Saturday, July 04, 2020

સરોડામાં

 વડોદરામાં અલકાપુરીમાં ચંપકભાઇના મામા રહેતા. તેમની મુલાકાત લેવાનો ને પાછળથી તેમને ત્યાં થોડા દિવસો રહેવાનો મને લાભ મળ્યો. તેમના ઘરનું વાતાવરણ શાંત, પવિત્ર ને ભક્તિમય હતું. નાનાં બાળકોમાં પણ ભક્તિના શુભ સંસ્કારો જોવા મળતા. ઘરમાં નાનું સરખું મંદિર હતું. ત્યાં સવારે આરતી વખતે સૌ ભેગા મળતા. ચંપકભાઇના મામા શ્રી અડાલજા ખૂબ જ નમ્ર, નિખાલસ ને પ્રભુપરાયણ હતા. દિવસનો વધારે ભાગનો વખત તે પ્રભુસ્મરણમાં જ પસાર કરતા. તેમની ઇચ્છાથી મેં તેમની સાથે થોડોક સમય ધ્યાન કરવાનું સ્વીકાર્યું. તે પ્રમાણે તે સવારે પણ ત્રણ વાગે મને બોલાવવા આવી પહોંચતા. તે પછી અમે તેમના ખંડમાં પ્રવેશ કરતા. અનુભવને કારણે જમીન પર બેસવાને બદલે તે ખુરશી પર બેસવાનું વધારે પસંદ કરતા, એટલે મારે માટે પણ તે ખુરશીની વ્યવસ્થા કરી રાખતા. ધ્યાન કરતી વખતે તે ટટ્ટાર બેસતા. તેમની મોટી ઉંમર હોવા છતાં તેમણે આસનની ટેવ સારા પ્રમાણમાં કેળવેલી. લગભગ એક કલાક પછી હું તેમની વિદાય લેતો. પણ તેમનું ધ્યાન તો ચાલુ જ રહેતું.

તેમને સાત પુત્રો ને એક પુત્રી હતી. તે સૌમાં સારા સંસ્કારોનું દર્શન થતું. તેમના એક સુપુત્રને સૌ મોટાભાઇના મીઠા ને માનવાચક નામથી સંબોધતા. મોટાભાઇ ખરેખર સૌના માનના લાયક હતા. તેમનું જીવન કેવળ ભક્તિમય હતું. તેમના હૃદયમાં પ્રભુનો પવિત્ર પ્રેમ સદા ઉછાળા માર્યા કરતો. વ્યવહારમાંથી મન પાછું વાળી લઇને તે રાતદિવસ પ્રભુના સ્મરણમનનમાં જ મગન રહેતા. તેમનો સ્વભાવ સરળ ને સ્નેહમય હતો. ઘર ને કુટુંબના સભ્યોમાં જે ધાર્મિક સંસ્કારો જોવા મળતા, તેની પાછળ તેમનું મહાન વ્યક્તિત્વ કામ કરતું. સંસારમાં રહીને પ્રભુપરાયણ થવાની વિકટ સાધના પ્રભુની કૃપાથી તેમને માટે સહજ થઇ ગયેલી. તેની પાછળ બંગાળના મહાન સંત શ્રી હરનાથ પાગલની પ્રેરણા ને શક્તિ અથવા કૃપા કામ કરી રહેલી. તે મહાન કૃષ્ણપ્રેમી સંતપુરુષના સમાગમનો તેમને લાભ મળેલો. તે તેમના જીવનમાં ભારે કીમતી સાબિત થયેલો. સંતોની કૃપા ભારે શક્તિશાળી હોય છે. તેનો લાભ પણ કોઇ બડભાગીને જ મળી શકે. તેનો સ્વાદ સાંપડવાથી મોટાભાઇનું સમસ્ત જીવન જાણે કે ફરી ગયેલું. તેમના પરિચયથી મને ઘણો આનંદ થયો. તેમના ઘર જેવું પ્રભુમય વાતાવરણવાળું ઘર આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે.

વડોદરાથી અમદાવાદ આવીને અમે તારાબેનને મળ્યા. તારાબેનની ઉંમર નાની હોવા છતાં સમજ સારી હતી, તે મેં આગળ પર કહી દીધું છે. માતાજીની હિમાલયયાત્રા સુખપૂર્વક પુરી થઇ ને મારી સાથે તે અમદાવાદ પાછાં આવ્યાં તે જોઇને તેને ખૂબ જ આનંદ થયો. અમદાવાદમાં થોડા દિવસ ઋષિકેશમાં મળેલા દામોદરદાસભાઇને ત્યાં મારે રહેવાનું થયું. દામોદરદાસ તો ઋષિકેશથી આવ્યા પછી થોડાક વખતમાં સ્વર્ગસ્થ થયેલા, પરંતુ તેમનાં પત્ની ને બીજાં કુટુંબીઓ ખૂબ જ માયાળુ હતા. તેમણે મારી પ્રેમથી સેવા કરી. તેમને ત્યાં મારે લાંબા વખત લગી રહેવાનું થયું.

તારાબેનને લઇને દિવાળી પછી અમે સરોડામાં આવી પહોંચ્યા. મારા જીવન સાથે ઇશ્વરની ઇચ્છાથી સરોડાની ભૂમિ સંકળાયેલી છે. તેની પાછળ સંસ્કારોનું કયું કારણ કામ કરી રહ્યું છે તે તો ઇશ્વર જ જાણે છે. સરોડાની ભૂમિ મને સંતોષકારક લાગી છે તેમાં શંકા નહિ. સાબરમતીની સોડમાં વસેલું સરોડા શાંતિમય લાગે છે. ગામમાં કેળવણી ને સંસ્કારનું પ્રમાણ ઘણું ઓછું છે. કુસંપ, ફાટફૂટ ને રાગદ્વેષનો પાર નથી. છતાં ગામની આજુબાજુ મળી આવતા અવશેષો પરથી અનુમાન થાય છે કે ભૂતકાળમાં તેનું ગૌરવ ઘણું ભારે ને તેનો વિસ્તાર પણ ઘણો મોટો હશે.

ગામના માણસોને માટે મારા જીવનનો ઇતિહાસ તદ્દન નવો હતો. તેમાંના વધારે ભાગના માણસોને હિમાલયની માહિતી પણ ન હતી. મારા જેટલી નાની ઉંમરમાં કોઇ શાંતિ ને મુક્તિને મેળવવા માટે હિમાલય જાય, તે તેમની કલ્પનાની બહારની વાત હતી. તેવા માણસોને મારો વેશ વિચિત્ર લાગે ને ના ગમે તે સમજી શકાય તેવું હતું. એટલે ગામમાં મારા વિશે ભાતભાતની વાતો થવા માંડી. ગામના લોકો મને જોવા ભેગા થવા માંડ્યા. મારા વિચાર, ભાવ અથવા વર્તનને ગાંડપણમાં ગણનારા ને ગણાવનારા લોકો પણ હયાત ન હતા એમ નહિ. તેમનું ખાસ કારણ આધ્યાત્મિક સંસ્કાર ને સમજના અભાવનું હતું. એમની અજ્ઞાનતા માટે અનુકંપા ઉત્પન્ન થાય એમ હતી. પૂર્વજન્મનું જ્ઞાન થયા પછી મારે માટે તો બધું સાફ હતું. પૂર્વસંસ્કારનો પડદો હઠી ગયેલો એટલે મારા વર્તમાન જીવનનું રહસ્ય મારી સમજમાં આવી ગયું. તેથી મારા મનમાં કોઇ શંકા ન હતી. પૂર્વજન્મનું જ્ઞાન થવાથી મારી અંદરનો અનાસક્તિનો ભાવ વધારે દૃઢ થયો. મારા સત્ય સ્વરૂપનું જ્ઞાન થવાથી મને કશામાં મમતા થતી ન હતી. રાગ ને દ્વેષના ભાવો મારામાં નહોતા ઉઠતા. એક પ્રકારની ઊંડી શાંતિનો અનુભવ મને હંમેશા થયા કરતો.

સરોડામાં મને પ્રેમભાવે જોનારા પુરુષો પણ હતા. તેમાં ઇશ્વરલાલ પુરાણી ને રમતાશંકર મુખ્ય હતા. તે બંને ગામના રત્ન જેવા હતા. તેમના ધાર્મિક સંસ્કારો ઘણાં ઊંચા હતા. પુરાણી મહારાજ સંસ્કૃતના મોટા પંડિત હોવા ઉપરાંત તદ્દન નિસ્પૃહી સ્વભાવના હતા. ભાગવત, ગીતા તથા અદ્વૈત વેદાંતના રસિયા હતા. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તે એક વિરક્ત પુરુષનું જીવન જીવતા. રમતાશંકર પણ સંતોના સેવક હતા. રામાયણ, મહાભારત ને ભાગવત જેવા ધર્મગ્રંથોનું પારાયણ કરવાનો તેમનો નિત્ય નિયમ હતો. તે દ્વારા તે બીજાને પણ લાભ આપતા. ભજન ગાવાનો પણ તેમને શોખ હતો. તે બંને પુરુષો મને બાળપણથી જ ઓળખતા તેથી મારા પર ખૂબ જ પ્રેમ રાખતા.

સરોડાની નાની સરખી મઢૂલીમાં થોડા દિવસ રહીને મેં મુંબઇ જવા વિદાય લીધી. મુંબઇમાં નારાયણભાઇ બોલાવી રહ્યા હતા. તેમનો પ્રેમ ભારે હતો. સરોડાની મઢૂલીમાં માતાજી ને બેન ઉપરાંત પિતાજીના માતાજી પણ હતા. તેમની ઉંમર ઘણી મોટી હતી. તેમનું નામ સાંકુબા હતું. છેલ્લા કેટલાક વખતથી તેમણે આંખોની દૃષ્ટિ ખોઇ નાખેલી. તેમનું હૃદય નિષ્કપટ ને નિષ્પાપ હતું. તે મને સરોડા રહેવા સમજાવતા પણ ઇશ્વરની ઇચ્છા જુદી જ હતી. તેમની ને બેનની સેવા કરવા માતાજીને ઘેર રહેવાની જરૂર હતી. તે વખતે માતાજીને કલ્પના પણ ક્યાંથી હોય કે એક દિવસ તેમના બધા જ સાંસારિક બંધનો તૂટી જશે ને મારી સાથે રહેવાનો અવસર તેમને ઇશ્વરની કૃપાથી આવી મળશે ! તેમને તો તે વખતે એમ જ કે બાકીનું જીવન હવે આ મઢૂલીમાં જ સુખેદુઃખે પૂરું કરવું પડશે. મારી સાથે રહેવાની તેમની ઇચ્છા હતી, તે કેવી રીતે પૂરી થાય તે સમજાતું ન હતું. પણ ઇશ્વરની લીલા અપાર છે. તે તેનો રસ્તો કેવી રીતે કરે છે તે કોઇ જ કહી શકતું નથી, સાધારણ માણસ તો નહિ જ. તેની કૃપાથી તેમની મારી સાથે રહેવાની ઇચ્છા આજે કેટલાય વખતથી પૂરી થઇ છે. તે કેવી રીતે પૂરી થઇ તેનો વિચાર યોગ્ય સમયે કરી શકાશે. હાલ તો આટલું જ.

ઇ. સ. ૧૯૪૪ નું વરસ મારા જીવનમાં ભારે મહત્વનું શકવર્તી વરસ સાબિત થયું. તે વરસની શરૂઆતમાં જ મેં દશરથાચલ પરથી ઉતરીને દેવપ્રયાગમાં નિવાસ કર્યો. ત્યાં શ્રી કૃષ્ણના દર્શન માટે કઠોર વ્રત કર્યું. ત્યાં પછી ટિહરીમાં વેદબંધુ જેવા મહાપુરુષનો મેળાપ થયો. સ્વામી રામતીર્થના પવિત્ર સ્થાનની મુલાકાત લીધી. ઋષિકેશના ભગવાન આશ્રમમાં મહાપુરુષના દર્શનનો દૈવી અનુભવ મળ્યો, તે પછી ઉત્તરકાશીનો સુખમય નિવાસ થયો, ત્યાં કેટલાંક ઉત્તમ અનુભવો મળ્યા. તે પછી જમનોત્રી યાત્રામાં પૂર્વજન્મનું જ્ઞાન થયું, હિમાલયની પ્રસિદ્ધ યાત્રા થઇ, ઋષિકેશમાં નિવાસ ને માતાજીની માંદગીનો પ્રસંગ બન્યો. વળી યાત્રા થઇ ને છેવટે ગુજરાતમાં આવવાનું થયું. એ વરસે મને શાંતિ આપી અને અનેક અવનવા અનુભવો પૂરા પાડ્યા.

એ વરસ દરમ્યાન એક બીજો બનાવ પણ બની ગયો. એક ભાઇની ઇચ્છા તેમની કન્યા સાથે મારું લગ્ન કરવાની હતી. તે મને મળવા સરોડા આવી પહોંચ્યા. પરંતુ મારું મન મક્કમ જોઇને તેમણે તે વાત  પડતી મૂકી. અત્યાર સુધીના મારા જીવનનો ઘાટ જ જે રીતે ઘડાયો હતો તેની ને મારા વિચારોની તેમને કલ્પના પણ ક્યાંથી હોઇ શકે ?

 

 

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok