Saturday, July 04, 2020

ભગવાન રમણ મહર્ષિના દર્શને

 ઇ. સ. ૧૯૪૫ના શિયાળામાં અમદાવાદથી મેં હિમાલય માટે પ્રસ્થાન કર્યું. મને યાદ છે ત્યાં સુધી તે મહા મહિનાનો શરૂઆતનો સમય હતો. ઠંડી ખૂબ જ હતી. પરિણામે મને શરદી થઇ ગઇ ને માનસિક ગડમથલ પણ થઇ. ટ્રેનમાં એમ જ થયા કર્યું કે રસ્તામાં આટલી બધી ઠંડી છે તો હિમાલયમાં શું નહિ હોય ? આટલે દૂર કષ્ટ વેઠવા જવાનું શું કામ ? શું સરોડામાં રહીને જ સાધના ના થાય ? મને ચોક્કસ લાગ્યું કે આટલા વહેલા અને આવી ઠંડીમાં હિમાલય જવાનું ઠીક નથી અને ઇશ્વરેચ્છા હોય તો હવે સરોડા જ રહેવું. પરિણામે દિલ્હી ઉતરીને વળતી જ ગાડીએ હું અમદાવાદ આવવા માટે પાછો ફર્યો.

પરંતુ સરોડામાં ઘરમાં બેઠો કે તરત જ મારો અંતરાત્મા જાગી ઉઠ્યો. 'આ વાતાવરણ હિમાલયની તોલે આવે ? હિમાલય ક્યાં ને આ ક્યાં ? હિમાલય તો ઋષિમુનિઓની તપસ્યાભૂમિ. યોગીઓનું ક્રીડાસ્થળ. તારે માટે એ જ હિમાલયમાં રહીને તપ કરવા લખાયેલું છે.' આત્માનો અવાજ ખૂબ જ શાંત છતાં પ્રભાવશાળી ને સખત હતો. તેની સામે દલીલ કે તર્કને માટે અવકાશ ન હતો. તર્ક કરવાની ઇચ્છા જ થતી ન હતી. એટલે આત્માના એ અવાજને મેં સ્વીકારી લીધો, માની લીધો, ને વિચાર કર્યો કે સરોડા આવી તો પહોંચ્યો છું, હવે એકાદ મહિનો રહી લઉં ને પછી જ હિમાલય તરફ પ્રયાણ કરીશ. જેણે ઇશ્વરને માટે જીવનને અર્પણ કર્યું, પ્રભુની પાછળ ભેખ લીધો તેને વળી ઠંડી કે એવા કોઇયે પ્રકારના કષ્ટથી ડરવાનું શું ? તેનો ભાર તો ઇશ્વરને માથે છે, તેની ચિંતા તો તેને છે, જેને સારી સૃષ્ટિની ચિંતા છે. તેણે તો આત્માને વફાદાર રહીને સત્યને માર્ગે ધપ્યે જ જવાનું છે. સંકટ કે કશાથી ડરવાનું નથી. ઇશ્વર તેની રક્ષા કરવા સદાય તૈયાર છે ને તૈયાર રહેશે.

અને ઇશ્વરની પ્રત્યેક પ્રેરણામાં ઉંડુ રહસ્ય ક્યાં નથી હોતું ? દિલ્હીથી પાછા લાવવામાં પણ ઇશ્વરનો સુનિશ્ચિત સંકેત હતો જ. થોડા જ વખતમાં તે પ્રકટ થયો. મનમાં થયું કે આટલે આવવાનું થયું છે ને હજી વખત છે તો મદ્રાસ તરફ જઇને રમણ મહર્ષિનું દર્શન કરી આવું. મહર્ષિ વિશે સાંભળેલું ને વાંચેલું પણ ખૂબ, એટલે તેમના દર્શનની ખાસ ઇચ્છા થઇ આવી. મેં એમની પાસે પહોંચવાનો નિર્ણય કર્યો.

સરોડામાં એકાદ માસ રહ્યો તે દરમ્યાન શરીર સારું થઇ ગયું. તે પછી વડોદરા થઇને પ્રેમી ગિરધરભાઇ સાથે રમણ મહર્ષિના આશ્રમે જવા માટે પ્રયાણ કર્યું. 'होवत सोही जो राम रची राखा' રામે રચ્યું હોય છે તે જ થઇને રહે છે - એ કેટલું સાચું છે ? માણસને કલ્પના કે સમજ ના હોય તો પણ તે જ થાય છે. તો પછી માણસ આ સત્યને સમજી જાય ને રામની ઇચ્છાને જીવનમાં જોતા શીખે તો ? કેટકેટલા દુઃખ ટળી જાય, પરિતાપ શમી જાય ને ક્લેશમાંથી માણસ બચી જાય. પણ ઝેરી સર્પની જેમ નિરંતર ફણા ઉંચી કરીને ઊભેલું પેલું અહંકર્તાપણાનું અભિમાન છુટવું મુશ્કેલ છે. વાંદરીના બચ્ચાં જેમ માના પેટ સાથે વળગી રહે છે તેમ માનવમનને મજબૂત રીતે તે વળગ્યું છે. તે છૂટવાથી જીવનની ઘણી સમસ્યાઓનો સુખદ ઉકેલ આવી જાય છે. માણસ કર્તવ્ય કરે છે પણ તેના ફળ કે પરિણામથી નિર્લેપ રહે છે, ને બીજાને પણ પૂરી સહાનુભૂતિથી જોતાં શીખે છે. ઇશ્વરના એ અલૌકિક વિધાનને ઓળખતાં શીખવું તે જીવનનો મોટો પુરુષાર્થ છે.

અમે રમણ મહર્ષિના દર્શને રમણાશ્રમમાં પહોંચ્યા ત્યારે સવારનો વખત હતો. આશ્રમમાં જઇને સરસામાન મુકીને સીધા જ મહર્ષિના દર્શને ગયા. અમારી પહેલા જે ત્રણ ચાર માણસો હતાં તેમણે સૌએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અમે પણ પ્રણામ કરીને બધાની સાથે જમીન પર બેસી ગયા.

વાતાવરણ શાંત હતું. મહર્ષિ ઉંચે સોફા જેવા આસન પર બેઠેલા. ખંડમાં ચાલીસ જેટલા દર્શનાર્થી શાંતિથી મહર્ષિ સામે જોતા બેઠા હતા. મહર્ષિ કૈંક વાંચવાના કામમાં રોકાયેલા. થોડીવાર પછી તેમણે વાંચવાનું બંધ કર્યું ને પ્રેક્ષકો સામે જોવા માંડ્યું.

મહર્ષિની મોટી ઉંમર તેમના ચહેરા પરથી સહેલાઇ જણાઇ આવતી. તેમના મસ્તકમાં થોડો કંપ થતો, છતાંય તેમના મુખ પર ગંભીરતા, શાંતિ ને નિર્વિકારીતા જણાઇ આવતાં. એ ગંભીરતા આત્માને શોધીને તેની સાથે એકરૂપ થઇ ગયેલા જ્ઞાની પુરુષની ગંભીરતા હતી. એટલે તેમાં રસના બાહ્ય શોધકોને રસ ના મળે એ દેખીતું છે. પરંતુ જ્ઞાનનો પણ રસ હોય છે. અલબત્ત, તે સંપૂર્ણ શાંત રસ હોય છે. મહર્ષિની મુખાકૃતિમાં તે રસ સ્પષ્ટ જણાતો. મહર્ષિનું વ્યક્તિત્વ એકંદરે પ્રભાવોત્પાદક બિલકુલ ના જણાયું. પહેલી દૃષ્ટિએ છાપ પાડી જાય ને પોતાના વ્યક્તિત્વથી અસર કરી જાય એવા કેટલાક મહાત્માઓ ભારતમાં છે. એમની આગળ મહર્ષિનું વ્યક્તિત્વ સાધારણ જણાયું. પરંતુ તેમની શાંત મુદ્રા, ગંભીરતા, બધું જ તેમની મહાનતાનું જયગાન કરનારું હતું. ને મહાત્માઓનું મુલ્ય કેવળ બાહ્ય પ્રભાવથી જ નક્કી નથી કરાતું. એમની અંદરની અવસ્થાનું અવલોકન પણ કરવું પડે છે. એમના અંતરંગ સંપર્કમાં આવીને એમના અંતઃસ્તલમાં અવગાહન કરવું રહે છે.

મહર્ષિની પાસે જતી વખતે મારા વિચારો જુદા હતા. હિમાલયમાં હું ઉત્તરકાશીમાં રહેલો તે દરમ્યાન ધ્યાનાવસ્થામાં એકવાર મહર્ષિએ દર્શન આપેલું. તે વખતે રમણાશ્રમમાં તેમણે મારો પ્રેમપૂર્વક સત્કાર કરેલો ને મારી સાથે જુદી જુદી વાતો કરેલી. એ વખતથી લાગતું'તુ કે મહર્ષિની મારા પર વિશેષ પ્રીતિ છે, ને તેથી જ જ્યારે તેમના પ્રત્યક્ષ દર્શને જવાનું થયું ત્યારે તો નિઃશંક રીતે લાગ્યું કે મહર્ષિ આનંદપૂર્વક મને આવકાર આપશે. પરંતુ ....

જે હમેશા આત્માનંદમાં જ સ્થિત છે, જેને જગતમાં આત્મા વિના બીજું કોઇ ભેદદર્શન રહ્યું નથી, જે બધામાં પોતાને જ જુએ છે, ને જેની અપાર્થિવ દૈવી વાણી દરેકના અંતઃસ્તલમાં પહોંચી જાય છે, તેને બોલી બતાવવાનું શું, તેને સત્કાર પણ કોનો કરવાનો, ને કોને તેણે વધારે કે ઓછા પ્રિય ગણવાના ? એ ભેદ અને એમાંથી આવિર્ભાવ પામતા ભાવો તો આપણી એ દુનિયામાં છે, જેનો પાયો ભેદ ને ચંચલતા પર રચાયેલો છે. અને આ કાંઇ એક જ દૃષ્ટાંત નથી. ભારતમાં આવા ઋષિવરો ને સંતમહાત્માઓ બીજા પણ છે. દૂર હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશમાં વરસોથી ગંગોત્રીમાં વસતા કૃષ્ણાશ્રમજી અને એવા અન્ય મહાત્માનું બાહ્ય ઉદાસીન વર્તન રમણ મહર્ષિ જેવું જ છે. અલબત્ત, એમનામાં વિવિધ ભેદ છે. જેમ કે કૃષ્ણાશ્રમજી ખૂબ જ પ્રભાવશાળી, પ્રશાંત ને તિતિક્ષાસંપન્ન દેખાય છે ને તેમને જોતાંવેંત જ કોઇ પુરાણ કે વેદકાલીન મહાત્મા પાસે બેઠા હોઇએ એવો ભાવ જાગે છે.

એટલે આવા મહાત્મા પુરુષો તમને ના બોલાવે કે લૌકિક રીતે આવકાર ના આપે તો તેમાં કાંઇ ખોટું માનવા જેવું નથી. તેવા પુરુષોને તેમની જ દૃષ્ટિથી જોવા ને સમજવા જોઇએ. તેથી ગેરસમજનો સંભવ નથી રહેતો.

છતાં આવા મહાત્મા પુરુષો - આટલી હદે પહોંચ્યા પછી પણ - લૌકિક રીતે વ્યવહાર કરી શકે છે, જેમ કે વાર્તાલાપ, આવકાર, ઉપદેશ વગેરે. અલબત્ત, તેમાં તેમને અહંતા, મમતા હોતા નથી. એ કોટિના મહાત્મા પણ ભારતમાં અનેક થઇ ગયા છે, ને યુગપુરુષો વધારે ભાગે એ જ શ્રેણીના હોય છે. દયાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, નાનક, રામકૃષ્ણ પરમહંસ, બુદ્ધ, વિવેકાનંદ વિગેરે એ જ શ્રેણીના દૃષ્ટાંતો છે. તો પણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે મહાત્મા બાહ્ય રૂપે ગમે તે અવસ્થામાં રહે તેનું મુખ્ય મુલ્યાંકન તેના વિચારોની ઉચ્ચતા ને પવિત્રતા, તેની નિર્મમતા, અનાસક્તિ તેમજ તેના વિતરાગીપણા પરથી થવું જોઇએ. તેનામાં પ્રકટ થતી દૈવી સંપત્તિની છાયા, તેની ભક્તિ કે તેની આધ્યાત્મિક અનુભૂતિ, એ જ તેને માપવાના ગજ હોઇ શકે.

એવા એવા વિચારોમાં ગરકાવ બનીને અમે મહર્ષિની સામે જોઇ રહ્યા. હિમાલયમાં આટલો વખત નિવાસ કરીને હવે મન માને તો મહર્ષિની પાસે બે-ત્રણ વર્ષ રહેવાની મારી ઇચ્છા હતી. તેથી જ હું મહર્ષિ પાસે આવેલો. પરંતુ વસ્તુસ્થિતિ જુદી જ થઇ. મહર્ષિ પાસે રહેવા મારું મન માન્યું નહિ. ખંડમાં બેઠો કે તરત જ મારા દિલના ભાવ પલટાવા માંડ્યા. ગયા પ્રકરણમાં મેં લખ્યુ છે તેમ ઇશ્વર જ મારો સાચા સમયનો પથપ્રદર્શક બન્યો છે. મુશ્કેલ પરિસ્થિતિમાં કે મૂંઝાયો હોઉં ત્યારે તે જ માર્ગ બતાવે છે. મને થયું કે હું ક્યાં આવ્યો ? આવ્યો તે તો સારુ થયું કેમ કે મહર્ષિના દર્શનની મારી ભાવના પૂરી થઇ. પરંતુ આ સ્થળમાં મારાથી રહી શકાશે નહિ. મારે માટે તો હિમાલય જ બરાબર છે. ત્યાંની એકાંત કુદરતી જગામાં જ, જે રીતે આજ લગી કરી રહ્યો છું તે રીતે, હજી પણ હું મારો પરિપૂર્ણ વિકાસ સાધી શકીશ અને એ અવસ્થાએ પહોંચીશ જે આદર્શ હશે તેમજ પૂર્ણ શાંતિ, મુક્તિ ને શક્તિની પ્રદાયક થશે. મારે માટે કોઇ પણ સ્થળે કોઇનીય પાસે રહેવું જરૂરી નથી એમ લાગ્યું. તે જ દિવસે - વધુ વિલંબ વિના - રમણાશ્રમ છોડવાનો મેં નિર્ણય કર્યો.

અમે સ્નાનાદિથી પરવારીને જમ્યા, સહેજ આરામ કર્યો, ને મધ્યાહ્ન પછી રમણાશ્રમની વિદાય લીધી. મેં લીધેલા એવા એકાએક નિર્ણયથી ગિરધરભાઇને આશ્ચર્ય તો થયું જ પરંતુ એમણે મારા નિર્ણયને વધાવી લીધો. એનો વિરોધ ના કર્યો. પણ એને સાંભળીને આનંદની અભિવ્યક્તિ કરી. બીજે દિવસે સવારે અમે મુંબઇ તરફ આવવાની ગાડી પકડી. રમણાશ્રમને ને ભગવાન રમણ મહર્ષિને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.

પાછળથી સમજાયું કે મારો એ નિર્ણય ખૂબ જ સમયસરનો અને સાચો હતો. હિમાલયના મહિમામંડિત, ઋષિમુનીસેવિત, પરમ પવિત્ર પુણ્યપ્રદેશમાં પલાંઠી વાળીને પાછળથી મારે જે અભિનવ સાધનારૂપી આરાધના કરવાની હતી તેને માટે જ ઇશ્વરે અગમચેતી વાપરીને મારો હેતપૂર્વક હાથ પકડેલો ને મને પાવન પથપ્રદર્શન પૂરું પાડેલું. ઇશ્વરની મંગલમય ઇચ્છાનો, યોજનાનો ને અહેતુકી અનુગ્રહવર્ષાનો સદા જય હો !

 

 

Today's Quote

Pain is inevitable. Suffering is optional.
- Dalai Lama

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok