Saturday, July 04, 2020

દેવપ્રયાગ શાંતાશ્રમમાં

 દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ તીર્થસ્થળસમા રમણીય રમણાશ્રમના અને એના અત્યંત આદરણીય અધિષ્ઠાતા ભગવાન રમણ મહર્ષિના દર્શન પછી ઇ. સ. ૧૯૪૪ના એપ્રિલમાં હું નગાધિરાજ હિમાલયમાં પ્રવેશ્યો ત્યારે એ પુરાણપ્રખ્યાત પુણ્યપ્રદેશને પેખીને મને અવર્ણનીય આનંદ થયો. મારી ઇચ્છા દેવપ્રયાગ પહોંચવાની હતી. દેવપ્રયાગની દૈવી ભૂમિ મને સર્વપ્રકારે સુખદ અને સાનુકૂળ લાગેલી. ત્યાં રહીને મેં સમજપૂર્વક સુચારુરૂપે સાધના કરેલી. એના સુપરિણામ સ્વરૂપે એક અથવા બીજી જાતની સિદ્ધિની સંપ્રાપ્તિ કરેલી. ત્યાંના જળવાયુ મને અનુકૂળ લાગેલા. સૌથી મોટી અનુકૂળતા ત્યાં અન્નક્ષેત્ર ના હોવાથી સાધુસંતોની વસ્તી વિશેષ નહોતી દેખાતી એ હતી. ત્યાંના શાંત નિતાંત એકાંત વાયુમંડળમાં સ્વતંત્ર રીતે સાધના કરવાનો અવકાશ હતો. તો પણ મેં વિચાર્યું કે ત્યાં કોઇ સાનુકૂળ સ્થાન ના મળે તો ત્યાંથી આગળ વધીને ઉત્તરકાશી જવું ને થોડોક સમય સાધના કરવા માટે ત્યાં જ રહેવું.

પરંતુ ઇશ્વરે મારા નિવાસ તથા સાધનાત્મક અભ્યાસ માટે દેવપ્રયાગ જ પસંદ કરેલું. તેની પૂર્વમાહિતી ત્યાં પહોંચ્યા પછી મળવા માંડી. ત્યાંના પ્રખ્યાત પંડિતપ્રવર ચક્રધરજીએ જણાવ્યું કે તમે ઉત્તરકાશી જાવ તેના કરતાં દેવપ્રયાગ રહો તો વધારે સારું. અમને પણ તમારો લાભ મળે.

દેવપ્રયાગમાં રહેવું જ હોય તો કોઇ શાંત એકાંત સ્થળ જોઇએ. ચક્રધરજીએ ગામથી થોડેક દૂર એકાંતમાં એક સુંદર સ્થળ બતાવ્યું. તે સ્થળ મને પ્રથમ દૃષ્ટિએ જ પસંદ પડ્યું. આજુબાજુ બધે જ આકાશને અડવાના મનોરથ કરતી ઊંચી ઊંચી પર્વતમાળા. નાનું સરખું આંબાવાડિયું અને એકદમ એકાંત. એક આમ્રવૃક્ષની નીચેની સઘન શીતળ છાંયામાં ચોવીસે કલાક અવિરત રીતે વહેતું પાણીનું નાનકડું ઝરણું. મારી અનુમતિ મેળવીને ચક્રધરજીએ થોડા દિવસોમાં ઝરણાંની ઉપરના આમ્રવૃક્ષની આજુબાજુના જંગલને સાફ કરાવીને એકાદ મહિનામાં પથ્થરની નાની ઓરડીનું નિર્માણ કરાવ્યું. સમીપમાં જ કૃશકાય શાંતા નદી વહેતી હોવાથી એને શાંતાશ્રમનું સારગર્ભિત નામ આપવામાં આવ્યું. શાંતાશ્રમની સ્થાપનાનો સંક્ષિપ્ત ઇતિહાસ એવો છે.

એ શાંત એકાંત તપઃપૂત પાવન પ્રદેશમાં પચાસથી ત્રીસ વરસ પહેલાં ભારતીબાબા નામે એક સાધુપુરુષ રહેતા. એમણે પુષ્કળ પરિશ્રમ કરીને અસંખ્ય આમ્રવૃક્ષોને ઉછેરેલાં. એને લીધે એ સ્થળ સ્વાભાવિક રીતે જ ભારતીબાબાના બગીચાના આદરણીય આહલાદક નામથી ઓળખાતું. એ વિવિક્તસેવી સાધુપુરુષની સમાધિ પછી એ સ્થાન નિર્જન બન્યું. આટલાં બધાં વરસો પછી એના સંસ્કારો પુનર્જાગરણ પામ્યા અને એ તપોભૂમિની કાયાપલટ કરાવીને ત્યાં એક આશ્રમની રચના કરવામાં આવી.

ભિક્ષા માટે ગામમાં જવાની સૂચના આપવા માટે ચક્રધરજીએ આશ્રમના પ્રાંગણમાં નાની સરખી ઝોળી લટકાવી રાખેલી. એનો ઉપયોગ કરવાની અગાઉથી જ અનિચ્છા હોવાથી શાંતાશ્રમમાં મેં હાથે જ રસોઇ બનાવવાનું શરૂ કર્યું. રસોઇ એક જ વાર બનતી ને એમાં પણ ખીચડીનું જ પ્રાધાન્ય વિશેષ હતું. રસોઇ બનાવવાની કળા સંપૂર્ણપણે હસ્તગત કરી નહિ હોવાથી રસોઇ હું પોતે જ ખાઇ શકું એવી બની શકતી. ઘી, દૂધ, દહીં, શાક, ચટણી, અથાણું - કશું જ નહોતું રહેતું. પાર વિનાના પરિશ્રમ પછી તૈયાર કરેલી ખીચડી કાચી રહી છે એવું જણાતાં થોડુંક જમ્યા પછી બીજી ખીચડી અન્નદેવને સાદર નમસ્કાર કરીને પર્વતની ખીણમાં પધરાવી દેવાના કરુણ પ્રસંગો અવારનવાર બનતા રહેતા.

દેવપ્રયાગની વસ્તી વિચિત્ર કહેવાય તેવી. સેવાની ભાવના એમાં ઓછી દેખાતી. જે પ્રજા પોતે જ માગીને જીવતી હોય તે અન્યને સહેલાઇથી આપી શકતી નથી. વસ્તીમાં વિચરનારા કે ભિક્ષા માગનારા સાધુસંતોને તે ભિક્ષા આપતી ખરી. કિન્તુ ઇશ્વરની કૃપા અનંત છે. તે શરણાગતની સંભાળ રાખે છે. કોઇના ને કોઇના અંતરમાં પ્રેરણા પ્રકટાવીને પોતાના પ્રેમીજનને મદદ પહોંચાડે છે. મને પણ પરમાત્માની એ પરાત્પર શક્તિએ એક અથવા બીજી રીતે મદદ પહોંચાડી.

દેવપ્રયાગનો શાંતાશ્રમ મારે માટે અનેક રીતે આશીર્વાદરૂપ સાબિત થયો. એ સ્થાનમાં વસીને મેં જે વિચારો કર્યા, અનુભવો મેળવ્યા, સાધનાની સદબુદ્ધિપ્રેરીત સુનિશ્ચિત શ્રેયસ્કર યોજનાઓ ઘડી અને અનેરી અદભૂત શાંતિ મેળવી, તે બધાને લીધે શાંતાશ્રમને હું એક અલૌકિક દેવસ્થાન કે તીર્થભૂમિ માનું છું. મારા અંતરમાં એના પ્રત્યે એટલો જ અસાધારણ અપાર આદરભાવ છે. સાધનાત્મક જીવનનું અસાધારણ કઠોર તીવ્ર હૃદયમંથન અને એની દ્વારા સાંપડેલું નવનીત, એ ઉભયવિધ દૃષ્ટિથી દેખતાં શાંતાશ્રમનો ફાળો શકવર્તી છે. શાંતાશ્રમમાં મારો અંતરાત્મા એથી જ ઘર જેવો આનંદ અનુભવતો.

શાંતાશ્રમમાં વસતાંવેંત મારા મનમાં જે પ્રશ્નો પેદા થયા તેમાંનો સૌથી પ્રથમ પ્રશ્ન મારો જન્મ શા માટે છે એ હતો. મારો પ્રશ્ન અધ્યાત્મપંથના બીજા પ્રવાસીઓ જેવો ન હતો, કેમ કે ઇશ્વરપ્રાપ્તિને અથવા આત્મિક વિકાસને હું જીવનના ચરમ ધ્યેય તરીકે સ્વીકારતો. મારો પ્રશ્ન તો એક બીજા મુદ્દા પરત્વે હતો. ગયે વરસે ઉત્તરકાશીમાં વસતો તે દરમ્યાન જમનોત્રી જતાં માર્ગમાં ને ગંગોત્રીમાં મને મારા પૂર્વજન્મનું જ્ઞાન થયેલું. એ જ્ઞાન પ્રમાણે પૂર્વજન્મમાં હું એક જીવનમુક્ત પૂર્ણ કૃતકામ મહાપુરુષ હતો. જો એમ જ હતું તો પછી વર્તમાન જન્મની પ્રાપ્તિ શા માટે થઇ ? એનું પ્રયોજન શું ? એ પ્રશ્નનો ઊંડો વિચાર આરંભાયો અને અંતે એક જ નિર્ણય પર પહોંચાયું કે મારો વર્તમાન જન્મ જનકલ્યાણ માટે જ હોવો જોઇએ. એમાં ઇશ્વરપ્રાપ્તિનો અને સાધનાના નવા નવા સોપાનોને સર કરવાનો ઉદ્દેશ પ્રાથમિક, સમયાનુસાર તથા લોકસંગ્રહ માટે છે.

તો પછી એ લોકહિત કયા પ્રકારનું હોય ? માનવ જે યુગમાં જીવતો હોય તે યુગને અનુરૂપ હોય તે ચોક્કસ. ઇશ્વરે મારે માટે લોકહિતના એવા કલ્યાણકાર્યને નક્કી કર્યું હોય તો તે સહેલાઇથી સમજી શકાય તેવું હતું. એ વખતે ભારતની સ્વાતંત્ર્ય ચળવળ ચાલી રહેલી. દેશનું વાયુમંડળ વિક્ષુબ્ધ, વિસ્ફોટક, નાજુક હતું. મને થયું કે આધ્યાત્મિક શક્તિસંપન્ન પૂર્ણપુરુષ જો કરુણાથી પ્રેરાઇને ભારત ને વિશ્વના કલ્યાણકાર્ય માટે સક્રિય બને તો દેશને મોટી મદદ મળે. એવા મહાપુરુષની દોરવણીથી દેશ સત્વર સ્વતંત્ર બને. એની પૂર્વભૂમિકા તરીકે અથવા અનિવાર્ય આવશ્યકતારૂપે માનવે પોતાની જાતને આધ્યાત્મિક રીતે તૈયાર કરવી જોઇએ. એની પાછળ ઇશ્વરની ઇચ્છા કામ કરતી હોવી જોઇએ. ઇશ્વરની ઇચ્છાથી પ્રેરાયેલો પુરુષ લોકહિત માટે સક્રિય બને તો સાચું, સ્વાર્થરહિત, મહાન કાર્ય કરી શકે. એવી રીતે અંતે તો એક જ નિષ્કર્ષ નીકળે છે કે માનવે પોતાની જાતને તૈયાર કરવી જોઇએ. સાધના દ્વારા અસાધારણ શક્તિ મેળવવી જોઇએ.

મેં અનેક સંતપુરુષોના જીવન વાંચેલા, વિચારેલાં. અનેકના વિશે સાંભળેલું. ભગવાન કૃષ્ણ, બુદ્ધ, ઇશુ, રામકૃષ્ણ પરમહંસદેવ જેવાના પવિત્ર જીવનપ્રવાહોનું પરિશીલન કરેલું. એ મહાત્માઓ આદર્શ હતા. ભગવાન કૃષ્ણને બાજુએ મુકીએ તો બીજા બધા જ મહાપુરુષોએ પ્રખર પુરુષાર્થ કરી, યાતના વેઠી, પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો. એમના જીવન અસામાન્ય અને અલૌકિક શક્તિથી સંપન્ન બનેલા. એમણે સર્વશક્તિમાન પરમાત્માની પ્રાપ્તિ કરીને એમની સાથે એકતા સાધી હોવાથી એમની અંદર પરમાત્માની વિશેષતા પ્રાકટ્ય પામેલી. સૂર્યની પાસે પહોંચવાથી સૂર્યની સાથે સૂર્યકિરણોની પણ પ્રાપ્તિ થાય છે એમ એ ઇશ્વર પાસે પહોંચીને ઇશ્વરની શક્તિને પણ પામી શકેલા.

એ અરસામાં હું બાઇબલ વાંચતો. ઇશુએ એમાં કરાયેલા ઉલ્લેખાનુસાર કોઇને કહ્યું કે પૂર્ણ થા, અને એ પૂર્ણ થઇ ગયો. એક વ્યાધિગ્રસ્તને ઇશુએ આશીર્વાદ આપ્યો અને એ એજ વખતે વ્યાધિમુક્ત બન્યો. એક રોગી સ્ત્રી ઇશુના વસ્ત્રને સ્પર્શીને રોગરહિત બની ગઇ. એ સઘળા પ્રસંગો મારી નજર આગળ રમવા માંડ્યા. ભારતીય મહાપુરુષોના જીવનવૃતાંતોમાં મેં એવા પ્રસંગોના વર્ણનો વાંચેલા. મને એવી અસાધારણ શક્તિમાં વિશ્વાસ હતો. એવી અસામાન્ય શક્તિને પામેલા મહાપુરુષો મોટેભાગે એકાંતમાં જીવન વિતાવીને સંસારનો સંબંધવિચ્છેદ કરી દે છે. પરંતુ એ લોકહિત કરવાનું ચાલુ રાખે તો ? તો દુનિયાને કેટલો બધો લાભ થાય ? બધે જ ઠેકાણે એમણે શક્તિના પ્રદર્શનો કરવાની આવશ્યકતા નથી. એમનું જ્ઞાન, એમનો અનુભવ, એમની ઉપસ્થિતિ, કરુણા અને નિસ્વાર્થ સેવા અન્યને માટે આશીર્વાદરૂપ અને ઉપકારક થઇ પડે એ આવકારદાયક છે.

મને થયું કે એવી લોકોત્તર વિભૂતિની આવશ્યકતા છે. એવી વિભૂતિના માર્ગદર્શન દ્વારા ભારત સંપૂર્ણ સ્વતંત્ર, સુખી અને આધ્યાત્મિક બનીને સંસારને શાંતિનો ને નવનિર્માણનો માર્ગ સૂચવી શકે. એમ થાય તો સંસારમાં શાંતિનો યુગ ઉતરે, ભાતૃભાવ, એકતા, ઇશ્વરપરાયણતાનો સમય પ્રકટે. મને લાગ્યું કે મારી દ્વારા ઇશ્વર એ જ હેતુની સિદ્ધિ કરવા માગે છે. એની પૂર્વતૈયારી રૂપે મને આધ્યાત્મિક રીતે કેળવે છે. મારા જન્મ માટેનું એના સિવાયનું કોઇ બુદ્ધિયુક્ત કારણ મને ના લાગ્યું. મારી દ્વારા ઇશ્વર એવું કલ્યાણકાર્ય કરે-કરાવે તેથી અધિક આનંદાનુભવ બીજો કયો હોઇ શકે ? મેં નમ્ર હૃદયે, ભારે ભક્તિભાવપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરી કે, 'હે દયાળુ, મારા દોષને ના જોશો. જે યોગ્યતાની આવશ્યકતા છે તે કૃપા કરીને પ્રદાન કરજો. મારું જીવન આધ્યાત્મિક પરિપૂર્ણતાને પામ્યા પછી દેશકાળને અનુસરીને લોકકલ્યાણમાં વપરાય તેવો અવસર આપજો, આશીર્વાદ વરસાવજો.'

પરંતુ કેવળ વિચારો કે ભાવોને સેવવાથી શું વળે ? એમને સાકાર કરવાની તૈયારી જોઇએ. પહેલા તો પરિપૂર્ણ આધ્યાત્મિક વિકાસ દ્વારા શાંતિ ને શક્તિની સંપ્રાપ્તિ કરવી જોઇએ. તેના વિના કોઇયે કાર્યમાં ના જ પડાય. મેં એને માટે વિચારો કર્યા. ઇશ્વરે સુઝાડ્યું તેમ વિચાર્યું. થયું કે હજુ એકાંતમાં રહીને સતત રીતે સાધના કરવી જોઇએ, ધીરજ તથા હિંમતથી આગળ વધવું ને યોગ્યતા મેળવવી જોઇએ.

સમાધિ પર સંપૂર્ણ સ્વામિત્વ સ્થપાયા પછી સાધક સર્વસમર્થ થાય છે એની મને માહિતી હતી. મને એવા સ્વામિત્વની આવશ્યકતા લાગી. તેને માટે સતત ધ્યાન જોઇએ. એ ઉપરાંત ઇશ્વરની કે ઇશ્વરતુલ્ય સિદ્ધપુરુષની કૃપા જોઇએ. એને માટે મેં ચિંતા તથા પ્રાર્થના કરવા માંડી. અવારનવાર ઉપવાસ પણ કર્યા. એ બધાની પાછળ રહેલા વ્યક્તિગત વિકાસના ને લોકકલ્યાણના મહાન આદર્શે મને ઉલ્લાસ આપ્યો.

 

 

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok