ.

વૃંદાવનની યાત્રામાં જોયેલું એક દૃશ્ય હજી પણ એવું જ યાદ છે. તે દિવસે કોઈ મોટા મહંતનું શરીર શાંત થયું હતું. તેમના મૃત શરીરને સ્મશાનમાં લઈ જવાતું હતું. સંકીર્તન સાથે નીકળેલી સ્મશાન યાત્રા આકર્ષક હતી. મહંતની મુખાકૃતિ ઉઘાડી રાખેલી. તેને જોતાં લાગતું કે તે સાધુપુરુષ નિંદ્રાધીન થયા છે. તેમના મુખ પર ઊંડી શાંતિ ને તેજસ્વિતા હતી. તેથી તે કોઈ મહાપુરુષ છે એમ લાગતું. નાના કે મોટા સૌને છેવટે તો એ જ રીતે વિદાય થવાનું છે, પણ વિદાય થતી વખતે શાંતિ ને સ્મિતનો અનુભવ તો કો’ક બડભાગી જ કરી શકે.

મથુરા પાછા આવીને છેવટે અમે વડોદરા આવવા વિદાય થયાં. લગભગ પોણા બે વરસ પહેલા જે વડોદરાની વિદાય લીધેલી તે વડોદરા વળી આવી પહોંચ્યું. એ સુંદર શહેરમાં થોડા દિવસ સુધી અમે માતાજીના ભાઈ રમણભાઈને ત્યાં આરામ કર્યો. ત્યાંના અનુભવી ને સજ્જન ડોક્ટર શ્રી વેણીભાઈ પાસે માતાજીની દવા કરાવી. તેમના ઉપચારથી માતાજીને લાંબે વખતે સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ.

 

 

 

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok