Saturday, July 04, 2020

શાંતાશ્રમનો ફરી મેળાપ

 વડોદરાના નિવાસ દરમ્યાન શાંતાશ્રમજી અથવા મગર સ્વામીનું સ્મરણ થાય એ સ્વાભાવિક હતું. ઋષિકેશની ધર્મશાળાને છોડ્યા પછી મેં તેમને પત્ર લખવાનું બંધ કરેલું. તેમને મારો ધર્મશાળા ત્યાગનો વિચાર પસંદ નહોતો પડ્યો તો પણ મને એમને માટે અસાધારણ આદરભાવ હતો. કોઈક વિષય પરત્વે બે કે વધારે માનવોને મૌલિક મતભેદ હોય તો પણ એવો પ્રામાણિક વિચારભેદ પારસ્પરિક પ્રેમ સબંધનો નાશ કરનારો શા માટે થવો જોઈએ ? સ્વામીજીની સાથેનો સ્નેહસબંધ સનાતન રહેવા સરજાયેલો હોવા છતાં,  સાધનાની ઉત્કટતાની એ દૈવી દશા દરમ્યાન સઘળી સુપરિચિત વ્યક્તિઓની સાથેનો પત્રવ્યવહાર સ્વાભાવિક રીતે જ સ્થગિત થયેલો. એટલે સ્વામીજીને પણ કોઈ પત્ર નહોતો લખાયો. તેમની મુલાકાત લેવાની ઈચ્છાથી પ્રેરાઈને એક દિવસ બપોરે મેં રણમુક્તેશ્વર મહાદેવ તરફ પ્રયાણ કર્યું.

રણમુક્તેશ્વર મહાદેવના મેડા પર મેં પ્રવેશ કર્યો ત્યારે સ્વામીજી તેમની પદ્ધતિ પ્રમાણે આસન પર બેઠેલા. શરીરે તેમણે એક કટિવસ્ત્ર પહેરેલું. તેમની મુખાકૃતિ ખૂબ જ તેજસ્વી દેખાતી. તેમણે હાથના નખ વધારેલા. તેમને પ્રણામ કરીને હું તેમની પાસે બેસી ગયો. મને જોઈને તે પહેલાં તો સહેજ સ્મિત કરતા; પરંતુ આ વખતે તો તેમનું મુખ ગંભીર જ રહ્યું. તેમણે એવી જ ગંભીરતાથી પણ જરા રોષભર્યા સ્વરે પૂછ્યું,  ‘તમારો આશ્રમ કયો છે ?’

એ પ્રશ્ન પૂછવાનું કારણ મને સમજાયું નહિ. તેમને ખબર હતી કે મારી ઉંમર હજી પચીસ વરસની નથી થઈ ને મેં લગ્નજીવનમાં પ્રવેશ પણ કર્યો નથી. એટલે મારો આશ્રમ જાણવો જ હોય તો બ્રહ્મચર્યાશ્રમ જ હોઈ શકે. છતાં તેમણે મને તે વિશે પ્રશ્ન કર્યો તેમાં કોઈ બીજું રહસ્ય છુપાયેલું હશે. કદાચ મારો વેશ તેમને વિચિત્ર અને અણગમો ઉત્પન્ન કરનારો લાગ્યો હશે. મેં પંચકેશ રાખ્યા હતા. કમર નીચે ઢીંચણ સુધીનો ખાદીનો ટુકડો વીંટ્યો હતો, ને શરીરે એક બીજો ટુકડો ઓઢ્યો હતો. મારાં વસ્ત્રો સફેદ હતાં. મેં ધોતિયાનો ત્યાગ કરીને સાધુ જેવો વેશ ધારણ કર્યો તે તેમને કદાચ નહિ ગમ્યું હોય. પણ કોઈને ગમે તેવો જ વેશ મારે ધારણ કરવો એ વાત મેં કદી સ્વીકારી નથી. કોઈ એવું ઈચ્છે પણ શા માટે ? દરેકને પોતાની રુચિ પ્રમાણે વેશપરિધાન કરવાની સ્વતંત્રતા છે ને હોવી જોઈએ. તે સ્વતંત્રતાથી વ્યક્તિ ને સમષ્ટિની નૈતિક મર્યાદા જળવાઈ રહે એટલે થયું. એથી આગળ વધીને બધા માણસો પોતાની જ ઈચ્છા પ્રમાણે પહેરે, ઓઢે ને જીવે એવો દુરાગ્રહ શા માટે રાખવો જોઈએ ? એટલે સ્વામીજીના પ્રશ્નનું કારણ મારી સમજમાં આવી શક્યું નહિ. તેમના જેવા વિદ્વાન પુરુષ એવો દુરાગ્રહ ભાગ્યે જ રાખે. તેમને મેં શાંતિથી ઉત્તર આપ્યો, ‘આશ્રમ તો બ્રહ્મચર્યાશ્રમ જ છે, ને જ્ઞાનની દૃષ્ટિથી જોઈએ તો આત્માને ક્યાં કોઈ આશ્રમ છે ? હસ્તામલકે શંકરાચાર્યને કહ્યું હતું કે હું બ્રહ્મચારી નથી, ગૃહસ્થી નથી, વાનપ્રસ્થી કે સંન્યાસી પણ નથી. હું તો આત્મસ્વરૂપ છું. સ્વરૂપના જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છું.’

મારો ઉત્તર તેમને ઠીક લાગ્યો કે નહિ તે તો પ્રભુ જાણે, પણ તે વિશે તેમણે વધારે વાતચીત ના કરી.

‘તમે કોને પૂછીને ધર્મશાળા છોડી દીધી ?’ મારા તરફ દૃષ્ટિપાત કરીને તેમણે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો.

એનો ઉત્તર સ્પષ્ટ હતો. તે પ્રમાણે કહેવા માંડ્યું, ‘ઈશ્વરની પ્રેરણાથી. ઈશ્વરની પ્રેરણાને માન આપીને  મેં ધર્મશાળા છોડી દીધી.’

  મારો ઉત્તર તેમને સહેજ પણ સારો ના લાગ્યો. એ ચીડાઈ ગયા, ‘ઈશ્વરની પ્રેરણા ? ઈશ્વરની પ્રેરણા તો મને પણ નથી થતી, ને તમને થઈ ગઈ ?’

તેમની ગંભીરતાનું સાચું કારણ મને હવે જ સમજાયું. હિમાલય જવાનું થયું તે પહેલાં તે મને વારંવાર કહેતા કે ધ્યાનમાં એવી પ્રેરણા મળ્યા કરે છે કે મને કોઈ આશ્રમ મળવાનો છે. તે વાત મને યાદ આવી તો પણ, તે વિશે ઊંડાણમાં ઉતરવાનું ઠીક નહિ લાગવાથી મેં કહ્યું, ‘તમને પ્રેરણા થાય છે કે નહિ તેની મને માહિતી નથી. હું તો એટલું જ કહું છું કે મને થઈ હતી.’

પણ તેમને મારી વાત ગમી નહિ. એમની માન્યતા મારે માટે ધર્મશાળામાં જ રહેવાનું બરાબર હતું એવી હતી. પણ મને તો પ્રભુએ જે કર્યું-કરાવ્યું તેથી લાભ જ થયેલો. પ્રભુની પ્રેરણા મારે માટે ખરેખર આશીર્વાદરૂપ નીવડેલી.

તેમની ઈચ્છા પ્રમાણે હું ધર્મશાળામાં રહ્યો હોત તો તે જરૂર પ્રસન્ન થાત. પણ મારે માટે બીજો ઉપાય ન હતો. તેમની ઈચ્છા ને પ્રસન્નતા કરતાં ઈશ્વરની ઈચ્છા ને પ્રસન્નતા મારે મન વધારે મૂલ્યવાન હતી. તેને માટે જ મારું જીવન હતું. એટલે તેની ઉપેક્ષા કરવાનું મારે માટે સ્વપ્ને પણ શક્ય ન હતું. ને સ્વામીજીએ મને પોતાની ઈચ્છાનુસાર ચલાવવાનો આગ્રહ પણ શા માટે રાખવો જોઈએ ? તેમની ઈચ્છા મારા પર લાદવાનો પ્રયાસ શા માટે કરવો જોઈએ ? હું જાણું છું કે તે મારા હિતના વિચારથી પ્રેરાઈને જ મને ધર્મશાળા છોડવા બદલ આ રીતે ઠપકો આપતા હશે. તેમનો હેતુ પવિત્ર જ હોય તેમાં શંકા નથી. પણ પોતાની ઈચ્છાને થોડી વાર માટે બાજુ પર રાખીને તેમણે મારી પ્રત્યે સહેજ વધારે સહાનુભૂતિ બતાવી હોત ને મને સ્નેહથી સાંભળ્યો હોત તો ઘણી ગેરસમજૂતી દૂર થઈ જાત. ઈશ્વરની શક્તિ અનંત છે. તે ધારે તે કરી શકે છે. તે ઈશ્વર મારા જેવા અનધિકારી સાધનહીન શિશુને કોઈ કારણથી પ્રેરણા આપે તો તેમાં ના માનવા જેવું કે આશ્ચર્ય પામવા જેવું શું છે ? તે પ્રેરણા મને કેવી રીતે મદદરૂપ થઈ ને તેના પરિણામે ધર્મશાળાનો ત્યાગ કરીને મેં શું શું કર્યું તેની માહિતી મેળવવાથી સ્વામીજીને આનંદ થયો હોત. પણ તે વિશે વાતચીત કરવાને બદલે તેમણે મારી સાથે જુદી જ રીતે વાતચીત શરૂ કરી. તે વાતચીતનો અંત પણ જુદો જ આવ્યો.

તેમણે કહ્યું : ‘ઠીક, હવે જ્યાં જવાની મરજી હોય ત્યાં જાવ.’

અંદરની ઓરડીમાંથી એક વિદ્યાર્થી અમારી વાતચીત સાંભળી રહેલો. તેની ઈચ્છાથી અર્ધો કલાક વાત કરીને મેં સ્વામીજીની વિદાય લીધી. તે પછી આજ સુધી તેમને મળવાનો અવસર નથી આવ્યો. તેમણે કરેલા વિરોધી વર્તન છતાં મારા દિલમાં તેમને માટેનો સન્માનભાવ કાયમ જ છે ને કાયમ જ રહેશે. મેં પહેલા જ કહી દીધું છે કે સંસારમાં વિચારના મતભેદ તો રહેવાના જ. તે રહે તો પણ પરસ્પરનો પ્રેમભાવ ચાલુ રહી શકે છે ને ચાલુ રહે તે જરૂરી છે. સાચા સંતો સૌમાં પરમાત્માનું દર્શન કરે છે ને સૌને પ્રેમ કરે છે. તેવા સાચા સંતોને પગલે ચાલવાનો મારો પ્રયાસ છે. તેમની કૃપાથી મારો મનોરથ ને પ્રયાસ જરૂર સફળ થશે એવો વિશ્વાસ છે.

બાળપણમાં મારું મન ઈશ્વર તરફ દોરાવા માંડ્યું ત્યારે ને તે પછી લાંબા વખત સુધી મને શ્રી રામકૃષ્ણ જેવા સદગુરુના સમાગમની ઈચ્છા હતી. તેમના જેવા મહાપુરુષના દર્શનની ઈચ્છાથી પ્રેરાઇને મેં કેટલાય સંતોની મુલાકાત લીધી ને પ્રભુને સતત પ્રાર્થના કરી. પણ મારે કહેવું જોઈએ કે એવા મહાપુરુષ મને હજી સુધી નથી મળ્યા. સુક્ષ્મ જગતમાં તેવા મહાપુરુષનું મિલન થયું છે પણ સ્થૂળ જગતમાં તેમની સાથે સતત રહેવાનો લાભ મને નથી મળ્યો. જેને જોઈને આંખ ને અતંર ઠરે ને હૃદય જેના ચરણોમાં સમજ ને સ્નેહથી સર્વસમર્પણ કરે એવા સંતનો સમાગમ હજી સુધી નથી થયો. જે મને સહાનુભૂતિથી સમજી શકે અને માર્ગદર્શન આપે એવા મહાપુરુષને મળવાની મારી ભાવના હતી તે અધુરી જ રહી છે. છતાં પણ, ગુરુની પ્રાપ્તિનો પ્રશ્ન લાંબા વખતથી ઉકલી ગયો છે. ઈશ્વરરૂપી 'મા' મારી ગુરુ બની છે. એણે મને પથપ્રદર્શન પ્રદાન કર્યું છે ને સુયોગ્ય સમયે સહાયક સ્વાનુભૂતિસંપન્ન સંતોનો સમાગમ કરાવી આપ્યો છે. પરમાત્મારૂપી પરમ માતાની મારા પર કૃપાદૃષ્ટિ છે, એટલે હું સર્વ કાળે સર્વ સ્થળે સુરક્ષિત છું. એના અસાધારણ અમોઘ અનુગ્રહથી આજે મને શાંતિ છે. જે એનું સાચા દિલથી શરણ લેશે, એના સદગુરુ તરીકે એ કાર્ય કરશે અને એની મંગલમય માતા બનીને, એના સઘળાં મનોરથને પૂરા કરીને, એને શાંતિ આપશે.

 

 

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok