Saturday, July 04, 2020

કવિવર ન્હાનાલાલનો મેળાપ

 ગુજરાત ને ગુજરાતી ભાષાના સાહિત્યમાં રસ ધરાવનારા માનવો કવિ ન્હાનાલાલના નામથી પરિચીત ના હોય એવું ભાગ્યે જ બને. ગુજરાતી સાહિત્યમાં કવિ ન્હાનાલાલનો ફાળો અજોડ છે. તેમની મહત્તાનો ખ્યાલ તો એટલા પરથી જ આવી શકે છે કે તેમના નામથી ગુજરાતી સાહિત્યમાં ન્હાનાલાલ યુગ ચાલે છે. અમદાવાદમાં મને તેમના પરિચયનો લાભ સહેજે મળી ગયો. હું જેમને ત્યાં થોડા દિવસ રોકાયો હતો તે ભાઇને ત્યાં ખાસ આમંત્રણથી તે એક દિવસ સાંજે આવી પહોંચ્યા.

તેમના પર મને પહેલેથી જ પ્રેમ હતો. મુંબઇના જીવન દરમ્યાન મેં તેમના પુસ્તકોનું વાચન અત્યંત રસપૂર્વ કર્યું હતું. તે પછી વડોદરામાં રહેવાનું થયું ત્યારે પણ તેમના સાહિત્યનો સ્વાદ લેવાનું કામ ચાલુ જ રાખેલું. તેમનું સાહિત્ય મને ખૂબ જ ગમી ગયેલુ. તેમની ઉચ્ચ કલ્પના ને ચિંતનશક્તિ, શબ્દો ને ભાવોની કલાત્મક પસંદગી ને શૈલી માટે મને માન હતું. તે માન તેમના વિવિધ ગ્રંથોનો પરિચય વધતો ગયો તેમ તેમ વધતું જ ગયું. એવા એક સમર્થ સાહિત્યસ્વામીના સમાગમનો લાભ મળવાથી મને આનંદ થયો.

પહેલા પરિચયે જ તે ખૂબ જ સાદા ને નમ્ર છે એવી છાપ પડ્યા વિના રહી નહિ. સાહિત્ય તેમજ બીજા વિષયો વિશે થોડીક વાતચીત થયા પછી મેં તેમને મારા લખેલા 'અનંત સૂર'ના કેટલાક હસ્તલિખિત ગદ્યકાવ્યો બતાવ્યા. તે જોઇને તે પ્રસન્ન થયા ને કહેવા માંડ્યા, 'તમે તો મંથન કરીને અમૃત કાઢ્યું છે. ખરેખર તમારું લખાણ ખૂબ જ ઊંચી કોટિનું છે.'

તેમના શબ્દો પછી મને લાગ્યું કે તે ગુણગ્રાહી છે, બીજાની અંદર જે સારાંશ રહેલો છે તેને તે એક કુશળ ઝવેરીની જેમ જાણી ને મૂલવી શકે છે. તેમ ના હોય તો મારા સાધારણ કાવ્યોની તે આવી સુંદર પ્રશસ્તિ ના જ કરે. બીજાના ગુણને જાણવામાં ને જાણીને પ્રસન્ન થવામાં તથા વખાણવામાં ઓછી ઉદારતાની જરૂર નથી પડતી. એવી ઉદારતા કોઇ મોટા દિલના કે મનના માણસમાં જ હોઇ શકે.

બે ચાર દિવસ પછી તેમના આમંત્રણથી અમે તેમની વળતી મુલાકાત લીધી. એલિસબ્રીજ પરના તેમના મકાનમાં અમારું સ્વાગત તેમણે ખૂબ જ ભાવપૂર્વક કર્યું. તેમનો પ્રેમ ભારે હતો. તે વખતે તેમણે હાથમાં તંબૂરો લઇને ત્રણ-ચાર ભજનો ગાયાં તે પ્રસંગ સદા માટે યાદ રહેશે. તે વખતના ન્હાનાલાલ જાણે જુદા જ હતા. તેમના હૃદયનો ભક્તિભાવ તેમના સુમધુર સ્વરમાં ઠલવાયા કરતો. એ મહાન સાહિત્ય સ્વામીનું આર્થિક જીવન સારું ન હતું એવું મેં સાંભળેલું. પણ તેમના મંગલ મન પર તેની કોઇ ખાસ અસર ના દેખાતી. તેમના પ્રેમાળ પત્ની કુશળતાપૂર્વક ઘર ચલાવ્યા કરતાં ને તે નવી નવી કૃતિની રચનાના કામમાં મશગુલ રહેતા. સાદા સંકટમય જીવનમાં પણ તે સંતોષ અને આત્માનંદને જાળવી રાખતા. તેમને આનંદમગ્ન દશામાં તંબૂરા પર ભજન ગાતા જોઇને મને કવિ બાલાશંકરની પેલી પ્રસિદ્ધ પંક્તિ યાદ આવી :

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,

નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે !

ને કવિશ્રીની નમ્રતાનો એક બીજો નમૂનો તો જુઓ. તેમની વિદાય લેતી વખતે તેમણે તેમની અપ્રકટ રચના 'હરિસંહિતા' મારા હાથમાં મુકી ને સૂચના કરી : 'આ મારી નવી રચના છે. જરા નિરાંતે જોઇ જજો ને કેવી લાગે છે તે વિશે મને અભિપ્રાય આપજો.'

મેં કહ્યું : 'તમારી રચના વિશે હું શું અભિપ્રાય આપી શકું ?'

'કેમ ના આપી શકો ?' તે તરત બોલી ઉઠ્યા, 'તમે ઘણું ઘણું જાણી ને કહી શકશો.'

મારે એમના આગ્રહથી 'હરિસંહિતા' લેવી જ પડી. બીજા કોઇ અભિમાની કવિને મારા કે કોઇના અભિપ્રાયની શી પડી હોય ?

તે પછી તેમને મળવાનો પ્રસંગ તો ના મળ્યો પણ 'હરિસંહિતા' વાંચીને પાછી મોકલતી વખતે મેં તેમને લખી જણાવ્યું કે 'હરિસંહિતા મને ગમી છે, મોરના ઇંડાને ચીતરી બતાવવાની જરૂર નથી, તેમ તમારી કૃતિની પ્રશસ્તિ પણ જરૂરી નથી. પ્રત્યેક કૃતિ પોતે જ પોતાની પ્રશસ્તિ છે.'

કવિ ન્હાનાલાલનો પ્રત્યક્ષ પરિચય મારે માટે જો કે થોડો હતો. પણ તેથી મારો તેમના પ્રત્યેનો પ્રેમ ખરેખર વધી ગયો. કવિશ્રીનું સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ કીમતી અને અપૂર્વ છે. કેટલાક લોકો એ કવિને ગુજરાતના ટાગોર કહે છે. એક કવિને બીજાની સાથે સરખાવવાનું કામ કઠિન છે. પરંતુ એટલું તો સાચું કે કવિ ન્હાનાલાલનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે. તેમણે ગુજરાતી સાહિત્યને સુશોભિત, સુસમૃદ્ધ, યશસ્વી કર્યું છે. આંતરપ્રાંતીય તેમજ આંતરરાષ્ટ્રીય સાહિત્યની સામે માનપૂર્વક રજૂ કરી શકાય એવું જે થોડું સારું સાહિત્ય ગુજરાતી ભાષામાં છે, તેમાં કવિશ્રીનું સાહિત્ય ખાસ આગળ પડતું છે. કેટલાક વિવેચકોએ તેમની ડોલનશૈલીની કડક ટીકા કરી છે. તે શૈલીને ગદ્યમાં ગણવી કે પદ્યમાં તે વિશે પણ મતભેદ છે. પણ તે મતભેદે વ્યક્તિગત કટુતાનું સ્થાન ના લેવું જોઇએ. સાહિત્યમાં નવા પ્રયોગો સદાને માટે આદરણીય ગણાવા જોઇએ. તે ઉપરાંત ડોલનશૈલીનો પ્રયોગ કોઇને પસંદ હોય કે ના હોય તો પણ કવિના ઘણાં ગ્રંથો તે શૈલીમાં લખાયેલા છે. તેથી પસંદગી કે નાપસંદગીના વમળમાંથી બહાર નીકળીને એક હકિકતની દૃષ્ટિએ તે ગ્રંથોનું સાહિત્યની ગુણવત્તાને આધારે વિચારીને મૂલ્ય આંકવાની આવશ્યકતા છે. તે શૈલીની સામે સામ્યવાદ વિરોધી માનસ જેવું કટ્ટર માનસ કેળવવાની ને નિરર્થક પ્રચાર કરવાની જરૂર નથી. ડોલનશૈલીના સાહિત્યને ગદ્યનું સાહિત્ય કહેવામાં આવે, પદ્યનું ગણવામાં આવે, કે અપદ્યાગદ્યનું ત્રીજું જ નામ આપવામાં આવે તે વાત ગૌણ છે. મુખ્ય વાત તો એ છે કે તે સાહિત્ય છે. તેનો પ્રકાર ગમે તેવો હોય, તેથી તે સાહિત્ય મટી જતું નથી. તેના પ્રકાર વિશે વિવાદ ભલે થાય, જેને યોગ્ય લાગે તે તેવો વિવાદ ભલે કર્યા કરે, પરંતુ તે વિવાદની આડમાં તેની સાહિત્ય તરીકેની મહત્તાને ભૂલવાની ભૂલ ના કરવી જોઇએ. તેવી ભૂલ કરવાથી કવિશ્રીને ન્યાય નહિ કરી શકાય. એટલે કવિની ડોલનશૈલીના ગુણદોષ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિવેચકોએ તેમણે પીરસેલા સાહિત્યની ખૂબી અને વિશેષતાને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તેમ કરવાથી કવિશ્રી મહાન અને ગુજરાતે ગૌરવ લેવા જેવા કવિ છે એ સત્યની પ્રતીતિ થશે.

કવિના સાહિત્યની ચર્ચાવિચારણાનું આ સ્થાન નથી, એટલે આથી વિશેષ તો અહીં શું કહી શકું ? તેમનું સાહિત્ય સૌ વાંચે ને વિચારે એમ ઇચ્છું છું.

ઇ. સ. ૧૯૪૫ની શરૂઆતમાં મારે મુંબઇ જવાનું થયું ત્યારે મેં નારાયણભાઇને મારી જીવનસાધનાથી વાકેફ કર્યા, તે જાણીને તેમને આનંદ થયો. તે મને વિદ્યાભ્યાસના કાળથી જાણતા. તેમનું હૃદય ઘણું પવિત્ર હતું. તેમનામાં ઘણાં સદગુણો ને સાધનાના રહસ્યો તથા માનવસ્વભાવના જુદા જુદા પાસાંને સમજવાની શક્તિ હતી. તેમની ભારોભાર સરળતા, સાદાઇ ને નિષ્કપટતાને કહી બતાવવા મારી પાસે શબ્દો નથી. તે વખતે બી. એ. ની પરીક્ષા પાસ કરીને તે સુનિતી ગર્લ્સ હાઇસ્કૂલમાં કામ કરતા. અભ્યાસ દરમ્યાન તે એક ચારિત્ર્યશીલ ને બુદ્ધિશાળી વિદ્યાર્થી ગણાતા ને વિદ્યાર્થી તથા શિક્ષકોમાં સરખું માન ધરાવતા. તેમને ત્યાં મારે જેટલા દિવસ રહેવાનું થયું તેટલા દિવસ તે અતિશય આનંદમાં રહ્યા. તેમનાં માતાપિતા પણ પ્રેમાળ, પ્રભુપરાયણ ને પવિત્ર હતાં.

છેવટે ઇ. સ. ૧૯૪૫ની શરૂઆતમાં મેં અમદાવાદથી હિમાલય માટે પ્રસ્થાન કર્યું. નીકળતી વખતે માતાજીને મળી શકાયું નહિ. માતાજી તથા તારાબેન તે વખતે સરોડા હતા. બેનને તે વખતે પુત્રજન્મ થઇ ચુકેલો.

આત્મકથાના આ લખાણમાં, આની પછીના લખાણમાં, કે મારા બીજા લખાણમાં જે લખાયું છે તે સત્યને વફાદાર રહીને કેવળ તટસ્થતાપૂર્વક લખાયું છે. મારા વિશે કોઇ ઠેકાણે સારું પણ લખાયું હશે. તે ઉપરાંત કોઇને માટે મેં કોઇ ઠેકાણે જરા વિરોધી વાત પણ લખી હશે. પણ તે બંને પ્રકારના લખાણોના મૂળમાં કોઇ જાતની આત્મવિજ્ઞાપન કે આત્મપ્રશસ્તિની કે બીજા પ્રત્યેની રાગદ્વેષની ભાવના બિલકુલ નથી. જે જોયું છે, લાગ્યું છે, સમજાયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે તે મારામાં રહેલી સ્વાભાવિક સરળતા કે નિખાલસતાને લીધે મેં સહજ રીતે જ પ્રકટ કર્યું છે. સમજુ માણસોને એ સમજતાં સહેજ પણ વાર નહિ લાગે.

ત્રેવીસ વરસનો કાળ અનંત જીવનનો બહુ મોટો કાળ નથી. છતાં તેટલાં અલ્પ સમય દરમ્યાન પણ મને અનેક નોંધપાત્ર અનુભવો થયા છે ને જાણે યુગોનું જીવન જીવાઇ ગયું છે. એ કાળ દરમ્યાન કેટલાંય સ્થળો ને કેટલીય વ્યક્તિઓના સમાગમમાં આવવાનું થયું. તે કાળ આજે સ્મરણરૂપ બની ગયો છે. તે પછીનો કાળ પણ પાણીના પ્રવાહની પેઠે વેગથી વહેતો જાય છે. જે ભવિષ્ય છે તે વર્તમાન ને વર્તમાન છે તે ભૂતકાળમાં પલટાયા કરે છે. આવા ચંચલ જીવનમાં પરમાત્માનો રસ ને પરમાત્મા જ અચંચળ અને અમર છે. તેથી તેમની સાથે જ સંબંધ બાંધવા જેવો છે. એ સંબંધને સુદૃઢ કરવાનો મારો સંકલ્પ છે.

 

 

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok